ધીરેન્દ્ર મહેતાની કવિતા/પવન દેખાડ

૫૨.
પવન દેખાડ!

મા, મને તું પવન દેખાડ!
વાસ ઉપર એ દોટ મૂકે છે,
ફૂલની સાથે બાઝે;
ઝાડમાં સંતાકૂકડી રમતો,
સવાર - બપોર - સાંજે!

પાલવમાં તું ના સંતાડ!
મા, મને તું પવન દેખાડ!

ઝટપટ નાસી જાય કહીંક એ,
મારા વાળને ફેંદી;
છૂમંતર એ થાય ઘડીકમાં,
એવો છે એ ભેદી!

કદી કરું હું આવાં લાડ!
મા, મને તું પવન દેખાડ!
૩૧-૧-’૮૧