નવલકથાપરિચયકોશ/ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૨

૪૦

‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-ર’ : મનુભાઈ પંચોળી ‘દર્શક’

– વેદાંત પુરોહિત
Zer to pidha che jani jani.jpg

ઈ. સ. ૧૯૫૨માં પ્રગટ થયેલ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાનો પ્રથમ ભાગ વાચકોને પસંદ આવ્યાનાં છ જેટલાં વર્ષ પછી દર્શક ૧૯૫૮માં બીજો ભાગ વાચક સમક્ષ રજૂ કરે છે. આ ભાગમાં ૨૦૩ જેટલાં પૃષ્ઠમાં બે પ્રકરણ દ્વારા આખી કથા વિસ્તાર પામી છે. પ્રથમ ભાગમાં સૌરાષ્ટ્રના ગામમાંથી શરૂ થતી કથા બીજા ભાગમાં યુરોપના રાજકારણ સુધી વિસ્તાર પામે છે. તો આ ભાગમાં લેખક કેટલાંક નવાં પાત્રો પણ લઈ આવે છે અને જૂનાં પાત્રોને વધારે વિક્સાવે છે. તેથી કથા એક નવા જ અંદાજમાં પ્રસ્તુત થાય છે. નવલકથાના પ્રથમ ભાગમાં જે રીતે ગાંધીજી અને લેખકનાં કાલ્પનિક પાત્રો વચ્ચે ઘટનાઓનું આલેખન થયું હતું તેવી જ રીતે બીજા ભાગમાં જર્મનના શાસક હિટલરનો પાત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને ભાગ વચ્ચે ભલે છ વર્ષનો સમય ગયો હોય પણ દર્શક વાર્તા પ્રવાહને યોગ્ય રીતે જાળવી રાખે છે. આટલી પ્રાસ્તાવિક વાત કર્યા બાદ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-૨’ની મુખ્ય કથા વસ્તુનો પરિચય મેળવીએ. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૨’ની શરૂઆત ભાગ એકના અંતિમ દૃશ્યથી જ થાય છે. જેથી વાચક સરળતાથી કથામાં પ્રવેશ કરી શકે છે. રોહિણી જે નોંધપોથી વાંચતી હતી તેમાંની ઘટના એક વિશિષ્ટ આકાર ધારણ કરી, બીજા ભાગની મુખ્ય કથાવસ્તુ બને છે. નવલકથાનો બીજો ભાગ ભૂતકાળમાં બનેલી ઘટનાથી રચાયેલો છે પરંતુ બીજા ભાગનો અંત આવતાં કથા વર્તમાનમાં પ્રવેશે છે. કેશવદાસની નોંધપોથીમાં સત્યકામના ઘર છોડ્યા પછીના જીવનનો ચિતાર સરે છે. શીળીના ભોગ બનેલા અંધ સત્યકામનું ગંગામાં પડતું મૂકવું, એ પછી અમલા તથા પ્રસન્ન બાબુ દ્વારા થયેલો તેનો બચાવ, બૌદ્ધ સાધુ શાંતિમતિનો પરિચય જેવી બાબતો પ્રથમ પ્રકરણની શરૂઆતમાં સ્પષ્ટ થાય છે. સત્યકામ બૌદ્ધ સાધુ સાથે રહે છે, એવામાં શાંતિમતિના પ્રોત્સાહન તથા બોઝ દંપતીની આર્થિક સહાય દ્વારા બૌદ્ધ ધર્મના વિશેષ અભ્યાસ માટે સત્યકામ પેરિસ જતો રહે છે. પેરિસમાં એક અકસ્માત વખતે ઘવાયેલા સત્યકામનો પરિચય વડાપ્રધાન ક્લેમાન્શો તથા તેમની ભત્રીજી, દયાની દેવી સમાન ક્રિશ્વાઈન સાથે થાય છે. ક્રિશ્ચાઈનના પરિચયથી સત્યકામ ખ્રિસ્તી ધર્મ વિશે તથા