નારીસંપદા : ટૂંકી વાર્તા/ઊભા રે’જો

ઊભા રે’જો

લતા હિરાણી

ગામમાં રહેતાં સગાંવહાલાં, આડોશી પાડોશી ભેગા થઈ ગયાં હતાં. ખોબા જેવડું ગામ એટલે ભેગાં થયેલાં લોકો કેટલાં! એમાં આ માતાની શેરી તો સાવ સાંકડી. સુરેશનું ફળિયુંય નાનું ને ઓસરી, દસ ડગલાં ચાલીએ ત્યાં પતી જાય! દાદાના રૂમમાં ચારેક જણા ને પાંચ-સાત જણા ફળિયામાં ઊભા હતા. બાપુજી પડ્યા ને જરી અણસાર આવ્યો કે સુરેશે બાના રૂમનું બારણું હળવેકથી બંધ કરવાનું કામ પહેલું કર્યું હતું. ‘કાં ભાઈ! બાયણું કેમ બંધ કરો છ?’ ‘બા, તમે રોટલો ખાઈ લીધો ને ! હવે રામજીની માળા કરતાં કરતાં સૂઈ જાવ! આ હમણાં નાનકાના ભાઈબંધ આવશે તે દેકારો કરશે ને તમારી નીંદર બગડશે એટલે.’ 'હારું ભાઈ.' કહેતાં બા પડખું ફરી ગયાં. બાથી ચવાતું નહીં એટલે દૂધમાં રોટલાનો ભૂકો કરીને સુરેશની વહુ ઉમા આપી દેતી. બા હળવે હળવે ચમચીથી ખાઈ લેતાં. એમનાથી ઝાઝું બેસાતું નહીં. ખાઈને લાંબા થઈ જતાં, સૂતાં સૂતાં જ માળા કરી લેતાં. આખો દિવસ રામનામ જપ્યાં કરતાં. નબળાઈ બહુ રહેતી અને ઊંઘ આવી જતી. કોઈ બોલાવે તો તરત જાગી જતાં અને હા-ના કે જરૂર હોય એટલા જ શબ્દોમાં જવાબ આપતાં. શરીરે ઘણાં દુઃખ હતાં પણ કોઈ એમના ખબર પૂછે તો એમનો એક અને આટલો જ જવાબ! ધીમા અવાજે જાણે ઉપરવાળા સાથે તાર જોડતાં હોય એમ પહેલાં આકાશ ભણી આંગળી ઊંચી કરતાં, પાછી જાણે શરીરને કહેતાં હોય એમ – આ તો દેહના દંડ, એ ભોગવે, એમાં આપણે શું? આપણે તો રામનું નામ લઈએ ને રાજી રહીએ. રાજી રહેવાની આ રીત એમને ફાવી ગઈ હતી. એટલે પાછી કોઈ ફરિયાદ જ નહીં ને! ઉમા આવીને ચેક કરી ગઈ, બારણું ખૂલી જાય એમ નથી ને! ધ્યાન રાખવું પડે એમ હતું. બાને ઉમાનાં આવ્યાંનો સંચાર સંભળાયો હતો પણ એમણે પડખુંય ન ફેરવ્યું – હવે ન લેવા કે દેવા ! બા-દાદાનો પાંચ દીકરા ને ચાર દીકરીઓનો બહોળો વસ્તાર. બાએ બે વરસથી ખાટલો પકડી લીધો હતો. રોજિંદી ક્રિયા માંડ માંડ કોઈના ટેકે જઈને પતાવી શકે. ક્યારેક એય ખાટલામાં થઈ જાય ત્યારે બિચારા જીવને બહુ વલોપાત થાય પણ કરે શું? બધું હાથમાં નહોતું જ. બાકી દિમાગ સાબુત! શરીરનો સાથ ઝાઝો રહ્યો નહીં એટલે ઘરસંસારની માયા સાવ છોડી દીધેલી. દાદા એના ઓરડામાં બે-ચાર વાર આંટો મારી જાય. એ વખતે શબ્દોની જરૂર નહીં. બાની સામે જોઈ લે અને પૂછાઈ જાય કે સારું છે ને? બા એની સામે નજર માંડી રહે ને જવાબ મળી જાય – બસ તમને જોઈ લીધા