નારીસંપદા : ટૂંકી વાર્તા/ઉંબરો

ઉંબરો

મીનલ દવે

નીચે ઊભી છું. પાંચ જ પગથિયાં ચડવાનાં છે. પછી ઉંબરો, એ ઓળંગ્યો કે ઘરમાં. પણ પાંચ પગથિયાં પાંચ પહાડ જેવા લાગે છે. મન પાછે પગલે છેક ક્યાં જઈ ચડ્યું છે! ઉંબરા ઉપર બાએ લાકડાની પટ્ટી પટ્ટી-વાળી નાનકડી ઝાંપલી બનાવેલી. હું ચાલતાં શીખી એ પછી એ ઝાંપલી મારું આખા દિવસનું આશ્રયસ્થાન. એને પકડીને ઊભી હોઉં કે બેઠી-બેઠી બે પટ્ટી વચ્ચેની જગ્યામાંથી બહાર ડોકિયું કરું. ઓહો… હો... બહારની દુનિયા તો કેવી રૂપાળી લાગે! ટન... ટન... ટન... ઘંટનો રણકાર સંભળાય અને ઘોડાગાડી આવે, બાલવાડીમાં ભણતા ચહેરાઓ બહાર ડોકાય, કોઈ આંસુ ભરેલાં ઓગરાળાવાળા, કોઈ હસતા. કેવી મજા આવતી હશે ઘોડાગાડીમાં! ઝીણી-ઝીણી ઘંટડીઓ વાગે, પૈડાં ફરતાં જાય અને ઘંટડી વાગતી જાય, હંમ… હવે… મેઘધનુષી રંગોવાળી બાટલીઓથી શોભતી બરફગોળાની લારી દેખાશે. બરફ છિણાય અને લાડવો થાય, સળી ખોસાય, રંગ છંટાય અને ખાવાવાળાની જીભ લપલપ થાય! આ ટોપલો ઊતર્યો એ રંગબેરંગી બંગડીઓનો, અને આ ટોપલો પ્યાલાબરણીવાળીનો, આમાં વળી લીલાં-લાલ-પીળાં-ધોળાં-જાંબલી શાકભાજી કેવાં મજાનાં ગોઠવાઈ ગયાં છે! આ ખાખી રંગનું પાટલુન દેખાયું. હમણાં ટપાલ ફેંકાશે! આ ઉંબર બહારની દુનિયા સાથેની મારી પહેલી ઓળખાણે લાગેલું કે બહુ રંગીન છે દુનિયા! ઉંબરની અંદરનું મારું જગત એટલે જરા વાંકા વળી ગયેલાં દાદી, લાલ- લાલ આંખ અને ફાંકડી મૂછવાળા બાપુજી, સદા નીચું જોતી બા અને બાપુજીની લઘુ આવૃત્તિ જેવો ભાઈ. સવારે વહેલાં ઊઠીને નહાઈને બા ઉંબરો પૂજે. બે સાથિયા કરે કંકુનાં, લક્ષ્મીજીનાં પગલાં પાડે, પાંચ ચાંલ્લા કરે, ત્યારે એના કપાળનો લાલ ચાંલ્લો, પણ ઝગારા મારે. દાદીનો ગણગણાટ સંભળાય, ‘જ્યાં રોજ ઉંબરો પુજાય, દારિદ્રય ત્યાંથી આઘું જાય!’ બા વાંકી વળીને, માથું નમાવીને ઉંબરાને પગે લાગતી હોય અને બાપુજીની બૂમ સંભળાયઃ ‘ક્યાં મરી ગયાં બધાં?' બધાં એટલે આમ તો બા એકલી જ. બા દોડે, કેટલીય વાર ઉંબરાની ઠેસે પડે, પાણી ભરેલો લોટો ઢોળાઈ જાય, ને તરત જ દાદી બબડે - 'વે'તા વિનાની!" બાપુજીની ધાક ભારે. ઓસરીમાં રમતાં હોઈએ અને એમની સાઇકલની ઘંટડી સંભળાય કે બધી બહેનપણીઓ ફુર... ૨... ૨... કરતી ઊડી જાય, હું પણ દોટ મૂકું સીધી મેડી માથે. હાથમાં આવે તે ચોપડી પકડીને બેસી જઉં. એક વાર બાપુજી ઓસરી લગી આવી ગયા તો પણ ખબર ન રહી, પછી જે ભાગી હું, તે પડી સીધી ઉંબરા પર, કપડાં તો લોહીથી લથબથ. બાએ રૂ બાળીને ઘામાં ભર્યું. આજે ય વાળ અને કપાળના મૂળમાં ઉંબરા જેવો એ ઘા સચવાયેલો છે. આ પગથિયું બીજું. ખાસ યાદ. હું પાંચેક વર્ષની હોઈશ, મામાના લગ્ન લખવાના હતા, બાને પણ બોલાવેલી. સાંજે સાત વાગતાં પહેલાં ઘેર પાછા ફરવાની શરતે બાને રજા મળેલી. ઘરની બહાર નીકળતાં તો બાની શકલ જ જાણે બદલાઈ ગઈ! માસી-મામી સાથે તાળી દઈને જે હસે! માથા પરથી સાડલાનો છેડો તો ઊતરીને ક્યાંય હેઠો લબડે! એક-બીજીના કાનમાં ગુસપુસ કરે, માથે પડી-પડીને ખડખડાટ હસવાનું દરવાજા લગી પહોંચ્યું! કોઈએ બૂમ મારી, 'હસવાથી જ પેટ ભરવાના છો કે રાંધવાનાં પણ છો? સાત વાગ્યાં.’ બાનો ચહેરો ધોળોધબ ઝટ દઈને ઊભી થઈ, છેડો માથે નાખ્યો, ‘આવજો-આવજો' કરીને મને બહાર ખેંચવા માંડી. મામાએ મૂકવા આવવાનું કહ્યું. બાએ ના પાડી. 'તને ક્યાં લોહીઉકાળા કરાવવા?’ અમે ઘેર પહોંચ્યાં ત્યારે રામજી મંદિરના ટાવરમાં આઠના ટકોરા પડતા હતા. ઘરના બધાંય બારી-બારણાં સજ્જડ બંધ હતાં. બાજુવાળાં સવિતામાસી હજી તો વાસણ ઘસતાં હતાં. બાને કહે, 'એલી, તારી હવેલીના દુવાર કાં અટાણથી દેવાઈ ગ્યાં?' બા ફિક્કું હસી. એણે ધીમેથી દરવાજાની સાંકળ ખખડાવી. પણ કોઈ જવાબ નહીં. આખ રાત હું ને બા આ બીજે પગથિયે લપાઈને બેસી રહેલાં. એટલી ગરમીમાંય બા તો કંઈ ધ્રૂજે! સવારે દાદીએ બારણું ખોલ્યું. બા પગે પડી. ખોળો પાથર્યો. મરતાં લગી પિયર નહીં જવાનું પાણી મૂક્યું, ત્યારે દાદીએ બાને અંદર લીધી. બાપુજીની બૂમોથી મારાં તો કપડાં ભીનાં થઈ ગયેલાં આ બીજાં પગથિયા પર જ. નિશાળ સિવાય તો મારે પણ ઘરનો ઉંબરો ઓળંગવાનો નો'તો. વહુ-દીકરીથી ઘર બહાર પગ મુકાય જ નહીં. તો કોઈની દીકરીથી પણ આપણે ઘેર કેમ અવાય? જો ભૂલે ચૂકેય નિશાળની કોઈ બહેનપણી ઘેર આવી ચડે તો પહેલો હવાલો દાદી સંભાળે: 'એલી, કઈ નાતની છો?’ જો જવાબ સંતોષકારક હોય તો અંદર આવવા મળે, નહીં તો બહારથી જ વિદાય અપાઈ જાય. અંદર આવનારની પણ ઊલટતપાસ ચાલે, ‘નિશાળમાં વાત્યું અધૂરી રહી ગઈ'તી તે આંયા ગુડાઈ? ઘેર માયું ને રાંધવા લાગતી હો તો! નવરીયુંને કામ કરતાં ઝાટકા વાગે છે!' પેલી પછી મારા ઘરની દિશા ભૂલી જાય! બીજે દિવસે નિશાળમાં મારી મશ્કરી થાય, કોઈ દયા પણ ખાય! પછી ભુલાઈ જાય આ બધું. હું પણ બહારના જીવનને ઉંબરાની બહાર જ મૂકીને આવું. બીજે દિવસે બહાર નીકળતી વેળા એને ફરી વીણી લઈને જીવવા માંડું. ટેવ પડી ગયેલી. બે-ચાર દિવસે બાપુજીની અદાલતમાં હાજર થવું પડે. ફરિયાદી હોય દાદી કે ભાઈ. બાપુજી સીતા અને સાવિત્રીના દાખલાથી વાત શરૂ કરે, ગલીએ-ગલીએ ફરતા રાવણ અને દુઃશાસનોની લીલાઓ વર્ણવે. આંખો લાલ થતી જાય, મને ભણાવીને કેવો મોટો ઉપકાર કરી રહ્યા છે એ કહેતા મૂછના આંકડા ચડાવે, મને કૃતજ્ઞ બનવાની અને ઘરની આબરૂ સાચવવાની ચેતવણી સાથે સભા પૂરી થાય, ત્યારે મારી આંખો વરસી-વરસીને કોરી થઈ ગઈ હોય! કૉલેજના દિવસો પણ નિશાળ જેવા જ પસાર થયા. ક્યાંય એકલાં