નવલકથાપરિચયકોશ/એમ.એ. બના કે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?

૧૩

એમ.એ. બના કે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી? : અમૃત કેશવ નાયક

– બીરેન કોઠારી

૧૯૦૮માં પ્રકાશિત આ નવલકથા અગાઉ ‘ગુજરાતી’ સામયિકમાં ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ હતી. તેના લેખકનું મૃત્યુ ૧૯૦૭માં થયું એ પછી આ નવલકથાનું પુસ્તકાકારે પ્રકાશન ‘ગુજરાતી પ્રેસ’ દ્વારા જ કરવામાં આવ્યું. આથી આ નવલકથામાં લેખકની પ્રસ્તાવના સાંપડી શકી નથી. આ નવલકથા વિશે વાત કરતી વખતે તેના લેખક વિશે જાણકારી આવશ્યક બની રહે છે. નાટ્યકાર, દિગ્દર્શક, કવિ અને લેખક અમૃત કેશવ નાયકે માત્ર અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં પોતાના નટજીવનનો પ્રારંભ કર્યો હતો. એ પછી નવી ‘આલ્ફ્રેડ નાટક મંડળી’માં તેઓ દિગ્દર્શક બન્યા. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની પહેલ તેમણે કરેલી. તેઓ ધંધાદારી રંગભૂમિના ગીતલેખક અને સંગીતવિશારદ હતા. નાટકની આવી પૃષ્ઠભૂમિ ધરાવનાર વ્યક્તિ નવલકથા લખે ત્યારે તેમાં નાટકની અસર પડઘાયા વિના રહે ખરી! ‘ગુજરાતી’માં આ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થતી હતી તેની સમાંતરે ‘જહરી સાંપ’ નાટકનું રિહર્સલ પણ ચાલતું હતું. આવા માનસિક વ્યાયામને કારણે તેમનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું. પરિણામે આ નવલકથાનો અંતિમ હિસ્સો તેમના હિતેચ્છુ અને મિત્ર ઠક્કુર નારાયણદાસ વિસનજીને ડિક્ટેશન આપીને લખાવવો પડ્યો હતો. ૧૮૬૬માં પહેલવહેલી ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’ પછી મુખ્યત્વે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી નવલકથાઓ વધુ પ્રમાણમાં લખાતી હતી. ૧૮૮૭માં પ્રકાશિત ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત ‘સરસ્વતીચંદ્ર’ વિશાળ સામાજિક ફલક ધરાવે છે. આવા માહોલમાં તત્કાલીન શિક્ષણપદ્ધતિની નિરર્થકતા દર્શાવતી નવલકથા ‘એમ.એ.બના કે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ વિષયવસ્તુની દૃષ્ટિએ વિશિષ્ટ બની રહે છે. પચાસ પ્રકરણોમાં લખાયેલી આ કથાનો આરંભ નાટ્યાત્મક ઢબે થાય છે. લાહોરની ગવર્નમેન્ટ કૉલેજના બોર્ડિંગ હાઉસના એક ઓરડામાં કથાનાયક માણેકચંદ એમ.એ. પાંચ સાત પત્રોનાં પેકેટ લઈને બેઠેલો છે. એક પછી એક પત્ર ખોલીને તેમાં લખેલા જવાબ તે વાંચે છે ત્યારે વાચકને સમજાય છે કે તેણે નોકરી માટે કરેલી અરજીના એ પ્રત્યુત્તર હતા, જેનો સાર એક જ હતો : એમ.