નવલકથાપરિચયકોશ/દીપનિર્વાણ

૩૦

‘દીપનિર્વાણ’ : મનુભાઈ રાજારામ પંચોળી ‘દર્શક’

– ખુશ્બુ સામાણી
Dip nirvan.jpg

લેખક પરિચય : મનુભાઈ રાજારામ પંચોળી ‘દર્શક’ જન્મ : ૧૫ ઑક્ટોબર ૧૯૧૪ મૃત્યુ  : ૨૯ ઑગસ્ટ ૨૦૦૧ વતન : વાંકાનેર (પંચાશિયા) અભ્યાસ : માધ્યમિક શિક્ષણ નવ ધોરણ સુધી વ્યવસાય : ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મેનેજિંગ ટ્રસ્ટી. ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય. સાહિત્યિકપ્રદાન : નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક–કેળવણીકાર ઇનામો : દર્શકને ઘણા પુરસ્કારો મળેલા છે તેમાંથી રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૬૪), ભારતીય સાહિત્ય અકાદમી પારિતોષિક (૧૯૭૫) તથા મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર (૧૯૮૫) મુખ્ય છે. દર્શકકૃત ‘દીપનિર્વાણ’ અક્ષર ભારતી : પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪ નવજીવન : પ્રથમ આવૃત્તિ, ડિસેમ્બર ૨૦૧૮ ‘દીપનિર્વાણ’ એ દર્શકની ઐતિહાસિક અને વીરતાભરી રોમાંચક નવલકથા છે. જેમાં ૨૮ પ્રકરણો છે. ઇતિહાસના અભ્યાસી તરીકે પ્લુટાર્કનું ‘LIVES’ નામનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા તેમાંથી તેઓ આ વાક્ય વાંચે છે : ‘યુવાનીમાં કોઈક સ્ત્રીના પ્રેમને અંગે બેઉ મિત્રો વચ્ચે વિખવાદ થયો ને જીવનભર રાજકારણમાં પણ એ રહ્યો. આ વાક્ય દ્વારા એમને આ નવલકથા લખવાની પ્રેરણા મળે છે.’ ઈશુના જન્મ પહેલાં અને ભગવાન તથાગતના પરિનિર્વાણ પછીના પાંચમા શતકની વાત છે. તે સમયે ગણરાજ્યો હતાં, જે પ્રાચીન રાજવ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. આ નવલકથામાં મૂળ ત્રણ ગણરાજ્યોની કથા છે. માલવ, કઠ અને બ્રાહ્મણક ગણરાજ્ય. નવલકથાના પૂર્વાર્ધમાં આનંદ, સુચરિતા અને સુદતના પ્રણય ત્રિકોણની કથા છે જે કથાનક પર નવલકથાનો વિકાસ થયો છે અને આધાર રૂપ છે. તેની સાથે સાથે દેવહૂતિ અને ગૌતમી સુચરિતા અને આનંદ, મૈનેન્દ્ર અને કૃષ્ણા વચ્ચેના પ્રેમ અને તેમના લગ્નસંબંધોની ઘટનાઓ અહીં આલેખી છે. ઉત્તરાર્ધમાં પ્રાચીન હિન્દના નાનાં-નાનાં ત્રણ રાજ્યો મગધના સામ્રાજ્યમાં વિલિન થયાં અને એ ત્રણ દીવડા આંતરિક ખટપટને કારણે કેવા ધીમે-ધીમે ઓલવાતા ગયા, તેની કથા છે. કથામાં મુખ્ય ત્રણ પાત્રો છે : આનંદ, સુદત અને સુચરિતા. આનંદ શૂરવીર યોદ્ધો છે. સુદત ઉચ્ચ કોટિનો કલાકાર-શિલ્પી છે અને સુચરિતા સ્વયં અભિજાત લાવણ્યમયી સુંદરી છે. જેનું અંતઃકરણ આનંદને ઝંખે છે, જ્યારે સુદત પોતાની કલા વડે સુચરિતાને જીતવા માગે છે. નવલકથામાં આ ઉપરાંત મહાકાશ્યપ, દેવહૂતિ (આચાર્ય શીલભદ્ર), ગૌતમી (આર્યાસુવ્રતા), આત્રેય, ઋષિ ઐલ, આસંગ, મૈનેન્દ્ર, કૃષ્ણા, ધનપાલ (સુદતના પિતા) વગેરે જેવાં પાત્રો જોવા મળે છે. દીપનિર્વાણની પાત્રસૃષ્ટિ તેજસ્વી નક્ષત્રોથી ઝળહળી રહી છે. દરેક પાત્ર પાસે આપણને દર્શક આંગળી પકડીને લઈ જાય છે. નવલકથાની શરૂઆતમાં નવલકથાનો નાયક આનંદ દાદા આત્રેયની આજ્ઞાથી મહાકાશ્યપ પાસે ચિકિત્સાશાસ્ત્રના અભ્યાસ નિમિત્તે નંદીગ્રામ જાય છે. જે સર્વ પ્રકારના શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત છે. ત્યાં જ તેની પ્રથમ વખત મુલાકાત મહાકાશ્યપની પુત્રી સુચરિતા સાથે થાય છે. જે બે હિમધવલ મયૂરોને વાદનના સૂરેસૂરે નચવી રહી હતી. પહેલી નજરે જ શૃંગાર રસ આપણને અનુભવાય છે. મહાકાશ્યપની જ જગ્યાએ બીજો એક શિષ્ય રહે છે જેનું નામ છે સુદત. જે નગરશિલ્પી છે. એની મૂર્તિઓ નંદીગ્રામની શોભા ગણાય છે. ઉડુગ્રામ ઘરમાં નગરમાં મોટું મહાલય તૈયાર થતું હતું અને તે નગરનો મુખ્ય સ્થપતિ હતો. એક દિવસ સુચરિતા તેની બનાવેલી પ્રતિમા જોવા જાય છે. તે પ્રતિમા સુચરિતાને ખૂબ ગમી જાય છે. સુદતને સુચરિતા ખૂબ ગમે છે. તે કહે છે હું માંગું તે આપશો? એમ વચને બાંધી લે છે અને કહે છે તમે મારી સાથે લગ્ન કરશો? આનંદનો પ્રવેશ થાય છે તે પહેલાં સુચરિતા સુદતની વાગદત્તા બની ચૂકી છે અને આનંદનો પ્રવેશ થાય છે. જેમ -જેમ તેને આનંદનો પરિચય થાય છે તેમ-તેમ એ સુદત સાથે કરવા બાબતેના નિર્ણયને તપાસવા તરફ વળે છે. નવલકથાના પ્રથમ દૃશ્યમાં જ આનંદના વીરતાભર્યા કાર્યથી સુચરિતા પ્રભાવિત થઈ જાય છે. નવલકથા હવે ભૂતકાળમાં પ્રવેશે છે. જેમાં દેવહૂતિ અને ગૌતમી જે આનંદનાં માતા-પિતા છે, તેના પ્રણયની કથા આવે છે. બ્રાહ્મણક ગણના જે ગણાધીશ છે એવા આત્રેય નામના વ્યક્તિની પુત્રી ગૌતમી છે. આ ગૌતમીને કઠગણના એક યુવક દેવહૂતિ સાથે પ્રેમ થઈ જાય છે. પિતા આત્રેયની પરવાનગી ન હોવા છતાં દેવહૂતિ સાથે તે લગ્ન કરે છે. પત્ની અને પુત્ર આનંદને છોડ્યા બાદ થોડા જ સમયમાં દેવહૂતિ (શીલભદ્ર) જે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને સાધુ થઈ જાય છે. ગૌતમી એકલા હાથે કોઈ પણ મદદ વગર આનંદનો ઉછેર કરે છે. આનંદની ઉંમર ૧૦ વર્ષ જેટલી હોય છે ત્યાં મહાકાશ્યપનો ગૌતમીને પત્ર આવે છે કે ‘શીલભદ્ર ખૂબ બીમાર છે તમે તાત્કાલિક અહીં આવી જાવ.’ જેથી આનંદને ગૌતમી તેના પિતા આત્રેયને ત્યાં મૂકી આવે છે. આત્રેય ગૌતમીના પરવાનગી વગર લગ્ન કરવાથી નારાજ છે પરંતુ ગૌતમીના માફી માંગવાથી તે માફ કરી દે છે તેમજ આનંદને પણ તેઓ સાચવે છે. શીલભદ્રની સેવા કરવા માટે ગૌતમી સાધ્વી બની આર્ય સુવ્રતા નામ ધારણ કરી દીક્ષા લે છે, તેવા સમાચાર તેના પિતા આત્રેયને મળે છે. આવું જાણી આનંદને તેની માતા રોગમાં સપડાઈને મૃત્યુ પામી છે, હવે જીવિત નથી તેવું કહે છે. યુવાન થયેલા આનંદને જ્યારે તે મહાકાશ્યપના આશ્રમમાં જાય છે ત્યારે તેને જાણ થાય છે કે તેની માતા જીવિત છે, તેણે દીક્ષા લીધી છે અને બાજુની પહાડીમાં તે શીલભદ્ર સાથે સાધુવ્રત પાળી રહી છે. કથા ફરી વર્તમાનમાં આવે છે. મહાકાશ્યપ આનંદને શિષ્ય બનાવે તે માટે શરૂઆતમાં મહાકાશ્યપ દ્વારા આનંદની પરીક્ષા યોજાય છે. જેમાં સુચરિતા આનંદને પ્રશ્નોત્તરી કરે છે. આ પ્રશ્નોત્તરીમાં આનંદ ઉત્તીર્ણ થાય છે અને મહાકશ્યપ તેને શિષ્ય તરીકે સ્વીકારે છે. આનંદની શિક્ષકની ભૂમિકા પણ જોવા મળે છે. સુચરિતા અને બીજા શિષ્યગણ સાથે સુદતને તે શસ્ત્રવિદ્યા શીખવતો હતો. આનંદ બહુ આકરો શિક્ષક હતો. સુદત આનંદની પાસે શસ્ત્રવિદ્યા શીખે છે પરંતુ તે આનંદ સાથે ટકી શકે તેવું તેનું વ્યક્તિત્વ નથી. સુચરિતા આનંદને અને સુદતને સાંકળવાનો વારે વારે પ્રયત્ન કરતી હોય છે. સુદતનું હૃદય ઈર્ષા, દ્વેષની આગથી ઘેરાયેલું છે. સુદત માટે સુચરિતાને કાંઈ જ નથી એ વાત એને આનંદના આવ્યા પછી ખ્યાલ આવે છે કે તે માત્ર સુદતની કલાને ચાહે છે, સુદતને ચાહતી નથી, એ ચાહે છે તો માત્ર આનંદને. એક બાજુ એ વચનબદ્ધ છે તો બીજી બાજુ તે આ વચનમાંથી કેવી રીતે મુક્ત થાય તેની વિટંબણામાં છે. બીજી તરફ રથસ્પર્ધાનું આયોજન થાય છે તેમાં સુદત અને આનંદ બંને પાત્રો ભાગ લે છે. તેમાં નવું પાત્ર કૃષ્ણાનું ઉમેરાય છે જે સ્ત્રી છે અને તે પણ રથસ્પર્ધામાં ભાગ લે છે. સુદત રથસ્પર્ધામાં જીતવા માટે કપટ કરે છે અને આનંદના અશ્વને ભાલો મારે છે. અશ્વ અંતે આનંદને જીત અપાવીને મૃત્યુ પામે છે. કથાવસ્તુ આગળ વધે છે અને મહાન રાજવી મૈનેન્દ્ર જે યુદ્ધ કરી બીજા પ્રદેશોને જીતી રહ્યો છે. મગધનું સામ્રાજ્ય મોટું થાય છે અને તે ગણરાજ્ય પર હુમલો કરવાની તૈયારીમાં છે. અહીંથી મહાકાશ્યપ આનંદને તેની રણનીતિઓ શું છે તે સમજી આવવા મોકલે છે. મૈનેન્દ્ર ઋષિ ઐલને (આચાર્ય) મળવા તક્ષશિલા જવાના છે. મૈનેન્દ્ર અને કૃષ્ણા પણ તેના શિષ્યો છે. કૃષ્ણા જેની સાથે મૈનેન્દ્રને પ્રેમ થાય છે, યુદ્ધ દરમિયાન તે કૃષ્ણાને પુરુષવેશી સ્ત્રીના વેશમાં ઓળખી શકતો નથી પરંતુ પછી તે કૃષ્ણાને યુદ્ધ દરમિયાન તેની તલવાર કૃષ્ણના શિરસ્ત્રાણ પર વાગી જાય છે અને તે કૃષ્ણાને ઓળખી જાય છે. સુદત આનંદ સાથેના વેરને વારવા માટે મગધની સેના સાથે ભળી જાય છે અને પોતાના જ પ્રદેશ ઉપર આક્રમણકારીને ઉડુગ્રામ લઈ આવે છે. સુદતની વેરલાલસા અને મગધની ભૂમિલિપ્સા વડે વાર્તાના