નારીસંપદાઃ નાટક/દીકી સ્પેશ્યલ


દીકી સ્પેશ્યલ
અંક-૧ (પડદો હજી બંધ છે)

પ્રવક્તા – લો...... આવી રહ્યો છે, તમારી આતુરતાનો અંત... પડદા પાછળ શું હશે એની આતુરતા તો દરેક નાટક વખતે હોય જ! આજ તો ૯ થી ૧૦ વર્ષની કન્યાઓ તમારી સમક્ષ આવી રહી છે. વર્ગ-૪નો ક્લાસરૂમ છે અહીં. લો કહી દઉં તમને! વર્ગ એટલે ચાર દીવાલો, બાળકોને ડાહ્યાંડમરાં કરતી ખુરશી અને બેંચ. શિક્ષક માટેના મેજ-ખુરશી. વર્ગનું બારણું અને બારી ... ને અફકોર્સ બ્લેકબોર્ડ! અરે બ્લેકબોર્ડ તો પહેલાં હતું!
હવે તો go Green — એવું ગ્રીન બોર્ડ બેંચો સામેની ચોથી દીવાલ પર આવી ગયું છે!
પણ આ તો છે નાટકનો રંગમંચ, એમાં એકેય ઓરડો ચાર દીવાલનો ન હોય! આપણી સામેનો પડદો -ઓરડાની ચોથી દીવાલ તો હમણાં હટશે! સર..... સર. એટલે તમારો વર્ગ ત્રણ દીવાલનો થઈ જશે. એટલે ચોથી દીવાલ લીલ્લું બોર્ડ એવું બધું કલ્પી લેવાનું! આમે કલ્પનાના કનકવા ચગાવવા બાળકોને તો ખૂ... બ ગમે, ખરું ને! લો ત્યારે, ૪-એ ક્લાસરૂમની ચોથી દીવાલ સરકી રહી છે..

(રંગમંચ સજ્જા)


(મંચની સાવ સામે બેકડ્રોપ તરીકે બેંચ-ખુરશી અને તેની પાછળ બેઠેલાં બાળકોનું ચિત્ર. પડદા વચ્ચે માઈક લટકે છે, તેની આગળ સ્ટેજ પર બે-બે બાળકો માટેની ૪ બેંચ –રંગીન મૂકેલી છે. એક બાજુની દીવાલ પર... એક છોકરી સફેદબોર્ડ પર મરૂન ACTIVITY લખેલું બોર્ડ ટિંગાડી રહી છે. બીજી પાંચેક કન્યાઓ જુદી-જુદી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે - કોઈ દુપટ્ટાની ગડી પકડીને ઊભી છે, કોઈના હાથમાં ફૂલોની ટોપલી, કેપ, પ્રૉપ વિગેરે છે. એક છોકરી સહેજ ઢીલા-વીલા મોઢે કોણીથી વાળેલ હાથ કપાળે ટેકવી બેંચ પર બેઠી છે. બધાએ મરૂન સ્કર્ટ અને પીળાં ટીશર્ટ પહેર્યાં છે. મંચની એક બાજુ બારી અને બીજી બાજુ બારણું છે. વચ્ચે શિક્ષકના ટેબલ-ખુરશી મંચ તરફ પીઠ હોય તેમ મૂકેલાં છે.)
પ્રવક્તા – લો, ખૂલ્યો છે સમર્પણ શાળાનો વર્ગ-૪ -એ. વર્ગની પૂર્વી, તન્વી, શિખા, નમિતા, કૃતિ, પંક્તિ અને રૂપાંદે-સાત ગર્લ્સ તમને કરાવશે જૉય-રાઈડ – દીકી સ્પેશ્યલની હોં! એમના મેઘનામેડમ પણ હશે જ હોં! ને.....કહી દઉં.
......ભઈ આ તો છે તમારું બાળ-નાટક તો... મેઘના ‘મેમ’ ભલે હોય, પણ છે તો તમારાં જેવડાં જ. પણ ભાર... ભાર તો મેડમ જેવો જ રાખવો પડે ને એમણે!

(મરૂન સ્કર્ટ અને પીળું ટીશર્ટ અને હાથ પર પીળી રીબિન બાંધેલી છોકરીઓની સ્ટેજ પર આમથી તેમ વસ્તુઓ મૂકવાની હલચલ ચાલી રહી છે.)

