નવલકથાપરિચયકોશ/છેલ્લી સલામ

૩૯

‘છેલ્લી સલામ’ : ગુણવંતરાય આચાર્ય

– ખુશ્બુ સામાણી
Chelli salam.jpg

લેખક પરિચય : ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય જન્મ : ૯ સપ્ટેમ્બર ૧૯૦૦ – અવસાન : ૨૫ નવેમ્બર ૧૯૬૫ વતન : જામનગર (જેતલસર) સાહિત્યિક પ્રદાન : આચાર્યએ કાલ્પનિક નવલકથાઓ, ઐતિહાસિક નવલકથાઓ, ટૂંકી વાર્તા સંગ્રહો, સાહસિક નવલકથાઓ, યુવા વાર્તાઓ, રમૂજ અને રહસ્યમય નવલકથાઓ સહિત ૧૬૯ પુસ્તકો લખ્યાં છે. ઇનામો : રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૪૫)

ગુણવંતરાય આચાર્યકૃત ‘છેલ્લી સલામ’ પ્રથમઆવૃત્તિ : ૧૯૫૬ પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રસ્તાવના : ગુણવંતરાય આચાર્ય

દરિયાઈ અને ઐતિહાસિક નવલકથાઓના અમર સર્જક ગુણવંતરાય આચાર્યએ એમના સર્જનકાળનો પ્રારંભ ડિટેક્ટિવ સામયિક ‘બહુરૂપી’ના સંપાદનથી કર્યો હતો અને ઉત્તમ કોટિની જાસૂસીકથાઓ આપી હતી. ૬૦ના દસકામાં લખાયેલી આ રહસ્યકથાઓ આજે પણ વાચકને રોમાંચમાં તરબોળ કરી દે એવી રસપ્રદ છે અને કિશોરભોગ્ય પણ છે. એ રહસ્યકથાઓ પૈકી એમની એક નવલકથા ‘છેલ્લી સલામ’ છે. આપણે ત્યાં પૂર્વમાં જે પરંપરાગત ડિટેક્ટિવ નવલકથા જોવા મળે છે તેવા ચાલતા ચીલાથી દૂર જઈ, બલ્કે ચીલો જ અવળો કરી નાખવો ને પૂર્વને બદલે પશ્ચિમમાં જવું એવું સાહસ લેખક આ નવલકથામાં કરે છે. જેમાં લેખક ખૂની કોણ હતો એ વાતને છેક છેલ્લા પ્રકરણ સુધી અધ્યાહાર રાખવાને બદલે વાચકોને પહેલેથી જ કહી દે છે કે ખૂની કોણ હતો, ખૂન શા માટે કર્યું હતું, કેવી રીતે ક્યારે ખૂન થયું હતું – ખૂનીનું નામઠામ, ખૂનનો હેતુ, અને ખૂન કરવાની રીત વગેરે વગેરે.. પરંતુ પોલીસ કે ડિટેક્ટિવ ખૂનીને કેવી રીતે પકડી પાડે છે એ જાણવા ઉપર ઇન્તેઝારીનું તત્ત્વ રહે છે. આ નવલકથા એક આખી સળંગ વાર્તાસ્વરૂપે છે જેમાં કુલ ૧૧ સળંગ વાર્તાઓ છે. તેમજ પ્રથમ પુરુષ એકવચન ‘હું’ ના કથનકેન્દ્રથી વાર્તા નવલકથાના નાયક ‘માવજી’ દ્વારા કહેવામાં આવી છે. નવલકથામાં માવજી, માણેક, જગન્નાથ, મિ. મહેતા, મેરી, ગરબડદાસ જેવાં પાત્રો આપણને જોવા મળે છે. મુંબઈના એલેક્ઝાન્ડ્રા ડોક પર આફ્રિકાની સ્ટીમર આવી હોય છે. જેમાં જગન્નાથ આફ્રિકાથી ત્રણ વર્ષ પછી મુંબઈ આવી રહ્યો હોય છે, જેને માવજીભાઈ લેવા માટે જાય છે, જગન્નાથની પત્ની માણેકના કહેવાથી. ત્યાંથી નવલકથાની વાર્તાનો આરંભ થાય છે. માણેક અને માવજી બંને એકબીજાના પ્રેમમાં હોય છે. જ્યારથી જગન્નાથ આફ્રિકા જાય છે ત્યારથી. હવે જગન્નાથ આફ્રિકાથી પાછો આવી