એ. જેવું, એ સમયે ઉચ્ચ ગણાતું ભણતર હોવા છતાં તેના લાયક કોઈ નોકરી નથી. કથા આગળ વધે છે અને એક પારસી વેપારીની દુકાનમાં તેને નોકરી મળે છે. એ દુકાનદારની દીકરી જર ભણેલી, આધુનિક અને અંગ્રેજી આવડતું હોય એવી છે. માણેક પરણેલો છે અને તેની પત્ની ગામમાં છે. સાસુ-સસરા તેની બરાબર દરકાર રાખતાં ન હોવાથી તેનું શરીર ક્ષીણ થવા માંડે છે. પારસી શેઠને ત્યાં નોકરી કરતો માણેક પણ બીમાર પડે છે ત્યારે શેઠની દીકરી જર તેની દરકાર લે છે અને હવાફેર માટે કાશ્મીર લઈ જાય છે. બીમારી અને અશક્તિને કારણે માણેકની પત્નીનું અવસાન થાય છે. જરનો પતિ માણેકજી એક જહાજમાં જાપાન ગયો હોય છે અને જહાજ ડૂબી જવા છતાં તે બચી જાય છે. આ સમાચાર મળતાં જર માણેકચંદને પોતાના સંદેશા સાથે જાપાન મોકલે છે. માણેકજીના સંપર્કમાં આવેલી જાપાની યુવતી કોમરાસ્કીને માણેકચંદના જ્ઞાનથી અંજાય છે અને તેને એનામાં રસ પડે છે. માણેકચંદ જાપાનથી ભારત પાછો આવવા નીકળે છે અને તેની સ્ટીમર ડૂબે છે. એ જ સ્ટીમર પરના એક મુસાફર સ્વામી રામતીર્થ એમ.એ. તેને ઉગારે છે. માણેકચંદ હવે સ્વામી રામભજન એમ.એ.ની ઓળખ ધારણ કરે છે. દેશદાઝ ધરાવતો રામભજન સ્વાત્માર્પણમાં દેશહિત જુએ છે. કથાના અંતે સ્વામી રામભજન પોતાના ગુરુ, સ્વામી રામતીર્થની સાથે યોગનો અભ્યાસ વધારવા માટે હિમાલય તરફ ઊપડી જાય છે. કથાના અંતે અપાયેલા ઉપસંહારમાં લેખકે જણાવ્યું છે કે પંજાબ, બંગાળ અને મહારાષ્ટ્ર દેશના આંગ્લવિદ્યાની પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયેલા તરુણો કાંઈ પણ સ્વદેશોન્નતિની દિશામાં પ્રયત્ન કરતા આપણા જોવામાં આવે છે, તેટલું શૌર્ય ગુજરાતીઓમાં દેખાતું નથી. તેઓ ઉપદેશ આપે છે કે વિદ્યાવિભૂષિત થયેલા તરુણોએ સરકારી નોકરી અને (વકીલ બારીસ્ટર જેવા) આવા નીચ વ્યવસાયોમાં ન પડતાં, વ્યાપાર-કળા-સાયન્સ અને કૃષિકર્મ વિદ્યા આદિની ઉન્નતિના વ્યવસાયોમાં વધારે પ્રવીણતા મેળવી તેની ખીલવણી કરીને બને તેટલો સ્વદેશોન્નતિનો પ્રયત્ન કરવો. આ શીખની સાથે તેઓ સ્વામી વિવેકાનંદના ઉપદેશનો એક દીર્ઘ અંશ મૂકે છે. ઉચ્ચ અંગ્રેજી કેળવણી પ્રાપ્ત કરવા છતાં માણેકચંદ ખોટા સુધારામાં તણાઈ જવાને બદલે પોતાનું દેશાભિમાન જાળવી રાખે છે, કરોડોની મિલકત મળવા છતાં તે જાપાની નથી થતો અને પોતાના દેશના ભલાની જ દિલમાં દાઝ રાખે છે એ બાબત લેખકના મતે નાયકનો સૌથી મહત્ત્વનો ગુણ છે અને એવી દેશદાઝ સર્વના હૃદયમાં એક સરખી રીતે થવી જોઈએ એમ તેઓ માને છે. સમગ્રપણે જોતાં આ નવલકથામાં નાટ્યતત્ત્વની પ્રબળ અસર અનુભવાય છે. કથામાં વચ્ચે વચ્ચે આવતી પંક્તિઓ, બેતબાજી, શેઅર, કાવ્ય, સંસ્કૃત શ્લોક આવતાં રહે છે, જે કથાનાં પાત્રોનાં મુખે પણ છે, તેમ લેખકે પોતે પણ ટાંક્યાં છે. નવલકથાનાં મોટા ભાગનાં પાત્રો આ શૈલીનો ઉપયોગ કરે એ નાટક સિવાય બીજે ક્યાં શક્ય બને! નાટકમાં જેમ વિવિધ બોલીઓના વિરોધાભાસથી હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે એ જ રીતે આ નવલકથામાં વિવિધ બોલી ધરાવતાં પાત્રો છે. ઘણાં પાત્રો પારસી હોવાથી બોલીનું પ્રાચુર્ય છે. કેટલાંક સ્થળોનાં વર્ણન અને તેનો ઐતિહાસિક સંદર્ભ કદાચ કથાની કે પાત્રની પૃષ્ઠભૂમિ દર્શાવવાના હેતુથી મુકાયાં હશે, પણ મોટે ભાગે તે ખૂબ લાંબાં અને અપ્રસ્તુત જણાય