કૃતિ-પૂર્વી : રૂપી, કેમ હમણાંની ઢીલકી-ઢીલકી હોય છે! કંઈ થાય છે તને?
રૂપાંદે : ના ... હમણાંનું છે ને મારી મમ્મીને ઠીક નથી રહેતું. કોઈ વાર ઊલટી થાય છે ને સૂઈ જ રહે છે. એટલે.....
દાદી મને વહેલી ઉઠાડી મૂકે છે – જાતે જાતે જલ્દી તૈયાર થઈ જા, મોટી થઈ હવે તું!
કૃતિ : એટલે રુપી ઉંઘરેટી છે, ખરું?
પૂર્વી : તું બેસી રે! મેઘના મેડમ નાની રિસેસ પૂરી થાશે કે આવી જશે! તે પહેલાં જરી તૈયારી કરી લઈએ ને, આપણા ઈવેંટની!
પંક્તિ : આ, ટેબલ ખુરશી ખસેડી લઈએ, મેમ આવે તે પહેલાં.
(મંચ પર વચ્ચે મુકાયેલ ટેબલ બે ત્રણ છોકરીઓ ધક્કો મારીને એક્ટીવીટી બોર્ડ નીચે ગોઠવે છે. પૂર્વી ખુરશી ઉપાડીને બારણા પાસે ગોઠવે છે.)
નમિતા : લો, સ્ટેજ ક્લીયર !
(રિસેસ પૂરી થયાનો બેલ વાગે છે – ટનટનટન....)
ક્લાસ : (બેકડ્રોપ પરના માઈકમાંથી) હેઈ. એક્ટીવીટી ક્લાસ શરૂ !!!
(મેઘનામેડમ- પંજાબી ડ્રેસ પહેરેલાં – ક્લાસમાં આવે છે)
મેઘનામેડમ : (વર્ગ તરફ ચોમેર નજર નાખતાં) એક્ટીવીટી પિરિયડમાં તો બધાં સુપર એક્ટીવ થઈ જાય છે ને કંઈ !ઓલ સેટ નાની રિસેસ તૈયારીમાં જ વાપરી નાખી કે શું?
પૂર્વી : મેડમ નાની અને મોટી રિસેસ વચ્ચે હવે એક્ટીવીટી પિરિયડ રાખ્યો છે ત્યારથી બહુ મજા આવે છે! નહીં તો એકટીવીટી પિરિયડ પહેલાં કે પછી ભણવામાં જીવ જ ન'તો ચોંટતો ! મેઘનામેડમ : (હળવું હસીને) તો ચાલો, યલો ગ્રુપ સંભાળો તમારો મંચ! (ખુરશી પર જઈ બેસે છે)
(યલો ગ્રુપની છોકરીઓ અથડાઅથડી કરતી દોડવા ગઈ)
પૂર્વી : નો યલો ગર્લ્સ – આપણે કેવી રીતે એન્ટ્રી પાડવાની છે? ભૂલી ગયાં?
(પૂર્વી સિવાયની છ છોકરીઓ સામસામે મોઢે બેબે એકબીજાની સાથે હાથ ભેરવી ઊભી રહી. પછી આડા પગે ચાલતાં મંચ પર જઈ છૂટી પડી લાઈનમાં ઊભી રહી.
પૂર્વી દાંડિયાની લાકડી પર સૂરજમુખીના ફૂલનું કટઆઉટ લગાડેલ પ્રોપ લઈ વચ્ચે ઊભી રહી)
પૂર્વી : ડિયર ફેન્ડ્ઝ....!
ક્લાસ : (માઈકમાં બે ચાર છોકરીઓ) યલ્લો યલ્લો, ડર્ટી ફેલો !!! (થોડી હસાહસ)
પૂર્વી : નો, નોટએટ ઓલ! વી આર યલ્લો યલ્લો સનશાઈન ફેલોઝ... (ગ્રુપની અન્ય છોકરીઓ સામે જોઈ) હે ...ઈ....
બાકીનાં બધાં : (મુઠ્ઠી વાળેલ હાથ આગળની બાજુ જોશથી વીંઝી) અમે છીએ- યલ્લો યલ્લો સનશાઈન ફેલો સનશાઈન ફેલોઝ રૉક (બધા બે ત્રણવાર બોલે છે)
મેઘનામેડમ : ગુડ સ્પિરિટ યલ્લો ગર્લ્સ !આજ તો યલ્લો ડે! તમારી આજની આઈટમ શું છે?
પૂર્વી-મેડમ, અમે એક્શન સોંગ કરવાનાં છીએ - ‘દીકીસ્પેશ્યલ’
મેઘનામેડમ : 'દીકીસ્પેશ્યલ’ ? એ શું વળી?
તન્વી : મૅમ, પૂર્વીનાં મમ્મી છે ને, તે નાનાં બાળકો માટે વાર્તા ને કવિતાને એવું એવું લખે છે. પૂર્વીની કઝિન પ્લેસેન્ટરમાં જાય છે ને, તેમને માટે આ ગીત લખ્યું'તું.
મૅડમ : પૂર્વી, તમને પણ તમારી મમ્મીએ કરાવ્યું?
પૂર્વી : હા, થોડું એમણે ને થોડું અમે જાતે બેસાડ્યું. અમે કંઈ બચ્ચાં થોડાં છીએ! એટલે અમે એમાં અમારું ઘુસાડ્યું ! ટ્રેનનું ગીત છે.
મૅડમ : ઓ, તો ‘દીકીસ્પેશ્યલ' પીકછુકગાડી છે! ચાલો ત્યારે – હો જાવ શુરૂ !
પૂર્વી : ચલો વાય ગર્લ્સ ઝટપટ! પછી પિરિયડ પૂરો થઈ જશે! (બધા ટેબલ પરથી જરૂરી વસ્તુઓ લે છે)
પંક્તિ : લે પૂર્વી આ કાળો સ્કાર્ફ (તેની સામે ધરીને) આ ત્રિકોણ ભાગ પાછળ લટકતો રાખ, ને આગળ કપાળ પર ગાંઠ લગાવ (પૂર્વીને સ્કાર્ફ બાંધી આપે છે) લે અદ્દલ ડ્રાઈવર જોઈ લે!
નમિતા : (ટેબલ પરથી કેપ લઈ પહેરતાં) હેઈ, જો મારી કેપ !
શિખા  : છાપરી, ઊંધી ! – અસ્સલ ગાર્ડ !પણ તારી ઝંડીઓ ક્યાં?
નમિતા : (ટેબલ પરથી લાલ-લીલા રુમાલ એકએક હાથમાં લેતા) આ રહી લાલ-લીલી ઝંડી... (રુમાલો હલાવતાં) હેય, ચલો ઉપાડો ગાડી!... હેય ચલો...હેય સ્ટોપ !
(કૃતિ, તન્વી, રૂપાંદે અને શિખા બે-બેની જોડીમાં સમાંતર આગળ-પાછળ ઉભા રહી જાય છે. પૂર્વી આગળ અને નમિતા પાછળ ઊભી રહી જાય છે. પંક્તિ થોડી આગળ ઊભી છે – તેણે માથે ટિઆરા પહેર્યો છે)
પૂર્વી : ચલ'લી પંકતુંડી, ડ્રાઇવર–ગાર્ડ અને ડબ્બાને જોડી દે !
(પંક્તિ ટેબલ પરથી દુપટ્ટો લે છે. એક દુપટ્ટો પૂર્વીની કમર આગળથી ભેરવી પાછી ગાંઠ મારી ડબ્બાના આગળના ભાગની છોકરીઓને હાથમાં પકડાવે છે. તે બંને મોટી સેફ્ટીપીનથી સ્કર્ટના પટ્ટામાં ભેરવે છે. તેવી જ રીતે ગાર્ડને કમરે દુપટ્ટો ભેરવી આગળના ભાગે ગાંઠ મારી ડબ્બાની પાછળના ભાગે મોટી સેફ્ટીપીનથી ભરાવી દે છે. ટ્રેન મંચ સામે દેખાય તેવી રીતે આડી છે. ડ્રાઈવર અને ગાર્ડ – ઑડિયન્સને દેખાય તેમ સહેજ સામી બાજુ વળીને ઊભાં છે.)
પંક્તિ : (બે હાથ પહોળા કરી) ડ્રાઈવર-ગાર્ડને ડબ્બા સાથે 'દીકીસ્પેશ્યલ' રેડીટુ ... મૂવ !! (પંક્તિ ટેબલ પરથી ફૂલની ટોપલી લઈ બાજુમાં ઊભી છે)
પૂર્વી : (હાથમાંનું સૂર્યમુખીનું પ્રૉપ ઊંચું કરી હાથ મોઢા આગળ ધરી) પી...ઈ......૫..... પીકછુક પીકછુક .....

