નારીસંપદાઃ નાટક/દિલમાં છે એક આશ


દિલમાં છે એક આશ !

આજકાલ તો જાણે... રક્ષક-ભક્ષક, ચહેરા-મહોરાં, સાચ-જૂઠ, વચનો-બહાનાં, બધ્ધું જ- બધ્ધું જ સાલું સેળભેળ લાગે છે. બેમતલબ... નિરર્થક... જબ અંદર કે શૈતાન કો ખુલી છુટ દી જાય તો વહ કિસ કો છોડેગા?

દિલમાં છે એક આશ !

(શરૂઆતના સમૂહ ગીતનું દરેક દૃશ્યના અંતે હમિંગ)

(અમે) આવ્યાં અમન-પથિક, અમે આવ્યાં અમન-પથિક !
અમે આવ્યાં અમન-પથિક, સાથોસાથ; તમારી પાસ !
હો હો... દિલમાં લઈને આશ, હિંમત ને વિશ્વાસ,
અમે આવ્યાં અમન-પથિક તમારી પાસ !
લૂછીને સૌની આંખનાં આંસુ, સપનાં નવજીવનનાં દૈશું !
અમે ગીત પ્રેમનાં ગાશું તમારી સાથ !
હો હો... દિલમાં લઈને આશ, હિંમત ને વિશ્વાસ,
અમે આવ્યાં અમન-પથિક તમારી પાસ !
સૌને શાંતિ, સૌને ન્યાય; રોજી-રોટી-ઘરની છાંય,
સૌને સલામતી મળી જાય, એ નિર્ધાર !
હો હો... દિલમાં લઈને આશ, હિંમત ને વિશ્વાસ,
અમે આવ્યાં અમન-પથિક તમારી પાસ !
સૌની મહેનતથી આબાદ, આપણ સૌનું અમદાવાદ!
સૌનો સહિયારો છે દેશ આ વિશાળ-
હો હો... નવો હશે સમાજ, સૌનો હશે સમાજ !
દિલમાં બસ એક આશ ને વિશ્વાસ,
અમે આવ્યાં અમન...

આઠેક વ્યક્તિઓ (સ્ત્રી-પુરુષો-કિશોરો)નો સમૂહ કંઈ ને કંઈ શ્રમ કરતો દેખાય. કોઈ સુતારીકામ, કોઈ રંગવાનું કામ, કોઈ દાઢી બનાવતો, ચંપલ રિપેર કરતો, સાયકલ પર ફરતો દેખાય. સ્ત્રીઓ રસોઈ-વાસીદું-ભરતગૂંથણ જેવાં કામ કરતી દેખાય, કિશોર લખોટી રમતો દેખાય. આ બધી ક્રિયાઓ દ્વારા શહેરની સવારનું દૃશ્ય ઊભું થાય છે. થોડી પળો આ દૃશ્ય સાથે હમિંગ. બધા એક સાથે, સમવેત સ્વરે બોલશે -અમદાવાદ... તારીખ ૨૭મી ફેબ્રુઆરી... અને વળી પોતપોતાના કામે લાગે.

અમન સમુદાયનું શેરી નાટક - સરૂપ ધ્રુવ

ત્યાં જ બહારથી સૂત્રધાર હાંફળો-ફાંફળો ધસી આવે. સ્વરમાં વ્યગ્રતા છે. સૂત્રધાર : ખબર પડી? બહુ ભયંકર બનાવ બન્યો છે. એક : શું થયું? શું થયું? શી વાત છે, ભાઈ? બે : ક્યા હુઆ? સૂત્રધાર : ગોધરા આગળ, સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવી દીધા. પેસેન્જરો બળીને ભડથું... લોકો : 'ના હોય'- 'શી વાત કરો છો?’ – ‘લાહૌલવિલાકુવ્વત' - 'કોણે’- 'હાય-હાય'... 'ના હોય...' જેવા ઉદ્ગારો ઉપરાછાપરી કરી ઊઠે. સૂત્રધારને વિંટળાઈ વળે. વાતાવરણ તંગ બને. કામ કરતી ગૃહિણી ધસી આવે- ગૃહિણી : (બેબાકળી) હાય હાય... મારી ટીકુના પપ્પા પણ એ જ ગાડીમાં આવવાના હતા. ઓ ભગવાન... (બાવરી બની જાય. પેલા સમૂહમાંથી, એક બીજી સ્ત્રી ધીમે રહીને પહેલી સ્ત્રીની નજીક જાય. એને વાંસે હાથ મૂકીને, શાંત પાડવાનો પ્રયત્ન કરે) ગૃહિણી-૨ : બૈના, ધીરજ રખ્ખો. હમ ગરીબોંને કિસી કા કુછ નહીં બિગાડા હૈ; તુમ્હારે ઘરવાલે કો કુછ નહીં હુઆ હોગા... ઉપરવાલે પે ભરોસા રખ્ખો, બૈના ! વ્યક્તિ-૩ : (પોતાનું રંગારા-કામ અટકાવીને આગળ આવતો) પણ એ ડબ્બા સળગાવ્યા કોણે? (એના આ પ્રશ્નથી બાકીના લોકો પણ દોરવાય. સૂત્રધારને પ્રશ્નો પૂછવા લાગે.) વ્યક્તિ-૪ : (વૃદ્ધ મુસ્લિમ) અરે, જીસને ભી કિયા હો... બહુત બુરા કિયા હૈ. (ઉપર આંગળી ચીંધીને) અલ્લા ઉસકુ કભ્ભી માફ નહીં કરેગા. વ્યક્તિ-૫ : પણ આવું હિચકારું કામ કરવાનું કારણ શું હશે? વ્યક્તિ-૬ : જો ભી હો... ભૈ, અપનકુ તો ડર લગતા હૈ. મુસ્લિમ યુવાન : ઈસ મેં ડરના કાયેકા? (એક નાનો સમૂહ સંકોડાઈને અલગ પડવા લાગે. પોતાને સમજાતું નથી છતાં દ્વિધાભરી સ્થિતિ તો છે.) વ્યક્તિ-૬ : પતા નહિ.... જી ગભડા રહા હૈ... કુછ ઠીક નહીં લગ રિયા... વ્યક્તિ-૫ : અલ્યા, દુનિયાના કોક ખૂણે કાંક થાય, એમાં અહીં બેઠા ચિંતા કરીએ તો પાર ક્યાં આવશે?... લે હેંડ (ગૃહિણીને કહેતો હોય તેમ) ખાવાનું થઈ ગયું હોય તો થાળી પીરસ; કકડીને ભૂખ લાગી છે... ખાઈપીને કામે વળગીએ. (જાણે ખાવા બેસે) સ્ત્રી-૨ : ઠીક કહા ભૈ ! અપને કો તો અપના કામ ભલા; ઔર કયા મગજમારી! ચલો (ટોળું વિખેરવાનો પ્રયાસ કરતી જાય) ચલો.... વૃદ્ધ મુસ્લિમ : યા અલ્લાહ... મરનેવાલોં કો સુકૂન બખ્શના... ઔર જીનેવાલોં કો સમઝદારી દેના... (હાથ ઉઠાવીને દુઆ માંગી રહ્યો છે. સૂત્રધાર આ બધું જોતો સાંભળતો એક તરફ ઊભો છે તે મધ્યમાં આવીને પ્રેક્ષકોને સંબોધે-) સૂત્રધાર : તો... આ હતું આપણું અમદાવાદ... ને અમદાવાદનાં લોકો. એકમેકની હૂંફમાં જીવતાં મહેનતકશ લોકો... એકબીજાનાં સહારે જીવતાં સાવ સાધારણ લોકો. પણ સત્યાવીસમી પછી એ ભરોસો... એ સહારો... એ હૂંફનું શું થયું? હા... પેલા ડરનો કીડો કોઈકના મનમાં પેઠો હતો ને... એ કીડાએ કોરી ખાધું બધું... કારણ... કારણ કે સત્યાવીસમી પછી આવી પહોંચી અઠયાવીસમી; અને અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ તો - 'ગુજરાત બંધ’!

(સંગીત આમ બોલતાં જ એ વિશિષ્ટ મુદ્રામાં ફ્રિઝ થઈ જાય છે. એ શબ્દ સાંભળતા જ પુનઃ પોતપોતાનાં કામે ચઢેલાં લોકો પણ ફ્રિઝ થઈ જાય છે. માત્ર આંખોમાં ભય તગતગે છે. આ જ સમયે પશ્ચાદ્-માંથી હિંસા-ઝનૂન પ્રગટ કરતા, ઘોર તાલબદ્ધ હમિંગના અવાજો સંભળાય અને મંચ પરનો સમુદાય ચિચિયારી પાડી ઊઠે-) 

લોકો : 'ટોલા આયા'... 'પુલિસ’... (બધાં છળી મરે. જાણે કે કોઈ અદૃશ્ય રાક્ષસી સમૂહ આ લોકો ઉપર હુમલો કરતો હોય તેમ - એનાથી ડરે, ચીસો પાડે, ભાગદોડ મચાવે, ઘવાય, કપાય, સળગે, મરે વગેરે. આ બધું જ માઈમમાં થશે. કોઈ ‘ટોળું' દેખાશે નહિ. માત્ર આ લોકોની 'પ્રતિક્રિયા' જ દેખાશે - સંભળાશે; હાય અલ્લા... યે કયા? ખલ્લાસ કરી નાખ્યાં... બધ્ધું લૂંટી લીધું... ટોલા આયા... હાથ મેં તલવાર લે લે કે... ગેસ કી બોતલેં હમારેં ઘરો મેં ફેંકી ફિર જલાયા... મસ્જિદે તોડી... દરગાહોં કો ખતમ કિયા... ઘર જલ ગયે... પૂરા મહોલ્લા જલા દિયા.. હાય અલ્લા ! મેરે બેટે કો પકડ કે લે ગયે, ઉસકો કોઈ લે કે આઓ... અરે મેરી બેટી કો મેરી આંખો કે સામને ... એક એક કરકે પંદરા લોગોંને નોંચ ડાલા કમીને... કૂત્તે કહીં કે... પુલિસ થી... ઉન્હીંને ધકેલા હમારે આદમી કો આગ મેં... પુલિસ દેખતી થી... ઔરતોં કો સતાયા... જલા દિયા બચ્ચોં કો... કાટ ડાલા... જલાયા... અલ્લાહ... યે ક્યા જુલમ હૈ... હમ લૂટ ગયે... મીટ ગયે... બરબાદ હો ગયે... આક્રંદ અને આક્રોશ ભેળસેળ છે પણ આક્રંદ વધારે છે. એ ચરમસીમા પર પહોંચતાં જ બધાં ઢળી પડે. સ્તબ્ધતા. સ્મશાનવત્ શાંતિ. થોડી પળો બધું જ મૃતવત્. એ બધાં લોકોની સાથોસાથ ઢળી પડેલો સૂત્રધાર, ધીમે ધીમે બેઠો થાય છે. એની આંખો બાવરી છે. વિક્ષિપ્તની જેમ સ્થિર નજરે ક્યાંક તાકી રહ્યો છે. મૃતવત્ શાંતિનો ભંગ કરતો- સૂત્રધાર: (પ્રેત જેવું અટ્ટહાસ્ય કરે છે.) મારી નજર સામે... સાવ મારી આંખ સામે... મારા હાથમાંથી ખૂંચવી લીધી... આવડીક હતી... સાવ આવડી... મુન્ની... 'અમ્મી અમ્મી' કરતી રહી... ને ખલ્લાસ કરી નાખી... એ લોકોએ... ને હું... જોતો જ રહી ગયો... (કંઈક ખાનગી કહેતો હોય તેમ) પોલીસો પણ ત્યાં જ હતા... જોતા'તા ઊભા ઊભા... ને ખલ્લાસ કરી નાખી... આ બધ્ધું... બધ્ધું જ ખલ્લાસ... ને એ લોકો જોતા'તા... ખલ્લાસ! (આમ તેમ વેરવિખેર પડેલા લોકો ધીમે ધીમે બેઠાં થાય છે. ઘસડાય, ફાંફાં મારે, બચવા-પકડવાનાં ઝાંવાં મારે, ઢસડાતાં ઢસડાતાં ઝૂમખામાં ગોઠવાતાં જાય. સાથોસાથ હમિંગ ચાલુ છે) ગીત : અમે આવ્યા અમન-પથિક, અમન-પથિક તમારી પાસ (સૂત્રધાર પણ એમની સાથે ઊભો થાય. એમની વચ્ચે ફરતો જાય, જોતો જાય, વિક્ષિપ્તપણે માથું ધુણાવતો, બબડતો રહે.) સૂત્રધાર : ... મારું શહેર સાલું સાવ...