નવલકથાપરિચયકોશ/સ્વપ્નતીર્થ

૮૧

‘સ્વપ્નતીર્થ’ : રાધેશ્યામ શર્મા

– આરતી સોલંકી
Swapnatirth.jpg

લેખકનો પરિચય નામ : રાધેશ્યામ સીતારામ શર્મા જન્મ : ૫ જાન્યુઆરી ૧૯૩૬ મૃત્યુ : ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ વતન : ગાંધીનગર જિલ્લાનું વાવોલ ગામ અભ્યાસ : ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક વ્યવસાય : સાહિત્યસર્જક સાહિત્યિક પ્રદાન : ૪ જેટલા કાવ્યસંગ્રહો, ૨ નવલકથા, ૪ વાર્તાસંગ્રહો અને ૧૬ જેટલાં વિવેચન અને સંપાદનનાં પુસ્તકો. ઇનામ : રણજિતરામ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક અને અનંતરાય રાવળ વિવેચન એવૉર્ડ. રાધેશ્યામ શર્માકૃત ‘સ્વપ્નતીર્થ’ નવલકથા પ્રથમ આવૃત્તિ ૧૯૭૯, પ્રકાશન વર્ષ : ૧૯૭૯, નકલની સંખ્યા : ૫૦૦, પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ. “નવીનના આંતરમનની સ્થિતિ દર્શાવતી કૃતિઃ ‘સ્વપ્નતીર્થ’ ” ‘સ્વપ્નતીર્થ’ નવલકથાની શરૂઆત નવીનના મહાસ્વપ્નથી થાય છે. તેને એક જ રાત્રિમાં એકથી વધુ સ્વપ્ન આવે છે. સમગ્ર નવલકથાને એક જ વાક્યમાં કહીએ તો એક તરુણ બાળકની પિતા વિશે જાણવાની, તેમને શોધવાની, બળકટ ઇચ્છા એટલે ‘સ્વપ્નતીર્થ’. નવલકથાનો નાયક ૧૭-૧૮ વર્ષનો તરુણાવસ્થાથી યુવાની ત૨ફ ડગલાં માંડતો નવીન છે. નવીનના પિતા મથુરદાસ હયાત નથી અથવા તો ઘર છોડીને ચાલ્યા ગયા છે, ઘરમાં નવીન અને તેની માતા રહે છે. ક્યારેક તેના પિતાના મિત્ર વિનાયક કાકા ઘરે આવે છે. નવીન મેટ્રિકમાં બે-ત્રણ વાર નાપાસ થયો છે. નવીનને ખૂબ જ ઓછા મિત્રો છે, અંતર્મુખી સ્વભાવનો નવીન ડાયરી લખે છે. આસપાસના લોકો દ્વારા થતી વાતચીત પરથી નવીનના મનમાં અમુક શંકાઓ જન્મે છે, જેને બીજી કેટલીક ઘટનાઓ સમર્થન આપે છે. આ શંકાઓ નવીનના મનમાં અનેક પ્રશ્નોનાં જાળાં ગૂંથે છે. જેમ કે, તેના પિતા કોણ છે? મથુરદાસ કે પછી માતા સાથે વાતો કરતા સિગારેટના ધુમાડા ઉડાડતા વિનાયક કાકા કે પછી...! નવીન પાસે આ તમામ પ્રશ્નોના કોઈ જવાબ નથી. કોઈ કહે છે કે નવીનના પિતા ઘર છોડીને ચાલ્યા ગયા છે તો કોઈ કહે છે કે, મૃત્યુ પામ્યા છે. નવીનના પિતા ચાલ્યા ગયા હોય કે મૃત્યુ પામ્યા હોય, જે કંઈ પણ હોય છતાં એવું થવા પાછળનું કારણ શું? નવીનની માતા? કે પછી નવીનની માતાના અન્ય કોઈ સાથે આડા સબંધની જાણ થતાં તો પિતાએ ઘ૨ નહિ છોડ્યું હોય ને? કે પછી મૃત્યુને વહાલું કર્યું? નવીન ખરેખર મથુરદાસનું જ સંતાન કે અન્યનું? આવા અનેક પ્રશ્નોથી છુટકારો મેળવવા નવીન અધ્યાત્મ તરફ વળે છે, ઘનશ્યામ મહારાજ દ્વારા આયોજિત ડાકોરની પદયાત્રામાં જોડાય છે. ડાયરીમાં ઘનશ્યામ મહારાજનો ફોટો લગાડે છે. તેમની જેમ વાળ ઓળે છે. આમ નવીન ઘનશ્યામ મહારાજથી પ્રભાવિત હોય એવું જણાય છે. નવીનને આવતા સ્વપ્નમાં જ નવીન વિશેની માહિતી સર્જક વચ્ચે આપી દે છે. જેમાં નવીનના જીવનના અમુક પ્રસંગો પણ સર્જક જણાવે છે. નવીન પોતાની માતાથી