(પૂર્વીએ પગ ધીમેથી ઉપાડતાં ગાવાનું શરૂ કર્યું. બધાં ચાર-પાંચ ડગલાં આગળ અને ચાર-પાંચ ડગલાં પાછળ એમ ગતિ કરતાં રહે છે. બાજુમાં ઊભેલ પંક્તિ પણ છાબડી હલાવતી થોડું થનગન કરતી રહે છે)
પૂર્વી : હે....ઈ... અજબગજબની ટ્રેન આવી ....
બાકી બધાં - હે.... ઈ.... અજબગજબની ટ્રેન આવી.....

(આ આખા ગીતમાં જરૂર પ્રમાણેની પંક્તિ બે બે વાર ગવાય. પહેલાં પૂર્વી ગાય, પછી બધાં સાથે તેજ પંક્તિ ગાય ‘આવી આવી દીકી સ્પેશ્યલ આવી'. ગીતની લાઈનના શબ્દો પ્રમાણે જુદા જુદા પ્રોપથી અભિનય કરતાં રહે)
પૂર્વી : અજબગજબની ટ્રેન આવી .... ટ્રેન આવી
બાકી બધાં : અજબગજબની ટ્રેન આવી .... ટ્રેન આવી
પૂર્વી : આવી આવી દોડતી આવી
બધાં : આવી આવી દોડતી આવી, દોડતી આવી
પૂર્વી : આવી આવી હસતી આવી
બધાં : આવી આવી હસતી આવી, હસતી આવી
પૂર્વી : આવી આવી દીકીસ્પેશ્યલ આવી
બધાં : હેઈ..... દીકીસ્પેશ્યલ આવી
(આ જ લાઈનો બીજીવાર બધાં જ સાથે ગાય છે)
બધાંસાથે : પોપિનનાં તો પૈંડાં બનાવ્યા (૨)
(સહુ ખિસ્સામાંથી પોપિન કાઢી, પોપિનથી પૈંડાંની એક્ટીંગ કરી મોઢામાં મૂકી દે છે)
બધાંસાથે : ચોકલેટના તો ડબ્બા બનાવ્યા (૨)
(સહુ ચોકલેટ કાઢી બતાવે અને પછી ક્લાસના ચિત્ર બાજુ ઉછાળી ફેંકે)
ક્લાસ : હેય, ચોકલેટનો વરસાદ !
બધાં સાથે : બિસ્કિટનાં તો બારણાં બનાવ્યાં (૨)
(બિસ્કિટનાં મોટી સાઈઝના રેપર, પંક્તિ બધાને આપે તે, અધ્ધર કરી હલાવી સહુ ગાય. પછી પંક્તિ રેપર લઈ લે અને ટેબલ પર મૂકી આવે)
પંક્તિ : (પૂર્વી પસે જઈ) મમ્મા તો એન્જિન બન્યાં( પૂર્વી હાથથી પી...ઈ..પ ગાવાની નિશાની કરે)
બધા સાથે : મમ્મા તો એન્જિન બન્યાં
પંક્તિ : (નમિતા પાસે જઈ) પપ્પા તો ગારડ બન્યા ! (નમિતા લાલ-લીલો રુમાલ ફરફરાવે)
બધાં સાથે : પપ્પા તો ગારડ બન્યા !
(નમિતા અને પૂર્વી એકબીજા તરફ જોઈ ફ્લાઇંગ કિસ આપે છે)
ક્લાસ : વાઊ !!(હસાહસ)
બધાંસાથે : દીકીબા તો પ્રિન્સેસ બન્યાં !દીકીબા તો પ્રિન્સેસ બન્યાં !
(પંક્તિ ફૂલની છાબડી સાથે ટીયારા પહેરેલી – ડબ્બાના ચાર જણ વચ્ચે ઊભી રહી જાય છે)
(બધાં સાથે : બધી પંક્તિઓ બેબે વાર એક્શન સાથે ગાય છે)
મમ્મી લેન્ડથી ઊપડી ગાડી (૨)
ફટફટાફટ ઊપડી ગાડી (૨)
આવજો કરતી ઊપડી ગાડી (૨)
સ્ટેશન તો મનફાવતાં (૨) (ગાડી પાગથાપ કરતી ઊભી રહી જાય)
ઊતરવાની સૈયાનૈ (૨) (પંક્તિ ઊતરવા જેવી એક્ટીંગ કરે – બાકી બધાં-નાની નિશાની કરે)
પૂર્વી : બેસી જાવ સહુ દીકીનાં ખાસંખાસ (૨)
દીકી સ્પેશ્યલ ચાલવા લાગશે ફાસંફાસ !! (૨)