ભગિની વિશે ઘણી જાણકારી મેળવે છે. ભગિની ક્રિશ્ચાઈનના દયાળુ સ્વભાવની જાણ પણ સત્યકામને આ જ સમયગાળા દરમિયાન થાય છે. તેથી સત્યકામ ભગિની પ્રત્યે જે આદર અનુભવે છે તેનો અનુભવ વાચકોને પણ થાય છે. તો આ પરિચયથી સત્યકામ બૌદ્ધ ધર્માભ્યાસ સાથે રાજકારણીય સેવા પ્રવૃત્તિમાં પણ જોડાય છે. વિશ્વયુદ્ધમાં ફસાયેલાં કંગાળ જર્મનીનાં બાળકોની સેવા પ્રવૃત્તિ દરમિયાન જ ક્રિશ્વાઈન તથા સત્યકામ મહાપુરુષ રેથેન્યુ તથા ખલપાત્ર યુવાન કાર્લના પરિચયમાં આવે છે. આટલી કથા સરળતાથી ચાલતી રહે છે, એ પછી કથા મોટો વળાંક લેવા માંડે છે જેની ચર્ચા હવે કરીએ. યહૂદી ધર્મનો વ્યક્તિ અને અર્થશાસ્ત્રનો જાણકાર રેથેન્યુ જર્મનનો પ્રધાન બને છે. પરંતુ નાઝીલોકો દ્વારા તેની હત્યા કરવામાં આવે છે જેનાથી સત્યકામ તથા તેમના સાથીઓ ઘણા દુઃખી થાય છે. આ કથાનક વચ્ચે ભગિની ક્રિશ્વાઈન તથા રેથેન્યુના ભૂતકાળના સંબંધની આડકથા પણ આવે છે. રેથેન્યુ મૃત્યુ પછી પોતાની મિલકતનો ઉપયોગ યહૂદી બાળકોના વિકાસ માટે વપરાય તથા સારાં કાર્યોમાં ઉપયોગી બને તેવું લખી જાય છે. રેથેન્યુની આ ઇચ્છાને ધ્યાનમાં રાખીને ક્રિશ્ચાઈન યહૂદી બાળકો માટે એક આશ્રમની શરૂઆત કરે છે. જ્યાં તેમને યોગ્ય રીતે રાખી અને શિક્ષણ આપવામાં આવે છે. ક્રિશ્ચાઈન સાથે સત્યકામ પણ જર્મની છોડી તે આશ્રમમાં રહેવા આવતો રહે છે. આ ગિરિમાળામાં આવેલા આશ્રમમાં જ સત્યકામને મર્સીનો પરિચય થાય છે. મર્સી એક આફ્રિકન કન્યા છે જે અંધ સત્યકામની લાકડી બની તેની સેવા કરે છે. સત્યકામ મર્સીનો મોટો ભાઈ બની વિશ્વયુદ્ધની અનેક ઘટનાઓ, યાતનાઓ, તેના સર્જક રાજકીય નેતાઓ તથા સેવામૂર્તિઓના પ્રસંગોનો સાક્ષી બને છે. એવામાં એ ખુલાસો થાય છે કે રેથેન્યુના હત્યારાઓમાંથી એક યુવાન કાર્લ છે. તે પકડાઈને અદાલતમાં હાજર પણ થાય છે, તેને સજા સંભળાવ્યા પહેલાં મૃત રેથેન્યુની માતાના પત્ર દ્વારા તેના પુત્રના હત્યારાને માફ કરી, છોડી મૂકવાની વિનંતી કરવામાં આવે છે. આમ કાર્લ છૂટી જાય છે. એ પછી જર્મનીમાં નાઝીવાદીઓ શાસન પર આવે છે. જેમાં કાર્લ એક મોટો અધિકારી બની જાય છે. કાર્લ તેની સત્તાનો દૂરઉપયોગ કરીને પ્રસન્નબાબુને પકડી, તેની હત્યા કરે છે. ત્યારબાદ અમલાને પણ મારી નાખે છે. આ પછી કાર્લ સત્યકામને પકડીને લઈ જાય છે, પરંતુ સત્યકામના સામાનમાંથી હિટલરનો એક પત્ર મળી આવતાં તેને પરાણે સત્યકામને મુક્ત કરવો પડે છે. વિશ્વયુદ્ધ વખતે જ્યારે હિટલરની સત્તા ન હતી ત્યારે પ્રસન્નબાબુ, અમલા અને સત્યકામ ઘવાયેલા