ધીરેન્દ્ર મહેતાની કવિતા/મારો અવાજ

૪૫.
મારો અવાજ

નહિ કહું મારા શબ્દો વિશે કાંઈ,
ના, નહિ ઉચ્ચારું એક પણ હરફ;
અરે, નહિ કરું મારી પાસેના શબ્દોની જાહેરાત કશી;
નહિ ગાઉં એના ગુણગાન,
નહિ નિંદું એને ક્યારેય
શબ્દો મને વશ નથી
-ના, એની ફરિયાદ પણ નથી કરવી મારે

કેમ કરું હું આ બધું:
હું જાણું છું.
શબ્દો તો છે કેટલા સાચુકલા,
શબ્દો કંઈ કહેતા નથી વિણ પતીજ,
શબ્દો તો કરે જાગરણ નિરંતર,
એક ઘડીય સૂતા નથી શબ્દો,
જોતા રહે છે ને રહે છે સાંભળતા;
જોતા રહે છે અને સાંભળતા રહે છે,
એ બધુંય ઊતરવા દે છે પોતામાં,
જે હોય જેવા સ્વરૂપે
એ મુતાબિક
બદલી લે છે જાત પોતાની-
થઈને રહે છે
ક્યારેક પાણીપોચા,
ક્યારેક ખડકકઠોર,
ક્યારેક હળવાફૂલ ને રૂનાં વાદળ જેવા,
ક્યારેક મૌન સમા ભારેખમ.

સમયની બહાર હોતા નથી શબ્દો ક્યારેય,
સમયને પોતાના ઘાટમાં લે છે
ને ઊઘડવા દે છે

હા, શબ્દો કો’ક દી બહુ બોલતા-ગરજતા
ને કો’ક દી
ચૂપકીદીને ચગળતા...

પણ શબ્દો એ બીજું કશું નથી,
મને ખબર છે,
શબ્દો છે મારો અવાજ-
શબ્દો છે મારા અવાજનો આકાર.
૧૭-૧-૨૦૧૯