બાકી બધાં : (સહુ પોતાને ગમે તેવી એક્ટીંગ કરતાં)
બેસી જાવ સહુ દીકીના ખાસંખાસ
દીકી સ્પેશ્યલ ચાલવા લાગશે ફાસંફાસ, ફાસંફાસ! ફાસંફાસ!
(હવે પછીની ગીતપંક્તિમાં ટ્રેન આખા સ્ટેજ પર ધીમે ધીમે ફરે છે)

પૂર્વી સાથે બધાં : (શબ્દો પ્રમાણે એક્ટીંગ પણ કરતાં જાય)
(થોડાં વાંકા વળીને)ટનલ આવે ઊઈ ..... થાય ! (૨)
પુલ આવે ધકધક ... થાય ! (૨) (બેક ગ્રાઉન્ડમાં ખડીંગ, ખડીંગ..... નો અવાજ)
ફૂલડાં ખરે વા ઊ..... થાય! (પંક્તિ ટોપલીમાંથી ફૂલ ઉડાડે)
પી ..ઈ..૫ (પૂર્વી એકલી બોલે) બોલે હેઈ... હેઈ થાય !
દીકી સ્પેશ્યલ દોડતી જાય દોડતી જાય!
પૂર્વી : મમ્મીલેન્ડ ટુ... (બે હાથ ઊંચા કરે છે)
નમિતા : પાપાલેન્ડ..... (નમિતા ટીશર્ટના કૉલર ઊંચા કરે છે)
પૂર્વી અને નમિતા : ઘૂમતી જાય, ઘૂમતી જાય
બાકીબધાં : (આ વખતે પૂર્વી અને નમિતા તેમનાં પાત્રનામ પ્રમાણે હાથ ઊંચો કરે)
મમ્મી લેન્ડ ટ્રુ પાપા લેન્ડ ઘુમતી જાય, ઘુમતી જાય
દીકીબેન હરખાતાં જાય
દીકીબેન હરખાતાં જાય(પંક્તિ રાજી થવાનો અભિનય કરે)
અજબગજબની ટ્રેન દોડતી જાય, દોડતી જાય
અજબગજબની ટ્રેન દોડતી જાય, દોડતી જાય
પાટેપાટે અગડંબગડં બોલતી જાય, બોલતી જાય
ક્લાસ : હેઈ અગડંબગડં, અગડંબગડં
(સનશાઈન ગ્રુપ થમ્સઅપની નિશાની કરે)
‘દીકીસ્પેશ્યલ’ તો કૂલ... કૂલ, કૂ..... લ!
‘દીકીસ્પેશ્યલ’ તો કૂલ....કૂલ, કૂ.... લ!
(સાત સહિયરની ટ્રેન, પગ થપથપ કરતી, મંચ પર એક જગ્યાએ સ્થિર થાય છે)
ક્લાસ : (તાળીઓનો ગડગડાટ) હેય ... સનશાઈન ગ્રુપ રૉક્સ ! (૨)
મેઘનામેડમ : (ખુરશી પરથી ઊભાં થઈ, ટ્રેન ગર્લ્સ પાસે આવી) કહેવું પડે સનશાઈનગર્લ્સ, તમે તો ક્લાસમાં હલ્લાબોલ મચાવી દીધી !
ટ્રેનગ્રુપનાં બધાં : થેન્ક્યૂ મૅમ !
મેઘનામેડમ : પૂર્વી, તારી મમ્મી નાટક પણ લખે છે?
પૂર્વી : હા, મેમ, એક નાનકડી સ્કીટ સરસ છે – 'તડકાને આવ્યો તાવ'
ક્લાસ : મૅમ સનશાઈન ગ્રુપની પાસે કરાવો ને ! તાવમાં તડકો ! (હસાહસ)
મેઘનામેડમ : (મોબાઇલમાં સમય જોતાં) હમણાં મોટી રિસેસ પડશે. આપણે એક્ટીવીટીની ઇન્ટરક્લાસ હરીફાઈ છે તેના માટે કરાવશું. સનશાઈનગ્રુપ તમારા દુપટ્ટા અને ક્રાઉન ઉતારો.
(ટ્રેનના ડબ્બા વ. છૂટા થવાનું કામ ચાલુ છે – એકબીજાને મદદ કરતાં)
ક્લાસ : ને મૅમ, આ 'દીકીસ્પેશ્યલ’ તો કરાવવાની જ ! (બેંચ થપથપાવવાનો અવાજ)
મેઘનામેડમ : સ્ટુડન્ટ્સ, ચોક્કસ કરાવશું, પણ અવાજ નહીં, નહીં તો ઇન્દુમૅમ દોડતાં આવશે !
તન્વી : અરે મૅમ મઝા આવશે !ચાર-પાંચ ડબ્બા અને ચાર-પાંચ પ્રિન્સેસ રાખશું !
ક્લાસ : હો જાય દીકી ... સ્પેશ્યલ (જોરશોરથી)
મેઘનામૅમ : ઓકે, કાલથી પ્રેક્ટીસ શરૂ !
સનશાઈનગ્રુપ : યેસ્સમૅ... મ !!!
(તે જ વખતે મોટી રિસેસનો બેલ વાગે છે – ટનટનટનટન...... સહુ નાસ્તાના ડબ્બા બેગમાંથી કાઢી બારણામાંથી બહાર જાય છે. કૃતિ હજી બેગ ફંફોસી રહી છે. બહાર ગયેલી શિખા પાછી અંદર આવે છે)
શિખા : (બારણા વચ્ચે ઊભી રહી) એય... ખપત !ક્લાસની અંદર શેનાં ડાફોળિયાં મારે છે હજી?
કૃતિ-(બેગમાંથી લીલા રંગનો મોટો ડબ્બો ખેંચીને કાઢે છે) હાશ ! મળી ગયો! મને થયું દાદીએ નથી મૂક્યો કે શું !
શિખા : બે બે ડબ્બા ?
કૃતિ : (આંખ નચાવતાં) સર... પ્રાઈઝ !
શિખા : મને કહી દેને
કૃતિ : નો વે !સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ !
(બંને બારણામાંથી બહાર જતાં રહે છે. પડદો ખાલી ક્લાસરૂમને ઢાંકતો ઢાંકતો બંધ થાય છે)