રહ્યો છે. જેથી પહેલી જ વાર્તાનું શીર્ષક ‘અવરોધ’ એવું છે જે દર્શાવે છે કે માણેક અને માવજીના પ્રેમમાં હવે જગન્નાથ નામનો અવરોધ આવી ગયો છે. જેને પોતાના માર્ગમાંથી કેવી રીતે દૂર કરવો તેના માટે માવજીભાઈ ઘણી યોજનાઓ બનાવે છે. તેની સાથે સાથે તે કશું ગુનો કરે જગન્નાથને પોતાના માર્ગમાંથી હટાવવા, તો પણ તેની વિરુદ્ધ કોઈ પુરાવા ના મળે તેવી યોજનાઓ માવજીભાઈ કરે છે, જેથી માણેક સાથે તે લગ્ન કરી શકે. સૌથી મુખ્ય વાત તો એ જ કે, માણેક માવજીને ઓળખે છે કે તેની સાથે માવજીના કોઈ સંબંધ છે એ જ વાત જગન્નાથની સામે ના આવે. બીજું એ કે જગન્નાથ માણેકને સામેથી જ છૂટાછેડા આપી દે એ માટે માણેકનું અફેયર ગરબડદાસ સાથે ચાલે છે જે ખાદીભંડારમાં માણેક કાર્ય કરે છે, તેનો બોસ છે, તેવું ખોટું સિદ્ધ કરવામાં આવે. તેની સાથે સાથે માવજી પણ સમાજ દેખે અને માણેક અને માવજી વચ્ચે કંઈ સંબંધ હોઈ તેવી કોઈ શંકા કરે તે પહેલાં જ એક ‘મેરી’ નામની ખ્રિસ્તી છોકરી સાથે તેને પ્રેમ છે અને ટૂંક સમયમાં જ બંને લગ્ન કરવાનાં છે તેવો ઢોંગ તે રચે છે. જોકે મેરી તેને ખરેખર જ ઘણાં વર્ષોથી પ્રેમ કરતી હોય છે જેનો ફાયદો માવજી ઉઠાવે છે અને સગપણ માટે મોંઘી વીંટી પણ મેરીને આપે છે. એક દિવસ માવજીના કહેવાથી માણેક ગડબડદાસને પોતાના ઘરે બોલાવે છે. ગડબડદાસને જગન્નાથ પોતાના ઘરે પોતાની પત્ની પાસે પલંગ પર બેઠેલો જોઈ તેના પર એ રોષે ભરાઈ, ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી ગરબડના માથામાં ઘા કરી જગન્નાથ તેને મારીને જતો રહે છે. પાછળથી માવજી આવે છે અને ગડબડદાસની બાજુમાં પિસ્તોલ જુએે છે. પિસ્તોલ જોતાં જ ગરબડદાસના માથામાં તે મારી દે છે અને તે જતો રહે છે. પિસ્તોલમાં તેની આંગળીની છાપ ન રહી જાય તે માટે તે રૂમાલ દ્વારા તેને સાફ કરી દે છે. પોલીસ તપાસ થાય છે અને તપાસ કરનાર સબ-ઇન્સ્પેક્ટર મિ. મહેતા હોય છે જે ખૂબ પ્રામાણિક છે. પુરાવાના કાયદાનો માવજીએ બરાબર અભ્યાસ કર્યો હતો જેથી દરેક ગુનાનું કાર્ય તે સંભાળીને કરે છે અને પોલીસને પણ પિસ્તોલ પર કોઈ જ નિશાન જોવા મળતા નથી. જેથી ગરબડનું ખૂન થાય છે અને તેનો આરોપ જગન્નાથ પર આવે છે. જગન્નાથની પત્ની માણેકને પણ પૂછપરછ કરવામાં આવે છે. તેના કહેવા અનુસાર જ્યારે જગન્નાથ ઘરે આવે છે અને ગરબડદાસને જગન્નાથ પિસ્તોલ મારે છે ત્યારે તે બેભાન હોય છે જેથી જગન્નાથે શું કર્યું? કેમ કર્યું? તેનો કોઈ જ ખ્યાલ નથી. માવજીએ ‘સંપૂર્ણ’ ગુનો કર્યો હતો. હેસિયત ન હતી કોઈની કે માવજી સામે નજર