નયન હ. દેસાઈની કાવ્યસંપદા/મને અરીસમાં જોઉં કે...

મને અરીસામાં જોઉં કે

મને અરીસામાં જોઉં કે નજર પડે છે મંગળદાસ;
સંકટ દુઃખ મારું કરો નિવારણ: મને કહે છે મંગળદાસ.

સૂની ઓસરી, ભીંતો બોખલી ટોપીની હરરાજી થઈ;
સમયનાં કાણાં પડ્યાં ફેફસે: હજી જીવે છે મંગળદાસ.

તમે સૂરજને વેચી નાંખ્યો ઝામરનાં પાણીને મૂલ;
ભરી બપોરે અજવાળાંની લાશ ઢળે છે મંગળદાસ.

કણી પગોની ફરવા નીકળે સ્ટેશનથી ભાગળથી ચોક;
અને લોહીનો પડછાયો થઈ હરેફરે છે મંગળદાસ.

છરી એટલે સંબંધો ને નદી એટલે રેતી હોય;
છબી એટલે સદ્ગત પોતે મ કહે છે મંગળદાસ!

ફરીથી આંસુ, ફરીથી માણસ, ફરીથી ભણકારાવશ સાંજ;
સવાર ચશ્માંમાં ઊગે ને છળી ઊઠે ને મંગળદાસ.