અંક ૧ સમાપ્ત

અંક - ૨ (દીકીસ્પેશલ)

(મંચ સજ્જા, મંચ પર વચ્ચે ચંપાનું ઝાડ છે. તેના દોઢેક ફૂટ જેટલે બે ફાંટા છે, તેની પાછળ ન દેખાય તેમ બેઠક જેવું રખાય. ઝાડ પાછળ વર્ગની આગળની પરસાળની કાટખૂણે પાળી છે. ઝાડની ફરતે ઈંચ ઊંચી ગોળ પાળી છે. જોડે એક થડિયાની બેઠક બનાવી છે – ૯ ઈંચ ઊંચી. ઝાડની આગળ છોકરાંઓને રમવાના ચોકની ફરસની લાદી છે. પાછળ 'ક્લાસ-૪એ' લખેલ બારણું દેખાય છે)

પ્રવક્તા : રિસેસનો ઘંટ વાગ્યો ને ક્લાસરૂમની ચાર દીવાલમાં બંધ રહેલાં ભાગ્યાં બહાર! સનશાઈન ગ્રુપના ઘોડા પણ એનઘેન દીવાઘેન' કરતા છૂટ્યા છે. ટિફિન બૉક્સ તો ખૂલશે તેમનાં, પણ જોડે જોડે જાતજાતની ને ભાતભાતની વાતો તો સાંભળો એમની! વાતો કરતાં અર્ધા ઊભા થઈ જશે, ક્યારેક સહેજ લળીને બોલશે, ક્યારેક હાથમોંના લટકા કરતાં બોલશે. તો વળી ચડસાચડસીમાં ઊભાં ય થઈ જશે - તું –તાં ય કરી લેશે! નાસ્તો ખાતાં થતાં એમની વાતોનાં વડાં સાંભળીએ! પહેલા અંકનો ચોથી દીવાલ જેવો પડદો, અંક -૨માં ખુલ્લા ચોકની આડે ઊભો છે. તેને કહીએ – ખુલ જા સિમસિમ.....
(પડદો સરસર કરતો ખૂલતો જાય)
(ટિફિન બૉક્સ સાથે પંકિત, પૂર્વી, નમિતા, શિખા અને રૂપાંદે સહેજ ઢીલી ચાલે વર્ગના બારણામાંથી નીકળી રહ્યાં છે. સહુ ચંપા પાસે આવે છે. પૂર્વી ચંપાના ફાંટાની જગ્યામાં ગોઠવાય છે. શિખા ક્લાસના બારણા તરફ પાછી જતી દેખાય છે. પંક્તિ, તન્વી પરસાળની ધાર પર એક બાજુ બેસે છે. નમિતા – રૂપાંદે આજુબાજુ બેસે છે)
તન્વી : (બેસતાં બેસતાં પાછળ જોઈને) આ કૃતિ ક્યાં? કેમ દેખાતી નથી?
નમિતા : શિખલી ય ક્લાસમાં પાછી ગઈ!
(કૃતિ –શિખા ટિફિન બૉક્સો સાથે ક્લાસમાંથી નીકળે છે. શિખા થડિયા બેઠક પર બેસી જાય છે, કૃતિ રૂપાંદે પાસે બેસવા જાય છે)
પંક્તિ : (સહેજ વાંકી વળીને) એલી, ત્યાં ન બેસ !ત્યાં તો તડકાને તાવ આવ્યો છે!
(હસાહસ)
બે-ત્રણ જણ : હેઈ, તડકાને તાવ બહુ આવી જાય!
કૃતિ : (ક્યારાની પાળી પાસે કુદાકડો મારી બેસતાં) હું તો અહીં ભોંયે જ બેસીશ(કહેતાં પોતાની પાસેના બે ય ડબ્બા ક્યારાની પાળી પર મૂકે છે)
પંક્તિ : બે ડબ્બા કૃતિ? (મોટા ડબ્બાને અડતાં) ને આ મોટ્ટો ડબ્બો?
કૃતિ : છે ને, મારાં દાદીએ ભરી આપ્યો. બે ડબ્બા થયા તે બેગમાં માંડ ગોઠવાયા.
પંક્તિ : બે બે ડબ્બા ભરી શું લાવી છે?
કૃતિ : (લીલા રંગનો ડબ્બો ખોલતાં) કાજુકતરી .... (આંખ નચાવે છે)
તન્વી : (અર્ધીપધીં ઊભી થઈ વાંકી વળી જોતાં) આટ્ટલી બધી કતરી !!!
રૂપાંદે : ગળ્યું જોયું નથી ને તનુડીની જીભ લબલબ થઈ નથી !
કૃતિ : (સહેજસાજ ઊંચી થઈ હાથમાંનો ડબ્બો ધરતાં)લો બધાં બેબે કતરી લેજો-દાદીએ કહ્યું છે.
પૂર્વી : (વાંકા વળી બે કતરી ઉપાડતાં) કતરી શેને માટે?
કૃતિ : (ઉત્સાહભર્યા સ્વરે) મારી નાનીબેન આવીને! મારાં દાદી કે' કાજુકતરી ખવડાવ આપણે ત્યાં કાજુકતરી આવી છે ને ! કાજુકતરી જેવી નાજુકડી છે !
શિખા : ને ભઈલો આવે તો પેંડા ખવડાવે, ખરુંને !
રૂપાંદે : (એકદમ સફાળી બોલતી હોય તેમ) તારી નાનીબેન, ખરુંને?
કૃતિ : (હાથમાંનો ડબ્બો પાળી પર મૂક્તાં) નાની જ તો! હું હવે દીદી થઈ ગઈ બોલ! એવી બચુકડી છે ને મારી બેનકી! (બે હથેળી ભેગી કરી પહોળી કરે છે) મને તો એને અડકતાં ય બીક લાગે છે.
નમિતા : તેં એને ઊંચકી'તી?(આંખના ડોળા ગોળ ગોળ ફેરવતાં)
