નવલકથાપરિચયકોશ/કદલીવન

૩૨

‘કદલીવન’ : વિનોદિની નીલકંઠ

– આશકા પંડ્યા
Kadalivan.jpg

(‘કદલીવન’, પ્ર. આ. ૧૯૪૬, બી. આ. ૨૦૦૧, ગૂર્જર પ્રકાશન) સર્જક પરિચય : સર્જક રમણભાઈ અને વિદ્યાગૌરી નીલકંઠનાં દીકરી અને ગુજરાતીના પ્રથમ મહિલા નવલકથાકાર વિનોદિની બહેનનો જન્મ અમદાવાદમાં (જન્મ : ૦૯/૦૨/૧૯૦૭, મૃત્યુ : ૨૯/૦૯/૧૯૮૭) થયો હતો. નિબંધકાર, નવલિકાકાર, બાળસાહિત્યકાર વિનોદિનીબહેને અંગ્રેજી મુખ્ય વિષય અને ગુજરાતી ગૌણ વિષય સાથે ગુજરાત કૉલેજ, અમદાવાદમાંથી બી. એ. (ઈ. ૧૯૨૮) કર્યું. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક (ઈ. ૧૯૩૦, સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષય)ની ઉપાધિ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા. ‘આરસીની ભીતર’ (ઈ. ૧૯૪૨), ‘કાર્પાસી અને બીજી વાતો’ (ઈ. ૧૯૫૧), ‘દિલ દરિયાવનાં મોતી’ (ઈ. ૧૯૫૮), ‘અંગુલીનો સ્પર્શ’ (ઈ. ૧૯૬૫) નવલિકાસંગ્રહો; ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ (સંશોધન), ‘રસદ્વાર’ (નિબંધસંગ્રહ), ‘ઘરઘરની જ્યોત ભાગ-૧થી ૪’ (પ્રસંગચિત્રો), ‘વિદ્યાગૌરી નીલકંઠ’ (જીવન ચરિત્ર), ‘નિજાનંદ’ (પ્રવાસ ચિત્રો), ‘પરાજિત પૂર્વગ્રહ’ (‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઇસ’નો ગુજરાતી અનુવાદ), ‘મેંદીની મંજરી’ (ઈ. ૧૯૫૬), ‘શિશુરંજના’ (ઈ. ૧૯૪૭) બાળવાર્તાસંગ્રહો તેમની પાસેથી મળે છે. ‘કદલીવન’ એ તેમની પ્રથમ નવલકથા છે. કૃતિ પરિચય : સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી ‘કદલીવન’માં ૧૮ પ્રકરણ અને ૧૫૫ પૃષ્ઠ છે. સર્જકે દરેક પ્રકરણને શીર્ષક આપ્યું છે. તેમણે કૃતિ પિતાજી રમણભાઈને અર્પણ કરી છે. કૃતિના આરંભે ‘મારો બચાવ’ નામથી લખેલી કેફિયતમાં તેઓ કૃતિસર્જન પાછળની પોતાની મનઃસ્થિતિ જણાવે છે. એ મુજબ તેમની આઠ માસની પુત્રીનું અચાનક અવસાન થતાં તેમની મનઃસ્થિતિ ડામાડોળ થઈ. એ વેળાએ દિલ બહેલાવવા પ્રેમાનંદના ‘નળાખ્યાન’ના પાનાં ફેરવતાં, ‘કદલીસ્થંભ જુગલ સાહેલડી/ વચ્ચે વૈદર્ભી કનકની વેલડી’ પંક્તિઓ તેમના મનમાં રમવા લાગી. તેમાંથી સ્વાતિ અને યામિની જેવી સુંદર સખીઓ વચ્ચે ઊભેલી નવલની નાયિકા રાધા અને ‘કદલીવન’ની સૃષ્ટિ રચાઈ. આ કૃતિએ તેમને બચાવી લીધાં. અંગત કરુણમાંથી ‘નારી સંવેદન’ની આ નવલસૃષ્ટિનો