નયન હ. દેસાઈની કાવ્યસંપદા/દિવસભરનો સાંજે હું...
દિવસભરનો સાંજે હું
દિવસભરનો સાંજે હું સિક્કો ઉછાળું
અને એમ દરરોજ શ્વાસો ઉછાળું.
‘બચાવો! બચાવો!’ના પોકાર પાડું;
પછી હું જ છાતીએ ભાલો ઉછાળું.
બહુ ફ્રીઝ વાતાવરણ છે સમયનું;
મને સ્પર્શ કરવા હું શબ્દો ઉછાળું.
રઝળતી મૂકી પાલખી મેં જ મારી;
હવે આખે રસ્તે હું રસ્તો ઉછાળું.
સહસ્રાબ્ધિ વર્ષોથી ભાગી ગયો છું;
પકડવા મને હું જ ફાંસો ઉછાળું.