નવલકથાપરિચયકોશ/બંદીવાન

૧૦૩

‘બંદીવાન’ : વર્ષા અડાલજા

– નીતા જોશી
Bandivan.jpg

પરિચય વર્ષા અડાલજા, (જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦, મુંબઈ), વતન (જામનગર) શિક્ષણ : બી.એ., એમ.એ. (સમાજશાસ્ત્ર સાથે, આકાશવાણી, મુંબઈમાં પ્રવક્તા.) જીવનસાથી : મહેન્દ્ર અડાલજા પિતા : ગુણવંતરાય આચાર્ય માતા : લલિતાબેન સર્જન અને વ્યવસાય : વિવિધ સામયિકો અને વર્તમાન પત્રોમાં કોલમ લેખન અને સંપાદન. અભિનયક્ષેત્ર : ગુજરાતી રંગભૂમિ પર ઇબ્સનનું ‘ડોલ્સ હાઉસ’, ટેનિસી વિલિયમ્સનું ‘ગ્લાસ મિનેજરી’, શૂદ્રકનું ‘મૃચ્છ્કટિકમ્’, દર્શક્નું ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વગેરે નાટકોમાં મુખ્ય ભૂમિકા. નવલકથા : ‘શ્રાવણ તારાં સરવડાં’ (૧૯૬૮), ‘આતશ, ગાંઠ છૂટ્યાની વેળા’ (૧૯૮૦), ‘બંદીવાન’ (૧૯૮૬), ‘માટીનું ઘર’ (૧૯૯૧), ‘અણસાર’ (૧૯૯૨), ‘મૃત્યુદંડ’ (૧૯૯૬), ‘શગ રે શકોરું’ (૨૦૦૪), ‘પ્રથમ પગલું માંડ્યું’ (૨૦૦૮), ‘ક્રોસરોડ’ આત્મકથા : ‘પગલું માંડું હું અવકાશમાં’ (૨૦૦૫) લઘુનવલ : ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯), ‘એક પળની પરખ’ (૧૯૬૯), ‘પાંચ ને એક પાંચ’ (૧૯૬૯), ‘મારે પણ એક ઘર હોય’ (૧૯૭૧), ‘રેતપંખી’ (૧૯૭૪), ‘અવાજનો આકાર’ (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬), ‘નીલિમા મૃત્યુ પામી છે’ (૧૯૭૭), ‘પાછાં ફરતાં’ (૧૯૮૧), ‘ખરી પડેલો ટહુકો’ (૧૯૮૩), ‘પગલાં’ (૧૯૮૩) વાર્તા સંગ્રહ : ‘એ’ (૧૯૭૯), ‘સાંજને ઉંબર’ (૧૯૮૩), ‘એંધાણી’ (૧૯૮૯), ‘બિલિપત્રનું ચોથું પાન’ (૧૯૯૪), ‘ગાંઠે બાંધ્યું આકાશ’ (૧૯૯૮), ‘અનુરાધા’ (૨૦૦૩), ‘કોઈ વાર થાય કે...’ (૨૦૦૪) નાટકસંગ્રહ : ‘આ છે કારાગાર’ (૧૯૮૬), ‘મંદોદરી’ (એકાંકી) (૧૯૯૮), ‘તિરાડ’ (૨૦૦૩), ‘શહીદ’ (૨૦૦૩), ‘વાસંતી કોયલ’ (૨૦૦૬), નિબંધસંગ્રહ : ‘પૃથ્વીતીર્થ’ (૧૯૯૪), ‘આખું આકાશ એક પિંજરામાં’ (૨૦૦૭), પ્રવાસવર્ણન : ‘નભ ઝૂક્યું’ (૨૦૦૨), ‘ઘૂઘવે છે જળ’ (૨૦૦૨), ‘શિવોહમ્’ (૨૦૦૬), ‘શરણાગત’ (૨૦૦૭), ‘શુક્રન ઇજિપ્ત’. અનુવાદ : ‘ક્રૂષ્ણા સોબતીની નવલકથા’ (મિત્રો મરજાની) સંપાદન : ‘અમર પ્રેમકથાઓ’ અન્ય : ‘લાક્ષાગૃહ’, ‘ત્રીજો કિનારો’, ‘એની સુગંધ’, ‘ન જાને સંસાર’, ‘આનંદધારા’, ‘તું છે ને!’ પારિતોષિક : સાહિત્ય અકાદમી એવૉર્ડ(૧૯૯૫ ) અણસાર (નવલકથા) માટે. સોવિયેટ લેન્ડ નેહરુ એવૉર્ડ (૧૯૭૬) ગુજરાતી સાહિત્ય પરિષદ એવૉર્ડ (૧૯૭૨, ૧૯૭૫) ગુજરાતી સાહિત્ય અકેડેમી એવૉર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦) કનૈયાલાલ મુનશી એવૉર્ડ (૧૯૯૭) રણજિતરામ સુવર્ણચન્દ્રક (૨૦૦૫) નંદશંકર મહેતા ચન્દ્રક સરોજ પાઠક સન્માન ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવૉર્ડ

