નવલકથાપરિચયકોશ/અંધારું

૧૧૪

‘અંધારું’ : મણિલાલ હ. પટેલ

– પાર્થ બારોટ

સર્જક પરિચય : પટેલ મણિલાલ હરિદાસ જન્મ : ૯ નવેમ્બર ૧૯૪૯. વતન : મોટાપાલ્લા, લુણાવાડા. અભ્યાસ : B.A, M.A, Ph.D. વ્યવસાય : અધ્યાપક, સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. સાહિત્યિક પ્રદાન : કવિ, વિવેચક, વાર્તાકાર, નવલકથાકાર, આત્મકથાકાર સંપાદક. પુરસ્કાર : (૧) ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. (૨) ઉશનસ્ પુરસ્કાર (૩) ધનજી કાનજી સુવર્ણચંદ્રક. (૪) અમરેલીનો મુદ્રા ચંદ્રક (૫) નવલકથા માટે કલકત્તાનો સાહિત્ય સેતુ એવૉર્ડ (૬) વિવેચન માટે ક્રિટિક્સ એવૉર્ડ (૭) ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પારિતોષિકો. (૮) ગુજરાતી સાહિત્ય પરિષદનાં છ પારિતોષિકો.

મણિલાલ હ. પટેલ કૃત ‘અંધારું’ પ્રથમ આવૃત્તિ : એપ્રિલ ૧૯૯૦. પ્રત : ૧૦૦૦ પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. અર્પણ : સ્વ. જમુના મા (નાની), ગં.સ્વ. રામીમા અને ગં.સ્વ. નાની ફોઈને. સ્નેહાદરપૂર્વક આ નવલકથા ૧૫ પ્રકરણોમાં વહેંચાયેલી છે. જેમાં રૂમાલ, રેશમ, મુખી, મૂળજી, તળસી ડોહો, મશરું વગેરે પાત્રો છે. આ નવલકથામાં લેખકે તેમના વતન મોટા પાલ્લા અને તેની આજુ બાજુના વિસ્તારમાં વસતા નાયકા જાતિના લોકોની જીવનકથાને આલેખી છે. આ જાતિનાં લોકો ગરીબી, નિરક્ષરતા, સામાજિક-આર્થિક-જાતિય શોષણ, અત્યાચારો અને અભાવોની વચ્ચે જીવે છે. પંચમહાલના પલ્લા ગામના ને તેની આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા પટેલોનાં ઘર-ખેતરોમાં મજૂરી કરીને જીવન જીવતા નાયકાઓના જીવનમાં વ્યાપેલા અંધારપટને લેખકે વાચા આપી છે. આ નાયકા જાતિના લોકોને કોઈ પોતાનું ગામ કે ઘર નથી જતાં પણ મજૂરી કરવા જાય છે ત્યાં છાપરા બનાવીને રહે છે અને સવર્ણ લોકોના ગુલામ બનીને રહે છે. વર્તમાનમાં શરૂ થયેલી નવલકથા ભૂતકાળમાં જાય છે. મુખીને ત્યાં એવી વાત થાય છે જેના લીધે રૂમાલ થોડો અસ્વસ્થ થઈ જાય છે. પછી તરત તેના ચિત્તમાં તેની પત્ની રેશમને મેળામાં મળ્યો, રેશમનાં લગ્ન રૂમાલના છાપરા નજીક રહેતા શના નાયકા સાથે થયેલા, ત્યાંથી રેશમ-રૂમાલ ભાગીને રેશમના ઘરે આવ્યાં હતાં. સાસરીનાં આવ્યા પછી રૂમાલે રિવાજ પ્રમાણે શનાને લગ્નના પેટે પાંચસો રૂપિયા આપ્યા હતા અને એ માટે મુખીને ત્યાં બે વર્ષ સુધી દિવસ રાત રૂમાલ-રેશમે મજૂરી કરી હતી. રૂમાલના અસ્વસ્થ થવાનું કારણ એ હતું કે મુખીને ત્યાં સભા ભરાઈ હતી એમાં એના પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ગામના પાદરવાળો આંબો કેરીઓ સાથે ચાર દિવસમાં સુકાઈ ગયો. આરોપ લગાડવા પાછળ બે કારણો હતાં. એક તો એ કે રૂમાલનો સસરો તળસી ડોહો ભુવો હતો અને એને રૂમાલને પણ ભુવો બનાવીને જંતરમંતર શીખવ્યાં હતાં. બીજું કારણ એ હતું કે રૂમાલે આ વર્ષે કંસાર ખાવાની ના પાડી હતી. અખાત્રીજના દિવસે કંસાર ખાઈને એ માણસ એક વર્ષ માટે ખેતરમાં મજૂરી માટે બંધાયેલો રહે આવી પ્રથા આદિવાસીઓમાં હતી. મૂળજીના વચમાં પડવાથી રૂમાલ બચી ગયો હતો. મૂળજી એ ગામનો કણબી હતો. લગ્ન પહેલાં રેશમ સાથે એના પ્રેમ સંબંધ હતા પણ પકડાઈ જવાથી રેશમને સજા થઈ અને મૂળજીની વિધવા મા માલીએ એને પરણાવી દીધો હતો. રૂમાલે જોયું અને અનુભવ્યું હતું કે આ લોકો કારણ વિના છાપરાંવાળાઓને મારતા, શોષણ કરતા, મજૂરી કરાવતા અને ગરજ પડે મીઠું મીઠું બોલીને કામ કઢાવતા. એક વાર જીવન વિશે વિચારતા તળસી ડોહો ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે તે વિચારે છે કે રોટલા રડવા એ પહેલાં અને આજે કેટલું મુશ્કેલ છે. કણબીઓ એટલું જ અનાજ આપતા જેનાથી બે છેડા ભેગા થાય. ઉપરથી આખું વર્ષ મજૂરી કરીએ તો પણ દેવું ચૂકવાય નહિ અને દેવું ચૂકવવા માટે એક વર્ષ ફરી ગુલામ બનીને મજૂરી કરવી પડતી. આમ આ ચક્ર સતત ચાલ્યા કરતું. બધા નાયકા જેવો રૂમાલ ન હતો. પોતે મજૂરી કરે છે ગુલામ નથી એવી સભાન અવસ્થામાં તે જીવતો હતો અને અન્યાયની સામે પ્રતિકાર કરતો. રૂમાલને અંદરથી એમ થયું કે તે બીજા ગામ જતો રહે પણ બધે જ આવું હતું કદાચ આનાથી પણ ખરાબ.. રેશમ દેખાવડી હતી તેથી મોટા ઘરની વહુઓ એને તિરસ્કાર ભરી નજરે જોતી. અહીંયાં કહેવાતા મોટાઘરની સ્ત્રીઓની માનસિકતા પ્રગટે છે. રેશમના દેખાવને લીધે ગામના સવર્ણો એના પર ખરાબ નજરથી જોતા હતા અને આ વાત રૂમાલ અને રેશમ બંનેને ખબર હતી. કેમ કે મજૂરોની કેટલીય સ્ત્રીઓ સાથે બળજબરીથી કણબીઓ સબંધ બનાવતા. રૂમાલને નાનપણની એક ઘટના યાદ આવે છે કે, તેના પિતા બુધા નાયકાને બાપુએ કીધેલું કે આજે રાત્રે તારી પત્ની પુનીને મોકલજે. બુધો મોકલી ના શક્યો. જેના લીધે બાપુએ એને નેતરની સોટીએ ને સોટીએ એટલો મારેલો અને પેઢુમાં લાત વાગતાં બુધો મરી ગયો હતો. પિતાના મૃત્યુ પછી માને ઠાકરાણા સાથે સૂતેલા રૂમાલે જોઈ હતી. ઇન્દિરા આવાસનાં છ ઘરો બાંધકામ માટે મંજૂર થયાં હતાં. જેમાં સરપંચ, મુખી અને મતાદાર વચ્ચે હતા. રૂમાલને એક ઘર આપવાની વાત કરી પણ ઘર બાંધવા માટે મજૂરી કરવી પડશે એમ કહીને મફતમાં મજૂરી કરાવી લીધી અને સરકારના આવેલા રૂપિયા ખાઈ ગયા અને ઘર એમને ત્યાં ખેતરમાં કામ કરતા ‘જણ’ને આપ્યું. જેને મજૂરી નથી કરી એવાને ઘર મળતાં અને પોતે દિવસ રાત મજૂરી