નરસિંહથી ન્હાનાલાલ/૨૩


ઇતિહાસ અને સાહિત્ય

જગત અને જીવનમાં ઇતિહાસ અને સાહિત્ય ન હોય તો એ જગત અને એ જીવન મરુભૂમિ સમાન છે, ઇતિહાસ અને સાહિત્યમાં જગત અને જીવન ન હોય તો એ ઇતિહાસ અને સાહિત્ય મૃગજળ સમાન છે. ઇતિહાસ અને સાહિત્ય વ્યક્તિ અને સમષ્ટિ માટે આવશ્યક છે, બલકે અનિવાર્ય છે. ઇતિહાસ અને સાહિત્ય – પ્રત્યેક સ્વતંત્ર અને સ્વાયત્ત પ્રવૃત્તિ છે, ભિન્નભિન્ન પ્રકારની પ્રવૃત્તિ છે. બે વસ્તુ અથવા બે પ્રવૃત્તિનો ભિન્નભિન્ન પ્રકાર હોય એથી એ પરસ્પર વિરોધી હોય એ અનિવાર્ય નથી, એ પરસ્પરની પૂરક હોય, એકમેકની પૂર્તિરૂપ હોય, પરસ્પર ઉપયોગી અને ઉપકારક પણ હોય – ઇતિહાસ અને સાહિત્ય અંગે તો આ વિધાન સાર્થક છે. ઇતિહાસ અને સાહિત્ય વચ્ચે કેટલુંક સામ્ય છે અને કેટલુંક અસામ્ય પણ છે. ઇતિહાસ એટલે ઇતિ + હ + આસ. ઇતિહાસ એટલે જે થયું છે તે. ઇતિહાસ એટલે અતીત. હવે આજના યુગમાં ઉમેરવું રહ્યું કે ઇતિહાસ એટલે માત્ર જે થયું છે તે જ નહિ, પણ આ ક્ષણે જે થાય છે તે. ઇતિહાસ એટલે અધુના. વળી ટોઇન્બી જેવા ઇતિહાસકારે તો ઉમેર્યું છે કે ઇતિહાસ એટલે માત્ર જે થયું છે અને આ ક્ષણે જે થાય છે તે જ નહિ, પણ ભવિષ્યમાં જે થવાનું છે, જે થશે તે. ઇતિહાસ એટલે અનાગત. આમ, ઇતિહાસ એટલે અતીત, અધુના અને અનાગત ઇતિહાસ એટલે ત્રિકાલ. ઍરિસ્ટોટલે એમના ‘પોએટિક્સ’ના ૯મા પ્રકરણમાં કવિતા-સાહિત્યના વ્યાપક અર્થમાં કવિતા અને ઇતિહાસની તુલના કરી છે અને એવું પ્રતિપાદન કર્યું છે કે ઇતિહાસ એટલે જે થયું છે તે, જ્યારે કવિતા એટલે જે થયું નથી પણ જે થવાની શક્યતા અથવા આવશ્યકતા છે તે. પછી એમણે ૨૪-૨૫મા પ્રકરણમાં એવું પ્રતિપાદન કર્યું છે કે કવિતા એટલે માત્ર જે થવાની શક્યતા અથવા આવશ્યકતા છે તે જ નહિ, પણ જે ક્યારેય થવાનું નથી તે. વળી એમણે એવું વિધાન કર્યું છે કે કવિતા ઇતિહાસથી વધુ તાત્ત્વિક અને વધુ ગંભીર ધ્યાનને પાત્ર છે, કારણ કે કવિતામાં વૈશ્વિક સત્ય હોય છે, જ્યારે ઇતિહાસમાં વિશિષ્ટ વાસ્તવ હોય છે. ઇતિહાસકારને બાહ્ય જગતમાં, બાહ્ય જીવનમાં ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી હોય, જે બનાવો બન્યા હોય, જે કોઈ હકીકતો હોય એની સાથે નિસ્બત છે અને એ દસ્તાવેજો, શિલાલેખો, સિક્કાઓ, તામ્રપત્રો, પ્રાચીન ઇમારતો, અવશેષો, સાહિત્ય-સ્થાપત્ય-શિલ્પ આદિ કળાઓ, પુરાતત્ત્વની શોધો આદિ ઉપલબ્ધ માહિતી અને સાધનસામગ્રીને આધારે એ ઘટનાઓ, બનાવો, હકીકતોની પસંદગી કરે છે. આમ, ઇતિહાસમાં વસ્તુવિષય મૌલિક કે કલ્પિત નથી, વાસ્તવિક છે. એ પસંદગી કરે છે ઘટનાઓ આદિની, એથી એ પરલક્ષી છે. પણ ઘટનાઓ આદિની પસંદગી એ કરે છે એથી એ આત્મલક્ષી છે, તટસ્થ કે અનાસક્ત નથી. એ અમુક ઘટના આદિને પસંદ કરે છે, જે ગંભીર છે, મહત્ત્વનું અને અગત્યનું છે એને પસંદ કરે છે અને અમુક ઘટના આદિને નાપસંદ કરે છે, જે ક્ષુદ્ર છે, ક્ષુલ્લક છે અને ક્ષણિક છે એને નાપસંદ કરે છે. એની પસંદગીની વિશ્વસનીયતા અંગે એ વૈજ્ઞાનિક દૃષ્ટિથી નિર્ણય કરે છે. વળી એ જે ઘટના આદિ પસંદ કરે છે એનાથી ભિન્ન અથવા વિરોધી એવી ઘટના આદિ ભવિષ્યમાં ઉપલબ્ધ થાય તો એની પસંદગીનું ભાવિ શું એ અંગે એ સચિંત અને સજાગ – સભાન હોય છે. ઇતિહાસ એ એવી ઘટના આદિની યાદી-માત્ર નથી. એથી એ એવી ઘટના આદિનું તર્કબદ્ધ, બુદ્ધિપૂત કાર્યકારણ - સંબંધયુક્ત આયોજન કરે છે, એક વ્યવસ્થા રચે છે અને વળી પ્રધાન-ગૌણનો વિવેક પણ કરે છે. કોઈ કોઈ ઇતિહાસકાર જ્યારે એના ઇતિહાસમાં પુરસ્કાર તિરસ્કાર કરે છે, નિંદા સ્તુતિ કરે છે, પક્ષપાત પૂર્વગ્રહ કરે છે ત્યારે એ પરલક્ષી નહીં, પણ આત્મલક્ષી હોય છે. ત્યારે એ ઇતિહાસકાર નહિ પણ પ્રચારક હોય છે. ઇતિહાસકાર સાપેક્ષ નહિ, નિરપેક્ષ હોય; આત્મલક્ષી નહિ, પરલક્ષી હોય, તટસ્થ અને અનાસક્ત હોય, એનામાં વિજ્ઞાનીમાં હોય છે એવી અને એટલી બૌદ્ધિક પ્રામાણિકતા હોય, નમ્રતા હોય એ આવશ્યક છે. ત્યારે એના ઇતિહાસમાં વિશ્વસનીયતા હોય છે. વિજ્ઞાનીની આ બૌદ્ધિક પ્રામાણિકતા, આ નમ્રતા એ ઇતિહાસકાર માટે મોટામાં મોટો બોધપાઠ છે. કોઈ કોઈ ઇતિહાસકાર એકાંગી હોય છે, એકલક્ષી હોય છે ત્યારે એમના ઇતિહાસમાં એક નિષ્ણાતની નિપુણતા અને વિશિષ્ટતા હોય છે. કોઈ કોઈ ઇતિહાસકાર સર્વાંગી હોય છે, બહુલક્ષી હોય છે ત્યારે એમના ઇતિહાસમાં એક સર્વતોમુખી પ્રતિભાની સજાગતા અને સર્વગ્રાહિતા હોય છે. કોઈ કોઈ ઇતિહાસકાર બાહ્ય જગતમાં અને બાહ્ય જીવનમાં