‘બંદીવાન’ નવલકથા પ્રથમ આવૃતિ : માર્ચ ૧૯૮૬, પૃષ્ઠ સંખ્યા - ૪૧૧ પ્રકાશક : ભગતભાઈ ભુરાલાલ શેઠ, મુંબઈ ૪૦૦ ૦૦૨ આર આર શેઠની કંપની અમદાવાદ ૩૮૦ ૦૦૧ મુદ્રક જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી ભગતવાડી, સોનગઢ ૩ મૂલ્ય રૂા.  : ૫૪-૦૦ પ્રત : ૧૭૫૦ અર્પણ પંક્તિમાં લખે છે : “ગુજરાત અને સૌરાષ્ટ્રનો દરિયો અનેક રહસ્યો પોતાના પેટાળમાં છુપાવીને બેઠો હતો. સ્વ. ગુણવંતરાય આચાર્ય એક અર્વાચીન અગત્સ્ય હતા, જેમણે એ સાગર ભરી પીધો અને ગુજરાતને ગર્વ બક્ષે એવી વિશ્વ સાહિત્ય કક્ષાની સાગર કથાઓ આપી. એ ખમતીધર સર્જકને મારા પિતાને. વર્ષા અડાલજા એના પાછળના પાના ઉપર લખ્યું છે : સંસ્કૃતિની લિપિમાં જેલ એક આશ્ચર્ય ચિહ્ન છે, અને પાગલખાનું એક પ્રશ્નાર્થ ચિહ્ન