લાચાર...ખતમ... આ જુઓ ને...સાવ... ઉપર આકાશ ને નીચે ધરતી...લાચાર...આખું શહેર સાલું ભીખ મંગું... (બોલતાં બોલતાં ભાંગી પડે. પેલા અસરગ્રસ્તોમાંથી વૃદ્ધ મુસ્લિમ ઊભો થઈને સૂત્રધાર પાસે આવે... એને ખભે હાથ મૂકે) વૃદ્ધ : બેટા, તું તો અમદાવાદની વાત કરે છે... પન મેરી તો નજરો કે સામને સે પૂરી કી પૂરી દુનિયા ખાક હો ગઈ...ઘરબાર...ધંધા... કારોબાર... બેટે-પૌતે- બહુએ...અલ્લાહ હમારી ઔરતોં બેટિયોં કી જો હાલત હુઈ વૈસી તો દુશ્મન કી ભી હોને ન પાવે. વ્યક્તિ-૩ : અરે મેરા ઘરબાર તો જલા સો જલા... રીક્ષા ભી જલા દિયા. અબ... અબ કૈસે ગુજારા હોગા... ક્યા હોગા હમારા? વૃદ્ધ : મૈંને તો અપને દેશ મેં આઝાદી આને સે પહેલે તકકે દંગે દેખે હૈં... આઝાદી કે બાદ ભી સિલસિલા ચલતા રહા. ઉનહત્તર વાલે દંગે, - સબ સે ખરાબ થે... પન ઈસ બાર તો લગતા હૈ કિ... હદ હી હો ગઈ હૈ...! ઈતની નફરત? ઈતના ખુન્નસ? ક્યોં? ક્યા હમ ભી ઈન્સાન નહીં હૈ? કયા હમ ભી ઈન લોગોં કી તરહ રોઝ કા કમાકર, રોઝ ખાનેવાલે નહીં હૈ?... ફિર ઐસા ક્યોં?... યહ તો યેહી હુઆ ના કિ એક હાથ દૂસરે હાથ કો હી કાટ ડાલે? પન... ઈતની નફરત ક્યોં? કયા.... હમ ઉનસે... અલગ હૈ... ઈસ લિયે? પન અલગ હોના માને ખરાબ હોના? ઉનકે હાથોં ખતમ હોના? બતા બેટે... ઐસા ક્યોં? સૂત્રધાર : તમે ચાચા, તમે આ ગરીબ લોકોથી તમારી જાતને અલગ ગણો છો? મુસ્લિમ વદ્ધ : મૈં તો નહીં માનતા લેકિન... (સીન પૂરો થાય છે બધા અમન-ગીત ગાય છે અને ફરી પાછા પોતાનું આગલા દૃશ્ય માટે સ્થાન લે છે. 'વધારા'વાળો પસાર થાય છે.) વધારાવાળો : વધારો વાંચો, વધારો... ગોધરા કાંડના પગલે ‘ગુજરાત બંધ'... બંધનો વિરોધ કરનારા ઉપર જનતાનો રોષ - ગોધરાના અત્યાચારનો બદલો લેવા તત્પર, પ્રજાજનો- લોકો હવે વધુ સાંખી નહિ લે - વધારો વાંચો, વધારો (પસાર થઈ જાય) સૂત્રધાર આ સાંભળીને વધુ વ્યગ્ર. અસરગ્રસ્તોને ભયભીત-મૂઢ. સ્ત્રી : (આક્રોશપૂર્વક) અરે, ગોધરામેં જો હુઆ સો ગોધરામેં હુઆ. ઈસમેં હમેં ક્યા લેના દેના? હમારા ક્યા કૂસૂર?... હમ કૌન વહાં બમ ફોડને ગયેલે થે? યાં તો જીનગી કી પત્તર ફાડ ડાલી... હમારી તો ચચ્ચાર પેઢીયાં- ઈસી ગલી મહોલ્લે મેં રહેતી આઈ હૈ... કામધંધા સબ સાથસાથ હો રિયા હૈ... અરે... તિનકા તિનકા કરકે ઘર બનાયેલા થા... અલ્લામારોં ને પલભર મેં ફૂંક ડાલા... હમારા ક્યા કૂસૂર? વ્યક્તિ-૩ : કિતને ખુન્નસ સે કહેતે હૈ કિ જાઓ - તુમ્હારે દેશ મેં ચલે જાઓ... ક્યોં?! વૃદ્ધ : હમને તો સદિયોં સે ઈસ દેશ કો અપના માના હૈ... દુસરા કૌન સા દેશ હોગા હમારા?... જાના હોતા તો સૈંતાલીસ મેં હી ચલે જાતે... પન હમને યહાં - અપની જન્મભૂમિ મેં હી બસના પસંદ કિયા... હમારી જડેં યહીં પર હૈ... હમ યહાં સે ઉખડકર કૈસે જી પાવેંગે? ઔર અબ હાલ યે હૈં કિ ઈધર-અપને હી દેશ મેં જીના હરામ કર દિયા હૈ હમારા... મૈં પૂછતા હૂં બેટા... ક્યા યહ દેશ હમારા નહીં હૈ? આ સવાલ ઉપર સૂત્રધાર વધુ વ્યગ્ર. અસરગ્રસ્તોમાંથી વળી પેલું હમિંગ ઊઠે બધા : અમે આવ્યા અમન-પથિક... એમાંની આગલા દૃશ્યવાળી મુસ્લિમ સ્ત્રી કલ્પાંત કરી ઊઠે... સ્ત્રી-૨ : અલ્લા... કોઈ મેરે અનીસ કો લાઓ... મેરે બેટે કા કુછ પતા નહીં... મહિનાભર હો ગયા... ન જાને કહાં ગયા... પુલિસ લે ગઈ - પતા નહીં... ગુમ હો ગયા - પતા નહી... કિસીને ઉસે.. મેરા બેટા.... હિંદુ-સ્ત્રી : બોન, ધીરી પડ... તારો દીકરો કાંક સહી સલામત હંતાઈને બેઠો હશે... ધમાલ પતશે પછી આઈ પોંકશે... ધીરી પડ. (એને છાની રાખવાનો પ્રયત્ન કરે-પીઠે, માથે હાથ ફેરવે.) સ્ત્રી-૨ : (વધુ આક્રંદ) નહીં... મુઝે પકડ કે ક્યોં નઈ લે ગયે? મૈં બુઢિયા ક્યોં જિંદા રહ ગઈ? મેરા અનીસ... હિંદુ-સ્ત્રી  : છોની રે બુન ! મોત એમ બોલાયું ચ્યાં આવ્ સ્? નં આવસ્ તાંણં ચ્યોં કોઈ શેંશરમેય રાખ્ સ્? જો, આ મંન્ જો - જીવું સું નં... હાવ નોંધારી?! ઓલી ગોઝારી ગાડીમોં મારો ઘરવાળોય હતો... નં ભેગો મારો બાર વરહનો બચુડોય તે... બંને.....બળીને ભડથું...(ડૂમો ભરાય, ગળું ખોંખારીને સ્વસ્થ થવાનો પ્રયત્ન) નંછતાંય આ જીવું જ છું નં, ભુંડી?! (નજીક આવીને મુસ્લિમ સ્ત્રીને બાથ ભરીને બેસી જાય- પેલી એના ખભે માથું મૂકી દે. સૌ આ દૃશ્યથી ગદ્ગદ્) હિંદુ-સ્ત્રી : (પેલીને પંપાળતી) એં, જાંણં સ્? અમારાવાળા કાલે મને બોલાઈનં ક્યેં કે ભાભી, તમે વચ્ચે નાં પડતાં...આવડા આને તો પતાઈ જ દેવાના સ્... અમારા ભૈ ભત્રીજાનો બદલો તો લેવો પડ્ નં?!... તે કાલે હું ભુંડી વાઘ થઈને ઊભી રઈ જઈ, ખબરદાર, જો મારા આ પાડોશીઓનં હાથ લગાડ્યો સ્ તો... થવાવાળું થૈ જ્યું..... એમાં આ ગરીબોનો શ્યું વાંકગનો?! નં કોઈનેય પતાવવાથી કોઈનુંય ગયેલું માણહ થોડું પાસું આબ્બાનું સ્? હમિંગ... (સાંભળનારા સ્તબ્ધ) વ્યક્તિ-૪ : ઠીક કહા બેન... સમજદારીભરી બાત કી... ઔર હમ ભી જાનતે હૈં કિ સભ્ભી એક સરીખે થોડે હૈ?! સુના નહીં... ઉધર કુછ નરોડાવાલોં કો તુમ્હારેવાલે લોગોને તો બચા લિયા થા. (પેલી રડતી મુસ્લિમ સ્ત્રી છાની રહીને, આ વાતમાં ટાપશી પૂરે-) સ્ત્રી-ર : હાં...હાં... કૈસા તો બારાત કા નાટક કિયા; ઔર હમારે વાલી ઔરતોં-બચ્ચોં કો સાડીવાડી ઓઢા કે બાહર જાનેવાલે ટ્રેન મેં બિઠા આયે થે ! ... અલ્લા રહમ કરે ઉનપે... સુના હૈ યે બચાનેવાલે લોગોં કી ગિનતી ચોર ઉચ્ચકો મેં કી જાતી હૈ. પર મૈં તો કહૂં, ગરીબ હી ગરીબ કા સાથ દેગા, ચાહે જો ભી કોમ ધરમ ક્યોં ન હો! હિંદુ-સ્ત્રી : કૌમધરમ તો ભૂંડી માણહ જાતના કારણ સે... બાકી તો તમારાં ને અમારાં મોંમાં ઉપરવાળાએ કશોય કરક કરયો સ્? વ્યક્તિ-૪ : અરે બૈના તુમ્હારી-હમારી રોટી ઔર બોટી મેં કરક હો સકતા હૈ, પન હમ સબ કી ભૂખ તો એક સરખીય હૈના?! (બધા ભેગા થાય છે. ગીત - અમે આવ્યા અમન-પથિક... સૂત્રધાર આ બધું જોઈને થોડો સ્મિત કરતો - થોડો મૂંઝાતો - માથું હલાવતો વચ્ચે આવીને પ્રેક્ષકોને સંબોધે) સૂત્રધાર : ક્યારેક થાય છે કે... આ બધું આટલું બધું... કેમ થઈ ગયું?... કંઈ જ સમજાતું નથી... ને પછી થાય છે કે, ધત્તેરે કી આટલુંયે ના સમજાયું?! વૃદ્ધ : સહી ફરમાયા ભાઈ, વૈસે તો વહ કોઈ પહેલી બાર નહીં હૈ. હમ લોગોં કે બીચ શાયદ પિછલે દસ સાલોં મેં ઝહરિલે કાંટે બોના શુરુ હો ગયા થા. પિછલી ધમાલ મેં હી જૈસે હમ લોગોં કે દિલોં મેં નફરત કા ઝહર ઘોલના ચાલુ કર દિયા થા કુછ લોગોં ને ! કૈસે કૈસે પરચે બાંટે ગયે થે... કૈસે કૈસે હથકંડો સે હમેં અલગ કરના ચાલુ હો ગયા થા... હમારે તુમ્હારે એરિયે બંટને લગે... શહેર સિકુડતા ગયા... દિલ સિકુડતે ગયે... ઈન્સાન છોટા હોતા ગયા થા... ઔર ઈસ બાર તો. અલ્લાહ... ઈન્સાનોં ને અપને હીં હાથોં ઈન્સાનિયત કા ગલા ઘોંટ ડાલા... (આકાશ સામે હાથ ઉઠાવીને) યહ દંગે, દંગે નહીં હૈ ભાઈ... કત્લેઆમ હૈ! હિંદુ-સ્ત્રી : હોવ્... ગોધરા-ગોધરા કર્ સ્ પણ મું તો કઉંસું... આ ગોધરાવારું નોં બન્યું ઓત ન્ તોય કંઈનું કંઈ બ્હોનું કાઢીનં ભૂંડાઓએ મારકાટ કરી ઓત! દહબાર વરહથી લઈ મંડ્યા'તા... આપડો દેશ - આપડો દેશ કરતા'તા... નં બા'રવાળાને ખલ્લાસ કરવાનાં નીમ લેતા'તા... એમની ચાલતી ગાડીયે નોં ચઢ્ એનં બંગડિયો મેકલતા'તા...