ધીરેન્દ્ર મહેતાની કવિતા/દોહરાવલિ
૨૩.
દોહરાવલિ
દોહરાવલિ
વાવી દીધું ઝાડ આ, જો એનો વિસ્તાર,
આવી પૂગ્યા જીવ કૈં, જોડ્યા તારેતાર,
*
પંખી ઊડ્યું આભમાં, પાન ધરાને અંક,
ફંફોસે શું ઝાડ આ, હાથ હલાવી રંક!
*
અણધાર્યું આ શું ખર્યું, પીછું છે કે ફૂલ?
આંખોને મીંચી રહું ભેદ મહીં મશગૂલ!
*
જો, આ ગરમાળા ગરે, મ્હોર્યાં છે ગુલમોર,
સૂરજનાં કિરણો ખરે; આતશબાજુ ઓર!
*
કાંઠે બસ ઊભા અમે, નદી નહિ રોકાઈ,
રેતી ને પગલાં રમે, ભીનપ મળશે ક્યાંક?
*
કોણ જુએ છે ચાસને, સહુ કોઈ દેખે મોલ,
જો સાંભળ તું વાસને તો આવીને બોલ.