ધીરેન્દ્ર મહેતાની કવિતા/પગરવ ગયા તળિયે

૪.
પગરવ ગયા તળિયે

પગરવ ગયા તળિયે, ઉપર સૂનકારના હિલ્લોળ છે,
તમરાં અને કંસારીઓને ખૂબ ઝાકમઝોળ છે!

એક ક્ષીણ સૂકા આંસુની રેખા સમી ચમકે નદી,
ડહોળાયેલી કો’ આંખ મારા ગામની ભાગોળ છે!

એક જ તરે પીછું હવામાં લોહીભીનું ઓળઘોળ,
આ સાંજનું આકાશ તોયે કેમ રાતુંચોળ છે!

સાતેય રંગોમાં પણે ખીલી ઊઠી છે વેદનાઃ
આકાશની છાતી ઉપર જો, ઈન્દ્રધનુના સોળ છે!

આકશમાં તો આમ પણ ક્યારેક લાધી જાય સ્થાનઃ
ઊડતું તણખલું છે વળી, સંગાથમાં વંટોળ છે!
૩-૧૧-’૭૯