નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી પ્રવાસસાહિત્યઃ ઉપસંહાર


૧૯

ગુજરાતી પ્રવાસસાહિત્ય : ઉપસંહાર
અરુણા બક્ષી

પ્રવાસસાહિત્ય એક અર્વાચીન સ્વરૂપ છે. ગુજરાતીમાં શિષ્ટ સાહિત્યિક ગદ્યના જન્મ અને વિકાસ પછી તે અસ્તિત્વમાં આવ્યું છે. પ્રવાસની પ્રવૃત્તિ ઘણી પ્રાચીન છે, પરંતુ પ્રાચીન યા મધ્યકાલીન યુગના સાહિત્યમાં પ્રવાસનું સાદ્યંત નિર્ભેળ નિરૂપણ કરતી કોઈ સ્વતંત્ર કૃતિ પ્રાપ્ત થતી નથી. મધ્યકાળમાં અન્ય મુખ્ય વિષયની સાથે ગૌણ રૂપમાં- એકાદ નાનકડા અંશ રૂપે પ્રવાસનું નિરૂપણ કરતી કેટલીક કૃતિઓ લખાઈ છે, પણ તેમાંની કોઈ કૃતિને સ્વતંત્ર સ્વાયત્ત પ્રવાસકથા તરીકે ઓળખાવી શકાય તેમ નથી. પ્રવાસવિયક અલગ, સ્વતંત્ર, સ્વયંપર્યાપ્ત આનંદલક્ષી કૃતિઓ સૌ પ્રથમવાર અર્વાચીનયુગમાં જ, અંગ્રેજી શાસન, શિક્ષણ અને સાહિત્યના સંપર્ક પછી જ, લખાવા લાગી છે. ગુજરાતી જીવન અને સાહિત્યનાં અન્ય અનેક ક્ષેત્રોમાં જેમ પારસીઓ અગ્રણી રહ્યા છે, તેમ પ્રવાસાહિત્યમાં પણ તેઓ અગ્રણી રહ્યા છે. ગુજરાતીમાં પ્રવાસવર્ણનના નવીન સાહિત્યસ્વરૂપના પ્રારંભનો યશ એક પારસીલેખક ડોસાભાઈ ફરામજી કરાકાને ફાળે જાય છે. ઈ.સ. ૧૮૬૧માં પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ 'ગરેટ બરીટનની મુસાફરી' નામની તેમની પ્રવાસકથા ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રવાસકથા૧ છે. મહીપતરામ નીલકંઠ જેવા હિન્દુ-ગુજરાતી લેખક દ્વારા ગુજરાતીમાં સૌ પ્રથમ લખાયેલ પ્રવાસપુસ્તક 'ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન' તે પછી લખાયું છે. સુધારાયુગમાં અનેક પારસી તથા બિનપારસી-હિન્દુ લેખકો દ્વારા પ્રવાસસાહિત્યનું સર્જન થયું છે. ડોસાભાઈ કરાકા, દીનશાહ તાલેયારખાં, અરદેશર મુસ, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી વગેરે લેખકોએ તેમના પ્રવાસ-અનુભવોનું પુસ્તકરૂપમાં નિરૂપણ કરી, પ્રવાસસાહિત્યને ગુજરાતમાં દૃઢમૂલ કર્યું છે. આ લેખકોએ સ્વદેશ તેમજ પરદેશમાં પ્રવાસ કર્યા છે તેમ જ તેમનાં વર્ણન પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. પરદેશગમન પરના પ્રતિબંધના યુગમાં સ્વદેશ કરતાં દરિયાપારના દેશોના પ્રવાસ વધુ થયા છે અને તે વિશેનાં પુસ્તકો સવિશેષ લખાયાં છે, તે વસ્તુ ખાસ નોંધપાત્ર છે. અર્વાચીન યુગના આરંભના ગુજરાતી પ્રવાસીઓ માટે અંગ્રેજો અને તેમનો દેશ ઇંગ્લેન્ડ પ્રવાસ માટેના મુખ્ય આકર્ષણરૂપ રહ્યા છે. ભારતના વિજેતા એવા અંગ્રેજોની સમૃધ્ધ જીવનરીતિ અને બહુમુખી પ્રગતિથી મુગ્ધ-પ્રભાવિત થયેલા પ્રવાસીઓએ તેમના દેશ ઈંગ્લેન્ડનો પ્રવાસ નિશ્ચત ઉદ્દેશથી કર્યો છે. તેમનો તે ઉદ્દેશ તેમના પ્રવાસનિરૂપણમાં પ્રતિબિંબિત થયો છે. અંગ્રેજ પ્રજાનું અનુકરણ એ જ જાણે પ્રગતિનો માર્ગ, એવો સુધારાયુગનો પ્રમુખ સૂર તેમાંથી સ્પષ્ટ સંભળાય છે. આથી આ યુગની પ્રવાસકૃતિઓ મહદંશે ઉદ્દેશપ્રધાન, સુધારાલક્ષી કે પ્રચારલક્ષી બની છે. આ યુગમાં પ્રવાસલેખકોએ સુધારાના પ્રયોજન ઉપરાંત જ્ઞાન, સમજ, વ્યાપાર, પુણ્ય આદિની વૃધ્ધિ જેવા અમુક ચોકકસ નિમિત્તથી પણ પ્રવાસ કર્યા છે. નિર્મળ આનંદ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ભાગ્યે જ કોઈ પ્રવાસ થયો છે. આથી