નયન હ. દેસાઈની કાવ્યસંપદા/સૂરતનો વરસાદ

સૂરતનો વરસાદ

પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ
બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે... સૂરતનો ૦

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે... સૂરતનો.

નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું
માણે છે એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે... સૂરતનો...