સરખી પણ કરી શકે. ચાલાકમાં ચાલાક પોલીસ અમલદારનેય એની તરફ નજર કરવા જેવું જ ન લાગે. સંપૂર્ણ ગુનેગાર એટલે ખરા ગુનેગારનો રજ પણ પત્તો મળે એવો કોઈ કરતાં કોઈ પુરાવો જ ન મળે ને એના સંબંધી કોઈને રજ સરખી ગંધ પણ ન આવે એવી રીતે ગુનો કરવો એનું નામ સંપૂર્ણ ગુનેગાર. પરંતુ મિ. મહેતા ખૂબ હોશિયાર હતો. તે તો ગુનેગાર કોણ છે એ પહેલેથી જ જાણતો હતો અને માવજીને પણ તે પહેલેથી જ ઓળખતો હતો. જગન્નાથે ગરબડદાસનું ખૂન કર્યું છે તેવી શંકા તો મિ. મહેતાને પહેલેથી જ ન હતી. પરંતુ માવજી વિરુદ્ધ તેની પાસે કોઈ પુરાવા ન હતા. વધુમાં વધુ પુરાવો આટલો કે જગન્નાથની પિસ્તોલે ખૂન કર્યું છે, પણ એ પિસ્તોલ હતી કોની પાસે?.. હવે નવી ઘટના નવલકથામાં ઉમેરાય છે જેમાં નાગજી નામનો વ્યક્તિ માવજી પાસેથી કેટલાય સમયથી દસ હજાર રૂપિયા માંગતો હોય છે જે માવજીએ હજુ સુધી આપ્યા નથી અને હવે નાગજીના બે માણસો માવજીને મારવા માટે તેના ઘરની નીચે ઊભા હોય છે, જેની માવજીને જાણ થાય છે અને તે બીજી યોજના બનાવે છે. તે મેરીને કહે છે કે આજે જ આપણે લગ્ન કરી લઈએ એટલે તું મારી લાલ સિગાર ગાડી લઈ અને મારા ઘરે આવ. મેરી માવજીના ઘરે તેના કહેવા અનુસાર તેની ગાડી લઈને આવે છે. નાગજીના માણસોને એમ થાય છે કે આ ગાડીમાં માવજી છે. જેથી આ ગાડીનું તે અકસ્માત કરાવે છે જેમાં મેરીનું અવસાન થાય છે. પોલીસ તપાસ આવે છે અને માવજીની ગાડી હોવાથી તેની ધરપકડ કરે છે અને પૂછપરછ માટે તેને લઈ જવામાં આવે છે. પૂછપરછ કરનાર મિ. મહેતા જ હોય છે જે પહેલેથી છેલ્લે સુધી જે ઘટનાઓ બની છે તેનો જાણકાર છે અને ધીરે ધીરે તેને માવજી વિરુદ્ધ પુરાવા મળતા જાય છે. આમ માવજીને તેના ગુનાઓ માટે ફાંસીની સજા આપવામાં આવે છે અને નવલકથાનો અંત આવે છે. કાયદાશાસ્ત્રીઓ, વકીલો, છાપાંવાળાઓ, જાહેર પંચાતિયાઓ, પોલીસ અમલદારો તમામ વારંવાર એક વાત કહે છે કે, તમે કોઈ પણ ગુનો કરો તો તે પકડાયા વગ૨ રહેતો જ નથી. તમે ખૂન કરો તો પકડાયા વગર રહો જ નહિ. પાપ છાપરે ચડીને બોલવાનું ને બોલવાનું જ. માણસ ગમે તેટલી યોજના કરે પણ એ યોજનાનો લાભ લેનાર બીજો કોઈ માણસ જાગે જ છે. શેરને માથે સવાશેર હોય જ છે. તેમ માવજી શેર તો મહેતા સવાશેર હતો.. ઉમરખાડી જેલ.... આવતી કાલે સવારે આઠ વાગે માવજીને ફાંસી મળવાની છે. આ ધરતી પર માવજીની છેલ્લી રાત છે... અને આ એની છેલ્લી સલામ છે!!

ખુશ્બુ પ્રકાશભાઈ સામાણી
વિદ્યાર્થિની, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૮૧૫૦૪૩૪૬૩૪
Email: khusbusamani૦૮@gmail.com