નવલરામ પંડ્યા/બુદ્ધિ અને રૂઢિની કથા


૧૫. બુદ્ધિ અને રૂઢિની કથા
[પરીખ કેશવલાલ મોતીલાલ]

આ એક કદમાં નાની, પણ ગુણમાં મોટી ચોપડી અમને મળી છે. એનાં માત્ર ૩૨ જ પૃષ્ઠ છે, પણ આજકાલ જે ઘણાંખરાં પુસ્તકો છપાય છે તેનાં ૩૨૦ પૃષ્ઠ કરતાં પણ અમને એ વધારે કિંમતી લાગે છે. એ ચોપડી નિર્દોષ છે એમ અમારો કહેવાનો હેતુ નથી, અને દોષ છે તે નીચલા વિવેચનમાં છૂટથી બતાવતાં જરા પણ આંચકો ખાવાનો અમારો વિચાર નથી પણ અહીંયાં આમ બોલવાની મતલબ એ છે કે આ ચોપડીની ગ્રંથિ ઉત્તમ પ્રકારની અને લખનાર એક સારી કેળવણી પામેલો ગંભીર ગૃહસ્થ જણાય છે. આ ચોપડી અમદાવાદ ડીસ્ટ્રિક્ટ કોર્ટના વકીલ રા. કેશવલાલ મોતીલાલે બનાવી પ્રસિદ્ધ કીધી છે. અમે ભૂલતા નહિ હોઈએ તો વકીલ વર્ગમાંથી ગ્રંથકાર તરીકે પહેલ વહેલો દેખાવ આ ભાઈ જ આપે છે, અને તે જારી રાખશે એમ અમે આશા રાખીએ છીએ. આ ચોપડીનો ઘણો ભાગ બાળલગ્ન નિષેધક પત્રિકા (જે પહેલાં અમદાવાદમાં નીકળતી અને જે હાલ અમે દિલગીર છીએ કે કોણ જાણે શા કારણથી બંધ પડી છે) તેમાં એ ભાઈએ પોતાના અધિપતિપણામાં પ્રગટ કર્યો હતો, અને તેમાં હાલ ચારેક અધ્યાય ઉમેરી અત્રે વળણ વાળી દીધું છે. પહેલો ભાગ જેવી હોંસ ને ધીરજથી લખ્યો તે હોંસ ને ધીરજ છેવટ સુધી કાયમ હોત, તો બેશક વધારે પસંદ કરવા જોગ કામ થાત. પણ હવે તે તેની જ તુલના કરીએ. આ ચોપડી વાર્તાના રૂપમાં છે પણ એ વાર્તા નથી. એ એક રૂપક ગ્રંથિ (Allegory) છે. રૂપકગ્રંથિ એટલે માણસના ગુણ, સ્વભાવ આચારવિચાર વગેરે અદૃશ્ય નિરાકાર ભાવમાં સજીવારોપણ કરી તે હરતા ફરતા દેહધારી જ હોય તેમ તેનું વર્ણન તેનાં લક્ષણ તથા કાર્યકારણોને અનુસરી તેવું કરવું તેને અમે રૂપક ગ્રંથ કહીએ છીએ. બીજો વિષય ચાલતો હોય અને તેમાં પ્રસંગોપાત્ત કોઈ ગુણને આવું રૂપ આપવું તે તો માત્ર રૂપકાલંકર જ થાય છે, પણ જ્યારે આ રૂપક સર્વાંગે વિસ્તાર પામી એક વાર્તાનું જ રૂપ પકડે, ત્યારે તે રૂપક ગ્રંથિ કહેવાય. આપણી ભાષામાં સર્વજનપ્રિય આવી રૂપક ગ્રંથિનું પુસ્તક પ્રેમાનંદકૃત વિવેક વણઝારો છે. રૂપક ગ્રંથિનો સર્વોત્કૃષ્ટ નમૂનો સંસ્કૃતમાં આખું પ્રબોધચંદ્રોદય નાટક જ તથા ઇંગ્રેજીમાં પેલા અભણ પણ ભક્તિમસ્ત બનીઅન કંસારાનું બંદીખાનામાં પડ્યા પડ્યા ઉત્સાહભેર બનાવેલું (Pilgrim’s Progress) ભક્ત પર્યટન છે. રસશાસ્ત્ર આવાં કાવ્યને પહેલું આસન આપતું નથી એ વાજબી જ છે, તો પણ તે એક જાતનું કાવ્ય અને લખતાં આવડે તો ઘણું સરસ કાવ્ય છે એમાં તો કાંઈ શક નથી. સારી રૂપક ગ્રંથિ ગૂંથવી એ કાવ્યકળામાં અઘરામાં અઘરુંં કામ છે. એમાં રસકલ્પનાદિકનો જેટલો ખપ પડે છે તેટલો જ બલ્કે તેથી પણ વધારે પૃથક્કરણાદિક શક્તિઓનો પણ પડે છે. રૂપક ગૂંથનાર એક કવિ તેમજ સારો તત્ત્વવેત્તા જોઈએ. એ કારણથી દુનિયામાં થોડી જ રૂપક ગ્રંથિઓ સારી નીવડેલી છે, અને દોષરહિત જ હોવું એ તો મહા દુર્લભ છે. કવિ શિરોમણિ પ્રેમાનંદ પણ વિવેક વણઝારામાં કેટલેક ઠેકાણે લથડી ગયો છે, ( જેમ કે વણઝારાની મૂર્ખાઈ દેખાડવા એમ વર્ણવ્યું છે કે તેણે લોઢું, અફીણ, મીઠું, કાપડ, વગેરે કિંમતી વસ્તુઓ ખરીદ કીધી એ વણઝારાના અંગમાં જરાયે બંધ બેસતું નથી. એને બદલે ક્ષણિક નાશવંત તથા જેનું કાંઈ જ ઊપજે નહિ એવી વસ્તુઓ વહોરી એમ કહેવું જોઈતું હતું.) પણ રસભાગ એનો આબાદ હોવાથી તે સાધારણ વાંચનારના લહ્યામાં આવતું નથી. રૂપક ગ્રંથિનું પહેલું ખોખું શાંત અવલોકન અને બારીક તોલન શક્તિની જ સહાયતાથી ઘડાય છે, અને પછીથી રસ કલ્પના આવી તેમાં જીવ મૂકે છે ત્યારે તે મૂર્તિ તેજોમય થઈ રહે છે. ગમે એવાં રૂપાળાં પણ નિર્જીવ મડદાં કરતા કાંઈક બદશિકલ પણ આરોગ્યતા ને તેજીથી ભરપૂર એક ચહેરો ઘણો વધારે મનોહર લાગે છે. તેમજ આ મહારૂપકનું પણ છે. જો એમાં રસરૂપી જીવ નથી, તો તત્ત્વજ્ઞાને આપેલાં હાડપાસળાં કેવળ મિથ્યા અને કંટાળો ઉપજાવનારાં છે. એ જ કારણથી ‘જીવરાજની મુસાફરી’માં તત્ત્વજ્ઞાનની ચોટ સઘળે ઠેકાણે આબાદ છે, તોપણ તે કોઈ પણ કવિતાના ભોગીને વાંચવી ગમતી નથી. એ કરતાં ‘હુનરખાન’ જેમાં મહા રૂપકની છાયા જ માત્ર છે તોપણ તે બહુ રસિક લાગે છે. એક નાની ચોપડીના નાના વિવેચનમાં ઉપલો વિસ્તાર કાંઈ અતિપાંડિત્ય જેવો દેખાય છે, પણ તેમ કરવાની ખાસ જરૂર હતી કેમ કે રૂપકગ્રંથિ અથવા મહારૂપક એ શબ્દ જ અમારી તર્કનો નવો છે, અને એ બાબત આપણી ભાષામાં એક અક્ષર પણ કોઈ ઠેકાણે અત્યાર સુધી લખાયેલો નથી. આટલી સમજૂતી વિના મહારૂપક શું તે જ અમારા વાંચનારથી સમજાય એમ નહોતું, અને તેથી એ સમજૂતી આપી મહારૂપકના પ્રકાર તથા ઉદ્દેશ કેવા કેવા હોય છે તથા તે પ્રમાણે તેની તુલના કેવી રીતે થાય છે તે વિગતમાં ન ઊતરતાં અમે આ બુદ્ધિ ને રૂઢિની કથા ઉપર જ એકદમ આવીએ છીએ. આ મહારૂપકની સંકલના નીચે પ્રમાણે છે. ગૂર્જરદાસ કરીને કોઈ (અમે ધારીએ છીએ કે) વાણિયો હતો. તે બુદ્ધિદેવી વેરે પરણ્યો હતો. તે બાઈ ઊંચ કુળની હતી. તેના ભાઈનું નામ જ્ઞાનદેવ તે પણ ગૂર્જરદાસને ત્યાં ગુમાસ્તી કરતો હતો. આવા યોગથી બધાં સુખી