મુઆ રાખ્ખસની જાતના ! વ્યક્તિ-૪  : યે કૈસા દેશ બનાના ચાહતે હૈં યે લોગ... જહાં ઈન્સાન, ઈન્સાન કે ખૂન કો તરસે... નફરત હી નફરત કરતે રહેં... ઐસે દેશ મેં વે ખુદ ચૈન સે જી સકેંગે?! (ત્યાં એક ખૂણામાં લપાઈને બેઠેલી યુવતી, પોતાની ગોદમાંની નવજાત બાળકીને ભોંય મૂકીને, આક્રોશપૂર્વક ઊભી થઈ જાય.) યુવતી : મુઝે કુછ નહીં સુનના હૈ. મુઝે સલામતી ચાહીએ. મેરી ઈસ બચ્ચી કો સલામતી ચાહીએ. જાનતે હો - મેરે ઘર મેં વો લોગ ઘૂસને હી વાલે થે... એ કુછ ભાઈ લોગોનેં જૈસે તૈસે કરકે, પિછવાડે કી ગલી સે મુઝ કો બચા કે યહાં લે આવે... ઉપર મેરા ઘરબાર જલા દિયા ગયા... મેરે આદમી કો માર ડાલા થા... ઔર યહાં... યહાં આકર મૈંને ઈસ...ઈસ ના મુરાદ કો જનમ દિયા (બેસી પડે, છોકરીને ઉઠાવી, વળગીને) મેરી બચ્ચી... મેરી પ્યારી...મેરી પ્યારી... મેરી લાડલી... કમ્બખ્ત બેટી... મૈંને તુઝે ક્યોં જના? મૈં ક્યોં બચ ગઈ? તુઝે પૈદા કરને? હાય... તુ ક્યોં પૈદા હુઈ? મરને કે વાસ્તે?! (વિક્ષિપ્ત જેવી) મૈંને તુઝે બસ, જન દિયા... ન પાલના મિલા ન લોરી...મૈં તુઝે ક્યા દે પાયી? ડર કે મારે... મેરા તો દૂધ ભી સૂખ ગયા... ફિર ભી તૂ ઝિન્દા હૈ?... તૂ ક્યોં ઝિન્દા હૈ, હૈં? જુલમ સહને વાસ્તે? આજ બચ ગઈ તો ક્યા મિલા? કલ તો તેરી ભી યે હીચ હાલત હોગી નાં... જો હમારી બૈનાં કી હુઈ હૈ?... ઝિન્દા રહે કે ક્યા કરેગી તૂ? તેરી સલામતી?... તેરી સલામતી કૈસી?... (એકદમ દીકરીને જોરથી છાતી સરસી ચાંપી દે છે - શરીર ધ્રૂજે છે-આંખો ભયભીત-ચકળવકળ) સૂત્રધાર એની નજીક આવે- એને સાંત્વન આપવાની કોશિશ કરે, પછી જાણે ભોંઠો પડતો હોય, એમ છોભીલા સ્વરે- સૂત્રધાર : બોલો... આ બાળકીની સલામતીનું શું? એની સલામતીની જવાબદારી કોની?.... એને એને....પણ ક્યાંક, કાલ ઊઠીને, પેલી.....પેલી....મુન્નીની જેમ જ... મારા હાથમાંથી... સાવ નજર સામે જ... કોઈક... ક્યાંક... સાવ આપણી આંખ સામે જ ખલ્લાસ તો... બોલો... એની સલામતી.. એની જવાબદારી કોની? હેં... બોલો... (બેબાકળો) (બધા ગીત ગાય - અમે આવ્યા અમન-પથિક... ત્યાં જ વધારાવાળાનો પ્રવેશ) વધારાવાળો : વધારો, વધારો.. વધારો વાંચો વધારો... ગુજરાતમાં થાળે પડતી પરિસ્થિતિ... પરીક્ષાની જાહેરાત-પરીક્ષા લેવાશે... લેવાશે... અચૂક લેવાશે... પરીક્ષાનો વિરોધ કરનારાઓને ચેતવણી... બાળકોનાં ભાવિ સાથે ચેડાં કરનાર સામે ચેતવણી... વધારો વાંચો, વધારો.... (પસાર થઈ જાય) સૌ અસરગ્રસ્તો બઘવાઈને એને જોતાં રહે છે. પહેલાં દૃશ્ય પેલો લખોટી રમતો કિશોર - જે અસરગ્રસ્તોમાં છે જ- તે જાણે હાથમાં ચોપડી રાખીને વાંચતો હોય તેમ મૂર્તિવત્ ઊભો થાય... ચોપડીમાં નજર - વળી ચકળવકળ જોતો જોતો, ચાલતો ચાલતો બબડતો જાય- કિશોર : ટુકડે ટુકડે... ટુકડે ટુકડે... અમ્મી કે... અબ્બુ કે... ચચા કે... ચાચી કે...ટુકડે ટુકડે... આપા કે પેટ કો ચિર ડાલા... બચ્ચોં કો કાટ ડાલા... ટુકડે ટુકડે... ટુકડે ટુકડે.... (આમ બોલતો બોલતો જાણે વાંચતો હોય તેમ ચાલતો જાય, સૂત્રધાર એને સાંત્વના આપવા એની નજીક આવે; કિશોર છળીને પાછા પગલે એના એ શબ્દો બોલતો ડરી ગયેલા જાનવરની જેમ ચાલતો રહે, સૂત્રધાર થોડીવાર એને ફોલો કર્યા પછી, થાકી-હારીને) સૂત્રધાર : શું થશે આવા છોકરાઓનું?... શું હશે આવાં બાળકોનું ભાવિ?...