છે. જેમ કે, વાર્તાનું એક પાત્ર જાપાનમાં છે. તે કયા સંજોગોમાં જાપાનમાં છે એ દર્શાવવા માટે જાપાનના ઇતિહાસને પૂરાં ત્રણ પ્રકરણ ફાળવવામાં આવ્યાં છે, જેમાં ઈસવી સન પૂર્વેથી લઈને ઓગણીસમી સદીની આખર સુધીનો ઇતિહાસ આવરી લેવામાં આવ્યો છે. આ ત્રણ પ્રકરણમાં નવલકથાના કોઈ પાત્રનો કે સંદર્ભનો ઉલ્લેખ નથી. વાર્તાનાં પાત્રો કાશ્મીરના પ્રવાસે જાય છે ત્યારે તેમાં બે આખેઆખા ફકરા અન્ય કોઈ પ્રવાસીએ લખેલા કાશ્મીરના વર્ણનના મૂકી દેવામાં આવ્યા છે. છેલ્લાં ચાર પ્રકરણોમાં માણેકચંદે લાહોરમાં ‘નગદ ધર્મ’ પર આપેલું વક્તવ્ય પથરાયું છે, જેમાં ભારતવર્ષની મહત્તા સ્થાપિત કરવામાં આવે છે. આવી વિવિધ બાબતો નિઃશંકપણે કથાપ્રવાહને રુંધે છે અને સાતત્ય જળવાતું નથી. એમ ઘણે ઠેકાણે આલેખન મુખર બને છે. આમ છતાં એ હકીકત ધ્યાનમાં રાખવી રહી કે ગુજરાતી નવલકથાનો એ આરંભિક કાળ હતો અને તેનું સ્વરૂપ ઘડાવાની પ્રક્રિયા હજી ચાલુ હતી. નવલકથાના શીર્ષક અનુસાર તેમાં ‘એમ.એ.’ જેવા ઉચ્ચ શિક્ષણની વ્યર્થતા જરૂર દર્શાવાઈ છે, પણ એ વ્યર્થતા કરતાં ભારતીય સામાજિક પૃષ્ઠભૂમિના સંદર્ભે અપ્રસ્તુતતા કહી શકાય. અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ પોતાનો દેશપ્રેમ, શિક્ષણસુધારણા, સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન અને કોંગ્રેસ જેવાં દેશોન્નતિનાં કાર્યોમાં આગળ પડતો ભાગ લેવો તેમના માટે મહત્ત્વનો છે. અંગ્રેજી કેળવણીના ‘ખોટા સુધારા’માં તણાઈ જવું તેમના મતે અવગુણ છે. મૂળ પુસ્તક ૧૯૦૮માં પ્રકાશિત થયા પછી ૧૯૨૩માં છોટુલાલ દ્વિવેદી દ્વારા કરાયેલો તેનો હિન્દી અનુવાદ પુસ્તકભવન, બનારસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગુજરાતી પુસ્તકનું પુનર્મુદ્રણ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લેખકના આ અગાઉ ‘પ્રાણપરિવર્તન’ (હિંદી) અને ‘મરિયમ (નવલકથા) એમ બે પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. આ ઉપરાંત ઉપોદ્ઘાતમાં ‘ભારત દુર્દશા નાટક’ તેમજ કેટલાક પ્રકીર્ણ લેખોનો સંગ્રહ છપાઈ રહ્યો હોવાનો ઉલ્લેખ છે. એમ ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ તથા ‘નાદિરશાહ’ પુસ્તકો અધૂરાં રહી ગયાં હોવાનું જણાવાયું છે. ઠક્કુર નારાયણદાસ વિસનજીએ જણાવ્યા મુજબ આ વાર્તા આજકાલના વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં કેટલી બધી ખામીઓ સમાયલી છે અને એથી કેટલીક વાર વિદ્યાર્થીઓને કેવી કેવી પ્રાણહારક હાનિઓ સહન કરવી પડે છે, ઇત્યાદિ વિષયોનું સ્પષ્ટીકરણ કરવાના મુખ્ય ઉદ્દેશથી જ લખાઈ હતી અને મૂળ લેખકે પોતાના તે ઉદ્દેશને સારી રીતે સિદ્ધ કરી બતાવ્યો છે, એમ વાર્તાના વાંચન પછી સમસ્ત વાચકોનો નિશ્ચય થઈ ચૂક્યો છે.

બીરેન કોઠારી
લેખક (જીવનચરિત્રકાર), સંપાદક, અનુવાદક, બ્લૉગર,
‘સાર્થક જલસો’ છમાસિકના સહસંપાદક.
વડોદરા
મો. ૯૮૯૮૭૮૯૬૭૫ Emailઃ bakothari@gmail.com