હતાં એવામાં યવનરાજનો અમલ થયો, અને તે બુદ્ધિદેવી તથા જ્ઞાનદેવ ઉપર બહુ વેર રાખવા લાગ્યો જે સ્વાભાવિક જ છે. એથી જ્ઞાનદેવ બેહોશ અને બુદ્ધિદેવી એંશી વર્ષની ડોસી કરતાં પણ નબળી થઈ ગઈ. આ જોઈ ગૂર્જરદાસનું મન તેની ઉપરથી ઊઠી ગયું, અને એવો લાગ જોઈ એની બહેન કુમતિએ આગળ પડી રૂઢિદેવી નામની એક મનોહર પણ ગુણરહિત સ્ત્રી સાથે તેનું ચોકઠું બેસાડી દીધું. એ રૂઢિદેવીનો બાપ નિર્વિચારદેવ અને મા અવિદ્યાદેવી હતી. આ ચંડાળ માબાપનો પગ તો ગૂર્જરદાસના ઘરમાં પહેલાંથી જ હતો, અને તેઓ બુદ્ધિદેવીને કાઢી મુકાવી તેને ઠેકાણે પોતાની આ પુત્રીને એડવી દેવાની ઘણા વખતથી જ તજવીજ કરતા હતા. તેઓ ગૂર્જરદાસના કાન ભરતા, ને બુદ્ધિદેવી તથા જ્ઞાનદેવ ઉપર અરુચિ ઉત્પન્ન કરાવતાં. ગૂર્જરદાસ આગળ તેઓ પ્રસંગ કાઢી પોતાની રૂઢિ દીકરીનાં વારંવાર વખાણ કરતા, અને કોઈ કોઈ વાર રોફ મરાવી તેની નજર આગળ ફેરવતા. આખરે એનું મન મળ્યું, ને કુમતિબહેનને કહે તુર્તાતુર્ત રૂઢિદેવી સાથે ઉપર કહ્યું તે પ્રમાણે લગ્ન કર્યાં. ખરે, કુમતિબાઈના આ ભાઈ ગૂર્જરદાસ તો બુદ્ધિદેવી જેવા કાંઈ ઊંચ ખાનદાનના હોય એમ આ ચોપડી ઉપરથી જણાતું નથી. અમે તો ધારીએ છીએ કે એના બાપનું નામ અણઘડદાસ ને માનું નામ પથરાબાઈ હશે. આ વૈશ્યને દેવી ઉપનામ ધારણ કરનારી બુદ્ધિદેવી સરખી ક્ષત્રાણી કેમ મળી શકે એ જ અમને તો પ્રથમ મોટું આશ્ચર્ય લાગે છે, ને તેથી બધી વાત અસંભવિત દેખાય છે. ખરે, આ ગ્રંથકારે દેવી, દાસ વગેરે ઉપનામ ક્યાં ને કોને લગાડવાં એ બાબત કાંઈ વધારે વિવેક વાપર્યો હોત, તો વધારે સારું થાત એમ અમને લાગે છે. એ દોષ છે તો નાના, પણ રસહાનિ મોટી છે. તેમજ બુદ્ધિદેવીનું પડી ભાગ્યું ત્યારે જ રૂઢિદેવી ઘરમાં પેઠી એમ જે રૂપક બાંધ્યું છે તે અમારી નજરમાં યથાર્થ નથી. જીવરાજની સેવામાં બુદ્ધિ તથા રૂઢિ એ બંને જ હંમેશાં તત્પર હોય છે પણ તેમાં રૂઢિ એ માત્ર બુદ્ધિની દાસી છે, અને તે વધારે ચપળ હોવાથી ઘણી વાર તેની હસ્તક જ બુદ્ધિદેવી પોતાના સ્વામીની સેવાનું કામ લે છે, પણ જરૂરને પ્રસંગ તેને ટપ રોકી પોતાને જે તે પ્રસંગે ઉચિત લાગે તેમજ કરે છે. આ પ્રમાણે યથામર્યાદા જ્યાં સુધી આ ત્રણેનો વ્યવહાર ચાલ્યો જાય છે, ત્યાં સુધી એ ત્રણે સુખી રહે છે. ઘણા પરિચયથી જ્યારે આ રાજા દાસી ઉપર મોહિત થઈ પડે છે, અને તેને જ પટ્ટરાણી પદ આપી દે છે, ત્યારે એની તથા એના તમામ રાજની અવદશા આવે છે. પણ એ આડી કલ્પના પડતી મૂકી આ રૂપક પ્રમાણે જ ગૂર્જરદાસનું આગળ શું થયું તે જોઈએ. રૂઢિદેવી સાથેના લગ્નથી નિર્વિચાર દેવ તથા અવિદ્યાદેવીની સત્તા ગૂર્જરદાસના ઘરમાં સ્થાયી થઈ. હવે તેઓ હક કરી પોતાની સત્તા બજાવવા લાગ્યાં. તેમનું જોર ઘરમાં એટલું વ્યાપ્યું કે બુદ્ધિદેવી તથા જ્ઞાનદેવી ખાવેપીવે પણ હેરાન હેરાન થવા લાગ્યાં. આખરે બુદ્ધિને છેડો ફાડી આપી ગૂર્જરદાસે બહાર કાઢી મૂકી. તલાક આપવાનો અરૂઢ વિચાર આપણી રૂઢિદેવીને સૂઝ્યો એને તો અમે આ સુધારાના સમયનો ચમત્કાર એ સિવાય બીજું કાંઈ કહી શકતા નથી. આમ થવાથી બંને ભાઈબહેન વહાણમાં બેસી પશ્ચિમ તરફ ચાલ્યાં. યુરોપરાજે તેમનો સારો સત્કાર કર્યો. જ્ઞાનદેવ પ્રધાનપદ પામ્યો, અને બુદ્ધિદેવીએ યુરોપરાજ સાથે પુનર્લગ્ન કર્યું. પુનર્લગ્ન કર્યું કે નાતરે ગઈ ગમે તે કહો, પણ બુદ્ધિદેવી જેવી કુળવાન પદ્મિણી પોતાનો ધણી જીવતો છતાં ઘરઘરણું કરે તો અમને મહા જુગુપ્સા ભરેલું લાગે છે, અને એમ એક વાર કર્યા પછી પાછા આ મુલકમાં આવી ગૂર્જરદેશના ઘરમાં સત્તા મેળવવાનો પ્રયત્ન કરે છે એને તો હડહડતા કુલટાપણા સિવાય શું કહેવું તેની અમને સૂઝ જ પડતી નથી. રૂપક બાંધવામાં બેશક આ મોટી ભૂલ થઈ ગઈ છે. જો આટલું જ વર્ણવ્યું હોત તો બસ હતું કે ઉદર નિમિત્તે ભાઈબહેને પરદેશમાં જઈને વાસ કર્યો અને ત્યાં બહુ પૂજાયાં. હવે ગૂર્જરદાસના ઘરમાં શું ચાલે છે તે આપણે જોઈએ. હવે તો રૂઢિદેવી વગેરેની સત્તા ચાલવામાં કશીયે આડખીલી રહી નહિ. એવામાં એને એક પુત્ર પ્રસવ્યો અને પછી તો એના પ્રબળનું પૂછવું જ શું. એ છોકરાનું નામ બાળવિવાહ પાડ્યું, અને નામ પ્રમાણે જ તે બે વર્ષનો ન થયો એટલામાં તેનો ચાર વર્ષની એક છોડી સાથે વિવાહ કરી દીધો. નવી વહુનું લાડનામ નિર્બળતા દેવી પાડ્યું. પછીથી થોડા વખતમાં મોટી ધામધૂમથી છોકરાને પરણાવી બધાને છક કરી નાખ્યા. રૂઢિ દેવીનો આ ઠાઠ જોઈ બીજા પણ તેની નકલ કરવા લાગ્યાં, અને થોડા વખતમાં એમ થઈ રહ્યું કે રૂઢિદેવીએ કહ્યું તે તો પરમેશ્વરે જ કહ્યું. બાળવિવાહ ભાઈને તો હજી પોતિયુંયે પહેરતાં નથી આવડતું એટલામાં નવી વહુ કોડભેર સાસરે આવ્યાં, અને થોડા જ વખતમાં તેને અઘરણી આવી. આ જોઈ રૂઢિદેવી થઈ તો રાજી પણ લોકલાજને ખાતર છોકરાને લહેલૂર ધોતિયું, અંગરખામાં બેચાર બદન, તથા ટોપી ફેંકી દઈને એક મોટું પાઘડું પહેરાવવા લાગી. તેણે મહા હર્ષથી સીમંતનો વરો કર્યો, અને જ્યારે વહુને દીકરો અવતર્યો ત્યારે તો એ પોતાને કૃતકૃત્ય થઈ એમ જ સમજવા લાગી. ગૂર્જરદાસના એ પૌત્રનું નામ વ્યભિચારદેવ પાડવામાં આવ્યું. આ છોકરાનો તો જન્મ થયો તે પહેલાં જ જો છોકરો આવે તો અમારી છોકરી વેરે વિવાહ કરજો એમ ઘણાએ કહી રાખ્યું હતું. હવે પુત્રને પ્રસવ થયો કે એણીએ એક સારામાં સારે ઘેર તુર્ત સાટું નક્કી કરી દીધું. બાળવિવાહ સિવાય રૂઢિદેવીને બીજી સંતતિ પણ ઘણી થઈ હતી. વટાળદેવ, વહેમદેવ, અને અધર્મદેવ એવા બીજા ત્રણ દીકરા, અને બાળહત્યા તથા અનીતિ એ નામની બે દીકરીઓ હતી. તે સઘળાને પણ એણે અલબત્ત ક્યારનાં પરણાવી દીધાં હતાં, અને તેથી પુત્રપૌત્ર, દુહિત દુહિતરો તથા વહુ જમાઈની વાડી એવી ખીલી હતી કે તે જોઈ રૂઢિદેવીને આકાશ માત્ર બે આંગળા જ આઘું રહ્યું હતું. વટાળદેવની સ્ત્રીનું નામ આભડછેટદેવી હતું. તેમને જ્ઞાતિદેવી એ નામની એક દીકરી હતી, પણ તે તો સો દીકરાનું કામ સારે એવી હતી. એણે તો પોતાના પ્રતાપ વડે સઘળાને પાંસરાદોર કરી નાંખ્યા. બધા લોક પાસે એણીએ પોતાનું, પોતાના માબાપનું, તથા રૂઢિદેવીનું ઐશ્વર્ય નિર્વિવાદપણે કબૂલ કરાવ્યું. હવેથી સઘળા લોક બેસતાં ઊઠતાં, ખાતાં, પીતાં, નહાતાં, ધોતાં, વસ્ત્ર પહેરતાં, દેશ પરદેશ જતાં, વેપાર રોજગાર કરતાં, ભોગ વૈભોગ કરતાં, અને ટૂંકામાં કાંઈ પણ નાનું કે મોટું કામ કરતાં પહેલાં તેઓ આ જ્ઞાતિદેવી અને રૂઢિડોશીની રજા લેવા આવવા લાગ્યાં, અને જો એની જરા પણ ના મરજી દેખે તો લાખેલાખનો લાભ હોય તોપણ તેમાંથી એકે માણસ તેમ કરવાનો સ્વપ્નામાં પણ વિચાર કરે નહિ એમ થઈ રહ્યું. યુરોપરાજને ત્યાં બુદ્ધિદેવી તથા જ્ઞાનરાજનાં પગલાં થયાં ત્યારથી જ તેનો દિનપરદિન ઉદય થવા લાગ્યો. એ સમજતો હતો કે આ સઘળા પુણ્યપ્રતાપ આ બે ભાઈબહેનના છે. અને તેથી તેમને તે સદાકાળ અછો અછો જ કર્યા કરતો. આ કારણથી થયું એમ કે વિદ્યાકળા, રિદ્ધિસિદ્ધિ, બળપરાક્રમ તથા રાજવૈભવ વગેરે સઘળી વાતમાં એ સર્વોપરી મનાયો. અગ્નિદેવ, વરૂણદેવ, વાયુદેવ, આદિ મહાન અને બળવાન જીન જે અત્યાર સુધી માણસ જાતથી અજિત હતા તે પણ એનું દાસત્વ કેવળ આધીનપણે કરવા લાગ્યા. એનું રાજ દિન પર દિન વધતું જ ગયું. અને તેણે ઝપાટાની સાથે યવરાજને ઉખેડી નાંખ્યો. આ કારણથી બુદ્ધિદેવીનું પાછું પોતાના વતનમાં આવવું થયું. સુખદેવ, ધનદેવ, પ્રીતિદેવી, વિદ્યાદેવી વગેરે જે એનો પહેલી વારનો પરિવાર હતો તે પણ એની જોડે જ હતો, કેમ કે અહીંયાં ગૂર્જરદાસના ઘરમાં નમાયાં પડ્યા પછી તેમની એવી હાડછેડ થવા લાગી હતી કે તેઓ અંતે હારીને નીકળી નાઠાં હતાં, અને રખડતાં રખડતાં કોઈક કાળે પોતાની માતાને