આ યુગના પ્રવાસવર્ણનમાં જ્ઞાન-બોધ-ઉપદેશ આપે તેવી વિગતલક્ષી ઉપેાગી માહિતી યા જાણકારી મુખ્યતઃ અપાય છે. પ્રવાસલેખકો વસ્તુ પ્રત્યે જ સભાન છે, તેના કલાત્મક નિરૂપણ પ્રતિ ઉદાસીન છે. પ્રવાસ દરમિયાન પોતે જોયેલી-જાણેલી સંપૂર્ણ માહિતી આપવા તરફ જ તેમનું વલણ રહ્યું છે. મોટાભાગની પ્રવાસકૃતિઓમાં, અંગત લાગણી- કલ્પનાયુક્ત સર્જકતાની અપેક્ષાએ, બિનંગત વસ્તુલક્ષી-ઉપદેશલક્ષી નિરૂપણ સવિશેષ થયું છે. સીધી સાદી શુષ્ક શૈલીમાં રજૂ થયેલાં આ વર્ણનોમાં પ્રવાસનો હૃદ્ય સાક્ષાત્કાર ક્વચિત અને અલ્પાંશે જ થાય છે. કારણ કે આ ગાળાનો કોઈ પ્રવાસલેખક, પ્રવાસવર્ણનને કેઈ નવીન આનંદપ્રદ સાહિત્યસ્વરૂપ માનીને, સભાનતાપૂર્વક તેનું ખેડાણ કરતો નથી. પ્રવાસકથા લલિત સાહિત્યની કૃતિ જેવી રસપ્રદ હોઈ શકે તેવી સમજ આ યુગના પ્રવાસલેખકોમાં પ્રગટી કે કેળવાઈ ન હતી. પ્રવાસલેખક સામે કોઈ લાક્ષણિક પ્રવાસકથાનો આદર્શ ૫ણ ન હતો. એક નવતર સાહિત્યસ્વરૂપના ઊગમકાળે, આરંભકાલીન કૃતિઓમાં, આ પ્રકારની કચાશ નજરે પડે, -એ તેમના લેખન પાછળના ઉદ્દેશ તથા યુગને જોતાં-સ્વાભાવિક છે. તેમ છતાં, જાણ્યે-અજાણ્યે પણ, આ યુગમાં પ્રવાસવર્ણન એક સાહિત્યસ્વરૂપ તરીકે દૃઢમૂલ જરૂર થયું છે. અનેક લેખકો તેમ જ અમુક વાચક વર્ગનું ધ્યાન તે પોતાના તરફ આકર્ષી શક્યું છે. પંડિતયુગમાં, સુધારાયુગની અપેક્ષાએ, પ્રવાસસાહિત્યે સવિશેષ વૈવિધ્ય અને વિકાસ સાધ્યાં છે. અગાઉ ભારતવિજેતા અંગ્રેજો પ્રત્યેના મુગ્ધ ભતિભાવથી પ્રેરાઈને, દેશીજનોમાં ઇંગ્લેન્ડના પ્રવાસ માટે આકર્ષણ વધુ હતું. હવે ઇંગ્લેન્ડ ઉપરાંત દુનિયાના અન્ય દેશો પ્રતિ પણ પ્રવાસીઓની દૃષ્ટિ ગઈ છે. વિવિધ દેશોના પ્રવાસો તેમણે નવું જોવા-જાણવાની કુતૂહલવૃત્તિથી કર્યા છે. સ્વદેશદર્શનનો મહિમા પણ વધ્યો છે. તીર્થસ્થળોની સાથોસાથ પ્રાકૃતિક સૌંદર્યધામો અને કલાધામો નિહાળવાની વૃત્તિ પ્રબળ બની છે. પરિણામે, આ યુગમાં પ્રવાસનું અને પ્રવાસવર્ણનનું ફલક વિસ્તૃત અને કંઈક વૈવિધ્યમય બન્યું છે. પંડિતયુગના પ્રવાસલેખકોએ વિશાળ દૃષ્ટિ રાખી પ્રવાસો કર્યા છે અને સાહિત્યિક સૂઝ-સમજપૂર્વક તેમનું નિરૂપણ કર્યું છે. હેતુલક્ષી-માહિતીલક્ષી પ્રવાસનિરૂપણનું સ્થાન સર્જનાત્મક અંશો ધરાવતું આનંદલક્ષી પ્રવાસ નિરૂપણ લેવા લાગ્યું છે. પ્રવાસપ્રદેશના વિગતપ્રચુર, સ્થૂળ, વર્ણનાત્મક નિરૂપણની અપેક્ષાએ તેમાં લેખકે જોયેલ-અનુભવેલ દેશો-પ્રદેશોની પ્રકૃતિ- સંસ્કૃતિનાં હૃદ્ય ચિત્રો સવિશેષ આલેખાવા માંડ્યા છે. દૃશ્ય પ્રસંગ- વાતાવરણનાં અનેક વર્ણનો આકર્ષક બન્યાં છે. પ્રવાસવર્ણનને રસળતું બનાવવા માટે હળવી રમતિયાળ વિનેાદી શૈલીનો સભાનતાપૂર્વક વિનિયોગ થવા લાગ્યો છે. માત્ર બોધ ઉપદેશ જ્ઞાન કે જાણકારી માટે જ નહિ, પણ આનંદ માટે પ્રવાસકથાનું સર્જન થવું જોઈએ, એવી દૃષ્ટિ કેટલાક પ્રવાસ લેખકોમાં જન્મી અને વિકસી છે. કલાપી, હરગોવિંદદાસ કાંટાવાળા. સૌ.નંદકુંવરબા, જહાંગીર મર્ઝબાન, હાજી સુલેમાન શાહ મહમદ વગેરે લેખકોએ પ્રવાસસાહિત્યને સમૃધ્ધ બનાવવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે. કલાપી કૃત ‘કાશ્મીરનો પ્રવાસ' પંડિતયુગની સર્વોત્તમ પ્રવાસકથા છે. ગુજરાતીના સમગ્ર પ્રવાસસાહિત્યની પણ તે એક કીર્તિદા કૃતિ છે. જહાંગીર મર્ઝબાનની પ્રવાસકથાઓ પણ નવીન દૃષ્ટિથી, હળવી શૈલીમાં, લખાયેલી સ્મરણીય કૃતિઓ છે. ચંદ્રવદન મહેતાએ ભવિષ્યમાં જે વિશિષ્ટ રીતિમાં પ્રવાસકથાઓ નિરૂપી, તેનું આદિરૂપ મર્ઝબાનની પ્રવાસકથાઓમાં દેખાય છે. પ્રવાસકથા લલિત કૃતિ જેવી રસપ્રદ બની શકે છે, તેની પ્રતીતિ કલાપી અને મર્ઝબાનની પ્રવાસકથાઓ કરાવે છે. તેમ છતાં, પંડિતયુગમાં સંખ્યાની દૃષ્ટિએ જેવાં સમૃધ્ધ પ્રવાસપુસ્તકો પ્રાપ્ત થાય છે, તેવાં સમૃદ્ધ સત્ત્વની દૃષ્ટિએ તે પ્રાપ્ત થતાં નથી. તેનાં અનેક કારણો છે. આ યુગમાં મોટાભાગના સફળ સર્જક પ્રવાસસાહિત્યથી દૂર રહ્યા છે. ઘણી ખરી પ્રવાસકૃતિઓ સામાન્ય પ્રવાસલેખકો દ્વારા જ રચાઈ છે. તેમની સામે પ્રવાસકથાની સમૃધ્ધ પરંપરાનો કોઈ વારસો કે ઉત્તમ પ્રવાસકથાનો કોઈ આદર્શ ન હતો. વિવેચક વર્ગ પણ પ્રવાસકથાના સાહિત્યસ્વરૂપ પ્રતિ લગભગ ઉદાસીન રહ્યો હતો. આથી પ્રવાસકૃતિઓની વિશેષતાઓ મર્યાદાઓનું યા સ્વરૂપગત મીમાંસાનું યથાર્થ દર્શન થઈ શક્યું નહિ. પરિણામે મોટાભાગના પ્રવાસલેખકો જરીપુરાણા માર્ગે જ ચાલતા રહ્યા. પ્રવાસ પ્રવૃત્તિ અને તદ્વિષયક સાહિત્યની રુચિ પણ હજુ પ્રાથમિક કક્ષાએ રહેલી હોવાથી, પ્રવાસકથાનું વાચન પણ મર્યાદિત બની રહ્યું. આથી આ યુગમાં પ્રવાસસાહિત્યે નોંધપાત્ર કલાત્મક વિકાસ સાધ્યો હોવા છતાં, સાહિત્યિક સર્જનાત્મકતાના અંશો ધરાવતી સ-રસ પ્રવાસકૃતિઓની અપેક્ષાએ, અગાઉના સુધારાયુગની પરંપરામાં રચાયેલી ચીલાચાલુ કૃતિઓ જ મોટી સંખ્યામાં પ્રાપ્ત થતી રહી છે. ગાંધીયુગ પ્રવાસસાહિત્યની દૃષ્ટિએ માતબર છે. ઈયત્તા, ગુણવત્તા અને વૈવિધ્યની દૃષ્ટિએ આ યુગમાં પ્રવાસસાહિત્ય ઘણું સમૃદ્ધ બન્યું છે. તેની વિષય અને શૈલી નિરૂપણની ક્ષિતિજોમાં ઘણો વિસ્તાર થયો છે. આ યુગમાં ગુજરાતીઓમાં પ્રવાસ માટે તીવ્ર રસ જાગૃત થયો છે. કોઇ પણ જાતના ઈતર પ્રયોજન સિવાય, માત્ર આનંદ પ્રાપ્ત કરવાના આશયથી, નિરુદ્દેશે ભ્રમણ કરવાની વૃત્તિ તેમનામાં પ્રબળ બની છે. સ્વાતંત્ર્ય અને સ્વદેશી આંદોલનોએ લોકોમાં દેશ માટે પ્રેમ અને ગૌરવની લાગણી પ્રગટાવી છે. દેશનાં વિવિધ સ્થળો જોવા-જાણવાની તેમનામાં આતુરતા જાગી છે; પરિણામે આ યુગમાં સ્વદેશમાં ઘણાં પ્રવાસ થયા છે તેમ જ તેમનાં વર્ણન પણ વધુ લખાયાં છે. ધાર્મિક યા વ્યાપારિક મહત્ત્વ ધરાવતાં સ્થળો કરતાં પ્રાકૃતિક, ઐતિહાસિક યા સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનાં સ્થળો પ્રતિ પ્રવાસલેખકો સવિશેષ આકર્ષાયા છે. તેમાં પણ હિમાલય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હિમાલયને તેમણે ભક્તિભાવપૂર્વક ઉપરાંત પ્રકૃતિ-સંસ્કૃતિના પ્રતીક તરીકે આરાધ્યો છે. સ્વદેશનાં અનેક અલ્પપરિચત યા અપરિચિત પણ રમણીય સ્થળોનો આ યુગના પ્રવાસલેખકોએ, દા.ત. કાકા કાલેલકર આદિએ, તેમનાં પ્રવાસવર્ણનોમાં આબેહૂબ સાક્ષાત્કાર કરાવ્યો છે. આ ગાળામાં કેટલાક પ્રવાસલેખકોએ દુનિયાભરના દેશોના પ્રવાસ ખેડ્યા છે. ખાસ કરીને રશિયા, ચીન, જાપાન, બ્રહ્મદેશ, આફ્રિકા વગેરે દેશોને જોવા-જાણવા માટેનું તેમનું કુતૂહલ વધ્યું છે. હિંદુ-પારસી-મુસ્લિમ લેખકોએ દેશ-પરદેશના પ્રવાસ ખેડ્યા છે અને તેમનાં સુરેખ વર્ણન કર્યાં છે. ગાંધીયુગના પ્રવાસસાહિત્યમાં વિષયની દૃષ્ટિએ જતાં, તેમાં ગાંભીર્ય