કૃતિ : ના ... રે! (પોતાની એક આંગળી બીજી આંગળીથી વાળતાં) મને તો એમ થાય...ક્યાંક એની આંગળી તૂટી ન જાય! પણ મમ્મી ને દાદી તો એવી સરસ રીતે ઝભલું પહેરાવી દેને! હું તો દેખતી જ રહી જાઊં!
રૂપાંદે : (બેઠી હતી ત્યાંથી સહેજ નમીને) તારે ભઈલો ના આવ્યો?
કૃતિ : (કોણીથી વાળેલ હાથ ઊભો હલાવતા) એમ કંઈ બધાને ત્યાં ભઈલો ન આવે. ને જેને બહેન જોવે તો બહેન મળે એવું ય નહીં! ભગવાનજીને જેનું મન થાય તે આપે – સમજી!
રૂપાંદે : (આવેશથી) જા, જા, હવે! ઘરમાં બેન હોય તો ભઈ લાવતાં આવડવું જોઈએ ! (હાથનો પંજો હલાવતાં) મારાં દાદી તો કેતાં'તાં મમ્મીને બેનકી હશે તો દવાખાને જઈ પાછી આપી આવશે. પછી ભગવાન એનો ભઈલો બનાવીને થોડા વખત પછી પાછો આપશે! અમારે તો ભઈલો જ આવ્વાનો જોજે ને !
પંક્તિ : (મોઢાથી લટકો કરતાં) પણ બેન હોય ને તો મઝ્ઝા આવે! મારે દીદી છે તો મને તો બહુ મઝા આવે છે.
શિખા : ને ઝગડા-ઝગડીની ય મઝા આવતી હશે કેમ !
પંક્તિ : હા ... રે! ઝગડવામાં ય બૌ મઝા પડે છે! તને શું ખબર – શનિવાર રાતના તો અમારી ગુસપુસને ધમાલ જે ચાલે!! મમ્મીના ઘાંટા પછી જ ઊંઘીએ (બોલતાં બોલતાં અર્ધી ઊભી થઈ ગયેલી બેસી જાય છે)
તન્વી : (પંક્તિને ધબ્બો મારતાં) હા તે પાછલા શનિ-રવિ તારા મામાની દીકરીઓ આવેલને! તમારી ધાંધલ-ધમાલ અમારા ઘર લગી સંભળાતી હતી!
પંક્તિ : અરે, જલસો થઈ ગયો' તો અમને તો!
તન્વી : (ઊભી થઈ ચંપાની ડાળ ઝાલતાં) સાચ્ચે, બહેનો બહેનોને જલસો તો થઈ જાય! બાકી મોટો ભાઈ હોય ને તે તો પોતાના ભાઈબંધ જોડ જ રમે, ને ઘેર મોબાઇલ મચડ્યા કરે! આપણને કોઈવાર ક્યાંક લઈ જવાનો વારો પડે તો જોઈ લો ! વઢવાનાં બહાનાં ગોતી તતડાવે જ રહે!
શિખા : (તન્વીનું સ્કર્ટ ખેંચતાં) બેસી જા 'લી! ચંપાની ડાળ તૂટશેને તું પછડાઈશ. તારી વાત સાચી તનુ. નાનો ભઈલો હોય ને તો અપણી તો વાટ જ લાગે! (હાથનો ઝટકો મારી પાડતી હોય તેમ ) બધું ભઈલાનું જ! –તું તો મોટી છો. – આપી દે! આપણું તો પત્તું જ કપાઈ જાય!
નમિતા : (ચુપચાપ બેઠે સાંભળતાં એકદમ રૂપાંદે તરફ ફરી તેને હલાવતાં) રુપી, તારી મમ્મી તો બે વાર બેનકીને મૂકી આવી છે? ભગવાનને ભઈલો બનાવતાં કેટલી વાર લાગે છે?
તન્વી : નમુ, એ તું શું કે' છે?
નમિતા : બે દિવસ પહેલાં આપણને હડતાલ પાડવા આવેલ ને! તે વહેલાં ઘરે જવા મળ્યું’ તુ. અમારું ઘર તો પાછળ જ. તે હું તો ભાગી. મને થયું પાછળ બાઈ કામ કરતી હશે, તો પાછળથી જઈને મમ્મીને 'હાઉકલો' કરું!
પૂર્વી : (ઝાડ પર બેઠે પગ હલાવતાં)તમે તો ત્રણ બેનો ને નમુ?
નમિતા : (અર્ધા ઊભાં થઈ પૂર્વીને તાળી આપતાં) હા... રે પાછા દાદા દાદી ને નાના કાકાય ખરા! એટલે મમ્મી તો કામમાં જ હોય. એટલે તો વહેલી છૂટી તો થયું મમ્મી પાસે રહેવાશે! આમ તો દીદીઓ હોય એટલે ખાસ ખબર ન પડે મને!
રૂપાંદે : એમ કંઈ એમાં જ મઝા આવે એવું નઈ! મને તો ભઈલાની દીદી બનવાની બહુ મઝા આવશે.
શિખા : હા, વળી ભઈલાની દીદી બનવામાં વટ પડે જ! આ તો જરી બબડીંગ બબડીંગ કરી લઈએ!
પૂર્વી : (થોડું મોઢું ઢીલું) હા, હું તો એકલી જ છું! તમારા બધાની મને જલન થાય છે!
શિખા : એકલું તો લાગે, પણ અમે છીએ ને! પણ હેં રૂપી.... (તેની સામે વળીને જોતાં) ભઈલો ગમે એટલે કંઈ બેનકી પાછી આપી દેવાય! તેય નમુએ કહ્યું તેમ... બે બે વાર!
રૂપાંદે : (ગુસ્સાથી ઉભા થતાં નમિતાને હલમલાવે છે) કોણે કહ્યું તને આવું? ગપગોળા શેની ફેંકે છે ચાંપલી !