હિટલરની મદદ કરે છે. એ વખતે હિટલર તેમને એક પત્ર લખી આપે છે. આ જ પત્રના મળી જવાથી સત્યકામ કાર્લના પંજામાંથી મુક્ત થાય છે. આ જ બધી ઘટનાઓ વખતે સત્યકામનો અચ્યુત સાથે પણ પરિચય થાય છે. એ પછી કાર્લ, રેથેન્યુનાં સંતાનો જેકબ-જોસેફને પકડવા માટે બધાં યહૂદી બાળકોનું અપહરણ કરી લે છે. તો સાથે સ્પેનમાં વિવિધ પક્ષોની લડાઈમાં સામાન્ય નાગરિક સામ્યવાદના સમર્થકો છે તેવા ખોટા આરોપથી બંદી બનાવાય છે. આ બધાને છોડાવવા માટે સત્યકામ ભગિની ક્રિશ્વાઈન સાથે ઘણા પ્રયત્નો કરે છે અને અંતે તેમાંથી કેટલાકને છોડાવવામાં સફળ પણ થાય છે. યુરોપનાં રાજ્યો વચ્ચેના આંતરવિગ્રહની કથા પછી ડાયરીમાં ઊભરાતા આ કથા પ્રવાહમાં હૈયું અને આંખો પલાળતી રોહિણી વર્તમાનમાં પુનઃપ્રવેશ કરે છે. રોહિણીની હૃદયરોગની સારવાર કરતો અચ્યુત તેને ગિરનાર લઈ જાય છે. જ્યાં કેશવદાસ રૂપે સત્યકામ રોહિણીનું મિલન થાય છે. એ પછી ’પાસ પાસે તો એ કેટલા જોજન દૂર’ એવા સત્યકામ-રોહિણી આભના ઘુમ્મટ તળે નીતરતી ચાંદનીમાં ભજનોની રમઝટ બોલાવે છે, તે અત્યંત જીવંત પ્રસંગ સાથે બીજો ખંડ વીરમે છે. કથાવસ્તુમાં ઉલ્લેખ પામેલા પાત્રમાં ઘણાં વિશાળ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રો છે. તેથી આ દરેક પાત્ર વિશે હવે થોડી વિસ્તારથી વાત કરીએ જેથી નવલકથાનો તથા કથાવસ્તુનો યોગ્ય રીતે પરિચય કેળવી અને લેખકની પાત્રસૃષ્ટિ વિશે જાણી શકાય. કેશવદાસજી (સત્યકામ) - નવલકથાના પ્રથમ ભાગમાં સત્યકામ જેલમુક્ત થયા પછી ઘરે પરત ફરતો નથી અને કેટલીક ઘટનાઓ દ્વારા તે બૌદ્ધ સાધુ સાથે રહેવા લાગે છે. જે સત્યકામ પ્રથમ ભાગમાં એક સામાન્ય યુવાન હતો હવે તે બૌદ્ધ ધર્મનો પ્રખર પંડિત બની ગયો છે. પોતાનું નાનું કુટુંબ છોડી તે વિશ્વ કુટુંબનો સભ્ય થઈ ગયો છે. માત્ર વાડી સુધી રહેલી તેની ક્ષિતિજ નવા મળેલા જ્ઞાનથી વિશ્વ આખામાં વિસ્તાર પામી છે. સત્યકામ આજે કેશવદાસજી થઈ વડાપ્રધાન જેવાં વ્યક્તિના સંપર્કમાં છે. લેખક સત્યકામને પ્રવાસ કરતો બતાવી તેની જ્ઞાનવૃદ્ધિનું સૂચન કરે છે. સત્યકામની સમજદારી જોતાં વાચકને તરત ગોવર્ધનરામના નાયક સરસ્વતીચંદ્રની યાદ આવે છે. સરસ્વતીચંદ્ર વૈચારિક ભૂમિકાએ વિહરતો આદર્શ યુવાન છે. જ્યારે દર્શકનો નાયક સત્યકામ તે વિચારને આચારમાં મૂકી જાણે છે. સત્યકામ રૂપે દર્શક એક આદર્શ યુવાન નવલકથામાં રજૂ કરે છે. લેખક સત્યકામને અગણિત વ્યક્તિ વચ્ચેથી તથા પ્રસંગોમાંથી પસાર કરાવી આપણને તેના વ્યક્તિત્વનાં વિભિન્ન પાસાઓનું દર્શન