(આ જ વખતે, અસરગ્રસ્તોમાંથી, એક યુવાન ઊઠીને આગળ આવે. જરાક તોછડાઈથી સૂત્રધાર સામે ચપટી વગાડતો બોલે-) યુવાન : અબે, અમારા ભવિષ્યની ચિંતા છોડ... તું અપને ગુજરાતની તારા હિન્દુસ્તાનની ફિકર કરવા લાગી જા... સૂત્રધાર : (જરાક ગિન્નાઈને) કેમ? આ ગુજરાત - આ હિન્દુસ્તાન તમારું નથી? યુવાન : કિસ ઝુબાન સે પૂછ રિયા? કિસ દિલ સે ચાહ રિયા હો?... તુમ લોગોં ને ખુદ હી તો હમેં પરાયા બના ડાલા હૈં ! સૂત્રધાર : હં...એટલેસ્તો ‘એ લોકો' તમને દેશદ્રોહી કહે છે ! યુવાન : દેસ? કિસકા દેસ? કાયકા દેસ? દેસ તો વો હૈ જો ઈજ્જત કી ઝિન્દગી દેવેં! યા તો હમેં ન ઇજ્જત કી ઝિન્દગી મિલી હૈ ન ઇજજત કી મૌંત ! દેખ નહીં રહે હો હઝારોં ગરીબોં કા અંજામ? ઐસે ખૌફ મેં જીને સે તો જિહાદ કી મૌત બેહતર હૈં ! (આંખમાં ખુન્નસ) વૃદ્ધ : યે ક્યા બક્ રહે હો, બેટે ! ક્યા હમ ભી મજહબ કે મારે ઔરોં કી જાન લેને નિકલેંગે? યુવાન : અગર અબ ભી નહીં જાગે... બડે મિયાં, તો ખલ્લાસ હો જાયેંગે.... સારે કે સારે! ઈસ બાર તો ઈન લોગોં ને હમમેં સે કિસી કો નહીં છોડને કી ઠાન રખ્ખી હૈં. તુમને ઈનકે પરચે પઢે? છૈ છૈ મહિના પહલે સે હમ લોગોં કે સર્વે કિયે ગયે થે-કૌન કહાં રહેતા હૈ, ક્યા કરતા હૈ, કૈસે કમાતા હૈ... સારી લિસ્ટ બનાઈ ગઈ થી... મારનેવાલોં કોં તાલીમેં દી ગઈ થી... ઔર જબ બારી આઈ તો ચૂન ચૂન કે મારા, ગિન ગિન કે મારા... ઘર-મહોલ્લે તો જલાયે, રીક્ષે-દુકાન-હોટલેં, ગરાજ... સબ કા સબ જલા દિયા... રોજી રોટી ખલ્લાસ કર દી હમારી... પેટ પે લાત મારી હૈ હમારે... અબ ભી ચૂપ બૈઠના હૈ?! ઈતની નાઈન્સાફી હોને પર ભી લાચાર રહના હૈ? વૃદ્ધ : (એને ઠંડો પાડવાનો પ્રયાસ; સ્વરમાં ઠપકો છે) બચ્ચે, બૌખલા ગયા હૈ તૂ ! હમારે સાથ નાઈન્સાફી કરનેવાલે પાગલ હો ગયે હૈં... ક્યા હમેં ભી ઐસા પાગલપન કરના હૈ? ઈન લોગોં ને અગર પરચે બાંટે હૈ તો હમને ભી નફરતભરી તકરીરેં શુરુ કર દી હૈ. ભલા, ઈસ તરહ ભી કોઈ ઈન્સાફ પા સકેગા? ઈજ્જત પા સકેગા? સ્ત્રી : અરે બેટા, ઈન્સાફ પાના હૈ તો અપને મેં શઉર પૈદા કર... ઈજ્જત પૈદા કરની હૈ તો ખુદ સે ઈજ્જત કરના સિખ ! યુવાનો : છોડો ભી ખાલા. યહ નસીહત કા વક્ત નહીં હૈં. અગર ઈસ બાર ભી હાથ પર હાથ ધર કે બૈઠે રહ ગયે તો દેખના... પૂરી કૌમ ખલ્લાસ હોના પડેગા. અરે, ઈસ બાર ક્યા ક્યા નહીં હુઆ? હમારેં જાનોંમાલ કી ક્યા કિંમત હૈ ઈનકો? હમારી સલામતી કી ક્યા પરવા હૈ ઈનકો? હમારી બહન-બેટિયોં કી ઈજ્જત કી ઈતની ધજિજયાં ઊડીં ઔર તુમ લોગ કહતે હો કિ ચૂપ બૈઠો ! બોલો... ક્યોં ચૂપ બેઠેંગે હમ?! ઔર તો ઔર... આજ તીન તીન મહિને હો ગયે... શહર અભી ભી જલ રહા હૈ... પેટ અભી ભી ખૈરાત કી રોટી સે ભર રહે હૈં.... તન પે અભી ભી માંગે હુએ કપડે હૈં... ઘર-બાર-રોજી-રોટી કિસીકી ભી કોઈ ગેરન્ટી દી હૈ- કિસીને ભી હાથ બઢાયા હૈ? યહાઁ... ઐસે હી કૈસે જીતે રહેંગે? કબ તક જીતે રહેંગે?... ક્યોં.. બોલો?... કહાં તક? ઉપર આસમાન ઔર નીચે જમીન કા સહારા તક અબ તો છીન રહા હૈ... ઔર કહાં તક ખૂન સે લથપથ આસમાન મેં અમન કે યહ કબૂતર ઉડાતે રહેંગે? ખાલીપિલી અમન કે કબૂતર? (બધા સ્તબ્ધ ! સન્નાટો. સવાલોના પડઘા વાતાવરણમાં છે ત્યાં જ સૂત્રધાર મધ્યમાં