નવલરામ પંડ્યા/રઘુવંશ કાવ્ય

૩.
ગ્રંથાવલોકન


૧. રઘુવંશ કાવ્ય
[અનુ. શાસ્ત્રી રેવાધર મયાધર ભટ]

આ નામ કોઈને અજાણ્યું નહિ હોય. સંસ્કૃત ભાષાના અખૂટ ભંડારમાંથી પંડિતોએ પાંચ રત્ન શોધી કહાડીને જેનું નામ ‘પંચકાવ્ય’ પાડ્યું છે તેમાંનું આ એક છે, અને તે કવિ કાળિદાસનું રચેલું છે. સંસ્કૃત વિદ્યાર્થીઓ કાવ્યનો અભ્યાસ કરે છે ત્યારે પ્રથમ એ શીખે છે. એ કાવ્ય એની સરળતા તથા રસિકતાને માટે સઘળાને પ્રિય છે. એમાં રઘુના વંશનું વર્ણન છે, જેમાં કે રામનો અવતાર થયો હતો. એ રસાલંકારથી ભરપૂર અને પ્રૌઢ કાવ્ય છે – કાવ્ય શબ્દ ઉપરથી જ આપણે એટલું તો અટકળી શકીએ, કેમ કે સંસ્કૃતમાં આપણી પેઠે પદ્યનાં સઘળાં પુસ્તકોને કાવ્ય કહેતા નથી, પણ જેમાં કાવ્યના સઘળા ગુણ કસોટીથી માલમ પડે છે તેને જ કહે છે. આવા પુસ્તકનું ભાષાંતર કરવાનું સુરતની માજી ટ્રેનિંગ સ્કૂલના શાસ્ત્રી રેવાધર મયાધર ભટને સૂઝ્યું એ જોઈને અમને આનંદ થાય છે. તેમાં વળી આજકાલ જ્યારે ‘નાનકડા’ કવિઓ કવિતાને નામે પિંગળ રહિત, રસ શૂન્ય, અર્થ વિનાનાં અશુદ્ધ ભાષામાં ભાગ્યાં તૂટ્યાં વાક્યો ચારે તરફ ફેંકી કવિનું નામ પૈસે શેર કરી મૂક્યું છે, તે વખતે આ શાસ્ત્રીએ તે તાણમાં ન તણાતાં રઘુવંશનું પદ્યમાં ભાષાંતર કરવા માંડ્યું એ ખરેખર સંતોષકારક છે. હાલ બે સર્ગ પ્રગટ કીધા છે અને હવે પછી બીજા ધીમે ધીમે પ્રગટ કરવાનો વિચાર છે. સંસ્કૃતનું ગુજરાતીમાં ભાષાંતર કરવું એ સ્વાભાવિક છે, પણ અમે દિલગીર છીએ કે હજી કાવ્યનું એકે થયું નથી. આપણા જૂના કવિઓનું ઘણું કરીને બધું લખાણ સંસ્કૃત ઉપર આધાર રાખે છે ખરું, પણ તેઓએ ભાષાંતર તો એકે કીધું નથી. નાનુંસરખું આખ્યાન લઈને પોતાની તરફથી મોટી ઇમારત ઊભી કરવી એ તો સ્વતંત્ર કાવ્ય લખવા સરખું જ છે. નૈષધકાવ્ય, ભાગવત, રામાયણ, મહાભારત, કેટલાએક પુરાણના અમુક ભાગો વગેરેની કથા આપણી ભાષામાં સંસ્કૃત ઉપરથી કવિઓએ આણી છે, પણ તે ઉપરથી મૂળ ગ્રંથ વિષે જરાયે આપણાથી વિચાર બાંધી શકાય એમ નથી, કેમ કે તેઓએ કોઈ કોઈ ઠેકાણે પણ ભાષાંતર કરીએ છીએ એમ જાણીને લખ્યું હોય એમ જણાતું નથી. તેઓ તો જાણે મૂળ કવિની સાથે હોડ બકીને લખવા બેઠા હોય કે તમે જે વિષય ઉપર જે રીતે લખ્યું છે તે જ વિષય ઉપર અમે તે જ રીતે લખીએ છીએ, અને જુઓ હવે કોનું સરસ પડે છે. આ સ્પર્ધામાં સિદ્ધિ ઘણું કરીને અશક્ય જ છે. નળાખ્યાનનું આ પ્રકારે અગર જો વિવેચન થયું નથી, તોપણ નૈષધ કાવ્ય છતાં તેની આટલી કીર્તિ એ આપણા ગૂર્જર કવીશ્વરના અસાધારણ કવિત્વનું મોટું પ્રમાણ છે. પણ એ રીતના ઉતારાને ભાષાંતર કહેવાય નહીં. ભાષાંતર કરનારનું કામ મૂળ કવિના પ્રતિસ્પર્ધી થવાને ઠેકાણે તેના ભક્ત, તેના આજ્ઞાંકિત સેવક, તેના એકાંતિક મિત્ર થવાનું છે. જે ગ્રંથ ઉપર આપણી ભક્તિ નથી એટલે જે તરફ આપણે સાનંદાશ્ચર્યથી જોતા નથી, તે ગ્રંથનું ભાષાંતર આપણે કદી પણ સારું કરી શકવાના નહીં; અને તે ગ્રંથ જો કાવ્યનો હશે, તો તો આપણો સઘળો શ્રમ પાણીમાં જશે એમ અગાઉથી જ જાણવું. ભાષાંતર કરનારે ક્યારે પણ પોતાની તરફનો વધારો ઘટાડો કરવો ન જોઈએ કેમ કે આપણે તેના વિચાર જાણવા નથી બેઠા, પણ મૂળ ગ્રંથકર્તા જેની કીર્તિથી આપણે મોહિત થઈ ગયા છીએ તે શું કહે છે તે આપણે જાણવું છે. એવે ઠેકાણે ભાષાંતર કર્તાએ પોતાનું દોઢડાહ્યું કરવું એ એક જાતની ઠગાઈ છે. જે ગુણ, જે દોષ, જે છટા, જે ભાષાની મીઠાશ મૂળમાં છે તે સઘળી ભાષાંતરમાં આવવી જોઈએ. જાણે તે જ કવિ આપણી ભાષામાં લખવા બેઠો હોય તો તે કેમ લખે. ભાષાંતરનું આ તો સંપૂર્ણ લક્ષણ છે. માણસના કોઈ કામમાં સંપૂર્ણતા આવતી નથી, આ કામમાં તો આવે જ ક્યાંથી. સંપૂર્ણ ગુણવાળું તો ક્યાંથી પણ સારું કહેવાય એવું જ ભાષાંતર કરવું બહુ અઘરું છે. દુનિયામાં થોડાં જ કાવ્યનાં ભાષાંતરો દેશપ્રિય થયાં છે. નવો ગ્રંથ લખવા કરતાં પણ ભાષાંતર કરવું એ અનુભવી વિદ્વાનો વધારે વિકટ ગણે છે. એ કામ એટલું બધું વિકટ છે કે ભાષાંતર શી રીતે કરવું એ બાબત બે પક્ષ પડી ગયા છે. કેટલાએક કહે છે કે શબ્દે શબ્દ હોય તેમજ ઉતારવું, અને કેટલાએક કહે છે કે ગમે તેટલો ફેરફાર કરવો પણ મૂળનો રસ કાયમ જ રાખવો. રસ જે કે કાવ્યનો જીવ છે તે તો બેશક કાયમ રહેવો જ જોઈએ, કેમ કે નહીં તો તે ફેંકી દેવાનું ખોખું છે. પણ તેમજ તેમાં જે વિચારો ઉપરથી રસ ઉત્પન્ન થયો હોય તે વિચારોને પડતા મૂકી આપણે નવા જ વિચાર દાખલ કરીને કદાપિ તેવો જ રસ જમાવી શકીએ, તોપણ તે કોઈ રીતે ભાષાંતર કહેવાવું ન જ જોઈએ. ભાષા ભાષાની વાક્યરચનામાં ફેર છે માટે તે બાબત ગમે તેટલો ફેરફાર