નયન હ. દેસાઈની કાવ્યસંપદા/એકાંત કેટલું...

એકાંત કેટલું

એકાંત કેટલું સરસ છલકાતું છમ્મ જો
ટોળે વળીને ગાય છે તમરાંઓ તમ્મ જો

બાળકને પાટી પેનની સાથે જો જોઉં છું
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો

આવીને કોણ સ્વપ્નમાં બીવડાવી જાય છે?
ઊંડા કૂવામાં સાંભળું મધરાતે ભમ્મ જો!

માની લીધું કે પ્રેમની ભાષા છે મોન - પણ
આવું તે હોય ટૂંકમાં કહી દો છો હમ્મ જો?!

શોધે નયન કાં હૉર્નની ચીસોમાં બાળપણ
સૂરતમાં ક્યાંથી ઘમ્મરવલોણાનું ઘમ્મ જો!