જન્મ થયો. પ્રથમ પ્રકરણમાં (જનમ-મરણ) નાયિકા રાધાને જન્મ આપી મા રેવા મૃત્યુ પામે છે અને અંતિમ પ્રકરણમાં (મૃત્યુના મુખમાંથી) આગમાંથી રાધા બચે છે પણ પુત્રતુલ્ય ઝીણકો મૃત્યુ પામે છે. રાધાના નવા જન્મ સાથે કૃતિ પૂરી થાય છે. કૃતિના આરંભ સાથે અંત જોડાઈને કૃતિનું વર્તુળ પૂર્ણ થાય છે. રાધા, સ્વાતિ અને યામિની – આ ત્રણ કુંવારી સુંદર કન્યાઓ કથાના કેન્દ્રસ્થાને છે. મનોહર શેઠની પુત્રી સ્વાતિ રાધાથી એક વર્ષ મોટી અને વર્ણમાં વધુ ગોરી છે. પ્રભાકર વકીલ અને વસુબહેનની(મનોહર શેઠનાં બહેન) પુત્રી યામિની રાધાથી ત્રણ વર્ષ નાની અને ત્રણેયમાં સૌથી વધુ ગોરી છે. રાધા શેઠના ડ્રાઇવર ગોવિંદસિંહની પુત્રી છે. આ ત્રણનાં લગ્નનો પ્રશ્ન કૃતિના કેન્દ્રસ્થાને છે. ત્રણેય શેઠનાં નિઃસંતાન વિધવા ઉમિયામાસી પાસે ઊછરી છે. રાધાના જન્મના ત્રણ દિવસ બાદ રેવાનું મૃત્યુ થતાં ઝમકુ ડોશી રાધાને પ્રેમથી ઉછેરે છે. રાધા પાંચ વર્ષની થાય ત્યારે ઝમકુ ડોશી પોતાની અંતિમ ક્ષણોમાં પોતાના દાગીના અને રોકડ રૂપિયા રાધાનાં લગ્ન માટે ગોવિંદને આપી દઈ (નવલકથાના બીજા જ પ્રકરણમાં) મૃત્યુ પામે છે. ત્યાંથી રાધાના જીવનમાં ઝમકુ ડોશીનું સ્થાન ઉમિયા માસી લે છે. સ્વાતિ અને યામિની ઉચ્ચ વર્ગની છે પણ રાધાના સ્વભાવ અને વ્યકિતત્વને કારણે કદલીવનના શ્રીમંત વર્ગના સમાજમાં એનો સહજ સ્વીકાર થાય છે. સ્વાતિની સ્વર્ગીય માતાની સખી વિધવા મધુબેનનો પુત્ર સોહન રાધા પ્રત્યે આકર્ષાય છે. તે રાધાથી ૪ વર્ષ મોટો છે. સ્વાતિને રાધા સાથે સ્પર્ધા છે. તે પણ સોહનથી આકર્ષાઈ છે. પિતાની પણ સંમતિ છે. રાધા ને સોહન લગ્ન કરવાના છે એ વાત જાણી સ્વાતિ રાધા પ્રત્યેની ઈર્ષા અને રોષમાં ચંદુલાલની ભલામણ દ્વારા મુંબઈના શ્રીમંત કરસનદાસના પુત્ર શરદચંદ્ર સાથે ઉતાવળે લગ્ન કરી લે છે. પ્રથમ રાતે જ શરદચંદ્રની જાતીય નિર્બળતાની વાત જાણી એ આઘાતમાં સ્વાતિ બીજી એથી પણ વધુ ભયાનક ભૂલ કરે છે. એ આશ્વાસનના રૂપે તેને ભોગવવા ઉત્સુક લંપટ ચંદુલાલને અભાનપણે પોતાનો દેહ સોંપીને સગર્ભા થાય છે. ચંદુલાલે પોતાનું ધન અને પુત્રીની આબરૂ લૂંટી એ જાણી મનોહર શેઠ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. તેમને બચાવવા જતાં સ્વાતિને ગર્ભપાત થાય છે. રાધા માટે પ્રેમ એટલે સરળતા, સ્વાતિ માટે પ્રેમ એટલે સ્પર્ધા અને યામિની માટે પ્રેમ એટલે સ્વતંત્રતા. ઉચ્ચવર્ગની યામિની કૉલેજના સહાધ્યાયી વાળંદના તેજસ્વી પુત્ર બાલકરામને ચાહે છે. પિતાની નામરજી છતાં તેનો બાલકરામ સાથે ૧૮ વર્ષ પૂર્ણ થયા બાદ લગ્ન કરવાનો નિર્ણય અફર છે. આ માટે સ્વેચ્છાએ ગૃહત્યાગ કરી, એક માસ વડપીપળીમાં ગુપ્તવાસ કરે છે. પોતાનો આ નિર્ણય ઉમિયામાસી, બાલકરામ અને માતાપિતાને પત્ર લખીને જણાવે છે. (પ્રકરણ-૧૦ ‘પત્રોની પરમ્પરા’માં આ ત્રણેય પત્રો છે.) કૃતિને અંતે બાલકરામ સિવિલ સર્વિસની પરીક્ષા માટે ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજ જવાનો અને યામિની ઑક્સફર્ડ જવાનો નિર્ણય લે છે. ત્યાંથી પાછા ભારત આવી બંને સમાજની સાક્ષીએ જ લગ્ન કરવાનો નિર્ણય લે છે. રાધા અને સોહન બારડોલી સત્યાગ્રહમાં જોડાય છે. આગમાંથી બચેલી રાધા પોતાના માથે સોહનનો હાથ ફરતો જોઈ મીઠું મલકી સૂઈ જાય છે ત્યાં નવલકથા પૂર્ણ થાય છે. નવલકથા રાધાના જન્મ સાથે શરૂ થાય છે. અંતિમ પ્રકરણમાં બારડોલી સત્યાગ્રહનો પ્રસંગ છે અને સ્થળ બારડોલી છે. રાધાનો કૉલેજનો અભ્યાસ પૂરો થાય છે ત્યારે રાધા ૨૦-૨૧ની હોય છે. બારડોલી સત્યાગ્રહનો સમય ૧૯૨૮ છે. એટલે રાધાનો જન્મ ૧૯૦૭-૦૮માં થયો હોય. આમ, કૃતિમાં લગભગ ૨૦ વર્ષનો સમય (૧૯૦૭ થી ૧૯૨૮) આલેખાયો છે. સર્જકની સમયની સૂક્ષ્મસૂઝ નોંધપાત્ર છે. રાધા અને સોહનની પ્રથમ મુલાકાતવેળાએ સોહન ૧૪ વર્ષનો અને રાધા ૧૦ વર્ષની છે. પ્રેમની અનુભૂતિવેળાએ રાધા ૧૪ની અને સોહન ૧૮નો છે. ત્યારે સોહન રાધાને ચુંબન અને વીંટીની ભેટ આપી લગ્નનો પ્રસ્તાવ રજૂ કરે છે. બંને કૉલેજકાળમાં જ ગાંધીજીના આંદોલનમાં જોડાય અને કૉલેજ પૂર્ણ થાય ત્યાં તો બારડોલી સત્યાગ્રહમાં જોડાઈ જાય. નવલકથામાં મુખ્ય પરિવેશ અમદાવાદના શાહીબાગમાં આવેલ કદલીવન નામના કાલ્પનિક સ્થળનો છે. અન્ય સ્થળોમાં રાધાનું ગામ વડપીપળી અને બારડોલી છે. કદલીવનમાં સમાજના મનોહર શેઠ જેવા શ્રીમંતો રહે છે. વડપીપળીમાં ગોવિંદ અને તેનાં કુટુંબીજનો રહે છે. યામિની ગુપ્તવાસ માટે વડપીપળી જાય છે. અંતે મનોહર શેઠ અને સ્વાતિ પણ કદલીવન છોડી વડપીપળી જાય છે. કદલીવનનું વિસર્જન, બારડોલી સત્યાગ્રહ તથા યામિની-બાલકરામ વડે નવ ભારતના નિર્માણ તરફ (નાત-જાત, અમીર-ગરીબ જેવા ભેદભાવથી મુક્ત) સર્જક સંકેત કરે