દૂર રહેવા લાગે છે અને ઘનશ્યામ મહારાજની કથામાં જવા લાગે છે. નિશાળમાં તેના પિતાનું નામ પૂછવામાં આવે છે ત્યારે નવીન ક્ષણભર કશો જ જવાબ આપતો નથી. અહીં સમાંતરે ઈશુના જન્મની કથા જોડાય છે. એક સ્વપ્નમાં નવીનને અરીસામાં બીજો નવીન દેખાય છે. તે દોડતો આવી નવીનની ડાયરી લઈને લખવા લાગે છે. હવે કથા ડાયરી સ્વરૂપે આગળ ચાલે છે. જેમાં ઘનશ્યામ મહારાજની પ્રેરણાથી છ દિવસની પગપાળા ડાકોરની યાત્રાએ જતા સંઘ વિશે માહિતી અપાઈ છે. આ સંઘ છ દિવસમાં કયા કયા સ્થળેથી પસાર થયો તેની વિગતોની સાથે રસ્તામાં ઉતારા, ભોજન અને ભજન વિશેની સ્થૂળ વિગતો આપવામાં આવે છે. ડાયરી બંધ થાય છે ત્યારે નવીનની સ્વપ્ન ડાયરી ખૂલે છે. જેમાં નવીન આખા દિવસની ઘટનાથી વિપરીત પ્રકારનાં સ્વપ્નો નિહાળે છે. સંઘ દરમ્યાન નવીનનું શારીરિક શોષણ પણ થાય છે. નવીન આ બાબતે કોઈ જ પ્રતિભાવ આપતો નથી. જાણે તેને કશો ફરક જ પડતો નથી. અંતે સ્વપ્નમાં જ તેની ડાયરીનું વિસર્જન થાય છે. આ વિસર્જન સાથે પિતૃતર્પણનો સંદર્ભ જોડાય છે. સવારે નવીનની માતા તેને જગાડે છે ત્યારે વાચકને ખબર પડે છે કે આ તમામ વિગત સ્વપ્નમાં ચાલતી હતી. કેમકે નવીનની માતા તેને ઉઠાડતાં કહે છે કે મહારાજશ્રીએ તને પદયાત્રાવાળી ડાયરી લઈને બપોરે બોલાવ્યો છે. નવીન જાગતાં જ પોતાનાં સ્વપ્નો વિશે વિચારવા લાગે છે. તે સંચા પાસે રીંછને તો અરીસામાં બીજો નવીન છે કે કેમ તે જોવા લાગે છે. નવીનનું એકલવાયું વ્યક્તિત્વ નવલકથામાં તેને આવતાં સ્વપ્નો માટે પૃષ્ઠભૂમિ બને છે. નવીનના ચેતન-અચેતન મનની સ્થિતિ સ્વપ્નને તાલમેલીયા બનાવતા અટકાવી કલાકીય ઓપ આપે છે. નવીનના મનની આ દારુણ સ્થિતિ થોડાં પ્રતીક, કલ્પન સાથે સ્થળકાળથી વિસ્થાપિત થઈ સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થાય છે. તેના મનના તરંગો, ઘુમરાતા પ્રશ્નો સ્વપ્ન સ્વરૂપે ચિત્રિત થાય છે. નવીનની ડાકોરયાત્રા સ્વપ્નયાત્રા બની રહે છે. નવલકથાની શરૂઆત થાય છે ‘શબનિકાલની સમસ્યા’ નામના પ્રકરણથી. પ્રથમ દૃષ્ટિએ આ તમામ બાબત નવલકથા સાથે સાવ મનમેળ વિનાની લાગે. પરંતુ, સમગ્ર નવલકથામાંથી પસાર થતાં જણાય છે કે, આ શબનો કૂવો એટલે નવીનનું અચેતન મન, તેના અચેતન મનમાં અનેક ગ્રંથિઓ લાશ બનીને કોહવાઈ રહી છે. અનેક પ્રશ્નો સબડી રહ્યા છે, અને ગંધાયા કરે છે. જેનું અંતે ગોમતી કુંડમાં વિસર્જન થાય છે. નવલકથાની શરૂઆતની જેમ જ તેનો અંત પણ પ્રતીકાત્મક છે. નવલકથાના અંતમાં એક ચિત્ર છે જેમાં નીચે એક બાળક સૂતું છે અને તેના ઉપર એક રીંછ છે. અહીં નવીનની સ્વપ્નસ્થ અવસ્થાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. હવે આપણે જો સમગ્ર નવલકથાને એક વિશાળ સ્વપ્ન માનીએ તો આ ૧૨૧ પૃષ્ઠોની નવલકથામાં કુલ સાત સ્વપ્નો રજૂ થયાં છે. આ સ્વપ્નોને પણ વિષયવસ્તુ અને અનુભૂતિ મુજબના પ્રકારોમાં વિભાજિત કરી શકાય, અહીં રજૂ થયેલ સ્વપ્નોમાં અરીસામાં જ અરીસાવાળું દિવાસ્વપ્ન અને અંતિમે ગોમતી કુંડવાળું સ્વપ્ન ઉત્કૃષ્ટ કલાકીય માવજત પામ્યાં છે. પ્રથમ દિવાસ્વપ્નથી તીર્થયાત્રાની શરૂઆત થાય છે. તો અંતિમ દિવાસ્વપ્નથી આ સ્વપ્ન યાત્રા વિસર્જન પામે છે. ‘સ્વપ્નતીર્થ’ નવલકથાના સ્વપ્નને બે વિભાગમાં વહેંચી શકાય : ૧. યાત્રા પૂર્વેનાં સ્વપ્નો અને ૨. યાત્રા દરમ્યાનનાં સ્વપ્નો. યાત્રા પૂર્વેનાં સ્વપ્નો સરળ અનુભૂતિનાં છે જ્યારે યાત્રા દરમ્યાનના અનુભવો દુઃસ્વપ્નની કક્ષામાં મૂકી શકાય એવા છે. યાત્રા પૂર્વે નવીનના મન અને મસ્તિષ્કમાં ત્રણ સ્વપ્નનાં મોજાં એક પછી એક આવીને ત્રણ સ્વપ્ન થર બનાવે છે. આ તમામ સ્વપ્નો સરળ સ્વરૂપનાં છે. થોડાંક કલ્પનોને બાદ કરતાં જટિલ કહી શકાય તેવી ગૂંચ સ્વપ્ન સમજવા ઊપજતી નથી, પિતાને શોધવાની ઝંખના અને મળવાની અશક્યતા ખડગ તલવારમાં રૂપાંતરિત થાય છે. માતાનો વ્યભિચાર સરળ સ્વરૂપે પિતાના ફોટામાં વિનાયક કાકા અને ઘનશ્યામ મહારાજને દર્શાવી રજૂઆત પામ્યો છે. રીંછનું પ્રેત, પિતાની ઇચ્છાનું વિસ્થાપિત સ્વરૂપ બને છે. નવીનનું દિવાસ્વપ્ન થોડું જટિલ કહી શકાય તેવું અવાવરુ વાવ કે અરણ્યમાં પહોંચવું તેના વિચારમંડળનું રૂપક છે. તમામ સ્વપ્નો પૂરેપૂરી ચિત્રાત્મક શૈલીમાં રચાયાં છે. આ સ્વપ્નોની પૃષ્ઠભૂમિ છે નવીનનું અચેતન મન. નવીનના અચેતન મનમાં સંઘરેલ માતા વિશે પિતા વિશેની ભ્રામક અભ્રામક દબાયેલી સ્મૃતિ છે. નવીનનું અંતર્મુખીપણું પણ આ સ્વપ્નો માટે જવાબદાર છે. તે બધી વાત કરતો નથી એટલે ખુદની દબાયેલી લાગણી અન્ય કોઈ સ્વરૂપે પ્રગટે છે. સમગ્ર નવલકથા સ્વપ્નથી શરૂ કરી સ્વપ્નમાં જ પૂર્ણ થાય છે. સ્વપ્નતીર્થ એક ઘેઘૂર વડલા જેવું સ્વપ્ન છે અને તેમાં રજૂ થતાં રાત્રી સ્વપ્ન, દિવાસ્વપ્ન તેની શાખા પ્રશાખાઓ બને છે. આ તમામ શાખા પ્રશાખાઓ ૫૨ એક જ ફળ આવે છે અને તે છે નવીનના આંતરમનની સંવેદના. જે પિતાથી પ્રેતમાં અને આગળ પરમેશ્વરમાં વિલીન થાય છે. ઘણા વિવેચકો આ નવલકથાને ‘હેમલેટ’ સાથે સરખાવે છે પરંતુ ‘હેમલેટ’ જેવો દેખીતો સંઘર્ષ અહીં નથી. માતા પણ ‘હેમલેટ’ની માતા જેમ વ્યભિચારી છે જ એવા દેખીતા પુરાવા પણ નથી. અહીં તો છે માત્ર કિશોર મનના તરંગો. કિશોર સમયમાં આમ પણ વિચારો ચિત્રાત્મક હોય છે. જે જલદીથી સ્વપ્નોમાં રૂપાંતરિત થઈ શકે છે. આ નવલકથા સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક બની શકી છે. રાધેશ્યામ શર્માની એક પ્રયોગશીલ નવલકથા તરીકે પણ તેનું અદકેરું મહત્ત્વ છે. પ્રવીણ દરજી તથા બાબુ દાવલપુરા પણ આ નવલકથાને સ્વપ્નરૂપી તીર્થ જ ગણાવે છે. ‘સ્વપ્ન જ જાણે તીર્થ બની રહે છે. સ્વપ્નની બહાર કશું નથી, બધું સ્વપ્નમાં. સંક્ષેપમાં સ્વપ્નતીર્થનું સ્વપ્નમાં તીર્થ, અને સ્વપ્ન એ જ જાણે તીર્થ.’

આરતી સોલંકી
શોધછાત્ર
ગુજરાતી ભાષાસાહિત્ય ભવન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
મો. ૯૬૩૮૧૮૦૯૯૮, Email: solankiarati૯@gmail.com