નરસિંહથી ન્હાનાલાલ/૧૧


નરસિંહરાવ

નરસિંહરાવનાં સમગ્ર જીવન અને કવનમાં સૌથી વિશેષ આસ્વાદ્ય છે એમનું ભક્તહૃદય. સાહિત્યકાર તરીકે નરસિંહરાવની બુદ્ધિની સિદ્ધિઓ તો અનેકવિધ હતી. ‘જોડણી’ અને ‘પ્રેમાનંદનાં નાટકો’ આદિ શાસ્ત્રીય નિબંધો, ‘વિવર્તલીલા’માંના ચિંતનાત્મક નિબંધો, ‘મનોમુકુર’માંના વિવેચનલેખો, ‘સ્મરણમુકુર’માંનાં ચરિત્રચિત્રો, મધ્યકાલીન ગુજરાતી કવિતા વિશેનાં ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનો, ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશેનાં વિલ્સન વ્યાખ્યાનો – આમ, એમની બહુમુખી, બહુરૂપી પ્રતિભા હતી, પણ મનુષ્ય તરીકે એથીયે વિશેષ મૂલ્યવાન સિદ્ધિ હતી એમની હૃદયની રિદ્ધિ. એમના અવસાન પછી ૧૯૩૭માં ગાંધીજીએ એમને અંજલિ અર્પી હતી, ‘વિચારોમાં વિરોધ હોવા છતાં અમારા બંનેની અંગત ગાંઠનું કારણ તેમની ઈશ્વરશ્રદ્ધા હતી.’ એમાં પણ એમના ભક્તહૃદયનું સૂચન છે. નહિ કે નરસિંહરાવમાં નિર્બળતાઓ ન હતી – હતી જ. કોનામાં નથી  એમનામાં રાગ-દ્વેષ, પુરસ્કાર-તિરસ્કાર, પક્ષપાત-પૂર્વગ્રહ, ગમા-અણગમા હતા. આ સંદર્ભમાં એમણે એમની ‘રોજનીશી’માં એમનું હૃદય ખોલી નાંખ્યું છે. સાહિત્યના સંદર્ભમાં ભિન્નભિન્ન કારણોસર એમના સમકાલીનોમાંથી રમણભાઈ અને આનંદશંકર પ્રત્યે એકંદરે એમનો અનુકૂળ પ્રતિભાવ હતો, જ્યારે ગોવર્ધનરામ, બલવન્તરાય અને ન્હાનાલાલ પ્રત્યે અંકદરે એમનો પ્રતિકૂલ પ્રતિભાવ હતો. નરસિંહરાવને ગોવર્ધનરામ સાથે જોડણી તથા કવિતા, કાવ્ય અને કવિ વિશેના ગોવર્નધનરામના વિચારો અંગે ઉગ્ર મતભેદ હતો. નરસિંહરાવે ‘લીલાવતી જીવનકલા’ પ્રત્યે જે પ્રતિભાવ પ્રગટ કર્યો એમાં એમણે ગોવર્ધનરામનો કટાક્ષપૂર્ણ ઉપહાસ કર્યો હતો. એ અંગે બલવન્તરાયે નોંધ્યું છે, ‘ગો. મા. ત્રિ.નું નામ પડતાં જ ન. ભો. દિ.ને વાંકું પડતું. એના બીજા દાખલા પણ જાણીતા છે. ગો. મા. ત્રિ.નું તેજ જ જાણે કે ન. ભો. દિ.ની આંખથી સહેવાતું નહીં.’ એનું શું કારણ હશે  ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કુસુમમાળા’નું પ્રકાશન એકસાથે એક જ વર્ષમાં થયું હતું, ૧૮૮૭માં. તરત જ ‘સરસ્વતીચંદ્ર’નો એક પ્રશિષ્ટ ગૌરવગ્રંથ તરીકે સ્વીકાર-પુરસ્કાર થયો હતો, જ્યારે ‘કુસુમમાળા’ વિશે વિવાદનો વંટોળ જાગ્યો હતો. સંરક્ષક મણિલાલે પ્રતિકૂળ પ્રતિભાવ (‘રસરૂપગંધવર્જિત’) પ્રગટ કર્યો હતો, જ્યારે સુધારક રમણભાઈએ અનુકૂળ પ્રતિભાવ (‘એક મીઠી વીરડી’) પ્રગટ કર્યો હતો. શક્ય છે એથી કદાચને ‘સરસ્વતીચંદ્ર’થી ‘કુસુમમાળા’નો તેજોવધ થયો છે એવો સ્થાયીભાવ નરસિંહરાવના હૃદયમાં વસી ગયો હોય! સૌ સર્જકો અને વિવેચકોએ ‘સરસ્વતીચંદ્ર’ વિશે ઉષ્મા અને ઉત્સાહપૂર્વક વિવેચન કર્યું છે, જ્યારે નરસિંહરાવે લગભગ સૌ સમકાલીનો અને કેટલાક અનુકાલીનો વિશે વિવેચન કર્યું છે, પણ એકમાત્ર ‘સરસ્વતીચંદ્ર’ વિશે જ વિવેચન કર્યું નથી, એટલું જ નહિ, પણ ‘સ્મરણમુકુર’માં નોંધ્યું છે કે ભીમરાવના ઘરમાં ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ની હસ્તપ્રતમાંથી વાચન કર્યું ત્યારે એમને પ્રચ્છન્ન નિર્વેદનો અનુભવ થયો હતો. વળી ગોવર્ધનરામે નરસિંહરાવને એક પ્રત એમનાં સૂચનો માટે મોકલી હતી અને નરસિંહરાવે એમનાં સૂચનો સાથે પાછી મોકલી હતી, પણ એ સૂચનોનો અમલ ન થયો એથી એમને અસંતોષનો અનુભવ થયો હતો. ૧૮૭૬થી ૧૯૦૫ના ૩૦ વર્ષ જેટલા દીર્ઘ સમયમાં ગોવર્ધનરામને વારંવાર મળવાનું થયું હતું ત્યારે એમને ગોવર્ધનરામના સ્નેહયુક્ત વિશાલ હૃદયનો, હૃદયની જન્મસિદ્ધ ઉદારતાનો, સૌજન્યનો અનુભવ થયો હતો. છેલ્લા મેળાપમાં તો નડિયાદમાં ગોવર્ધનરામના ઘરમાં દૂધિયું પણ પ્રેમથી સાથે પીધું હતું એ પણ સાથેસાથે નોંધ્યું છે એ સૌના સ્મરણમાં રહેવું જોઈએ. નરસિંહરાવને બલવન્તરાય સાથે કવિતા, સંગીત અને અગેય પદ્ય વિશેના બલવન્તરાયના વિચારો અંગે ઉગ્ર મતભેદ હતો. ૧૯૨૪માં મુંબઈમાં ગુજરાતી પ્રેસની ઑફિસમાં બંનેને મળવાનું થયું એ સમયમાં બલવન્તરાય મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અભ્યાસક્રમ અંગેની સમિતિના સભ્ય હતા. એથી નરસિંહરાવે એમની સાથે જે સંવાદ થયો તે ‘રોજનીશી’માં નોંધ્યો છે, ‘તમે Board of Studiesમાં છો, તો હવે ૧૯૨૬ (કે ૧૯૨૫) પછીનાં Syllabus ઘડશો તેમાં હૃ.વી.ને કે કુ.મા.ને મૂકશો કે કેમ  તો કહે, ‘આજની કમિટી શું કરે છે તે ઉપર વાત – તદ્દન ઉડાવનારો જવાબ.’ અન્યનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક થાય અને પોતાનો ન થાય એ અંગેની ચિંતામાં ૬૫ વર્ષની વયે પણ એ ઈર્ષ્યા અને લોભમાંથી મુક્ત ન હતા એનું આ સંવાદમાં સ્પષ્ટ સૂચન છે. આ સંવાદ દરમિયાન બંને વચ્ચે ‘અનેક ગમ્મતની આપલે થઈ... મને એમણે Cornaglia લઈ જઈને કૉફી પાઈ  સાથે પીધી.’ એમ પણ સાથેસાથે નોંધ્યું છે એ સૌના સ્મરણમાં રહેવું જોઈએ. નરસિંહરાવને ન્હાનાલાલ સાથે કવિતા, સંગીત અને અપદ્યાગદ્ય અથવા ડોલન વિશેના ન્હાનાલાલના વિચારો અંગે ઉગ્ર મતભેદ હતો. ૧૮૯૯માં ન્હાનાલાલનું ‘વસંતોત્સવ’ દીર્ઘ કાવ્ય પ્રગટ થયું કે તરત જ ‘ચર્ચા’રૂપે વિસ્તૃત નિબંધ લખ્યો હતો. એમાં ન્હાનાલાલ જેને અપદ્યાગદ્ય કહે છે તે અપદ્ય તો છે જ, પણ તે અગદ્ય નથી, એ ગદ્ય જ છે એવું પ્રતીતિજનક પ્રતિપાદન કર્યું હતું. પછી ૧૯૧૪માં એમણે ન્હાનાલાલના ‘જયાજયંત’ નાટક વિશે ‘અવલોકન’રૂપે વિસ્તૃત નિબંધ લખ્યો હતો. એમાં પણ એમણે ન્હાનાલાલના ગુણ-દોષનું દર્શન કર્યું હતું. તો સાથેસાથે એમણે ન્હાનાલાલનાં બે પ્રસિદ્ધ કાવ્યો – ‘મણિમય સેંથી’ અને ‘ફૂલડાંકટોરી’ની મુક્ત કંઠે પ્રશંસા કરવાનું અને આનંદ વ્યક્ત કરવાનું કર્તવ્ય પણ બજાવ્યું હતું. એ પણ સૌના સ્મરણમાં રહેવું જોઈએ. આ ઉપરાંત એમનાં અન્ય વ્યાખ્યાનો તથા વિવેચનલેખોમાં આ બંને કવિઓનાં કેટલાંક કાવ્યોનું રસદર્શન પણ કરાવ્યું હતું, એટલું જ નહિ, પણ અન્ય સમકાલીનો બાલાશંકર, મણિલાલ, કાન્ત, કલાપી તથા અન્ય કવિઓની કવિતા પ્રત્યે સહૃદયોનું ધ્યાનાકર્ષણ કર્યું હતું. એમાંયે કાન્તની કવિતા પ્રત્યે એમણે વિશેષ ધ્યાન આપ્યું હતું. જ્યારે કાન્ત વિશે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘કાન્તનું સ્થાન સાહિત્યમાં શું ’ ત્યારે એમણે ઉત્તર આપ્યો હતો, ‘મારા હૃદયમાં.’ અનુકાલીનો – ઉમાશંકર, બેટાઈ, ચન્દ્રવદન, મુનશી આદિ–ની કૃતિઓનું પણ એમણે સહૃદય સ્વાગત કર્યું હતું. નરસિંહરાવે એમનાં વ્યાખ્યાનો તથા વિવેચનલેખોમાં ઉદાહરણો તરીકે વારંવાર એમનાં સ્વરચિત કાવ્યો તથા કાવ્યપંક્તિઓનાં અવતરણો આપ્યાં હતાં. એમનાં ચરિત્રચિત્રોમાં પણ પોતે જ કેન્દ્રસ્થાને રહ્યા હતા. એમાં આત્મસ્તુતિની એમની નિર્બળતા પ્રગટ થાય છે. આ બધું કર્યા-કારવ્યા પછી અંતે એમની નિર્બળતાઓની સાથેસાથે એમના એક મહાન મનોબળનો અને એ મનોબળના રહસ્યનો ઉલ્લેખ કરવો જ રહ્યો. ૧૯૨૩માં બલવન્તરાયે એમને પૂછ્યું હતું, ‘તમે Diary રાખો છો  નિયમસર  ક્યારથી ’ ત્યારે એમણે ઉત્તર આપ્યો હતો, ‘૧૮૯૨થી.’ પછી બલવન્તરાયે કહ્યું હતું, ‘You are a dangerous man! આજ મળ્યા તે પણ નોંધશો કે ’ ત્યારે એમણે કહ્યું હતું, ‘નોંધાઈ ગયું. Dangerous શા માટે  જૂઠું નોંધું તો Dangerous.’ એમનામાં અનેક નિર્બળતા હશે  હતી, પણ દંભ નામની નિર્બળતા ક્યારેય ન હતી. એનું રહસ્ય છે એમની સત્યનિષ્ઠા, ન્યાયદૃષ્ટિ. એ એક સભાન, સજાગ, સતેજ અને સચિંત મનુષ્ય હતા. બૌદ્ધિક સ્તરે એમના વાદવિવાદ, મતભેદ આદિમાં પુરસ્કાર-તિરસ્કાર, પક્ષપાત-પૂર્વગ્રહ, ગમા-અણગમા આદિમાં ક્રોધ, લોભ, ઈર્ષ્યા આદિ નિર્બળતાઓ હતી, પણ અંતે એ સહૃદય મનુષ્ય હતા, ભક્તહૃદયના મનુષ્ય હતા. ‘સ્મરણમુકુર’નાં ચરિત્રચિત્રોમાં, ‘મનોમુકુર’ના વિવેચનલેખોમાં અને સવિશેષ તો ‘રોજનીશી’માં એની પ્રતીતિ થાય છે. એથી એમની વિરુદ્ધ તહોમતનામું રજૂ કરવું શક્ય નથી અને એમના પક્ષે બચાવનામું રજૂ કરવાની જરૂર નથી. નરસિંહરાવની સત્યનિષ્ઠા, ન્યાયદૃષ્ટિ એ એમની અમૂલ્ય એવી નૈતિક-આધ્યાત્મિક મૂડી હતી. ૧૯૫૧માં માર્ચથી જૂન ત્રણ મહિના રોજ સાંજના ચારથી સાત મુંબઈમાં બલવન્તરાયને એમના ઘરે મળવાનું થયું હતું. એક દિવસ એમણે મને પ્રશ્ન પૂછ્યો, ‘What do you think of Narsinhrao and Nanalal ’ મેં ઉત્તર આપ્યો, ‘I don’t think of Narsinhrao at all, but Thakore or no Thakore, Nanalal will live.’ પછી એમણે વળી પ્રશ્ન પૂછ્યો, ‘Why ’ મેં ઉત્તર આપ્યો, ‘Because of the sheer beauty of his words.’ પછી એમણે વધુ પ્રશ્ન ન પૂછ્યો, મૌન ધારણ કર્યું. બલવન્તરાય સહમત થયા હશે એટલે જ એમણે મૌન ધારણ કર્યું હશે. ત્યારે કવિતાના સંદર્ભમાં આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એટલે મેં આવા ઉત્તર આપ્યા હશે. વર્ષો પછી મેં નરસિંહરાવનો વિચાર કર્યો હતો, તે પણ ‘કવિતા અને સંગીત’ વિશે વ્યાખ્યાનો આપવાના હતા એ સંદર્ભમાં કર્યો હતો. આજે હવે અહીં વર્ષો પછી એક ભિન્ન