ઘટના આદિનું પુનરાવર્તન થયા કરે છે એને આધારે સિદ્ધાંતો, નિયમો, વ્યાપ્તિઓ રચે છે. આ સૌ વિવિધ પ્રકારના ઇતિહાસકારો આવકાર્ય અને આવશ્યક છે, એટલું જ નહિ, ઇષ્ટ અને ઇચ્છનીય છે. ટોઇન્બી જેવા ઇતિહાસકારો માટે ઇતિહાસ એ પરમેશ્વરની વિભૂતિ છે, પરમેશ્વરનો સંકેત છે. એમાં ઘટના આદિને પડછે અને પછવાડે મનુષ્યની નિયતિ, મનુષ્યજાતિનું ભાગ્યનિર્માણ તથા વિશ્વનો ક્રમ, વિશ્વની યોજનાનું રહસ્ય વગેરે ઉત્તરોત્તર ક્રમશ: પ્રગટ થતું રહે છે. એવું એમનું ઇતિહાસદર્શન હોય છે, ત્યારે એ ઇતિહાસ ધર્મના સ્તરે, કવિતાની કક્ષાએ પ્રવૃત્ત થતો હોય છે. બલવન્તરાય એમના પ્રસિદ્ધ ‘આરોહણ’ કાવ્યમાં કહે છે : ‘નિહાળું જગચિત્રની પલટતી જ છાયા પ્રભા / અને વિધિસમુદ્રમાં નિરખું ભંગ સંકલ્પના’ અને કાવ્યને અંતે કહે છે : ‘ભલે વિવિધ ખેલ કાલ નટરાજ ખેલ્યા કરો, / વસે તું નિજ રંગમાં, સકલ સૂત્ર તુજ હાથમાં.’ સાહિત્યમાં વસ્તુવિષય મૌલિક અને કલ્પિત હોય છે. સાહિત્યકાર આ વસ્તુવિષય એના આંતરજગતમાંથી, એના આંતરજીવનમાંથી પ્રાપ્ત કરે છે. એથી એ આત્મલક્ષી છે. પણ આ અર્ધસત્ય છે. સાહિત્યકાર ઇતિહાસકારની જેમ આ વસ્તુવિષય બાહ્ય જગતમાંથી, બાહ્ય જીવનમાંથી પણ પ્રાપ્ત કરે છે. એ ઘટનાઓ, બનાવો, હકીકતો પણ પસંદ કરે છે. એથી એ પરલક્ષી પણ છે. આ સંદર્ભમાં સાહિત્ય અને ઇતિહાસ વચ્ચે સામ્ય છે – સાહિત્યનું સર્જન શૂન્યમાંથી થતું નથી. શૂન્યમાંથી સર્જન તો એકમાત્ર પરમેશ્વર જ કરે છે – ‘એકોહમ્ બહુસ્યામ્.’ સાહિત્યનો મૂલાધાર પણ આ ઘટના આદિની પસંદગીમાં છે. એટલે સાહિત્ય અને ઇતિહાસમાં પ્રકારનો ભેદ નથી, પણ માત્રાનો ભેદ છે. આ સંદર્ભમાં સાહિત્ય અને ઇતિહાસ વચ્ચે અસામ્ય પણ છે. ઇતિહાસકાર જે ઘટના આદિ પસંદ કરે છે તેનું એના ઇતિહાસમાં તર્કબદ્ધ, બુદ્ધિપૂત, કાર્યકારણસંબંધયુક્ત આયોજન કરે છે, જ્યારે સાહિત્યકાર જે ઘટના આદિ પસંદ કરે છે, એનું કલ્પના દ્વારા એના સાહિત્યમાં પરિવર્તન કરે છે. ક્યારેક એ એક મીથ રૂપે સિદ્ધ થાય એવું પણ પરિવર્તન કરે છે. એમાં કલ્પનો, પ્રતીકો, ઉપમાઓ, રૂપકો આદિ અલંકારો, લયો, પ્રાસો, કાકુઓ આદિ હોય છે. ઇતિહાસકાર જે કંઈ ગંભીર હોય, મહત્ત્વનું અને અગત્યનું