આવીને પ્રેક્ષકોને સંબોધે -) સૂત્રધાર : આજકાલ તો જાણે... રક્ષક-ભક્ષક, નેતા-અભિનેતા, ચહેરા-મહોરાં, સાચ-જૂઠ, વચનો-બહાનાં, લોકશાહી-લશ્કરશાહી, હિન્દુસ્તાન-પાકિસ્તાન... બંધારણ-અધિકાર... બધ્ધું જ-બધ્ધું જ સાલું સેળભેળ લાગે છે. બે મતલબ... નિરર્થક... સાવ નકામું ગૂંચવાડો... મને... મને તો સાલો, કશીય વાતનો કશોય અર્થ નથી લાગતો !... આ જુઓ ને... ને... આ ધરમફરમનાં નામના રમખાણો ને હિંસાયે હવે રોજનું થયું... ને ઉપરાંત પેલો વરસોવરસનો દુકાળ... પેલાં વાવાઝોડાં ને ગઈ સાલવાળો ભૂકંપ... આ બધાંને કુદરતી આફત-કુદરતી આફત કહી નાખવાનું?.....ને પછી રડી લેવાનું?.. ને વળી પાછું જાતે જ ધૂળ ખંખેરીને બેઠાં થઈ જવાનું? તો પછી આ ‘પ્રજાસત્તાક-બિન-સાંપ્રદાયિક-લોકશાહી' એટલે શું?... ને પાછું બણગાં ફૂંકતાં ફૂંકતાં ધરમ ધક્કા રમતાં રહેવાનું... રમતાં રમતાં લડી પડવાનું... લડતાં લડતાં કપાઈ મરવાનું.... એય તે જાતે ને જાતે જ?.... યુવાન : ઈસી લિયે તો કહતા હું કે અબ યહ નાઈન્સાફી નહીં ચલેગી! ઔર બિના ઈન્સાફ કે અમન નહીં હોગા ! યુવતી : (બાળકીને લઈને ઊભી થતાં) તો ક્યા... ખૂન બહાને સે હમેં ઇન્સાફ મિલ જાયેગા? નહીં... મેરી ઈસ નન્હી સી જાન કે વાસ્તે, ઉસકી આનેવાલી નસ્લોં કે વાસ્તે... મૈં ખૂન સે રંગે હુએ ઈન્સાફ કી તો દુઆ તક ન માંગૂંગી ! વૃદ્ધ : સાલોં સે.... સદિયોં સે... હમ ઈસ શહર મેં, ઈસ ગુજરાત મેં, ઈસ દેશમેં સબ સાથ મિલ કે જીતે રહે હૈં...ઐસે હી જીના ચાહતે હૈં..... ઔર ઐસે હી અપના શહેર-અપના ગુજરાત-અપના દેશ સજાતે સંવારતે રહના ચાહતે હૈં... (અસરગ્રસ્તોમાંથી પાછું હમિંગ... અબ કિસી કો કિસી પર ભરોસા નહિ... ત્યાં જ પેલી હિંદુ પ્રૌઢ વિધવા, જાણે બહારથી આવતી હોય તેમ હાંફળી ફાંફળી દોડી આવે છે. સાડીના છેડા નીચે કંઈક છુપાવી રહી છે. પેલી બાળકીવાળી પુવતી પાસે બેસી પડે. છેડામાંથી નાની ટબૂડી કાઢીને - હિંદુસ્ત્રી : લે બોન, થોડું દૂધ લાઈ... તારી બેબલી હાટુ ! હોવ્... અમારાવાળા કેમ્પમાં વહેંચતા'તા નં... તે દોડતીક લઈ આઈ... લે... છોંની રાખ છોડી ને! (પોતે જ, એ બાળકીને ખોળામાં સૂવાડીને, પવાલીમાંથી ધીમે પીમે એને દૂધ પાવા માંડે. માતા-યુવતી એને જોઈ રહે. સૌ આ દૃશ્યથી ગદ્ગદ્. ત્યાં જ પેલા યુવાનની નજર એક તરફ જાય. છળીને બૂમ-) યુવાન : ભાગો... ટોલા આયા! (હિન્દુ મહિલા પાલવ નીચે સંતાડેલી પવાલીથી બાળકીને દૂધ પાય છે. બાળકીની માતા ગદ્ગદ્ થઈને જોઈ રહે.) પેલી બાજુ અન્ય પાત્રો પણ આ દૃશ્યથી પોતપોતાની રીતે આભાર, ધન્યતા વગેરે લાગણી અનુભવી રહ્યાં છે.) યુવતી : (બાળકીની માતા)- (હિંદુ મહિલાને) તો બૈના.. ક્યા તુમ્હારે વાલે ભી છાવણી મેં રહેતે હૈં? હિંદુ પ્રૌઢ : હાસ્તો બોન ! અહીં તો વારા પછી વારો ને તારા પછી મારો - જેવી હાલત છે. અમારાંવાળાંયે હજજારો નિરાધારો ત્યાં તંબુમાં અડધાં ભૂખ્યાં-તરસ્યાં ટળવળે છે. અમારાંય ઘર બાળ્યાં છે. દુકાનો હળગાઈ છે.. યુવતી : તો ક્યા હમારેવાલોંને ભી...? (અટકી જાય) યુવાન : ઉસ દિન તો આપને મુઝે રોક લિયા... પન વહાં તો મેરે જૈસે સેંકડો લોગ બદલા લેનેકુ તડપતે હોંગે! મુસ્લિમ વૃદ્ધ : (આકાશ તરફ હાથ ફેલાવી) અલ્લાહ ! જબ અંદર કે શૈતાન