કરવો, પણ ભાવાર્થ તો એક રહેવો જોઈએ એમ અમારો પક્કો વિચાર છે. સંસ્કૃત સરખી શાસ્ત્રીય ભાષામાંથી તો તરજુમો કરતી વખતે આ પ્રમાણે કરવાની વધારે જરૂર છે, કેમ કે તેમાં દરેક શબ્દ સાર્થક, અને અનેક વાતની વ્યંજના કરનાર હોય છે. એમાંનો એકાદ શબ્દ અથવા ભાવાર્થ છોડી દીધો, તો તે એક સર્વાંગ સુંદર મૂર્તિનું અવયવ ખંડન કરવા સરખું થઈ પડે છે. ઉમેરીને વધારે રસિક કરવાની આશા રાખવા કરતાં તો મોરને ચીતરવા, અને ગુલાબને કસ્તુરીના પટ દેવા જવું એ વધારે સારું છે. ધારેલો અર્થ નખશિખ બરાબર પ્રગટ કરવામાં તો સંસ્કૃત કવિઓ એટલે જેને કાવ્ય કહે છે તેના કર્તાઓ અમને સર્વોપરી લાગે છે. અર્થાત્‌ સંસ્કૃત કાવ્યના ભાષાંતરમાં વધઘટ કરવા જવું એ રસની હાનિ જ કરવા બરાબર છે. વાક્યરચનામાં ગમે તેટલો ફેરફાર કરો, એક શબ્દનો અર્થ સમજાવવાને માટે ગમે તો એક વાક્ય વાપરો, તેમાં જે વાતની વ્યંજના કીધી હોય તેનું કદાપિ સ્પષ્ટીકરણ કરો, ઇત્યાદિ પણ તેના અર્થમાં પોતાનું પદ ન બેસે માટે ફેરફાર કરવો એ ખોટું જ. આ પ્રમાણે હોય તેને અમે ભાષાંતર કહીએ છીએ. સંસ્કૃતમાંથી આ રીતનાં ભાષાંતર થોડાં જ વરસ થયાં ગુજરાતીમાં થવા લાગ્યાં છે. ગીતા સરખા એક બે પુસ્તકના પુરાણી ઢબના તરજુમા થયા છે પણ તે કાંઈ ગણવાલાયક નથી. એની પહેલ ઝવેરીલાલે કહાડી છે અને ભાષાની ક્લિષ્ટતા છતાં એ વિદ્વાનનું જ શાકુંતલ નાટક થયેલાં સંસ્કૃત ભાષાંતરોમાં સારું છે, આ રીતે જોતાં, વાંચનાર સહજ ધારી શકશે, કે શાસ્ત્રી રેવાધરકૃત રઘુવંશના બે સર્ગ સઘળી રીતે તો મન માનતાં ક્યાંથી હોય? મૂળનો રસ ભાષાંતરકર્તાથી બરાબર ઝીલી શકાયો નથી, કેટલાંએક વાક્ય તોડી નાંખતાં ચિત્ર તૂટી ગયાં છે. કવિતામાં કાંઈ ઘણી તેજી નથી, તે છતાં સઘળે ઠેકાણે અર્થ ઘણું કરીને બરાબર કીધો છે, વધઘટ થોડી છે, અને ભાષા સાદી રાખી છે તેથી કાલિદાસનો રસ આ ભાષાંતર દ્વારા યે ચાખવાની અમે અમારા રસિક વાંચનારને ભલામાણ કરીએ છીએ. કવિતાનું બંધારણ પ્રેમાનંદના જેવી જુદી જુદી દેશીઓમાં રાખ્યું છે એ અમારા વિચાર પ્રમાણે તો બહુ સારું કીધું છે. એમાં નિયમ પણ ઘણે ઠેકાણે જોવામાં આવે છે પણ બધે ઠેકાણે હોત તો વધારે સારું. એ કાવ્યનો સાર અમે આપી શકતા નથી, તેથી તેમાંથી જ વાંચવાની સૂચના કરીએ છીએ.

૧૮૭૦