કરવા છતાં ઘર ના મળતાં રૂમાલ ગુસ્સે થઈને ફરિયાદ કરવા જાય છે પણ કશો ફરક પડતો નથી. અખાત્રીજની રાત્રે છાપરામાં અને કણબીના મહોલ્લામાં કોણે ક્યાં કંસાર ખાધો એની વાત ચાલતી હતી. મુખી કહે રૂમાલ્યો બહુ ઊડે છે એને સીધો કરવો પડશે. તે રત્ના બરિયાને બોલાવે છે અને રૂપિયા આપીને કહે છે કે, રોજ રાત્રે દસેક વાગે છાપરેથી નીકળીને રૂમાલ્યો સીમમાં માળે સૂવા જાય છે તો ત્યાં એને ઢોર માર મારજે અને બને તો રાત્રે દારૂ પીવડાવીને જ લઈ જજે. જેથી મારવામાં વાંધો ના આવે. પણ યોજના મુજબનું ન બન્યું અને રૂમાલ બચી ગયો. રૂમાલને સમજાઈ ગયું હતું કે સાંજે એને કેમ દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને આ કામ મુખીનું છે માટે હવે તે મુખીને સબક શીખવાડવા માગે છે. થોડા દિવસ પછી ગામ, છાપરાં અને આખા પરગણામાં વાત ફેલાઈ હતી કે ગઈ કાલે રાત્રે મુખીને એમના ખેતરમાં હરાયા આખલાએ માર્યો. બધા અલગ અલગ વિચારતા હતા કે સીમમાં આખલો તો છે નહિ અને શરીર પર માર જોતાં તો કોઈ માણસે માર્યો હોય એવું લાગતું હતું પણ અંદરોઅંદર સમજતા લોકો કશું બોલ્યા નહિ. રેશમને શંકા ગઈ હતી કે આ કામ રૂમાલનું જ હોવું જોઈએ. મુખી રાત્રે ખાટલા પર સૂતો હતો એના મોઢે બાંધીને રૂમાલ મુખી પર તૂટી પડે છે અને બધો ગુસ્સો ઉતારી દે છે. મુખીને ખબર પડી જાય છે કે આ રૂમાલ છે ત્યારે રૂમાલ મોઢે રાખેલું કપડું હટાવીને કહે છે કે મારું નામ લીધું છે તો દેદાવાડેથી આવીને ટાંટિયા ભાગી નાખીશ. લાજના માર્યા મુખીએ કોઈને કશું કીધું નહીં. છાપરાવાળા બધા લોકોનાં ખબર જોવા ગયા પછી રૂમાલ-રેશમ મુખીની ખબર જોવા જાય છે ત્યારે રૂમાલ કહે છે કે, બોલ્યું ચાલ્યું માફ કરજો અને ભગવાને ધાર્યું હશે તો આપડે મળીશું. આમ કહીને રૂમાલ-રેશમને લઈને કાયમ માટે તેના વતન દેદાવાડ જતો રહે છે. અહીંયાં નવલકથા પૂરી થાય છે. પોતાની નવલકથા વિશે મણિલાલ હ પટેલ કહે છે કે, “જીવન અને જગત, માણસ અને તળપદ બધું બદલાઈ ગયું છે. આજના સર્જકે બદલાયેલા તળપદની, એની સંક્રાન્તિની, એની સમસ્યાઓની વાત કરવાની છે. મેં ત્રણત્રણ દાયકા સુધી આ નાયકાઓને આપદાઓ વચમાં ય નાચતા ગાતા અને જીવતરને કશાય ભાર વગર જીવતા જોયા છે. એમનાં છોરાં-છૈયાં ઉપર અને છાપરાંમાં મંડરાતાં અંધારાં જોયાં છે. પરિવેશ અને ભાષિક-ચેતના સમેત માણસની, એની સચ્ચાઈની વાત કરવાની મારી અંતરની આરતથી મેં ‘અંધારું’ નવલકથાનું સર્જન કર્યુ છે.”

પાર્થકુમાર બારોટ
B.A., M.A. (Gold Medalist), Ph.D. (Running)
ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૨૦૦૧૧૨૪૧૯
Email: bparth૫૧૭@gmail.com