ધ્વનિ/નીરખું નિર્નિમેષ


૫. નીરખું નિર્નિમેષ

નીરખું નિર્નિમેષ :
સાંજને સમય મોરલીને લય
ધણને વાળી લાવતો ત્યારે
ધૂળથી મલિન વેશ,
ને તારા વિખરાયેલા કેશ,
હો વાલમ! નીરખું નિર્નિમેષ.

નેણનાં તરલ તેજમાં ન્યાળું
હસતું તારું હેત,
વણબોલે વણપરશે મારું
હૈયું હરી લેત, ઘર
તે ગગન જોઈ લ્યો જાણે
ઈન્દુને પ્રવેશ.

કામની રે’ નવ કામના, જ્યાં ત્યાં
રમતું તારું રૂપ,
હાય વ્રીડાથી હાર પામીને
હોઠની વાણી ચૂપ,
સાંજને સમય પ્રેમનો હે પ્રિય!
નીરખું નવોન્મેષ.
૧૯-૪-૪૯