હોય તે પસંદ કરે છે, જ્યારે સાહિત્યકાર જે કંઈ ક્ષુદ્ર હોય, ક્ષુલ્લક અને ક્ષણિક હોય તે પણ પસંદ કરે છે. સાહિત્ય અને ઇતિહાસ વચ્ચે આ પણ એક અસામ્ય છે. સાહિત્યમાં ઊર્મિ અને ભાવ હોય છે, ઉદ્રેક અને ઉન્માદ હોય છે, ઉગ્રતા અને ઉત્કટતા હોય છે. એથી સાહિત્ય ઇતિહાસથી વધુ ચિરંજીવી હોય છે, વધુ ગહન અને ગંભીર હોય છે, વધુ અર્થપૂર્ણ અને મૂલ્યવાન હોય છે. સાહિત્યમાં કલ્પનાને ખાતર કલ્પના હોતી નથી, ઊર્મિ અને ભાવને ખાતર ઊર્મિ અને ભાવ હોતા નથી. એમ હોય તો તો એ મિથ્યા છે. કલ્પના, ઊર્મિ અને ભાવ પણ એક સત્ય છે, એક વાસ્તવ છે. એમ ન હોય તો તો સાહિત્ય એ એક પરીકથા છે, એક જાદુ-ઇલમ છે. જગત અને જીવન પરિવર્તનશીલ છે, ગતિશીલ છે, વિકાસશીલ છે. એથી યુગેયુગે ઇતિહાસનું પુન:સર્જન થતું રહે છે, નવોનવો ઇતિહાસ રચાતો રહે છે. એથી યુગેયુગે સાહિત્યનું પણ પુન: સર્જન થતું રહે છે, નવુંનવું સાહિત્ય રચાતું રહે છે. બલવન્તરાય એમના ‘નવ્ય કવિતા’ કાવ્યમાં કહે છે : ‘મહાકાવ્યો જૂનાં કવિયન અને વંદું સહુને! / નવે કાળે તોયે કવન નવલાં સર્જી દઉં ને ?’ સાહિત્યમાં જિવાતા જીવનનો અનુભવ, સમકાલીન સમયની સભાનતા, સંવેદના આવશ્યક છે – બલકે અનિવાર્ય છે. એની અનુપસ્થિતિમાં સાહિત્યનું કોઈ મૂલ્ય નથી, સાહિત્યનો કોઈ અર્થ નથી. તો વળી સાથેસાથે એલિયટ કહે છે તેમ સાહિત્યકારમાં ઇતિહાસની દૃષ્ટિ એટલે કે પ્રાચીનમાં જે પ્રાચીનતા છે તે જ માત્ર નહિ પણ એમાં જે અર્વાચીનતા છે એ અંગેની દૃષ્ટિ જે કંઈ કાલાતીત અને કાલાધીન છે, જે કંઈ શાશ્વત અને ક્ષણિક છે એ અંગેની દૃષ્ટિ આવશ્યક છે, બલકે અનિવાર્ય છે. ટૂંકમાં સાહિત્યમાં આધુનિકતા અને પરંપરાનું સહઅસ્તિત્વ હોય છે. ઇતિહાસ અને સાહિત્ય વચ્ચે વિરોધ છે એવી માન્યતાને કારણે આજના યુગમાં સંવેદનશીલતાનો લોપ થયો છે. ક્યારેક ક્યાંક આજનો યુગ તો અદ્વિતીય છે, અભૂતપૂર્વ છે, ભૂતકાળ તો કાલગ્રસ્ત છે, અપ્રસ્તુત છે, એમાં આજના યુગ માટે કોઈ બોધપાઠ નથી, History is bunk – ઇતિહાસ તો એક તૂત છે. જાણે કે ભૂતકાળનું અસ્તિત્વ જ ન હોય, જાણે કે વિશ્વનું સર્જન આજે જ થયું ન હોય! આ આજના યુગનું અહમ્ છે. એ કારણે આજના યુગમાં