કરાવે છે. તો સત્યકામ સમયાંતરે બૌદ્ધ, ખ્રિસ્તી અને યહૂદી જેવા ધર્મ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે તેમ વાચકો પણ એ જાણકારી મેળવતા જાય છે. અચ્યુત : અચ્યુત હેમંતનો નાનો ભાઈ અને રોહિણીનો દિયર છે. મહાનવલના વિશાળ સમયપટમાં ઘૂમી વળતું આ પાત્ર સહનાયક સ્તરનું બન્યું છે. અચ્યુતના પાત્રને કથામાં બે રીતે જોઈ શકાય છે. એક, પહેલા ભાગમાં આવતો ભાભીની સેવા કરતો નિર્દોષ કિશોર અચ્યુત છે, જેને રાજકારણ-છળકપટ વિશે કોઈ જાણ નથી. તો બીજો અચ્યુત જે એક હૃદયરોગ નિષ્ણાત ડૉક્ટર છે. વિવિધ સેવા પ્રવૃત્તિ માટે દેશ-વિદેશ ફરતો રહે છે. અચ્યુતનાં બે વ્યક્તિત્વ વચ્ચે લેખક એક બાબત સામ્ય રાખે છે અને એ બાબત છે અચ્યુતનો ભાભી રોહિણી પ્રત્યેનો આદર અને સ્નેહ. જ્યારે અચ્યુત કેશવદાસજીના પરિચયમાં આવે છે ત્યારે કેશવદાસજી (સત્યકામ)માં તેને મોટા ભાઈના દર્શન થાય છે. લેખકને અચ્યુતને કોઈ મહાન વ્યક્તિ બનાવવો નથી પરંતુ લેખક અચ્યુતને સમય પ્રમાણે ચાલતો યુવાન દર્શાવે છે. તે તબીબ તરીકે સેવા કાર્યો પણ કરે છે અને જરૂર જણાય તો બંદૂક પણ ઉઠાવે છે. આ રીતે અચ્યુત, સત્યકામ જેટલું આદર્શ નહીં પણ વાચકના હૃદયમાં સ્થાન પામે તેવું પાત્ર છે. ક્રિશ્વાઈન : નવલકથાના શબ્દોમાંથી જ આ પાત્રનો પરિચય આપીએ તો, ‘તેઓ તો પ્રાર્થનાનો જ વિષય છે.’ ક્રિશ્વાઈન આમ તો ફાન્સના વડાપ્રધાન ક્લેમાન્શોનાં ભત્રીજી છે. એક સમયે રેથેન્યુની પ્રેયસી ક્રિશ્ચાઈન વર્તમાનમાં સાચા અર્થમાં ઈસુની સેવિકા છે. તેમનું સંવેદનશીલ, ઋજુ, અનુકંપાશીલ હૈયું પ્રત્યેક માટે છલકાય છે. વાચકોને પ્રત્યક્ષવત્ ન થતું સત્યકામની નોંધપોથીમાંથી ઊપસતું આ પાત્ર તેની મંગલક્રિયાઓ વડે માત્ર કથાનાં પાત્રોનું જ નહિ પરંતુ આપણા વંદનનું પણ અધિકારી બની રહે છે. ક્રિશ્ચાઈન રેડક્રોસ સાથે જોડાયેલાં છે. વિશ્વમાં સેવા માટે તે હંમેશાં તૈયાર રહે છે. પોતાનો વિચાર કર્યા વિના સેવા કાર્યમાં શક્ય તેટલા વધારે ઉપયોગી થવાનો તેમનો સ્વભાવ વાચકને સ્પર્શી જાય છે. બોઝ દંપતી : સત્યકામના જીવનમાં અને નવલકથામાં પ્રચંડ વળાંક લાવતું બોઝ દંપતી એટલે કે પ્રસન્નબાબુ અને અમલાદીદીનું પાત્રયુગલ પ્રકાશ અને ગરમી જેવું અભિન્ન છે. ગાંધીવિચારધારાના દર્શક છેક ‘કલ્યાણયાત્રા’ના સમયથી વળી-વળીને બંગાળી ક્રાંતિકારીઓ તરફ આકર્ષાય છે તેનું સ્પષ્ટ નિર્દેશન અહીં પણ મળે છે. દર્શકે આ યુગલના પાત્રાંકનમાં જીવંતતા રેડી છે. જીવતા અંગારા જેવા આ બંને બલિદાની પાત્ર