ધીરેન્દ્ર મહેતાની કવિતા/ખારવણનું ગીત

૨૧.
ખારવણનું ગીત


દરિયેબરિયે જઈશું માલમ,
કોડિયેબોડિયે રમશું;
શંખલાંછીપલાં વીણશું માલમ,
રેતીમાં બે મોર ચીતરશું;
નાવિક કેરા ગીતતરાપે લય બનીને તરશું!

આંખમાં આંજી ફીણ માલમ,
ટગરટગર ટમટમશું;
ઓટ હો કે વીળ માલમ,
અમને એમાં ફરક શું?
દરિયા કેરી છાતી ઉપર લહર થઈ થડકશું!

દરિયો કૂવાથંભ માલમ,
દરિયો અમારાં લંગર;
દરિયો રૂડા સઢ્ઢ માલમ,
દરિયો અમારાં બંદર;
વાંઈયાં પૂસાં વાંઈયાં પૂસાં અલ્લાબેલી કરશું!

દરિયો અમારો લાલ માલમ,
દરિયો અમારો પીર;
એનાં મોંઘા વ્હાલ માલમ,
એની મોટી મ્હેર;
દરિયો અમારો માલમ માલમ, દરિયે જીવી મરશું!
૨૧-૧૦-’૭૨