અને ગહેરાઈ વધ્યાં છે. પ્રવાસ પ્રદેશના બાહ્ય દર્શનના સ્થૂળ માહિતીલક્ષી તેમજ વિગતપ્રચુર નિરૂપણને બદલે તેનું સાંસ્કૃતિક-સાહિત્યિક દૃષ્ટિએ ચિત્રણ થયું છે. પ્રવાસની ધરતી-પ્રકૃતિનું નિરૂપણ વધુ રસાળ અને હૃદયંગમ બન્યું છે. પ્રકૃતિનાં વિવિધ રૂપોને માણવા-પારખવાની એક આગવી સૌંદર્યદૃષ્ટિ આ યુગના પ્રવાસલેખકોમાં કેળવાઈ છે. કુદરતનાં રમ્ય અને રુદ્ર, સુંદર અને વિરૂપ, ભવ્ય અને તુચ્છ-તમામ રૂપોને તેઓ મન ભરીને માણે છે અને તેમનું મૂર્ત, સ્પર્શક્ષમ, ચિત્રાત્મક આલેખન કરે છે. પ્રકૃતિનું આવું-આટલું મનહર -મનભર નિરૂપણ ગુજરાતી પ્રવાસસાહિત્યમાં સૌ પ્રથમવાર આ યુગમાં જ જોવા મળે છે. ગુજરાતીના સમગ્ર પ્રવાસસાહિત્યમાં પણ તેનું ઉચ્ચસ્થાન છે. પ્રવાસપ્રદેશ-પ્રકૃતિની સાથે માનવીની સભ્યતા-સંસ્કૃતિનું પ્રવાસસાહિત્યમાં સુરેખ પ્રતિબિંબ પડ્યું છે. પ્રવાસ દરમિયાન લેખકના સંપર્કમાં આવેલી અનેક વ્યક્તિઓનાં તેમાં સમભાવયુક્ત જીવંત શબ્દચિત્રો આલેખાયાં છે. પ્રવાસજગતની ઉજ્જવળ આકર્ષક અને આહ્લાદક બાજુઓની સાથે તેમની કાળી ઉપેક્ષિત અને દુઃખદાયક બાજુઓ પ્રતિ પણ લેખકો સમભાવ અને સહૃદયતાપૂર્વક જુએ છે તથા તેમનું ઉષ્માયુક્ત નિરૂપણ કરે છે. પ્રવાસદર્શન-વર્ણનમાં લેખકનાં અંગત અનુભવ, ચિંતન, સંવેદન અને કલ્પનાનું રમ્ય-રુચિર સંયોજન થયું છે. પ્રવાસલેખકોની પ્રસન્નતા અને વિનોદવૃત્તિ પ્રવાસવર્ણનને રસપ્રદ અને જીવંત બનાવે છે. ગાંધીયુગમાં પ્રવાસલેખકોએ જ્ઞાન યા માહિતી આપવાની અપેક્ષાએ, સવિશેષ તો આનંદ વિતરણની શુધ્ધ કળાદૃષ્ટિથી પ્રેરાઈને પ્રવાસનું નિરૂપણ કર્યું છે. તેમાં તેમનાં વિદ્વત્તા, જ્ઞાન, ચિંતન વગેરે પ્રસંગોપાત્ત આવે છે; પરંતુ તેમનું મુખ્ય લક્ષ્ય પ્રવાસના આનંદલક્ષી સર્જનાત્મક નિરૂપણનું જ રહ્યું છે. અન્ય સાહિત્યસ્વરૂપોના સર્જનમાં કામિયાબ પુરવાર થયેલા અનેક સંવેદનશીલ સર્જકો-લેખકોએ આ યુગમાં પ્રવાસવર્ણનો લખ્યાં છે. તેમણે સરલ, મધુર, કોમળ, આલંકારિક, ચિત્રાત્મક, ઊર્મિકલ્પનારંગી શૈલીમાં કરેલું પ્રવાસનિરૂપણ પ્રવાસજગતનો હૃદ્ય સાક્ષાત્કાર કરાવી શકે છે. તેમાંથી લલિતસાહિત્યમાંથી મળે તેવો આનંદ પ્રાપ્ત થાય છે. પરિણામે ગાંધીયુગમાં પ્રવાસસાહિત્ય લલિતસાહિત્યનું લગભગ સમકક્ષ એવું ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કરે છે. કાકાસાહેબ કાલેલકર, સુંદરમ, ધૂમકેતુ, મેઘાણી, મુનશી, રતિલાલ ત્રિવેદી, રવિશંકર રાવળ વગેરે લેખકોએ પ્રવાસસવર્ણનને સાહિત્યિક ગૌરવ બક્ષ્યું છે. તેમાં પ્રવાસસાહિત્યને વૈવિધ્યયુકત અને કલાત્મક બનાવવાનો સૌથી વધુ યશ કાકાસાહેબને ફાળે જાય છે. શૈલી-નિરૂપણના અનેક નવા ઉન્મેષોનું દર્શન કરાવતી તેમની પ્રવાસકૃતિઓ ગાંધીયુગના ઉપરાંત ગુજરાતીના સમગ્ર પ્રવાસસાહિત્યમાં કળશરૂપ છે. તેમનું 'હિમાલયનો પ્રવાસ' નામનું પ્રવાસપુસ્તક ગુજરાતી પ્રવાસસાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રતિષ્ઠા પામ્યું છે. આમ, અત્યાર સુધી ઉપેક્ષિત રહેલું પ્રવાસસાહિત્ય ગાંધીયુગના પ્રવાસલેખકો દ્વારા સમૃધ્ધ અને સુપ્રતિષ્ઠિત બન્યું છે. તેનું સાહિત્યસ્વરૂપ કલાત્મક અને આકર્ષક બન્યું છે. સ્વાતંત્ર્યોત્તરકાળમાં પ્રવાસસાહિત્યની પ્રગતિ ચાલુ રહી છે. ઈયત્તા અને ગુણવત્તા બેઉ દૃષ્ટિએ તેણે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. ગાંધીયુગમાં પ્રવાસસાહિત્ય આનંદલક્ષી સર્જનાત્મક સ્વરૂપ તરીકે સુપ્રતિષ્ઠિત થયું હતું. સ્વાતંત્ર્યોત્તરકાળમાં પણ તેને અનુલક્ષી પ્રવાસલેખકોમાં આવી વૃત્તિ-પ્રવૃત્તિ ચાલુ રહી છે. પ્રવાસ અને પ્રવાસવર્ણન તરફ આકર્ષણ વધ્યું છે. અનેક પ્રવાસલેખકો દેશ-પરદેશમાં પ્રવાસ કરે છે અને તેનાં રસિક વર્ણનો લખે છે. દેશ સ્વતંત્ર થતાં, હવે તેઓ એક સ્વતંત્ર દેશના નાગરિકની ખુમારીથી, વિદેશમાં પ્રવાસ ખેડે છે. ગુલામ પ્રજાની લઘુતાગ્રંથિમાંથી તેઓ મુક્ત થયા છે. આથી પ્રવાસ દરમિયાન તેઓ સામાન્ય માનવીથી માંડી ઉચ્ચ પદ યા પદવીધારી વિભૂતિઓ સાથે સમાનસ્તરે તેમ જ ગૌરવપૂર્વક હળે-મળે છે. પ્રવાસ પ્રત્યેની તેમની દૃષ્ટિ-રૂચિ ૫ણ વધુ વિશાળ-વ્યાપક બની છે. તેઓ સૌંદર્યાનુરાગી ઉપરાંત સવિશેષ કલાભિમુખ બન્યા છે. પ્રવાસપ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય કે દર્શનીય સ્થળો તરીકે સુપ્રસિધ્ધ સ્થાનો જોવા કરતાં તેઓ ત્યાંનાં નાટ્યગૃહો, ચિત્રાલયો, નાઈટકલબો, ૫બો, ફેશનકેન્દ્રો, શૉપિંગ સેન્ટરો, દલિત-કંગાળ વિસ્તારો આદિ માનવસર્જિત વિવિધરંગી સૃષ્ટિમાં ઘૂમવાનું વધુ પસંદ કરે છે. પ્રવાસપ્રદેશના બહિરંગને બદલે તેના અંતરંગને મન-દૃષ્ટિની જાગરૂક્તાથી સ્પર્શવા-પામવા પ્રતિ તેઓ વધુ અભિમુખ રહે છે. પ્રવાસજગતના બાહ્યભપકાને ભેદી તેની ભીતરમાં દૃષ્ટિ નાંખી, ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિકટતાથી તેમ આત્મીયતાથી સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે અને પશ્ચિમના દેશો વિશેના ઘણા પ્રચલિત ભ્રામક ખ્યાલોનું નિરસન કરે છે. માનવજીવનની બહુવિધ ગતિવિધિનો તેઓ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે. પ્રવાસમાં ભેટેલી વ્યક્તિઓનાં સ્થૂળ ઔપચારિક બાહ્ય આલેખનની અપેક્ષાએ, તેમનાં સ્વભાવ, મનોવિવર્તો આચાર-વિચાર, રુચિ-અરુચિ તેમજ વાણી-વ્યવહારને તાકવા-તાગવા-નિરૂપવાનું તેમનું વલણ સવિશેષ રહે છે. પ્રવાસલેખકના આવા અભિગમનું સ્વાતંત્ર્યોત્તરકાલીન પ્રવાસસાહિત્યમાં સુપેરે પ્રતિબિંબ ઝિલાયું છે. તેમાં સ્વાતંત્ર્ય પછીની દેશની ક્રુધ્ધ-ક્ષુબ્ધ વિષમ પરિસ્થિતિના અવલોકન-અનુભવનું પણ બરાબર દર્શન થાય છે. પ્રવાસ દરમિયાન જોયેલ - સાંભળેલ -અનુભવેલ ઘટના, પરિસ્થિતિ, વ્યક્તિ, ચિંતનમનનનું તેમાં કલ્પના-લાગણીયુકત છતાં વાસ્તવિક નિરૂપણ થાય છે. આવું સાક્ષાત્કારક, જીવંત અને હૃદયંગમ નિરૂપણ વાચકને ઉત્કટ આનંદનો અનુભવ કરાવે છે. સ્વતંત્ર્યોત્તરયુગમાં અનેક સંવેદનશીલ, કલ્પનાશીલ, શૈલીસ્વામી સર્જકો પ્રવાસકથાના લેખન તરફ આકર્ષાયા છે. શૈલી – નિરૂપણના તેમના કલાત્મક અભિગમને લઈ, પ્રવાસસાહિત્ય લલિતસાહિત્ય જેવું સુંદર અને આનંદપ્રદ બન્યું છે. અગાઉ મહદંશે વર્ણનાત્મક રીતિમાં નિરૂપાતું પ્રવાસસાહિત્ય આધુનિક યુગમાં ચિત્રાત્મક અને નાટ્યાત્મક શૈલીમાં રજૂ થવા લાગ્યું છે. તેમાં જીવંત ઉષ્માભરી વાતચીતિયા શૈલીના સાહજિક પ્રયોગો થતા અનેકવાર દેખાય છે. પ્રવાસપ્રાપ્ત પ્રસંગ-પરિસ્થિતિ-વ્યક્તિને અનુષંગે તેમાં હળવી રમૂજ યા નિર્દેશ વ્યંગ-વિનોદ પણ અવારનવાર થતાં રહ્યાં છે. પ્રવાસકથાની શૈલીમાં વૈવિધ્ય, લાલિત્ય, માધુર્ય અને તાજગી અનુભવાય છે. પ્રવાસનું સુરેખ, પ્રાસાદિક, સમભાવપૂર્ણ, સાક્ષાત્કારક નિરૂપણ ભાવકને પ્રવાસનો રસિક-રોચક અનુભવ કરાવી શકે છે. ચંદ્રવદન મહેતા, રસિક ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, શિવકુમાર જોશી, આબિદ સુરતી વગેરે લેખકોએ આ યુગના પ્રવાસસાહિત્યને નવીનતા, વિવિધતા, તાજગી અને આનંદપ્રદતા બક્ષી, સમૃધ્ધ બનાવ્યું છે. કાળક્રમે સ્વાતંત્ર્યોત્તરકાળમાં આવતી પણ તત્ત્વતઃ ગાંધીયુગન સંસ્કારો ધરાવતી એકંદરે સ-રસ પ્રવાસકથાઓ આપીને સ્વામી આનંદ, નવનીત પારેખ, પીતાંબર પટેલ, નરભેરામ સદાવ્રતી, ભોગીલાલ સાંડેસરા, ઉમાશંકર જોશી વગેરે લેખકોએ પ્રવાસસાહિત્યની સમૃધ્ધિમાં નોંધપાત્ર ઉમેરો કર્યો છે. અર્વાચીન સમયમાં ઉદય પામેલા પ્રવાસસાહિત્યના નવીન સ્વરૂપનો સતત ક્રમિક વિકાસ થતો રહ્યો છે. સત્ત્વ અને વૈવિધ્યની દૃષ્ટિએ તે નિઃશંક સમૃધ્ધ બન્યું છે. તેમ છતાં, કવિતા, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ જેવાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનામાં પ્રવાસસાહિત્યનો વિકાસ ઓછો અને ધીમો રહ્યો છે. કેવળ સંખ્યાની દૃષ્ટિએ જોતાં તેને જરૂર માતબર ગણી શકાય; પરંતુ સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ સમૃધ્ધ, કલાત્મક અને ચિરંજીવ પ્રવાસકથાઓ એકંદરે ઓછી પ્રાપ્ત થાય છે. આવી વિષમ પરિસ્થિતિનાં અનેક કારણ છે :

(૧) ગુજરાતી સાહિત્યમાં પ્રવાસકથાની કોઈ સુપ્રતિષ્ઠ પરંપરા ન હતી. મધ્યકાળમાં કોઈ સ્વતંત્ર, સ્વાયત્ત, નિર્મળ પ્રવાસવૃત્તાન્ત પ્રાપ્ત થતું નથી. પ્રવાસવર્ણન યા વૃત્તાન્ત પણ એક ખેડવા જેવો સાહિત્યપ્રકાર છે, તેવી સૂઝ કે સભાનતા મધ્યકાળના કોઈ કવિ કે લેખકમાં જાગી ન હતી. અંગ્રેજી શાસન, સભ્યતા, શિક્ષણ, સાહિત્યના સંપર્કને પરિણામે અર્વાચીન યુગમાં સાહિત્યિક ગદ્ય અસ્તિત્વમાં આવ્યું, તેમ જ રેલવે, સ્ટીમર, આદિ ઝડપી અને સલામત વ્યવહારનાં સાધનો દ્વારા પ્રવાસ આસન બન્યા, તે પછી ગુજરાતીમાં પ્રવાસવૃત્તાન્ત લખાવા લાગ્યાં; પરંતુ પ્રવાસવૃત્તાન્તની પરંપરા યા કોઈ આદર્શરૂપ પ્રવાસકથાના અભાવમાં, પ્રવાસલેખકો માટે આરંભકાળમાં કલાત્મક, આનંદપ્રદ પ્રવાસવર્ણન આપવાનું મૂંઝવણભર્યું અને મુશ્કેલ બની રહ્યું.
(૨) બ્રિટીશ સત્તા અને સભ્યતાના દોરદમામથી અંજાયેલા, પાશ્ચાત્ય પ્રણાલીનું શિક્ષણ પામેલા, લેખકોએ તેમના પ્રતાપના મૂળમાં કયાં કારણો યા બળો રહેલાં છે તે જોવા-જાણવાના તેમ જ વ્યાપાર ધંધાના હેતુથી બ્રિટનની સફરો કરવા માંડી; જ્યારે ધાર્મિક વૃત્તિના લેખકોએ ભક્તિભાવથી પ્રેરાઈને અને પુણ્યલાભના પ્રયોજનથી વિવિધ યાત્રાધામોના પ્રવાસ આરંભ્યા. પરિણામે પહેલા પ્રકારના પ્રવાસલેખકો પાસેથી બોધલક્ષી માહિતીલક્ષી માર્ગદર્શિકાઓ જેવાં પ્રવાસવૃત્તાન્ત પ્રાપ્ત થયાં અને બીજા પ્રકારના યાત્રિક-લેખકો પાસેથી તીર્થધામો-મંદિરો વગેરે વિષયક, દંતકથાઓ -પુરાણકથાઓ સંમિશ્રિત, ધર્મ - દર્શનપ્રધાન યાત્રા વિવરણો મળ્યાં. આવાં પ્રવાસવર્ણનોમાં પ્રવાસપ્રદેશ વિષયક સ્થૂલ વિગતો, માહિતી, વ્યવહારુ-ઉપયોગી માર્ગદર્શનની ભરમાર રહી, પ્રવાસપ્રદેશની પ્રકૃતિ અને માનવીય સૃષ્ટિનો વ્યાપક, સાક્ષાત્કારક આનંદપ્રદ અનુભવ કરાવે તેવું નિરૂપણ અલ્પ અને પ્રસંગોપાત્ત જ મળ્યું.