કો ખુલી છુટ દી જાય તો વહ કિસ કો છોડેગા? સૂત્રધાર : (આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો છે તે હવે વચ્ચે પડે છે) ચાચા, મારી-તમારી જેવાઓની અંદરનો શૈતાન તો ક્યારેક બહાર નીકળે છે... પણ અહીં તો ખુદ શૈતાનો જ આ બધું કરી-કરાવી રહ્યા છે... એનું શું? હિંદુ પ્રૌઢા : હોવે! જીવું ભરી ભરીને મારકાટ કરવા આઈ જ્યા છે ભૂંડા! ચક્કાબાજી તો એવી કે આખા બે કટકા કરી મેલે... હાંભર્યું છ, કે મુવા ધંધાદારી છ! કિશોર : યે તો સબ ચુનાવ કે ખેલ હૈં. હિંદુ પ્રૌઢ : (ટિફિનવાળો) નં ભઈ! (સૂત્રધારને) એ વાત હાચી કે હવે ચૂંટણીઓ આબ્બાની છ, તેમાં બધાંય હામહામે આ બધું કરાઈ રહ્યાં છે?! સૂત્રધાર : આય સાચું... ને પેલું પણ સાચું. કશુંક ખોટું ચાલી રહ્યું હોય ત્યારે બધા એમાં પોતપોતાનો રોટલો શેકી લે ! રાજકારણીઓ, એમના મોકલેલા ગુંડાઓ, ધંધાદારી હત્યારાઓની સાથોસાથ હવે તો શહેરના બિલ્ડરો, માલદારો, હોટલોવાળાઓ પણ ભળ્યા, ઝૂંપડાં હટાવીને ફ્લેટ બાંધનારાઓ, નદીકિનારે બાગ-બગીચા કરીને કમાવાની લાલચે ગરીબોને સાફ કરનારાઓ અને કાયમ એક પક્ષની નબળાઈનો લાભ લેનારા બીજા પક્ષવાળાઓ... બધાંનો આ હત્યાકાંડમાં હવે તો ફાળો છે!? હિંદુ પ્રૌઢા : મુવા એ... લોકોનું લોઈ પીને લોકશાઈની વાતો કરનારાનું નખ્ખોદ જજો! મુસ્લિમ પ્રૌઢા : હમ ગરીબોંને ઈનકા ક્યા બિગાડા થા? વોટ ભી હમ સે હી માંગતે આતે હૈં... અબ ક્યા મૂંહ દિખાયેંગે હમકું? મુસ્લિમ વૃદ્ધ : ખૈર, યહાં તો રોગ પુરાના હૈ ! અગર સારા શરીર રોગ સે સડ રહા હો તબ આદમી કૌન સી બિમારી સે મરા યહ કહના મુશ્કિલ હૈ. યુવતી : ઔર નફરત કે બીજ ઈતને સાલોં સે જો બોયે તો ક્યા મિલેગા - કાંટે હી ના? હિન્દુ પુરુષ : ભઈ... હવે તો ખમૈયા કરે તો હારું ! (હાથ જોડીને) નહીંતર શહેર આખું બરબાદ થઈ જશે. મુસ્લિમ પ્રૌઢા : ઔર કલ્લો બરબાદ... એક દુજે કો મારતે - કાટતે જાઓ ફિર કલ્લો રાજ ! તે હેં ભાઈ! ઈન લોગોં કો કોઈ રોકનેવાલા હૈચ નંઈ? કબ તક યે સબ ચલેગા? કબ તક હમ ઐસે હી જીયે જાયેંગે?... ઈસકા કોઈ ઈલાજ હૈગા કિ નંઈ ?! હિંદુ પ્રૌઢ : હું ય એ જ કઉં છું કે આ બધાનો કંઈ ઈલાજ છે કે નંઈ? મુસ્લિમ પ્રૌઢ : અપને અંદર કા ઈન્સાન પર કબ તક કૌમ ધરમ કે ચહેરે ચિપકાતે રહેંગે! કિશોર : મેરે જૈસે બચ્ચે બડે હો કે ક્યા બનેંગે ઈન્સાન યા કિસી કોમ ધરમ કી કઠપૂતલી? મુસ્લિમ : યે ખૂબસુરત દુનિયા હમ ગરીબોંને હી તો બનાઈ હૈ. હિંદુ પ્રૌઢ : ને આજે ગરીબો જ આ દુનિયાનું નખ્ખોદ વાળવા બેઠા છીએ, કેમ? મુસ્લિમ : હરબાર કિસી ભી દંગે મેં હમ ઓરતેં હી બેઈજજત ક્યોં? ક્યા હમ સિર્ફ ઓરતેં હૈં, ઈન્સાન નહીં? મુ.યુવાન : મેરા તો એક હી સવાલ હૈ ક્યા બિના ઈન્સાફ કે અમન હો પાયેગા? સૂત્રધાર : ને મારો છેલ્લો સવાલ એ છે, કે ક્યાં સુધી આ ગરીબો વેઠતા રહેશે, મરતા રહેશે, વોટ બેન્ક બનતા રહેશે? ક્યાં સુધી? (ફરી પાછું 'અમે આવ્યા અમન-પથિક' ગવાય)

(હિરેન ગાંધી દિગ્દર્શિત આ નાટકના ૨૬ મે ૨૦૦૨થી માંડી અત્યાર સુધીમાં પહેલા છ શૉ નોન-મુસ્લિમ વિસ્તારો અને બાકીના સાત મુસ્લિમોની રાહત છાવણીઓમાં મળીને કુલ તેર શૉ થયા છે. મોટાભાગના શૉ ગરીબ અને અસરગ્રસ્ત વિસ્તારો અને છાવણીઓમાં થતા રહ્યા છે.)