પ્રસ્તાવનામા લેખિકા વિસ્તારથી નવલકથાનો ઉદ્દેશ અને લેખન પરિશ્રમ વિશે વાતો કરે છે. “સિતમનો ઇતિહાસ સદીઓ જૂનો છે. વિશ્વનો કોઈ દેશ એમાંથી ભાગ્યે બાકાત હશે. જેલની ઊંચી કાળમીંઢ દીવાલો અને તોતિંગ મજબૂત દરવાજાઓના અભેદ્ય કિલ્લા પાછળ કેદીઓ પર થતા અત્યાચારોની હકીકતો પ્રકાશમાં આવતી નથી, પણ જ્યારે ભાગલપુર જેલના કેદીઓની અંધીકરણની ઘટના જાહેરમાં આવી ત્યારે સમગ્ર દેશે ધરતીકંપનો ભયંકર આંચકો અનુભવ્યો. છતાં લાલ કિલ્લામાંથી એક કાંકરીયે ન ખરી અને ધીમે ધીમે બધું થાળે પડતું ગયું.” નવલકથાના વિકાસમાં સહાયક બે પુસ્તકની નોંધ મૂકે છે. એક “Indian jail : A contemporary Document” જે પત્રકાર કુમકુમ ચડ્ડાએ તિહાર જેલમાં ડેથ રો પરના ફાંસી ખોલીના કેદીઓની મુલાકાત લીધી હતી તે પુસ્તક અને બીજું પુસ્તક છે (transiation of Five years in An Indian Prison” by Mary Tyler (victor Gollancz ltd London,૧૯૭૭) (‘ભારતીય જેલમેં પાંચ સાલ’) હિન્દી રૂપાન્તર, રાધા કૃષ્ણ, નઈ દિલ્લી ૧૯૭૭. આ ઉપરાંત કુલદીપ નાયરનું પુસ્તક “ઈન જેલ” તેમજ એક વખત આર્થર રોડ જેલના જેલર આર. એન. દાતીરનો પીએચ.ડી.નો મહાનિબંધ ‘પ્રીઝ્ન એઝ અ સોશ્યલ સિસ્ટમ’ પણ જેલના વહીવટ અંગે માહિતી આપે છે. જાણીતા પત્રકારો અરુણ શૌરી, અશ્વિની સારીન, એમ. વી. કામથ, બરુન ઘોષ, શીલા બારસે વગેરેના સંશોધનાત્મક વૃત્તાંતોમાંથી પણ પ્રસંગો અને માહિતી લેખિકાએ મેળવેલ છે. અને મુખ્ય વાર્તા બનાવવા માટે જે કથા અને પાત્ર મળે છે એ અખબારની ચાર પાંચ લીટીમાંથી ‘સમાચાર હતા કે તિહાર જેલના આસિસ્ટન્ટ જેલર વેદપ્રકાશ ગાર્ગની બદલી દૂરના, છેક બિહારના નાના ગામમાં થઈ ગઈ હતી. (જેલમાંથી કુખ્યાત ચાલ્સ શોભરાજનું ડ્ર્ગ રેકેટ વેદ પ્રકાશે પાડ્યું હતું.) આ વેદપ્રકાશ ગાર્ગ જ નવલકથાનો નાયક દેવપ્રકાશ ગાર્ગ. (નવલકથાનો નાયક દેવપ્રકાશ ગાર્ગ કુંદનપુર જેલનો આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ) કથાનો સંક્ષિપ્ત સાર : શહેરની આબોહવામાંથી આવેલી પત્ની ચંદન અને નાનકડી દીકરી રીન્કુ છે. કુંદનપુર જેલનો આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશ ગાર્ગને પારિવારિક વિચારધારાનો સંઘર્ષ અને બીજી તરફ વ્યવસાયના આદર્શનો સંઘર્ષ છે. જેલની અંદર ચાલતા ભ્રષ્ટાચાર, અત્યાચાર, જમીનદાર, નેતા, જેલર, ગુનેગારો – આ બધાં વચ્ચેની સાંઠગાંઠ અને નાયક દેવપ્રકાશને ભીડવવા રચાતાં ષડ્યંત્રો છે. બિહારની ગુંડાગીરીનું ચિત્ર છે. લેખિકાએ જેલના સળિયા અંદરની જિંદગી સુધી પહોંચવા ઘણો પુરુષાર્થ કર્યો છે. સામાન્ય જનતા જે આ જિંદગીથી સાવ અજાણ છે એમના સુધી અત્યાચાર અને ગુનાઓની કથા પહોંચાડી છે. પોતાની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’ જેના સત્યાવીસમા પ્રકરણ ‘આપણે જ બંદીવાન, આપણે જ પહરેદાર’માં આ આખી નવલકથાના ઉદ્ભવ અને વિકાસની વાતો લખી છે. લખે છે ‘ઇમરજન્સી વખતે દુર્ગા ભાગવત, જયવંતી મહેતા અને અન્ય મહિલાઓ પ્રત્યેના દુર્વ્યવહારની ખાસ કોઈ વાત જાણવા ન મળી.’ પરંતુ સ્ત્રી કેદીઓની વાતો ‘ભારતીય જેલમેં પાંચ સાલ’ પુસ્તકમાંથી વિગતે મળી રહે છે. આ ઉપરાંત ઇન્ડિયન એક્સ્પ્રેસ, ધર્મયુગ, ઇલસ્ટ્રેટેડ વીકલી, લોકસત્તા, જન્મભૂમિ પ્રવાસી, ઇન્ડિયા ટૂડે, ટેલિગ્રાફ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ઈવ્ઝ વીકલી ફ્લેશ વગેરે અખબારો સામયિકોમાંથી પણ ઉપયોગી માહિતી મેળવે છે. ‘બંદીવાન’ના કથાવસ્તુ પરથી દ્વિઅંકી નાટક(ઓગણીસો છ્યાસીમાં) લેખિકા પાસેથી મળે છે, જેનું શીર્ષક છે ‘આ છે કારાગાર’, જેમાં કેદીઓ પરનાં અત્યાચાર, અંધીકરણ, જમીનદારોની જનસમાજ પરની મજબૂત પકડ, ભ્રષ્ટાચાર, નાનાં બાળકો પરનો જાતીય અત્યાચાર આ બધી હકીકતો તખ્તા પર રજૂ થઈ. જે દિગ્દર્શક અભિનેતા ગિરેશ દેસાઈએ ભજવ્યું. મરાઠીમાં પણ ભજવાયું. દિગ્દર્શક બિપિન કોટક એ જ કથાવસ્તુ લઈ એકાંકી લખાવે છે. આ નવલકથામાંથી જેલમાંથી છૂટેલી યુવતી રાણીનો પ્રસંગ લઈ ‘અપરાધી’ શીર્ષકથી લખાયેલું આ એકાંકી(૧૯૯૮)ના ગાળામાં દિલ્હી મુંબઈ દૂરદર્શન પરથી, અને આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પરથી રજૂ થઈ ખૂબ લોકપ્રિય બની રહે છે. આ ઉપરાંત આ નવલકથા સૌરાષ્ટ્ર્ના પ્રખ્યાત અખબાર ‘ફૂલછાબ’માં, તંત્રી હરસુખભાઈ સાંઘાણીએ હપ્તાવાર પ્રસિદ્ધ કરેલ છે. નવલકથાની પરાકાષ્ઠા વિશે પ્રસ્તાવનામાં લખે છે, “કલકત્તાની ડમડમ જેલમાં કેટલાય પાગલો જાનવરથી યે બદતર સ્થિતિમાં જીવે છે. અંગ્રેજી દૈનિક ટેલિગ્રાફ્ના રિપોર્ટર બરુન ઘોષની હિંમત અને ઘણી જહેમતથી આ વાત બહાર આવી. તંત્રી એમ. જે. અકબરે એ સમાચાર પ્રથમ પાને પ્રગટ કર્યા ત્યારે સનસનાટી મચી ગઈ. બરુન ઘોષને ધમકીઓ મળવા લાગી, પણ અકબરે હિંમતથી પ્રતિબંધિત તસવીરો છાપી સામી છાતીએ અદાલતી કારવાઈ વહોરી લીધી. ‘ટેલિગ્રાફ’માં સમાચાર પ્રથમ પાને પ્રગટ થયા બાદ વકીલ અને એમ. પી રાજેશ ખૈતાને કલકત્તા હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ પર પત્ર લખી ડમડમ જેલમાં પ્રવર્તતી સ્થિતિ પર ધ્યાન દોર્યું. એ પત્રને અરજી તરીકે સ્વીકારી કોર્ટે જેલની અમાનુષી સ્થિતિના અહેવાલોની ચકાસણી કરવા ખાસ બે પત્રકારો અને ફોટોગ્રાફરની નિમણૂક કરી. પહેલાં કદી આવું બન્યું નહોતું. ન્યાયતંત્રના ઇતિહાસની આ એક વિરલ ઘટના છે.” જેલની બહારનો આ વિશાળ સમાજ પણ દીવાલો વિનાનું કારાગાર નથી? અનેક વહેમો, માન્યતાઓ, રીતિરિવાજો, ભ્રમણાઓ, જ્ઞાતિવાદ, ભાષાની ભૂલભૂલામણી, પ્રાંતની સીમાઓ, ઈર્ષા, વેરઝેરની બેડીઓમાં બંદીવાન છે આખો સમાજ. આવું લખી અને નવલકથાને પૂરી નિસ્બત સાથે સાર્થક બનાવે છે. વર્ષાબેન સાથે ફોનથી વાત કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આટલાં બધાં પારિતોષક તમે મેળવ્યાં છે એમાં ‘બંદીવાન’ જેવી વાસ્તવિક પરિસ્થિતિને નજીકથી નિહાળતી આ નવલકથાને ભાગે કોઈ ઇનામ/એવૉર્ડ ખરાં? જવાબમાં એ માર્મિક હસીને ‘ના’ કહે છે.

નીતા જોશી
ગૃહિણી અને વાર્તાકાર, વડોદરા
એમ.એ., એમ.ફિલ. હિન્દી વિષય સાથે. વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’
મો. ૯૪૨૮૧૭૩૪૨૬
Email: neeta.singer@gmail.com