તંતુ વણાતા આવે છે, તેથી ‘દીપનિર્વાણ’ પ્રણયકથા નિમિત્તે યુદ્ધકથા બની રહી છે. મગધની સેનાનગરમાં પ્રવેશી ચારે બાજુ તોડફોડ કરે છે. જે વિહારમાં સુદતે પ્રતિમાઓ બનાવી હતી તેને પણ તોડી નાખે છે. સુદતને પછીથી તેનો પશ્ચાત્તાપ થાય છે. ઉડુગ્રામમાં સુદત તેના પિતા ધનપાલ દ્વારા ઘાયલ થાય છે તેને શિબિરમાં લઈ જવામાં આવે છે. સુચરિતા ચારુદત્તના કહેવા અનુસાર સાધ્વી બની દીક્ષા લે છે જેથી તે સુદત અને આનંદની સાથે લગ્નની વિટંબણામાંથી મુક્ત થઈ શકે. સુદત સુચરિતાને આવા વેશમાં જોઈ આઘાત પામે છે. તે મરણપથારીએ હતો અને જ્યારે તે પ્રાણ છોડે છે ત્યારે તેના હાથમાં સંથાગારની એક પ્રતિમાનો અંગૂઠો હતો. મહાકાશ્યપ પણ યજ્ઞ કરતાં કરતાં તેમનું શરીર હોમી નિર્વાણ પામે છે રાખના ઢગલામાં આકાશગંગાના તારકસમૂહ જેવા દૂધ સમ ઉજ્જ્વળ અસ્થિ પડ્યાં હતાં, તેમની સાથે ચારુદત, મેધાતિથિ, દીર્ઘતમ પણ નિર્વાણ પામે છે. નવલકથાના અંતમાં ઋષિ ઐલ અને આસંગની ઉપસ્થિતિમાં સેનાપતિ મૈનેન્દ્ર અને કૃષ્ણાનાં લગ્ન થાય છે. જે બૌદ્ધધર્મ પ્રવજ્યા લેવાની આજ્ઞા આપે છે તે જ ધર્મ તેમાંથી મુક્ત થવા પણ આજ્ઞા આપે છે. સુચરિતા તેમાંથી મુક્ત થાય છે અને આનંદ સાથે તેનાં લગ્ન થાય છે આનંદ અને સુચરિતાના લગ્નનો પ્રસંગ તેમજ મૈનેન્દ્ર તથા કૃષ્ણાના લગ્નનો પ્રસંગ કૃતિને સુવ્યવસ્થિત આકાર આપી ચરિતાર્થ કરે છે. સંસ્કૃતમય શબ્દાવલિ, રોમાંચક પ્રસંગો, રસાળ વર્ણનો, સજીવ સંવાદો, સ-સમયી વાતાવરણ, જીવન ભાવનાઓ અને જીવંત પાત્રનિરૂપણ – આ સર્વ વડે ઇતિહાસ રસમંડિત કલાકૃતિ ‘દીપનિર્વાણ’ અંગે ડૉ. રઘુવીર ચૌધરી કહે છે : “એક યુગની સાંસ્કૃતિક સમગ્રતાનો આભાસ કલાની વાસ્તવિકતામાં એ સર્જી શક્યા છે.” ‘દર્શક’નો વિચાર-ભંડાર, અનુભવ-સંચય, બહુશ્રુતતા ‘દીપનિર્વાણ’ની કથા સાથે રસબસ થઈને અવતરે છે. ઉમાશંકર આ કૃતિને ‘મનહર-મનભર રચના’ કહે છે, તો રમેશ ર. દવે ‘ગુજરાતી ઐતિહાસિક નવલકથામાં એક નોંધપાત્ર પડાવ’ લેખે બિરદાવે છે. ડૉ. લવકુમાર દેસાઈ ‘નિશ્ચિત યુગની ચેતનાને કલાત્મક રીતે સંકોરતી સીમાચિહ્નરૂપ ઐતિહાસિક કીર્તિદા નવલકથા’ ગણે છે, તો ડૉ. ધીરુભાઈ ઠાકર ‘ગણરાજ્યોની પ્રજાસત્તાની ગૌરવગાથા’ તરીકે મૂલવે છે. સ્વામી આનંદ ‘દીપનિર્વાણ’ને અતીતના અવશેષોમાંથી સર્જાયેલ સર્વાંગ સુંદર મીનાકારી શિલ્પ’ કહી આવકારે છે. ઐતિહાસિક વિચાર-વાતાવરણ પ્રધાન આ શકવર્તી કલાકૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલ-યાત્રા-પથનો આનંદદાયી વિશ્રાંતિ અર્પતો વિશાળ વડલો છે.

ખુશ્બુ પ્રકાશભાઈ સામાણી
વિદ્યાર્થિની, ગુજરાતી વિભાગ,
મો. ૮૧૫૦૪૩૪૬૩૪
Email: khusbusamani૦૮@gmail.com