ધીરેન્દ્ર મહેતાની કવિતા/આલંબ

૪૬.
આલંબ

ગોરંભ ને ઘૂટન ગાઢ ઘેરા,
એના ધરા-આભ-દિગંત ડેરા!
એમાંય આ સૃષ્ટિ અચેત કંપી?
ભેંકાર ઓથાર તળે ન જંપી!

થંભી ગયો કાળ દશે દિશાઓ
થૈ અંધ, ક્યાં વાયુ જઈ લપાયો!
ચોપાસથી ભેજલ ગંધ ભેદી,
પેસે અહીંયા પડ સર્વ છેદી!

ના ગાજ કે વીજ કળાય કાંઈ,
આ ડુંગરા, કોતર, ઊંડી ખાઈ?
આલંબ એકેય કશો જડે ના,
સંચાર કાને અમથો પડે ના.

ત્યાં તો અચિંતો જ થયો ઉઘાડ,
મળ્યાં મને ઝાડ, તળાવ, પ્હાડ!
૧૭-૯-૧૨