યુરોપમાં જઈ મળ્યાં હતાં. બુદ્ધિદેવી નવા પરણેતરથી જે છોકરાં થયાં હતાં તેનાં નામ રાજ્યદેવ, વૈભવદેવ, સ્વતંત્રતાદેવી તથા કળાદેવી વગેરે, એ પણ અલબત્ત એની જોડે જ અત્રે આવ્યાં. એ સઘળાં છોકરાંઓ હૃષ્ટપુષ્ટ, બળવાન, ડાહ્યાં, સુનીતિમાન ને મહા પરાક્રમી હતાં કેમ કે તેને તો રૂઢિદેવીના ઝગધાંની પેઠે નાનપણમાં ન પરણાવતાં તને ને મને સંપૂર્ણ કાળજીથી કેળવ્યાં હતાં, ને જ્યારે કેળવાઈને પુખ્ત થયાં ત્યારે તેમણે પોતપોતાને જેની સાથે ફાવતું આવ્યું તેની સાથે જ પરમપ્રીતિથી ઉત્સાહયુક્ત લગ્ન કર્યાં હતાં. બુદ્ધિદેવીએ જોયું કે મારી આ જન્મભૂમિમાં કોઈ મને ઓળખતું જ નથી, તો પછી મારો પક્ષ કરે એની તો આશા જ શી? તોપણ તેણીએ પોતાની તથા પોતાનાં ફરજંદોની સત્તા પાછી અહીંયાં બેસાડવાનો નિશ્ચય કર્યો. આ એનો વિચાર રૂઢિદેવી જલદીથી ચેતી ગઈ, અને તેથી તેણીએ ખૂબ પછાડા માર્યા. એ તો નીકળી ગયેલી, ભ્રષ્ટ, પતિત, વટલેલી છે એવો પોકાર ઉઠાવી કોઈ પણ તેને પડછાયે જ ન જાય એમ તેણીએ કરી મૂક્યું. પણ બુદ્ધિદેવીએ સબૂર પકડી પોતાનો ઉદ્યોગ કળેકળે જારી રાખ્યો, અને છેવટે તેની સંપૂર્ણ ફતેહ થઈ. (તથાસ્તુ) આ રીતે એ મહારૂપક પૂરું થાય છે. પેલા ગૂર્જરદાસનું શું થયું તે જણાતું નથી. એની બહેન કુમતિ અને રાંડ રૂઢિ એ એને કર્મે ચોંટ્યાં હતાં તે છૂટ્યાં કે નહિ એ બરાબર જણાતું નથી. પણ એમ લાગે છે કે સુધરીને બુદ્ધિદેવીનું કહ્યું જ કરવા લાગ્યા હશે. પણ જ્યાં સુધી બુદ્ધિદેવી ધણિયાણી તો પારકાની જ થઈ રહી છે ત્યાં સુધી તે ગૂર્જરદાસના ઘરની બાબતમાં જોઈએ તેવી મસલત આપનારી તો ન જ થઈ શકે એમ અમને દહેશત લાગે છે. પણ આ બાબત ગ્રંથકારના હાથમાં કાંઈ ઉપાય રહેલો જણાતો નથી, કેમ કે એક વાર નાતરું કરાવ્યું તેમ પાછું એની પાસે પોતાના પૂર્વેના ધણી સાથે બીજી વાર કરાવે તો જ આ રૂપકનો ઘાટ બરાબર બંધ બેસી શકે એમ છે. ઉપર જે અમે લખ્યું તે તો માત્ર આ મહારૂપકનો હુંડો જ માત્ર છે. આ હુંડામાં રંગ પૂરીને ઘટતાં વર્ણનથી આ રૂપકને કેટલું રસિક કરવામાં આવ્યું છે તે જાણવાને માટે અમે એ ચોપડી જ વાંચવાની ભલામણ કરીએ છીએ. ભાષા અત્યંત રૂઢ, સરળ, બહુધા શુદ્ધ અને રસ ભરી છે. રસની સાથે એ ચોપડી વાંચવાથી ડગલે ડગલે બોધ ને વિચાર કરવાનું મળે એવી છે. એની કિંમત માત્ર આનો દોઢ જ રાખેલી છે એ પણ સારું કર્યું છે, કેમ કે એ સઘળાને લેવી પરવડશે, અને એ સઘળાએ વાંચવા જોગ છે એમ તો આટલા વિવેચન પછી અમારે કહેવાની જ જરૂર નથી.

૧૮૮૩