જવાની છૂટ નહીં, ભાઈ કે દાદીને સાથે લઈ જવાનાં! અનસૂયાની સગાઈ થઈ તો એણે અમને બહેનપણીઓને સિનેમા બતાવવાનું નક્કી કર્યું. જ્યોત્સના તરત જ બોલી, ‘આ શોભલી તો નહીં આવે!' છેલ્લે અનસૂયાનાં બા મારે ઘેર કહેવા આવ્યાં ત્યારે મને જવાની રજા મળી! બધાંયે સાડી પહેરવાનું નક્કી કર્યું. મારાથી તો ઘરમાં કહેવાયું જ નહીં. હા, મેં વાળ ધોયા અને ઢીલો ચોટલો વાળ્યો તો દાદીની આંખો ચાર થઈ ગઈ! પહેલી વાર એકલી ક્યાંય જઈ રહી હતી એનો હરખ તો એવો ઉછાળા મારે! પણ, ઘરમાં તો બોલાય નહીં. થિયેટર પર એ બધી સાડીવાળીની વચ્ચે હું જ એકલી સ્કર્ટ-બ્લાઉઝવાળી! પણ હું તો એટલી હસું! હંસા કહે, ‘એલી, આ શોભલી તો જાણે પોતાના ગોળધાણા ખવાયા હોય એવી હરખપદૂડી થાય છે!’ થિયેટરમાં બેઠાં, હજી તો હંસાના કાનમાં કંઈ કહેવા જઉં ત્યાં મારી નજર પાછળની લાઈનમાં ગઈ, મારો ભાઈ ત્યાં બેઠો-બેઠો અમને જોતો હતો. મારો બધોય હરખ વરાળ થઈને ઊડી ગયો! સિનેમામાં શું આવ્યું એની ય મને ખબર ન પડી! ભાઈની નજર મને પીઠમાં એવી તો વાગતી હતી! સિનેમામાંથી સીધી ઘેર આવી, ત્રીજે પગથિયે પહોંચી ને દાદીનો બબડાટ શરૂ થઈ ગયો, ‘તારી માએ જ બગાડી મેલી છે, નહીં તો છોડીની દેન છે, એમ વેખલીની ઘોડે દાંત કાઢે! તારા બાપને ભણાવવાનો બહુ ભભડિયો છે!” રાતે ભરાયેલી અદાલતમાં મને જો આ બહેનપણીઓનો સાથ ન છોડું તો ભણતાં ઉઠાડી લેવાની ધમકી મળેલી! મા સિવાયના ત્રણેયે આ ધમકી આપેલી. લગ્નની બજારમાં કૉલેજના અભ્યાસે ખાસ મદદ ન કરી, એટલે નોકરીની છૂટ મળી. સરકારી અધિકારી તરીકે ગાડી લેવા-મૂકવા આવે, પણ પગારનો વહીવટ ભાઈ અને બાપુજી કરે! પર્સ બહુ મોટું, પણ સાવ ખાલીખમ. ટી ક્લબમાં જોડાવાની પણ પરવાનગી નહીં. એમાં કનુ ક્યારે જીવનમાં પ્રવેશી ગયો, ખબર જ ન રહી. બાપુજી રજા નહીં જ આપે એ જાણવા છતાં કનુ વિશે ઘરમાં વાત કરી. ‘જો મારી ઇચ્છા વિરુદ્ધ આ ઘરની બહાર પગ મૂક્યો, તો યાદ રાખ, ક'દી આ ઘરમાં પાછા ફરવા નહીં મળે!’ બાપુજી બોલતા હતા અને બા વચ્ચેના ઓરડાનું બારણું પકડીને ભીની આંખે માથું નીચું કરીને ઊભી હતી. શેરીમાં મોટાં કૂતરાં ભસતાં હોય ત્યારે નાનાં ગલૂડિયાં પણ શૂરાતન બતાવવા આવી જાય તેમ ભાઈ પાછળથી બરાડતો હતો, ‘તારે માટે આ ઘરના દરવાજા બંધ, કદી ઉંબરો ઓળંગીને અંદર આવતી નહીં, મરી ગઈ અમારે માટે તું.' બંધ થઈ ગયેલાં બારણાં પાછળથી બાનાં ડૂસકાંનો ઝીણો અવાજ મને સંભળાતો હતો, તોય હું પગથિયાં ઊતરી ગઈ હતી. હંસાનો ફોન આવ્યો હતો. ‘શોભા, કોઈએ સમાચાર આપ્યા? તારા બાપુજી ગયા.' કનુ મને કહે – ‘મરનાર સાથે રિસામણાં નહીં રાખવાનાં, તારે જવું જોઈએ.’ ગલીમાં પ્રવેશતાં અનેક લોકોને ઊભેલા જોયા, જેમ-જેમ આગળ ચાલી, ગણગણાટ સંભળાયો, ‘છોકરી એમની...' ‘પરનાતમાં પરણી છે.' ‘નથી બોલાવતાં.’ પગથિયાં ચડી, ઓસરીમાં પગ મૂક્યો. સામે ઓરડામાં બેઠેલાઓનાં માથાં વીંધતી વીંધતી મારી નજર અંદર બાને શોધતી હતી, માથું ઢાંકીને બેઠેલી બા દેખાઈ, 'બા!’ હજી તો હું બોલું ત્યાં તો અવાજ સંભળાયો. ‘એને કહો, ઉંબરો ના ઓળંગે.’ કોણ બાપુજી બોલ્યા? તો આ કોણ... ત્યાં ફરી સંભળાયું, 'આવી છે એ જ પગલે પાછી જા, બાને સાચવવાવાળો હું બેઠો છું બાર વર્ષનો.' આ તો ભાઈના અવાજમાં બાપુજી બોલતા હતા! મેં સાથે લાવેલો હાર બાજુમાં ઊભેલાને આપ્યો, હાથ જોડી, માથું નમાવી પાછા વળી, પગથિયું ઊતરી ત્યાં મારા પગ પાસે પેલો હાર આવીને પડ્યો! મને તાક્યા કરતી બધી આંખો વચ્ચેથી ગલી પસાર કરતાં જાણે ભવ થયો! પછી આ દિશામાં વળીને જોવું ન હતું. પણ આજે આટલે વરસે પાછી આવીને ઊભી છું. બારણાંની સાંકળ ખખડાવી, થોડી વારે બારણું ખૂલ્યું. અંદરની હવડ હવા બહાર આવી. સામેની ભીંતે બાપુજીના ફોટાની બાજુમાં બાનો હાર ચડાવેલો ફોટો લટકતો હતો. દાદી અને પછી બાપુજી જે પાટ પર બેસીને માળા ફેરવતાં-ફેરવતાં ઘરને નિયંત્રિત રાખતા હતા, ત્યાં ભાઈ બેઠો હતો, માળા ફેરવતો. ભાભી બારણાની બાજુમાં નીચું માથું કરીને ઊભાં રહ્યાં. અંદરના ઓરડામાં અંધારી હવા ઘૂમરાતી હતી, મેડી પર દિવસોથી કોઈ ચડ્યું નહીં હોય એટલે એના દાદર પર બાવા જાળાં લટકતાં હતાં. ભાઈના ચહેરા પર બાપુજીની રેખાઓ જ ઊતરી આવી હોય એમ લાગ્યું. ચશ્મામાંથી તાકીને મારી સામે જોયા પછી ઘોઘરે અવાજે પૂછ્યું: 'કેમ આવી? 'ના' કહી છે ને પગથિયાં નહીં ચડવાનાં આ ઘરનાં?’ 'ભાભી, તમે તો સમજાવો મારા ભાઈને. દીકરી સાથે આમ વર્તાય?’ ‘એની વકીલાત કરવા આવી છો? જે મિનિટે મારી ઇચ્છા વિરુદ્ધ એણે પેલાને પરણવાનું નક્કી કર્યું ત્યારે જ મેં એના નામનું નાહી નાખ્યું છે...’ ‘તું તો બાપુજી જેવો ન થા. એકની એક દીકરીને આમ જાકારો દેવાય?’ ભાભીનું ડૂસકું સંભળાયું. ‘જાકારો જ દીધો છે, એ ઉપકાર ગણો. મારી જ નાખી હોત એને.’ ‘અરે, ભાઈ, જમાનો બદલાયો છે, ગમે તેવી ભૂલ કરે પણ મા-બાપનાં ઘરનાં બારણાં એને માટે ક'દી બંધ ન થવા જોઈએ.’ ‘દીકરીની ભૂલ પર લળી પડે એ બાપ બીજો. અને તું પણ સાંભળી લે, તું મારી બહેન હોય તો એને બોલાવતી નહીં.’ હવે મારું માથું ઊંચકાયું. ભાભીની નજર તો નીચે, જમીન ભણી તકાયેલી હતી, જાણે બા જ બારણું પકડીને ઊભી હતી. ‘મેં ભલે તમારા લોકોની જોહુકમી સહી લીધી, મારે માટે ભલે પિયરની દિશા દેવાઈ ગઈ, તારાં બારણાં ભલે બંધ હોય, પણ મારાં બારણાં ઉઘાડાં રહેશે. તારી દીકરી માટે પણ.' અને એના ઉઘાડા બારણાને ધક્કો મારી હું સડસડાટ પગથિયાં ઊતરી ગઈ, ઉંબરો ઓળંગ્યા વગર જ...