છે. પાત્રોની દૃષ્ટિએ જોઈએ તો, કૃતિમાં નાનાંમોટાં ૧૮ સ્ત્રીપાત્રો અને ૧૪ પુરુષપાત્રો છે. રાધા, સ્વાતિ અને યામિની ઉપરાંત ઝમકુ ડોશી અને ઉમિયામાસી મહત્ત્વનાં સ્ત્રી પાત્રો છે. સ્વાતિની ભાભી હસમુખનું (મનોહર શેઠના પુત્ર આનંદમોહનની પત્ની) પાત્ર નાનું હોવા છતાં ધ્યાનપાત્ર બને છે. તે સગર્ભા સ્વાતિના સંતાનને, પોતાનું સંતાન બતાવીને, ઉછેરવાનો વ્યવહારુ નિર્ણય લઈ સ્વાતિની બદનામી ન થાય એવો માર્ગ શોધે છે. ઝમકુ ડોશી અને ઉમિયામાસી (બંને નિઃસંતાન વિધવા) પારકાં જણ્યાંને પેટનાં જણ્યાં કરી વાત્સલયથી જાળવે છે. આ બંને વિશે વાત કરતા નિરંજન ભગત યોગ્ય જ લખે છે કે, “નવલકથાકારે આ બન્ને વૃદ્ધ નિઃસંતાન વિધવાઓનાં પાત્રો – સવિશેષ ઉમીયામાસીના પાત્ર–નું અપાર અનુકંપાથી, ઋજુતા અને મૃદુતાથી આલેખન કર્યું છે.” પુરુષ પાત્રોની વાત કરીએ તો, મનોહર શેઠ, ચંદુલાલ, પ્રભાકર અને શરદચંદ્ર શ્રીમંત વર્ગના અને દારૂ, દારા અને દોલત પૈકી કોઈ એકના ગુલામ છે. મનોહર શેઠે જવાનીમાં વ્યાભિચાર કર્યો હતો. હવે પૈસાની પાછળ દોડે છે. પ્રભાકરને વાળંદ સ્ત્રી સાથે આડા સંબંધથી પુત્ર છે. ચંદુલાલ કપટી, લોભી, બ્લેકમેઇલર, તકસાધુ અને વાસના લોલુપ છે. તે સ્વાતિનું જીવન બરબાદ કરે છે. સોહન અને બાલકરામ નવી પેઢીના તેજસ્વી યુવાનો છે. પરંતુ એકંદરે કૃતિમાં સ્ત્રી-પાત્રો વિશેષ તેજસ્વી, વૈવિધ્યસભર જણાય છે. યામિની નવા યુગની માનિનીરૂપે જોવા મળે છે. સ્વાતિ ઈર્ષ્યાળુ યુવતી છે. સ્ત્રી અહીં પુત્રી, સ્વાતંત્ર્યસેનાની, પ્રેયસી, પત્ની અને માતા એમ અનેક સ્વરૂપે જોવા મળે છે. સર્જકની ભાષા વિશે બળવંતરાય ઠાકોર લખે છે, “નર્યો ગદ્યનો પટ ઊકલતો આવે છે જેમાં બુટ્ટાબુટ્ટી જેવાં અલંકરણ અતિવિરલ છે તથાપિ તે સમુચિત ઘાટઘૂટાળી સાહિત્યરચના છે, અર્થાનુસારી, ભાવપોષક, આવેશને આવકારતી અને વિવિધ કલાશક્તિવાળી.” નિરંજન ભગત ‘કદલીવન’ વિશે લખે છે, “ ‘કદલીવન’ એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સ્ત્રીએ રચી હોય એવી પ્રથમ નવલકથા છે... ‘કદલીવન’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક લઘુ પ્રશિષ્ટ ગ્રંથ (minor classic) તરીકેનું અધિકારપૂર્વકનું ગૌરવભર્યું સ્થાન, માન અને સન્માન પ્રાપ્ત કરશે.”

આશકા પંડ્યા
નવલકથાકાર, વિવેચક
aashkapandya@gmail.com