નમિતા : (ઊભા થઈ તેને ખભેથી પકડી બેસાડતાં) બેસી જા કંઈ ગપગોળા નથી. પૂરૂં સાંભળતી તો છે નઈ!
આપણાં બડે લોક છે ને તે બધાંને એમ જ છે કે આપણને કંઈ ખબર ન પડે!
પૂર્વી : (ડાળી પર હાથ પછાડતાં) એવું જ હોં – પણ આપણને ખૂબ બધી ખબર પડે છે.
નમિતા- હાસ્તો! તે દિવસે મારી મમ્મીને સરપ્રાઈઝ આપવા હું રસોડાને બારણેથી ઘરમાં ઘૂસી, ત્યાં રુપી તારી મમ્મીનો અવાજ સાંભળ્યો.
રૂપાંદે : હા, તારી ને મારી મમ્મી કૉલેજ ફ્રેન્ડ છે.
નમિતા : હું અંદર યુનિફોર્મ બદલવા ગઈ, ત્યારે તારી મમ્મી છે ને, રડતાં રડતાં બોલતી’તી.
રૂપાંદે : મારી મમ્મી? રડતી'તી? (અવાજ ઢીલો થઈ ગયો)
નમિતા : હા, ને મારી મમ્મી તેને કહેતી’તી- ધીરજ રાખ! તારે ઘરે કોઈને તારી પડી જ ન હોય તો શું થાય !
રૂપાંદે : એ વળી શું?
નમિતા : (રુપાનો હાથ હાથમાં લઈ) મનેય એમ થ્યું તું—આ શું? ત્યાં તારી મમ્મી બોલી- પન્ના તારે કેવી મઝાની ત્રણ દીકરી છે! કેવી એકથી એક ચઢે એવી છે! તને કોઈ કંઈ કે છે? મારે તો બે વાર દીકરી હતી તે એબોર્શન...
રૂપાંદે : (નવાઈ પામતા) એબોર્શન? એ શું કે'વાય?
કૃતિ : (ઊભી થઈ જતા) રૂપી બેનકીને દવાખાને પાછી આપી આવે તેને એબોર્શન કહેવાય, સમજી!
પંક્તિ : તને બહુ બધી ખબર છે ને કંઈ કૃતિ કતરી! (છેલ્લા શબ્દ પર વજન)
કૃતિ : અમારે ત્યાં દાદી બોલેલ ને તે મેં ય નમિતાની જેમ સાંભળેલ. રાતનાં વાત કરતાં'તાં. હું હજી જાગતી'તી. તે કેતાં’તાં કે ભાઈબેનની જોડી થાય તે ગમે જ તો! પણ એટલે કંઈ આપણી દીકરીને પાછી ન વળાય. નથી કરાવવાનું એબોર્શન.
એ છે તે આંખ માથા પર. બે બહેનોની જોડ થશે મઝાની.
તન્વી : હા.....જો ને બેન આવી તો બરફી ય નહીં કાજુકતરી, તે ય આટલી બધી બધાંને આપી!
શિખા : છે જ ને! ભઈ હોય તો કોઈ કે’છે કે ભઈ પાછા આપી બેનકી લૈ આવો !!
નમિતા : સાંભળ હજી, રૂપી! તારી મમ્મી કહેતી'તી ‘રૂપી ય મોટી થાય છે. આ ફેરા તબિયત પણ સારી નથી રહેતી. ત્રીજી વાર પાર પડે તો સારું. રૂપીને ખબર પડે તો કેવું લાગે એને?
શિખા : (ઊભી થઈ)
પૂર્વી : એલી હજી ઘંટ નથી વાગ્યો, ઊભી કેમ થઈ ગઈ?
શિખા : (વોશરૂમ તરફ આંગળી) જઈ આવું... પછી ભારે પડે (જતાં જતાં તે અટકીને ઊભે છે, રૂપાંદે તરફ ફરી) તે હેં રૂપી, ભગવાન તારી મમ્મીને ત્રણ ત્રણ ભઈલા આપશે? બે વાર બેનકી પાછી આપી તો?
તન્વી, પંક્તિ, પૂર્વી - વાઊ –થ્રી થ્રી બ્રો!!!
(શિખા વોશરૂમ તરફ દોડી જાય છે)
(રૂપાંદેનું મોં વીલું પડી જાય છે)
પૂર્વી : (ઠેકડો મારી ઝાડ પરથી ઉતરે છે. રુપાનો હાથ પકડતાં) એ ય, ઊઠ! ભાન છે તને, તારી પર કેટલો બધો તડકો આવી ગયો છે!
(રૂપાંદે ઊભી થાય છે – હાથમાં ખુલ્લું લંચબોક્સ છે)
પૂર્વી : (રૂપાંદેનું લંચબોક્સ જોઈ) લે, તેં તો કાજુકતરી ય બાકી રાખી છે! મોં ખોલ (કાજુકતરી ઉપાડી રૂપાંદેના મોંમાં મૂકે છે)ચલ'લી છોડ આ ભઈલો ને બેનકીની ઢોલકી! મૂક એને તડકે! આપણે તો એઈ ને 'દીકીસ્પેશ્યલ’! હે ઈ સનશાઇન ફેલોઝ, વી આર......
બીજા બધાં : 'દીકીસ્પેશ્યલ' !!! (લાંબા લહેકાથી)
(તે જ વખતે રિસેસ પૂરી થયાનો ઘંટ વાગે છે.....ટન્ ટન્ ટન્... ટિફિન બંધ કરતાં ઉભાં થઈ બધાં ક્લાસ બાજુ ફરે છે)
પૂર્વી : ચલો સનશાઇન ગર્લ્સ થઈ જાય અજબગજબની 'દીકીસ્પેશ્યલ’!
કૃતિ : (કાજુકતરીનો લીલો ડબ્બો ઊંચો હાથ કરી હલાવતાં) ગ્રીન ઝંડી! ચલો...ઊપડે છે દીકીસ્પેશ્યલ!
પૂર્વી : બેસવું હોય તે બેસી જાય! (હસાહસ)

