ધ્વનિ/કોઈ સૂરનો સવાર
૧. કોઈ સૂરનો સવાર
કોઈ સૂરનો સવાર
આવી ઊતર્યો અરવ મારે ઉરને દુવાર
કોઈ સૂરનો સવાર ...
એને અંગ રે માટીની ગંધ મ્હેકતી,
નયને તેજનો છે રંગ,
જલનાં ઝરણ શું કિલ્લોલતો
એનો ઊછળે ઉમંગ,
એનો ઊછળે ઉમંગ;
મારા સૂના તે મંદિરિયામાં થાય રે સંચાર,
કોઈ સૂરનો સવાર...
એ તો વણ રે દીઠેલી ભૂમિ દાખવે
ભાખે અગમ કો બોલ
ખાલી તે દિવસ કેરી સાંજનો
હેલે ચડિયો હિંડોલ,
હેલે ચડિયો હિંડોલ;
મારી જ્યોત રે પ્રગટી ને એનાં તેજ છે અપાર,
કોઈ સૂરનો સવાર...
મારા પગમાં નેપૂર, કાને લોળિયાં,
ફૂલડે સજિયાં છે ગાત,
શમણાંના સુખથી યે આજની
માઝમ રાત છે રળિયાત,
માઝમ રાત છે રળિયાત;
કોઈ પરશે જંતર મારું ઝરતું ઝંકાર,
કોઈ સૂરનો સવાર...
૨-૫-૫૦