વાર્તા અને વાર્તાકાર :

મીનલ દવે (૧૧-૦૩-૧૯૬૦)

એક વાર્તાસંગ્રહ :

ઓથાર (2017) 13 વાર્તા

‘ઉંબરો’ વાર્તા વિશે :

સ્વતંત્રતા આંદોલન નિમિત્તે સમગ્ર દેશમાંથી સૌથી વધુ ગુજરાતી સ્ત્રીઓએ ઘરના ઉંબરા ઓળંગ્યા હતા. ગાંધીના આહ̖વાને આંતરજ્ઞાતિય, આંતરધર્મિય લગ્નોનું પ્રમાણ વધ્યું. લોકોમાં એવાં લગ્નો પરત્વેનો છોછ ઘટ્યો. પણ ગાંધી ગયા એની સાથે ગાંધીના આદર્શો પણ ગયા. ધીરે ધીરે આપણે સૌ પાછા હતા એવાને એવા કૂવાના દેડકા થતા ગયા. એ જ જ્ઞાતિ, ગોળ અને ગોત્રમાં અટવાતા ગયા. આજે દીકરી જો બીજી જ્ઞાતિ કે બીજા ધર્મમાં લગ્ન કરે છે તો ઘરના લોકો એની સાથેના તમામ સંબંધો તોડી નાખે છે, એના નામનું નાહી નાખે છે. મીનલ દવેની વાર્તા ‘ઉંબરો’ આ જ વિષયની વાત કરે છે. વાર્તા જેને કેન્દ્રમાં રાખીને કહેવાઈ છે તે શોભાએ નાનેથી જ ઘરમાં દાદી અને પિતાનું એકચક્રી સામ્રાજ્ય જોયું હતું. કાયમ ઉંબરો પૂજતી બાને એણે બાપુજીની એક રાડે દોડતી જોઈ હતી. ઘરમાં બાપુજીની ધાક ભારે. શોભા નાની હતી ત્યારે મા સાથે મામાના ઘરે ગઈ હતી. સાંજે સાત વાગે પાછા આવી જવાની શરતે રજા મળી હતી. પણ વાતોમાં મોડું થઈ ગયું. આઠ વાગે મા-દીકરી ઘરે પહોંચ્યાં ત્યારે ઘરનાં બધાં બારી-બારણાં સજ્જડ બંધ હતાં. આખી રાત મા-દીકરી બહારના પગથિયે બેઠાં રહેલાં. સખત ગરમી હોવા છતાં એની મા થરથર ધ્રૂજતી હતી. સવારે બાએ દાદી સામે ખોળો પાથર્યો અને કદી પિયર ન જવાનું પાણી મૂક્યું ત્યારે ઘરમાં પ્રવેશ મળ્યો હતો. નિશાળ સિવાય ઘરનો ઉંબરો ન ઓળંગાય, કોઈ બહેનપણી ભૂલેચૂકેય ઘરે આવે તો એને કાયમી ધોરણે ખો ભૂલાવી દેવાય આ ઘરમાં પગ મૂકવાની. ભાઈ પણ પિતાની લઘુ આવૃત્તિ જેવો જ પાક્યો. બે-ત્રણ દિવસે એકવાર એને રોકવામાં આવે, એને ભણાવીને કેટલો મોટો ઉપકાર કરી રહ્યા છે એનું ભાન કરાવવામાં આવે. ઘરની આબરૂ સાચવવાની ચેતવણી આપ્યા પછી સભા વિખેરાતી. શોભાને એક અક્ષર બોલવાની છૂટ નહોતી. કૉલેજના દિવસોમાં પણ કશે જવું હોય તો ભાઈ અથવા દાદીને સાથે લઈ જવાનો આદેશ હતો. લગ્નની બજારમાં એનું ભણતર ન ચાલ્યું એટલે એને નોકરી કરવાની છૂટ મળી. પગાર મોટો પણ પર્સ ખાલી. વહીવટ ભાઈ-બાપુ કરે. એને ટી-ક્લબમાં જોડાવાની પણ છૂટ નહીં. આવી, કઠોર જેલ જેવી જિંદગીમાં પણ કનુ પ્રવેશ્યો. ઘરમાં કોઈ નહીં માને એની ખાતરી હતી છતાં એણે ઘરમાં વાત કરી. અને તરત ધમકી – ‘જો મારી ઇચ્છા વિરુદ્ધ ઘરની બહાર મૂક્યો તો યાદ રાખ, કદી આ ઘરમાં પાછા ફરવા નહીં મળે !’ ભાઈ પણ બરાડ્યો : ‘તારા માટે આ ઘરના દરવાજા બંધ, કદી ઉંબરો ઓળંગીને અંદર આવતી નહીં. મરી ગઈ અમારા માટે તું.’ બંધ બારણાં પાછળથી રડતી બાનાં ડૂસકાંનો અવાજ સંભળાયો તોય મન મક્કમ કરીને શોભા પગથિયાં ઊતરી ગયેલી. પિતાના મૃત્યુના સમાચારે ગઈ પણ ભાઈએ આટલા બધા લોકો વચ્ચે પણ બરાડો પાડેલો : ‘એને કહો, ઉંબરો ના ઓળંગે... આવી છે એ જ પગલે પાછી જા. બાને સાચવવાવાળો હું બેઠો છું બાર વર્ષનો.’ આજે એ ઘરના પગથિયે શોભા ઘણાં વર્ષો પછી ઊભી હતી. ઉંબરો વટાવીને અંદર નો’તી ગઈ તોય ભીંત પર બાપુજી સાથે બાનો પણ હાર ચડાવેલો ફોટો લટકતો હતો. દાદી અને બાપુ જે પાટ પર બેસી ઘરને નિયંત્રિત કરતાં હતાં એ જ પાટ પર ભાઈ બેઠો હતો. શોભા એને કહે છે કે હવે જમાનો બદલાયો છે. તું તારી દીકરીને એવી સજા ન કર જે મને કરી હતી. ભાભી રડતાં હતાં પણ ભાઈ તો પોતાના નિર્ણય બાબતે મક્કમ હતો. એના માટે દીકરી મરી ગઈ હતી. ‘તું બારણાં બંધ કર પણ મારા ઘરનાં બારણાં એના માટે કાયમી ખુલ્લાં રહેશે.’ એટલું કહી શોભા ઉંબરો ઓળંગ્યા વગર જ પાછી ફરી ગઈ પોતાના ઘરે જવા માટે.

મહત્ત્વની વાર્તાઓ :

ઓથાર, ભૂંસી નાખ્યું એક નામ, દ્વિધા, ઘર?, ગમતું જીવન, કોના વાંકે?