સંદર્ભમાં, ‘ભક્તહૃદયના મનુષ્ય’ના સંદર્ભમાં નરસિંહરાવનો વિચાર કરવાનો ઉપક્રમ છે. નરસિંહરાવે ૧૮૭૨થી લગભગ આયુષ્યના અંત લગી, ૧૯૩૫ લગી, ૪૩ વર્ષ લગી નિયમિત ‘રોજનીશી’ લખી હતી. એમાં એમણે જે લાગ્યું તે જ લખ્યું છે, જે થયું – કર્યું તે જ લખ્યું છે. એમાં ક્યારેક આત્મસ્તુતિ અને પરનિંદા છે, તો ક્યારેક આત્મનિંદા અને પરસ્તુતિ છે. એથી એમાં એમની કેટલીક નિર્બળતાઓની વચ્ચે એમનામાં એક પ્રચ્છન્ન એવું મનોબળ, નૈતિક – આધ્યાત્મિક બળ હતું એની પ્રતીતિ થાય છે. અને એ પ્રગટ થાય છે નરસિંહરાવના ગાંધીજી સાથેના સ્નેહ અને સૌહાર્દપૂર્ણ સંબંધમાં. નરસિંહરાવ અને ગાંધીજીનો પરસ્પર પ્રભુપ્રેરિત આત્મીયતાનો, અલૌકિક એકાત્મકતાનો, elective affinityનો સંબંધ હતો. ગાંધીજીને પરિપક્વ વયે ગુજરાતના કોઈ સર્જક સાહિત્યકાર સાથે આવો સંબંધ થયો હોય એવું ક્યાંય ક્યારેય વાંચ્યું – સાંભળ્યું નથી. ન્હાનાલાલ સાથે આવો સંબંધ થયો હોત પણ દુર્ભાગ્યે ન થયો. બલવન્તરાય સાથે તો કિશોરવયથી જ આવો સંબંધ થયો હતો. વળી અનેક સર્જક-સાહિત્યકારો – ન્હાનાલાલ, બલવન્તરાય આદિ – ક્યારેક ગાંધીજીના ઘરે ગયા હશે. પણ ગુજરાતની પાર એક રવીન્દ્રનાથના અપવાદ સાથે ગાંધીજી ગુજરાતના કોઈ સર્જક-સાહિત્યકારના ઘરે ક્યારેય ગયા હોય એવું ક્યાંય વાંચ્યું – સાંભળ્યું નથી. ૧૯૧૫થી ૧૯૩૫ લગીમાં, ૨૦ વર્ષ લગીમાં નરસિંહરાવ અને ગાંધીજીને અગિયાર વાર મળવાનું થયું હતું. (નરસિંહરાવને ત્રણ વાર અમદાવાદમાં આશ્રમમાં, ચાર વાર મુંબઈમાં ગાંધીજી જ્યાં અતિથિ હોય એ નિવાસસ્થાનમાં, બે વાર જાહેરમાં અમદાવાદમાં ૧૯૨૦માં ૬ઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં, ગાંધીજીને બે વાર મુંબઈમાં નરસિંહરાવના ઘરમાં). અને બંને વચ્ચે ઓગણીસ પત્રોનો પત્રવ્યવહાર થયો હતો. (નરસિંહરાવે ગાંધીજીને આઠ પત્રો અને ગાંધીજીએ નરસિંહરાવને અગિયાર પત્રો લખ્યા હતા.) નરસિંહરાવને ગાંધીજી સાથે પ્રથમ મળવાનું થયું હતું અમદાવાદમાં આશ્રમમાં. ત્યારે ગાંધીજીએ એમને ‘Lead Kindly Light’નો અનુવાદ કરવાની વિનંતી કરી હતી. બીજી વાર આશ્રમમાં મળવાનું થયું ત્યારે એમણે એ અનુવાદ – ‘પ્રેમલ જ્યોતિ’ – ગાંધીજીને ગાઈ સંભળાવ્યો હતો, ત્યારે ‘પ્રેમલ’ શબ્દને સ્થાને ‘વત્સલ’ શબ્દ અંગે વિવાદ પણ થયો હતો. જ્યારેજ્યારે પ્રત્યક્ષ મળવાનું થયું ત્યારે અને પત્રોમાં ગાંધીજીએ નરસિંહરાવ પ્રત્યે અનાસક્તભાવે અસાધારણ માન-સન્માન પ્રગટ કર્યું હતું. વયમાં તો નરસિંહરાવ (જ. ૧૮૫૯) ગાંધીજી (જ. ૧૮૬૯)થી દસ વર્ષ મોટા હતા, પણ એ સ્થૂલ કારણે જ નહિ પણ એ બેની વચ્ચે એક સૂક્ષ્મ, નૈતિક-આધ્યાત્મિક સામ્ય હતું એ કારણે. અને એ સામ્યનું રહસ્ય હતું નરસિંહરાવ અને ગાંધીજીની ઈશ્વરશ્રદ્ધા. ‘રોજનીશી’માંથી આ અંગેનાં અવતરણો પરથી આ માન-સન્માનની પ્રતીતિ થશે  ૧૯-૬-૧૯૨૧ના દિવસે બપોરે ગાંધીજી ઓચિંતા મુંબઈમાં નરસિંહરાવને ઘરે ગયા હતા. નરસિંહરાવ નિદ્રામાં હતા. જાગીને જુએ તો ગાંધીજી! ‘ગાંધીજી તો આગલા ખંડની જમીન ઉપર બેસી ગયા. મેં કહ્યું  આમ કરો છો તો મ્હારે તો ખાડો જમીનમાં ખોદીને બેસવું પડશે. તેમણે માન્યું. ખાટલા ઉપર ગાંધીજી બેઠા.’ ૧૮-૩-૧૯૩૧ના દિવસે સવારે નરસિંહરાવ મુંબઈમાં સુશીલા અને પ્રેમલની સાથે ગાંધીજીના નિવાસસ્થાને ગયા હતા. ‘ગાંધીજી બેઠા હતા. ગાંધીજી માટે ગાદી-તકિયા પાથરેલું ઊંચું લાંબું આસન કર્યું હતું... હું ક્ષણવાર સંમુખ ઊભો અને ગાંધીજીએ મ્હને આગ્રહ કરીને પોતાની થડમાં જગા હતી તે વધારે કરીને મ્હને પ્હરાણે બેસાડ્યો. મ્હેં કહ્યું  અહીં ના હોઉં. છતાં બેસવું પડ્યું.’ ૧૭-૬-૧૯૩૪ના દિવસે સવારે મુંબઈમાં ગાંધીજી ઓચિંતા નરસિંહરાવને ઘેર પ્રેમલના અવસાન પછી આશ્વાસન માટે ગયા હતા. નરસિંહરાવ ગાંધીજીને જોઈને ‘ઝડપથી જઈને ચોગો પ્હેરીને’ આવ્યા. ‘ગાંધીજીએ મ્હને આરામખુરશીમાં આગ્રહથી બેસાડ્યો. તે પછી પોતે જોડેની ખુરશીમાં બેઠા.’ ૨૬-૧૦-૧૯૩૪ના દિવસે સવારે નરસિંહરાવ મુંબઈમાં સુશીલા, માધવી અને ચિત્રાની સાથે ગાંધીજીના નિવાસસ્થાને ગયા હતા, ત્યારે ‘મ્હને ખુરશી પરતી ઊઠવા ના દીધો. હાથ પકડીને બેસાડી દીધો. ઊભેઊભે વાતો પુષ્કળ થઈ... વિદાય થવાને ઊઠ્યા. મહાત્માજી પાછળપાછળ આવતા હતા.’ નરસિંહરાવ અને ગાંધીજીના પરસ્પરના ઓગણીસ પત્રોના પત્ર-વ્યવહારમાં બે પત્રો ‘પ્રેમલ જ્યોતિ’ના અનુવાદ વિશે છે. ત્રણ પત્રો ‘આશ્રમભજનાવલિ’માંનાં બે અંગ્રેજી પ્રાર્થનાગીતોના અનુવાદ વિશે છે. ત્રણ પત્રો નરસિંહરાવને વ્યુત્પત્તિકોશની રચના કરવા માટેની ગાંધીજીની વિનંતી અને એ રચના કરવા માટેની નરસિંહરાવની અશક્તિ વિશે છે. બે પત્રો ઊર્મિલા અને દયારામનાં લગ્ન વિશે નરસિંહરાવના ખુલ્લા પત્રના ઉત્તરરૂપે ગાંધીજીએ જે લખ્યું એથી નરસિંહરાવને દુ:ખ થયું હોય તો એ અપરાધ માટે ગાંધીજીની ક્ષમાયાચના વિશે છે. ચાર પત્રો કોઈએ ગાંધીજીની ભાષામાં દોષ અંગે ગાંધીજીને પત્ર લખ્યો હતો, એ પત્ર નરસિંહરાવનો છે એમ ગાંધીજીના અલ્પમતિ અંતેવાસીઓએ માન્યું એ પરથી ગાંધીજીએ ‘નવજીવન’માં ‘મારી ભાષા’ લેખ લખ્યો અને એમાં નરસિંહરાવનો ઉલ્લેખ કર્યો પછી નરસિંહરાવને દુ:ખ થયું હતું એ અપરાધ માટે ગાંધીજીની ક્ષમાયાચના વિશે છે. (ગાંધીજીએ આ દુ:ખ અંગેનો નરસિંહરાવનો પત્ર ‘નવજીવન’માં પ્રગટ કરીને નરસિંહરાવની જાહેરમાં ક્ષમાયાચના કરી હતી.) ૧૯૩૨થી ૧૯૩૫ લગીમાં ચારેક વર્ષમાં નરસિંહરાવ અને ગાંધીજી વચ્ચે જે પત્રવ્યવહાર થયો એમાં બંનેનાં સ્નેહ અને સૌહાર્દની પરાકાષ્ઠારૂપે હૃદયની વાણી વ્યક્ત થાય છે. આ પત્રો નરસિંહરાવના અંગત કુટુંબમાં અવસાનોના પ્રસંગે આશ્વાસન વિશે છે. ૧૯૩૨માં પુત્રી લવંગિકાના અવસાન પછી ગાંધીજી લખે છે  ‘આનું દુ:ખ તમને ન હોય.’ પછી દશાહના દિવસે લખે છે  ‘પ્રાત:કાલની પ્રાર્થનામાં મૂક પ્રાર્થનાને બદલે “લીડ કાઇન્ડલી લાઇટ”નો તમારો અનુવાદ ગાઈશું.’ ૧૯૩૪માં દૌહિત્ર પ્રેમલના અવસાન પછી ગાંધીજી લખે છે  ‘મારે નસીબે તમને ખરખરાના જ કાગળો લખવાનું આવે છે.’ નરસિંહરાવ પ્રત્યુત્તરમાં લખે છે  ‘આપનો આશ્વાસનપત્ર મળ્યો. મનને શાંતિ થઈ... આપની તરફથી મળતું આશ્વાસન અમૂલ્ય છે. બ્રહ્મકૃપા હિ કેવલમ્.’ ૧૯૩૫માં ગાંધીજી નરસિંહરાવના સ્વાસ્થ્ય અંગે ચિંતાપૂર્વક એમના અંતિમ પત્રમાં લખે છે  ‘હમણાં જ સાંભળું છું કે તમે પથારીવશ છો. એમ કેમ પાલવશે  હજુ તો ઘણાં વર્ષો જીવવું છે ને સેવા કરવી છે. સો લગી જીવવાનો તો અધિકાર છે ના  આનો જવાબ આપવાનો પણ ન હોય.’ નરસિંહરાવ એમનું ઉત્તરજીવન મૃત્યુની છાયામાં જીવી રહ્યા હતા. નરસિંહરાવનું લગ્ન ૧૮૭૨માં તેર વર્ષની વયે થયું હતું. પ્રથમ પત્નીથી એમને એક પુત્ર – પ્રસન્નકુમાર – હતો. (૧૯૩૭માં નરસિંહરાવના અવસાન પછી ત્રણ વર્ષે ૧૯૪૦માં પ્રસન્નકુમારનું અવસાન થયું હતું.) પ્રથમ પત્નીના અવસાન પછી નરસિંહરાવે બીજું લગ્ન કર્યું હતું. બીજી વારનાં પત્નીનું નામ સુશીલાબહેન. બીજી પત્નીથી એમને ત્રણ સંતાનો – એક પુત્ર અને બે પુત્રીઓ – ઊર્મિલા, નલિનકાન્ત અને લવંગિકા – હતાં. લવંગિકાને બે પુત્રીઓ – કુરંગી અને ચિત્રા – હતી. ૧૯૧૩ અને ૧૯૩૬ની વચ્ચે પત્ની અને ત્રણે સંતાનોનાં અવસાન થયાં હતાં – ૧૯૧૩માં ઊર્મિલા, ૧૯૧૫માં નલિનકાન્ત, ૧૯૩૨માં લવંગિકા, ૧૯૩૬માં સુશીલાબહેન. ૧૯૩૪માં દૌહિત્ર પ્રેમલનું અવસાન થયું હતું. નરસિંહરાવે આ અવસાનો અંગેના એમના પ્રતિભાવો ‘રોજનીશી’માં પ્રગટ કર્યા છે. ૧૯૧૩માં ઊર્મિલાના અવસાન પછી લખે છે, ‘મ્હારી વ્હાલી પુત્રી! હૃદયનો આધાર! આંખ્યની કીકી! હા! તું ગઈ! પ્રભુ! ત્હારી આજ્ઞા! બીજું શું ... હમારા હૃદયમાં તો આ ક્ષણે વજ્રપાતના જેવી શૂન્યતા. મૂઢતા થઈ છે! પ્રભુ! હમને સામર્થ્ય આપ! શાંતિ: શાંતિ: શાંતિ:’ ૧૯૧૫માં નલિનકાન્તના અવસાન પછી લખે છે, ‘પ્રભુ! તું માથે નાખે તે માટે શા માટે ફરિયાદ કરવી  તું એ પવિત્ર આત્માને ત્હારા ખોળામાં લેજે!’ દશાહની રાતે ૧૯૧૫ના માર્ચની ૧૨મીની રાતે એમણે ‘મંગલ મંદિર ખોલો’ રચ્યું હતું. એ જ વર્ષમાં શોકની પરાકાષ્ઠાની ક્ષણે એમનું મહત્ત્વાકાંક્ષી કરુણપ્રશસ્તિ કાવ્ય ‘સ્મરણસંહિતા’ રચ્યું હતું. ૧૯૩૨માં લવંગિકાના અવસાન પછી લખે છે, ‘પ્રભુ! આ આઘાત મ્હારાથી ખમાતો નથી. ખમીશું, ખમીશું, ખમીશું.’ ૧૯૩૪માં પ્રેમલના અવસાન પછી લખે છે, ‘ઓ મ્હારા હૃદય! અત્યાર સુધીના આઘાતથી ઘડાયલું તું વધારે પાષાણવત્ બની જા!’ ૧૯૩૬ના જાન્યુઆરીની ૧૪મીએ ઉત્તરાયણના દિવસે સુશીલાબહેનનું અવસાન થયું હતું. અંજલિમાં મૌન! પછી એ ૧૯૩૭ના જાન્યુઆરીની ૧૪મીએ ઉત્તરાયણના દિવસે પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા હતા, ‘માત્ર ઉત્તરાયણની રાહ જોતો રહીશ.’ નરસિંહરાવના જીવનની કરુણ રાગિણી ‘બ્રહ્મકૃપા હિ કેવલમ્’ના સમ પર વિરમે છે. ૧૯૦૨માં કોઈએ નરસિંહરાવનું ચરિત્ર લખવા માટે માહિતી માગી હતી. નરસિંહરાવનો પ્રતિભાવ હતો  ‘મ્હારું જીવનચરિત્ર!! શું  શૂન્ય.’