(૩) મર્ઝબાન જેવા કોઈ પારસી લેખકમાં પ્રવાસ અને પ્રવાસવર્ણન આનંદપ્રાપ્તિ માટે હોય, એવી સૂઝ-સમજ અને અભિવ્યક્તિ હતી; પરંતુ તેમણે જે પ્રવાસકથા લખી તે પારસીબોલીમાં લખી; પરિણામે બિનપારસી ગુજરાતી લેખકો-વાચકોની ભારે મોટી બહુમતીમાં તેમની અનુકરણીય કૃતિની થવી જોઈતી પ્રસિધ્ધિ ન થઈ શકી.
(૪) અન્ય સાહિત્યસ્વરૂપોના સફળ સર્જકોમાંના થોડાક જ પ્રવાસકથાના સાહિત્યપ્રકાર તરફ અભિમુખ થયા. તેઓ પણ એકાદ પ્રવાસકથા આપી અટકી ગયા. સારા સર્જકો-વિદ્વાનોની બહુમતી પ્રવાસકથાથી વિમુખ રહી અને સાહિત્યિક સૂઝ-શૈલી વિનાના લેખકો દ્વારા મોટાભાગની પ્રવાસકૃતિઓ રચાઈ. આથી સંખ્યાની દૃષ્ટિએ પ્રવાસકથાઓ ઘણી મળી, પણ સત્ત્વશીલ પ્રવાસવર્ણન ઓછાં મળ્યાં.
(૫) વિવેચકોએ પ્રવાસસાહિત્યને એક સાહિત્યસ્વરૂપ લેખે મળવું જોઈતું મહત્ત્વ ન આપ્યું. તેમણે પ્રવાસસાહિત્યનું કૃતિલક્ષી વિવેચન એકંદરે ઓછું કર્યું અને તાત્ત્વિક યા સૈધ્ધાન્તિક વિવેચન કરવા તરફ દુર્લક્ષ સેવ્યું. પ્રવાસકથાની સાંગોપાંગ, સવિસ્તર, તલસ્પર્શી સ્વરૂપમીમાંસા કોઈ વિવેચકે ન કરી. પરિણામે પ્રવાસલેખકોને, સાહિત્યિક પ્રકાર તરીકે પ્રવાસકથામાં અપેક્ષિત લક્ષણો-વિશેષતાઓ અંગે આવશ્યક માર્ગદર્શન ન મળ્યું અને વાચકોની બહુમતીમાં પ્રવાસસાહિત્ય પ્રતિ પર્યાપ્ત જિજ્ઞાસા અને રસ ન પ્રગટ્યાં. સામાન્ય પ્રવાસલેખકો તેમને ઠીક લાગે તેવા ઘરેડિયા માર્ગે પ્રવાસકથાઓ લખતા રહ્યા. વાચકોની બહુમતી પ્રવાસકથાઓ પ્રતિ ઉદાસીન રહી.
(૬) વાચકોમાં વાર્તા, નવલકથા, કવિતા વગેરે કલ્પનોત્થ લલિત સાહિત્યસ્વરૂપો તરફ જેવું-જેટલું આકર્ષણ હતું તેવું-તેટલું પ્રવાસકથા જેવાં લલિતેત્તર સાહિત્યસ્વરૂપો તરફ ન હતું - નથી. પ્રવાસકથાનાં પુસ્તકોની ખપત વાર્તા, નવલકથા આદિનાં પુસ્તકોની ખપત કરતાં ઘણી ઓછી હતી. તેથી લેખકોએ પ્રવાસકથાઓ લખવા પ્રતિ ઝાઝો ઉત્સાહ ન દર્શાવ્યો અને તેમના પ્રકાશન પ્રતિ પ્રકાશકો મહદંશે ઉદાસીન હતા.
(૭) અન્ય ભાષાઓમાંથી આદર્શરૂપ અને અનુકરણીય એવી કોઈ નિતાન્ત રમણીય પ્રવાસકથાઓના સુવાચ્ય અનુવાદો ન થયા. પ્રવાસપ્રદેશની પ્રકૃતિ અને માનવીય સૃષ્ટિનો પ્રત્યક્ષવત જીવંત અને આહ્લાદક અનુભવ કરાવી શકે તેવી કોઈ પ્રવાસકથાને ગુજરાતીમાં ઉતારવામાં ન આવી. અન્ય ભાષાઓમાંથી જે થોડા અનુવાદો થયા તે પ્રધાનતઃ માહિતીલક્ષી પરંપરિત કથાઓના હતા. તેમાં પ્રવાસીઓ જ કેન્દ્રસ્થાને હતા. પ્રવાસપ્રદેશ અને તેનાં માનવીઓ પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ ગયાં હતાં. એટલે, અનુવાદો દ્વારા પણ ગુજરાતીનું પ્રવાસસાહિત્ય-વાર્તા, નવલકથા આદિ-અન્ય સાહિત્ય- સ્વરૂપો જેવું-જેટલું સમૃદ્ધ થઈ શક્યું નહિ. આવાં અનેક કારણોને લઈ ગુજરાતી પ્રવાસસાહિત્ય ઈયત્તાની તુલનાએ ગુણવત્તામાં ઊણું ઊતર્યું.