ઇતિહાસ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા છે. આજના યુગનું, વર્તમાનનું સર્જન શૂન્યમાંથી નથી થયું, એને ભૂતકાળ અને ભવિષ્યનું પરિમાણ છે. આજના યુગમાં કશું પણ અભૂતપૂર્વ હોય, અદ્વિતીય હોય તો તે વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન છે, કારણ કે એ ભૂતકાળમાં ક્યારેય ન હતું એવું અને એટલું આજે સમાજ, સંસ્કૃતિ અને જીવનના કેન્દ્રમાં છે. પણ સંદેશાવ્યવહારનાં યંત્રવૈજ્ઞાનિક સાધનો – ઇન્ટરનેટ, ઇમેઇલ, મોબાઈલ, કમ્પ્યુટર આદિ સાધનોને કારણે ત્વરિત ગતિથી માહિતી ઉપલબ્ધ થાય છે, માહિતીનો વિસ્ફોટ થયો છે. એથી એ માહિતી અંગેની સંવેદનશીલતા માટે અવકાશ નથી, પર્યાપ્ત સમય પ્રાપ્ત થતો નથી. આ ઉપેક્ષા અને ઉદાસીનતાને કારણે આજના યુગ માટે ઇતિહાસનો કોઈ બોધપાઠ રહ્યો નથી. આજનો યુગ ભૂતકાળની ભૂલોમાંથી કંઈ ભણ્યો નથી, એથી ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થયા કરે છે. આ ઉપેક્ષા અને ઉદાસીનતાને કારણે આજના યુગને ઇતિહાસનું જ્ઞાન નથી. એથી એને એની અપૂર્ણતાનું, પતનશીલતાનું ભાન નથી. આજના યુગને નમ્રતા અને આત્મસંયમની આવશ્યકતા છે. ઇતિહાસ વિનાની પ્રજાનો નાશ થાય છે. આજના યુગમાં હજુ સરમુખત્યારોનું અસ્તિત્વ છે. જ્યાં અને જ્યારે હિટલર, મુસોલિની, સ્તાલિન, માઓ જેવા સરમુખત્યારો હોય ત્યાં અને ત્યારે ઇતિહાસકાર તટસ્થ અને અનાસક્ત, પરલક્ષી અને નિષ્પક્ષ ન રહી શકે, ન રહેવો જોઈએ; ઇતિહાસમાં નૈતિકતાનું પરિમાણ હોવું જોઈએ, ઇતિહાસમાં માનવતાની દૃષ્ટિએ આવાં દુરિતોની વિરુદ્ધ નૈતિક ચુકાદો હોવો જોઈએ એવી કોઈ કોઈ ઇતિહાસકારોની દૃઢ માન્યતા છે, કારણ કે જો એમ ન હોય તો ૨૦મી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં જે થયું તે થાય, સ્વતંત્રતાનો હ્રાસ થાય. શેક્સ્પિયરના નાટક ‘કિંગ લીઅર’માં રાજા લીઅર અંધ ગ્લોસ્ટરને પ્રશ્ન પૂછે છે : ‘તું જગતને કેવી રીતે જુએ છે!’ ત્યારે ગ્લોસ્ટર ઉત્તર આપે છે : ‘I see it feelingly.’ – ‘હું એને સંવેદનશીલતાથી જોઉં છું.’ ઇતિહાસ અને સાહિત્ય દ્વારા મનુષ્યમાત્રને, સમગ્ર મનુષ્યજાતને સંવેદનશીલતા પ્રાપ્ત થાય એ આજના યુગની અનિવાર્યતા છે, અન્યથા મહતી વિનષ્ટિ!