નવલરામ પંડ્યા/ઉત્તરરામ ચરિત્ર નાટક

૧૯. ઉત્તરરામ ચરિત્ર નાટક
[અનુ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી]

માલતીમાધવના ભાષાંતરથી જાણમાં આવેલા અને આત્મકૃત કાંતા નાટકથી ગૂર્જર ગ્રંથકારના પહેલા વર્ગને પામેલા તરુણ વિદ્વાન ભાઈ મણિલાલે હાલ ઉપલા મહા પ્રસિદ્ધ નાટકનું ભાષાંતર કરી પોતાનો સાક્ષરી ઉત્સાહ પાછો પ્રસિદ્ધ કર્યો છે. એની એક પ્રત અમને મળી તે પ્રેમપૂર્વક સ્વીકારીએ છીએ. અમે હમણાં જ એક લાંબા વિવેચનથી પરવાર્યા છીએ તેથી અમારે અમારા ખાસ વિષયો ઉપર હાલ લક્ષ આપવાની વધારે ફરજ છે, અને તેથી ભાઈ મણિલાલની આ કૃતિનો યોગ્ય સત્કાર અવકાશ પર જ રાખવો પડે છે, તોપણ એ દરમ્યાન એ ઉત્સાહી ગ્રંથકારને ઇન્સાફ અને લોકના લાભની ખાતર અમારે આટલું તો આ પ્રસંગે જ કહેવું જોઈએ કે સંસ્કૃતમાં ભવભૂતિનું એ નાટક શકુંતલાદિકથી પણ સર્વોપરી ચડિયાતું ગણાય છે, અને દુનિયાની કોઈ પણ ભાષામાં એના જેવું ગંભીર હૃદયભેદક કરુણાત્મક તો બીજું એકે નાટક નથી. એ સઘળો રસ આપણા આ ગૂર્જરી ભાષાંતરમાં આવ્યો નથી એ તો સ્વાભાવિક જ છે, પણ અમારા વિચાર પ્રમાણે આજપર્યંત સંસ્કૃત નાટકોનાં જે જે ભાષાંતરો થયાં છે, તેમાં અને પદ્યભાગમાં તો નિશ્ચય જ આ ભાષાંતર એક નમૂના લાયક નીવડ્યું છે. ગુણદોષની વિગતવિવેચન વેળા પણ અત્ર એટલું જ કહીએ છીએ કે ગુજરાતી ભાષા જાણનારા સર્વે રસિક કે વિદ્વાન પુરુષે આ પુસ્તક પોતાના ઘરમાં રાખવું આવશ્યક છે. એની કિંમત પણ ઘણી નથી. ફક્ત રૂ. ૧|| રાખેલી છે. અને પુર આશરે રોયલ ફરમા ૨૪નું છે. પૂઠું છેક આવું નમાલું ન કર્યું હોત તો સારું ખરું. કાગળ ને છાપો સુંદર છે.

(૧૮૮૩)