તેમ છતાં, નિરપેક્ષ દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ સમજાય છે કે ગુજરાતીનું પ્રવાસસાહિત્ય તેના ઊગમકાળથી માંડી આજસુધી સતત વિકસતું રહ્યું છે. વસ્તુ અને નિરૂપણ પરત્વે તેણે નવા નવા ઉન્મેષ દાખવ્યા છે. વિગતલક્ષી -માહિતીલક્ષી બોધક માર્ગદર્શિકાના તેના પ્રારંભિક રૂપમાંથી વિકાસ સાધી તેણે લાલિત્યમય આનંદપ્રદ કલાત્મક રૂપ સિધ્ધ કર્યું છે. દરેક યુગમાં પ્રવાસવૃત્તાન્ત સારી સંખ્યામાં લખાતાં રહ્યાં છે. તેમાં સામાન્ય કૃતિઓની સંખ્યા મોટી છે; તો થોડી છતાં કેટલીક સત્ત્વશીલ કૃતિઓ પણ મળતી રહી છે. સુધારાયુગમાં પણ છેક નિરાશ ન કરે તેવી પ્રવાસકથાઓ- દા.ત. ‘દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી' (દીનશાહ તાલેયારખાં), 'ઇંગ્લાંડમાં પ્રવાસ' (કરસનદાસ મૂળજી), 'ઈગ્લાંડની મુસાફરીનું વર્ણન' (મહીપતરામ નીલકંઠ) વગેરે-મળી છે. પંડિતયુગમાં ઘણી સામાન્ય પ્રવાસકથાઓની સાથે 'કાશ્મીરનો પ્રવાસ' (કલાપી), અને ‘મોદીખાનાથી મારસેલ્સ' તથા 'વિલાયતી વેહેજા’ (જહાંગીર મર્ઝબાન) જેવી વસ્તુ-નિરૂપણ બન્ને દૃષ્ટિએ આહ્લાદક કૃતિઓ પ્રાપ્ત થઈ છે. ગાંધીયુગ તો પ્રવાસસાહિત્યની બાબતમાં ઘણો ફળદ્રુપ પુરવાર થયો છે. સંખ્યા, સત્ત્વ, વૈવિધ્યમાં સમૃધ્ધ પ્રવાસસાહિત્ય સર્જનાર કાકા કાલેલકર આ યુગના સૌથી મોટા પ્રવાસલેખક છે. ‘હિમાલયનો પ્રવાસ' નામની તેમની પ્રવાસકથા ગુજરાતીની એક પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રતિષ્ઠા પામી છે. ભારતીય સાહિત્યની પણ તે એક કીર્તિદા કૃતિ છે. તે સિવાય, 'દક્ષિણાયન' (સુદરમ્), 'પગદંડી' (ધૂમકેતુ), 'પ્રવાસનાં સંસ્મરણો' (રતિલાલ ત્રિવેદી), 'દીઠાં મેં નવાં માનવી' (રવિશંકર રાવળ) વગેરે જેવી અનેક કલાત્મક પ્રવાસકથાઓ ગાંધીયુગમાં મળી છે. સ્વતંત્ર્યોત્તરકાળમાં પણ ઉત્તમ કોટિની કેટલીક પ્રવાસકથાઓ પ્રાપ્ત થઈ છે. ચંદ્રવદન મહેતા કૃત 'ગઠરિયાં' ગ્રંથમાળા અને રસિક ઝવેરી કૃત 'અલગારી રખડપટ્ટી' ગુજરાતીમાં જ નહિ, અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગણના કરી શકાય તેવી નિતાન્ત રમણીય પ્રવાસકથાઓ છે. તેમની સમકાલીન અન્ય કેટલીક પ્રવાસકથાઓ-દા.ત. ‘નવા ગગનની નીચે' (ગુલાબદાસ બ્રોકર), 'જોવી'તી કોતરો ને ‘જોવી'તી કંદરા’ (શિવકુમાર જોશી), 'એક ઝલક જાપાનની' (આબિદ સુરતી) તેમજ 'કૈલાસ' (સ્વામી પ્રણવતીર્થજી), ‘શ્રી કૈલાસદર્શન' (નરભેરામ સદાવ્રતી), 'બરફ રસ્તે બદરીનાથ'(સ્વામી આનંદ), 'ઇશાનભારત અને અંદામાનમાં ટહુક્યા મોર' (ઉમાશંકર જોશી) વગેરે -પણ સ-રસ લલિત કૃતિની જેમ, આંતર-બાહ્ય રૂપમાં આકર્ષક અને આનંદપ્રદ બની છે. આવી-આટલી કલાત્મક પ્રવાસ કથાઓ ધરાવતા ગુજરાતી પ્રવાસસાહિત્યને, વાર્તા નવલકથા કે કવિતા જેવાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનામાં તે ઓછું સમૃધ્ધ હોય તો પણ, અલ્પવિકસિત શી રીતે કહી શકાય? વસ્તુત: તે ઠીકઠીક સમૃધ્ધ છે. તેના ઊગમકાળથી માંડી આજ સુધી તે સતત વિકસતું રહ્યું છે, તે જોતાં સ્વભાવિક રીતે જ એવી આશા બંધાય છે કે તે ભવિષ્યમાં પણ ઇયત્તા, ગુણવત્તા અને વૈવિધ્યમાં વધુને વધુ સમૃધ્ધ થતું રહેશે.


ગુજરાતી પ્રવાસ સાહિત્ય,પૃ.૩૬૮-૩૭૯,૧૯૮૪