ધીરેન્દ્ર મહેતાની કવિતા/ખારવણોનું સામૂહિક શોકગાન

૪૧.
ખારવણોનું સામૂહિક શોકગાન

ખરી ગયાં રે લાલ, ખરી ગયાં! લીલુડાં નાળિયેર ખરી ગયાં...
સરી ગયાં રે લાલ, સરી ગયાં! જીવતરના ઓળા સરી ગયા...
જળળ ઝબાક જંપી ગયા...
સઢના સેલારે કંપી ગયા...
બાંબેલી આખર ગરી ગયા!
-લીલુડાં નાળિયેર ખરી ગયાં...
ખૂવાની જેમ એ તૂટી ગયા...
ઓટનાં ફીણ જેમ ફૂટી ગયા...
વીળના વાવડા ફરી ગયા!
-જીવતરના ઓળા સરી ગયા...
ખરી ગયાં રે લાલ, ખરી ગયાં! લીલુડાં નાળિયેર ખરી ગયાં...
સરી ગયાં રે લાલ, સરી ગયાં! જીવતરના ઓળા સરી ગયા...
૧૩-૧૧-૧૯૮૬