(સનશાઇનગ્રુપ એકબીજાને અથડાતાં, થપથપ પગલાં કરતાં સાથે ગાતાં જાય છે) અજબગજબની ટ્રેન ચાલી... પીઈઈઈઈ... ૫ છુક!
દીકીસ્પેશ્યલ ચાલી, સનશાઇનસ્પેશ્યલ ચાલી
ત્રણજણ : ક્લાસરૂમ ટુ....
ત્રણજણ : ચંપાટ્રી.... ચંપાટ્રી ટુ....
ત્રણજણ : ક્લાસરૂમ!
સહુસાથે : દીકીસ્પેશ્યલ, દીકીસ્પેશ્યલ, દીકીસ્પેશ્યલ !!!ચંપાટ્રી ટુ ક્લાસરૂમ!

(બધાં 'દીકીસ્પેશ્યલ' બોલતાં હાથ હલાવતાં, ઉછાળતાં, એકબીજાને હળવા હડદોલા મારતાં વર્ગ-૪ એના બારણામાં જવા લાગ્યાં, શિખા પણ દોડીને જોડાઈ. વર્ગમાંથી આખા ક્લાસના- દીકીસ્પેશ્યલ, સનશાઇન સ્પેશ્યલના ગાન સ્વરો સંભળાતા રહ્યા, પડદો સરસર બંધ થવાનો થોડોક બાકી હતો ત્યારે સાત સનશાઇન છોકરીઓ આવજોના હાથ હલાવતી આવે છે ને પડદો થોડો અટકી જાય છે)
સાતે છોકરીઓ - ‘દીકીસ્પેશ્યલ' જોનારા સહુને આવજો.....
સનશાઇન ઓડિયન્સને દીકીસ્પેશ્યલની.....
ટાટા....બાય....બાય....ટાટા...બાય....બાય
(સાતે કન્યાઓ પાછા પગે બે ડગલાં પાછળ ખસે અને.... પડદો સાવ બંધ થઈ જાય છે)

('દીકીસ્પેશ્યલ' સમાપ્ત)

(અંક -૨ સમાપ્ત)