છે. નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ એક અને બેમાં આવતા આ મુખ્ય પાત્ર ઉપરાંત નવલકથામાં ફ્રાન્સના મુત્સદ્દી વડાપ્રધાન ક્લેમાન્શો, રેથેન્યુ તથા તેમની માતા, રેથેન્યુનાં સંતાનો જેકબ-જોસેફ, લંડનમાં અચ્યુતને મળતી અને તેના પ્રત્યે ઢળતી એલિઝાબેથ, સ્વપ્નસેવી – માનવપારખુ મહારાજા સયાજીરાવ, સૌરાષ્ટ્રીય સંત માંડણભગત, બાપાની શીખથી હિંસા છોડતો અરજણ, સ્ટેશન માસ્તર પરમાણંદ વગેરે જેવાં પાત્ર નવલકથાને જીવંત રાખે છે, તો જરૂર જણાય ત્યાં કથાવિકાસમાં પણ પોતાનો ફાળો નોંધાવે છે. આ કથામાં ગાંધીજી, હિટલર, રેથેન્યુ જેવાં વાસ્તવિક પાત્રો અને ક્લેમાન્શો, કાર્લ, બોઝબાબુ, સત્યકામ, અચ્યુત જેવાં કાલ્પનિક પાત્રો દ્વારા રાજકીય વિચારસરણીમાં જીવનચિંતન ઝબકતું રહે છે. મૂડીવાદ, સામ્યવાદ, નાઝીવાદ, ગાંધીવાદ, રાષ્ટ્રવાદ જેવાં વિચાર વર્તુળો રચાય છે. બે-બે મહાવિશ્વયુદ્ધની આગમાં ભૂંજાતા લાખો નિર્દોષ માનવીઓ અહીં ઊભરે છે. યુદ્ધની લપકતી જ્વાળાઓ સામે બુદ્ધનું શીતળ માનવ્ય ઝરણું વહે છે. વિવિધ પાત્રો દ્વારા પ્રમુખ ધર્મ સંપ્રદાયોની ગવેષણા થતી રહે છે અને આ ધર્મના પાયાના સિદ્ધાંતોના મંથન વડે ભાવક, માનવતાનું નવનીત પામે છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાનો બીજો ભાગ મુખ્યત્વે યુરોપનાં વિવિધ રાષ્ટ્રોમાં બનેલી ઘટનાઓનો આલેખન કરતો છે. વિશ્વયુદ્ધ વખતે ફ્રાન્સ, જર્મની જેવાં રાષ્ટ્રોની સ્થિતિ, આ સિવાય યુરોપનાં વિવિધ શહેરોની વિશ્વયુદ્ધ વખતેની સ્થિતિ દર્શકે અહીં આબેહૂબ આલેખી છે. આ યુદ્ધના માહોલમાં પણ દર્શક પ્રકૃતિને ભૂલતા નથી. જ્યારે રેથેન્યુના મૃત્યુ બાદ ક્રિશ્ચાઈન યહૂદી બાળકો માટે પર્વત વચ્ચે આશ્રમ તૈયાર કરે છે ત્યારે ત્યાંના ફળોના બગીચા વાચકોને બાપાએ તૈયાર કરેલી વાડીની યાદ અપાવે છે. જર્મનનાં બાળકોની સ્થિતિનું વર્ણન દરેક વાચકના હૃદયને કંપાવતું છે. ભૂખ દ્વારા મૃત્યુ પામવાની સ્થિતિએ પહોંચેલાં બાળકોને જાણે વાચક આંખ સામે જોઈ રહ્યો હોય તેવો અનુભવ આ ઘટનાઓ વાંચતાં થાય છે. જ્યારે નવલકથા વર્તમાનમાં પ્રવેશ કરે છે ત્યારે અચ્યુત રોહિણી અને મર્સી સાથે કેશવદાસજી (સત્યકામ)ને મળવા ગિરનારની તળેટીમાં આવે છે ત્યારે ગિરિ તળેટીનું વર્ણન પણ રમણીય લાગે છે. વિશ્વયુદ્ધ જેવી ભયંકર ઘટનાઓનો માહોલ દર્શાવતી નવલકથા ગિરિનગરમાં પ્રકૃતિથી ભરપૂર વાતાવરણમાં ચાલી રહેલા ભજનની રમઝટ વચ્ચે અંત પામશે તે વાચક શરૂઆતમાં કલ્પી પણ ન શકે. નવલકથાની ઉત્તમ બાબતો સાથોસાથ ભાગ એક અને બેમાં કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. પ્રથમ ભાગના અંતમાં આવતા અચ્યુતના લાંબા પત્રો કથાપ્રવાહની જીવંતતાને અવરોધે છે. તો બીજા ભાગનું પ્રકરણ આયોજન વાચકોને આશ્ચર્યમાં મૂકે છે. નવલકથા બે પ્રકરણમાં છે. આ બે પ્રકરણમાંથી પ્રથમ પ્રકરણ માત્ર ૨૧ જેટલાં પૃષ્ઠમાં છે, જ્યારે બીજું પ્રકરણ તેનાથી નવ ગણું મોટું ૧૮૪ પૃષ્ઠનું છે. આવાં અસમાન પ્રકરણ પાછળ કોઈ વિશેષ યોજના કે ઔચિત્ય જણાતાં નથી. બીજા ભાગની મુખ્ય ઘટના કેશવદાસની નોંધપોથી છે તો અંધ સત્યકામ આટલાં વર્ષોની ઘટના નોંધપોથીમાં લખી શકે તે વાત થોડી અવાસ્તવિક લાગે તેવી છે. તો અચાનક એક સામાન્ય અંધ બૌદ્ધ સાધુ કેશવદાસજીનું વડાપ્રધાન જેવાં મહાન વ્યક્તિ સાથે સંપર્કમાં આવવું થોડું અસાહજિક લાગે છે. સ્પેનમાં સેવા આપતા સત્યકામને કાર્લ ઝડપી લે અને જેલરને સત્યકામના ટ્રંકમાંથી હિટલરની ચિઠ્ઠી મળી આવતાં તે છૂટી જાય, આ યોજના થોડી કૃત્રિમ લાગે છે. વિગ્રહમાં કામ કરતાં કરતાં સત્યકામ ટ્રંક પણ સાથે ફેરવતો હોય તે સામાન્ય દૃષ્ટિએ સંભવ લાગે નહીં. છતાં કથા વિકાસ માટે આવી મર્યાદાઓને એક વાચક તરીકે અવગણી શકાય છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ ૨’માં સમગ્ર યુરોપનું રાજકારણ તથા વિશ્વયુદ્ધની ઘટના આલેખન દર્શકના એતિહાસિક જ્ઞાનનો સર્જનાત્મક રીતે પરિચય કરાવે છે. આ સાથે નવલકથાની વિવિધ ઘટના દર્શાવવા માટે દર્શકે જે જે પુસ્તકોના સંદર્ભ લીધા છે તેની યાદી પણ અંતમાં આપી છે, જેથી વાચકો આ ઘટનાઓ વિશે વધુ જાણવા ઇચ્છે તો જાણી શકે. આમ, કેટલીક વાસ્તવિક ઘટના અને કલ્પનાનો વિનિયોગ કરી નવલકથાનો બીજો ભાગ વાચકોને મનોરંજન સાથે રાજકારણની, વિશ્વયુદ્ધની અને વિશ્વના વિવિધ ધર્મોની સમજ પણ આપી જાય છે. – નાયક સત્યકામ વિશે ડૉ. ઈશ્વરલાલ દવેનું મંતવ્ય : “સ્વસ્થ-નિરામય-શાંતિસાધક ભારતીય જીવનદૃષ્ટિ આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ કેવું ગૌરવભર્યું કાર્ય કરી શકે, તે આ પાત્ર દ્વારા લેખક દર્શાવે છે.” – ‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ ૨’ની નવમી આવૃત્તિ વખતે દર્શકના નિવેદનનો એક અંશ : “પહેલામાં તળપદા પરિવેશની એક મહેક મોહિની છે, જ્યારે બીજા ભાગની લીલાભૂમિ દૂર દેશાવરની છે. તેની મહેક એક ઊંચી સમજની અપેક્ષા રાખે છે.”

વેદાંત પુરોહિત
એમ.એ. (અનુસ્નાતક), ગુજરાતી,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૭૯૯૯૫૪૬૩૦૨
Email: vedantpurohit૨૧૧૨@gmail.com