એટલે સારું. બાકી હવે આમાં સારું થાવા જેવું કાંઈ છે નહીં. ક્યારેક એમની આંખ બંધ જ રહે તો દાદા ઓશિકા સુધી જઈને કપાળે હાથ મૂકે, બધું બરાબર છે ને! બા ઝીણું બબડે – આ તમને મૂકીને હું ક્યાં જાવાની ? દાદાને હાશકારો થાય ને ધીમે પગલે ઓરડાની બહાર નીકળી જાય. ત્રણ દીકરા નોકરી-ધંધે શહેરમાં જઈને વસ્યા હતા. દીકરીઓ પરણીને એના ઘરે ઠરીઠામ થઈ ગઈ હતી. ઘરમાં રહ્યા, બે દીકરા સુરેશ-રમેશ અને એમનો પરિવાર. આજે જે બન્યું એ સાવ ટૂંકું હતું સવારમાં દાદા ઉઠ્યા. દાતણ કર્યું ને પાછા ડેલીની બહાર ઓટલે જઈને બેઠા. રોજ દાદા ઓટલે દાતણ કરીને, ઓસરીમાં બેસી ચા ને રોટલો શિરાવી લે. પછી ફરી ઓટલે જાય ને પડોશના દયાકાકા સાથે વાતે વળગે. એમની ને દયાકાકાની ભાઈબંધી પાક્કી. આજે વચ્ચેનું કામ બાકી હતું. સુરેશે આવીને પૂછ્યું, “કેમ બાપુજી, ઓટલે આવી ગ્યા? કાંઈ શિરામણ કરવું નથી?" દાદાએ માથું ધૂણાવ્યું. “બટકું રોટલો ખાઈ લ્યો ને, ઊનો ઊનો છે, ઠીક રે'શે.” દાદાની એ જ રીતે ફરી ના આવી. સુરેશ સમજી ગયો. પેટમાં ઠીક ન હોય ત્યારે બાપુજી કશું ખાતા નહીં. એ અંદર ગયો ને સૂચના આપી દીધી. ઉમા માથે ઓઢીને ઓટલે ચા મૂકી ગઈ. રમેશ આવીને બાજુમાં બેઠો. “બાપુજી, હારું છે ને?" દાદાએ હકારમાં માથું હલાવ્યું. રમેશ ઊઠીને અંદર ગયો. બધાંની સાથે બા અને દાદાનો વહેવાર આમ જ ચાલતો. ડોકું હલાવવાથી પતતું હોય તો એક શબ્દ ન ઉચ્ચારે. એમને કાંઈ કામ હોય તો સુરેશનો નાનકો કે રમેશની ટીકુ બહુ થઈ પડતાં. દાદા છોકરાઓની સાથે વાતે વળગતા ખરા. વેકેશન હતું એટલે રમેશની વહુ ટીકુને લઈને પિયર ગયેલી. દયાકાકા ત્યાંથી નીકળ્યા. એમણે રમેશની દાદા સાથેની વાત સાંભળી હતી. 'કેમ ભાઈ! ખાવું નથ?’ દાદાએ નકારમાં ડોકું ધૂણાવ્યું પછી રકાબીમાં રેડીને ચા પીધી. બીતા હોય એમ સબડકાનો અવાજ પણ ઓછો આવ્યો. દાદાએ છાતી પર હાથ ફેરવ્યો, જાણે ત્યાં થોડું અસુખ લાગતું હોય! ‘સુવાણ્ય છે ને ભાઈ!’ ‘અરે આપણને હું થાવાનું? આ ડોસીની ચિંતા છે. ખાટલો પકડ્યો છ ’તી?’ ‘થઈ પડશે. ભગવાન હૌનો બેઠો છે ને!’ દાદાએ વળી ડોકું હલાવ્યું. ‘લ્યો ત્યારે, આજે નૈ બેહાય. કંકુનું આણું કરવાનું છે ને ઢગલો એક કામ પડયું છે..’ કહેતા દયાકાકાએ પગ ઉપાડ્યો. ‘હા ભૈ.' દાદાએ સૂર પુરાવ્યો ને નાનકાને બૂમ મારી. એ આવ્યો એટલે એના હાથમાં કપરાકાબી પકડાવ્યાં અને અંદર આવીને બાના બાટલા પાસે ગયા. નજર નાખી. આંગળીઓ વચ્ચે માળા પકડાયેલી હતી ને એ ઊંઘી ગયાં હતાં. દાદા હળવેકથી બહાર નીકળ્યા. બાજુના ઓરડામાં ગયા અને સીધું પલંગ ઉપર પડતું મેલ્યું. ઘરમાં હરીફરીને ત્રણ ઓરડા. એક તો બા ખાતે જ થઈ ગયેલો. બીજા ઓરડામાં અંદર એક પલંગ પાથરેલો રહેતો ને કપડાંનાં બે કબાટ. ત્રીજા ઓરડામાં એક દીવાલે ઘઉંના ટીપડાં રાખેલાં. થોડો વધારાનો સામાન, બાકી સૂવા માટે નીચે પથારીઓ થતી. ઓસરીમાં એક બાજુ ડામચીયા ઉપર ગાદલાની થપ્પી પડી રહેતી. રાત પડે જેમ જરૂર હોય એમ ગાદલાં પથરાઈ જતાં. બીજી બાજુ એક ખાટલી પાથરેલી રહેતી. દાદા રાતે એ ખાટલી પર જ સૂએ. દિવસનાયે આડા પડવું હોય તો એ ખાટલી જ એમને ફાવતી. નાનકો ને ટીકુ ઓસરીમાં સૂએ. દાદા ખાટલીમાં પડયા પડયા છોકરાઓને વાર્તા કહે. ક્યારેક સુરેશ-રમેશ પણ અંદર ગરમી લાગતી હોય તો બહાર આવીને છોકરાઓ પાસે સૂઈ જાય. દુકાને જવાને હજી વાર, નાહવા-ધોવાનુંય બાકી હતું. રમેશ નહાવા જતો હતો ને સુરેશ નાનકાને કાંઈક કહેતો હતો. સુરેશને નવાઈ લાગી, બાપુજી અત્યારે અંદર ઓરડામાં ગયા! એ બપોરે જમ્યા પછી ઓસરીની ખાટલીમાં લંબાવતા, બાકી ઓરડા વહુવારુઓ માટે જ રહેતા. બાપુજી અંદર ગયા તો ખરા પણ જાણે પલંગ પર ધબાક અવાજ કેમ આવ્યો? સુરેશ-રમેશ બેય અંદર દોડ્યા. બાપુજીની આંખો બંધ હતી. "બાપુજી, કાંઈ થાય છે?” કંઈ જવાબ ન આવ્યો. સુરેશે ઝટ એમના લમણે હાથ મૂક્યો. કપાળ ગરમ નહોતું. એમને જરી હલબલાવ્યા. દાદાએ ઊંહકારોય ન કર્યો. રમેશને ફાળ પડી. નાડી જોતાં તો કોને આવડે પણ નાક પાસે હાથ ધર્યો. શ્વાસ જાણે ધીમા થઈ ગયા હતા કે શું? ખબર ન પડી. એ દોડયો બાજુમાં દયાકાકાને બોલાવવા, ‘દયાકાકા, ઝટ હાલો, બાપુજી કેમ બોલતા નથી?' દયાકાકા ઊભા પગે આવ્યા. આવતાવેંત દાદાનો હાથ પકડ્યો. જરી ઢીલું મૂક્યું ત્યાં હાથ ખાટલાની ધારે લબડી પડ્યો. એમણે નાકે આંગળી ધરીને જોયું, શ્વાસ બંધ થઈ ગયો હતો. ઘડીક એમણેય શ્વાસ સંભાળવો પડ્યો. હોઠ ભીડી એમણે ડાબે-જમણે ડોકું ધૂણાવ્યું. સુરેશ-રમેશ સમજી ગયા. દયાકાકા ધીમે સાદે બોલ્યા, 'દીકરા, દાદા ગ્યા. ખેલ ખતમ...’ એ જરા અટકીને બોલ્યા, ‘પણ બટા, હેમત રાખવાની છ. પડખેના ઓયડામાં ડોસી હૂતાં છે. એને આની જરાય સનસા નો આવવી જોવે, નકર એ ખમી નહીં હકે.’ બેય દીકરાઓ બેબાકળા થઈ ગયા. દયાકાકાએ દાદાને કપાળે હળવે હળવે હાથ ફેરવ્યો. આંખો તો એમનીય જરા ભીની થઈ પણ હળવેથી બોલ્યા, 'હાલો હવે. ભગવાનને ગયમું ઈ ખરું. તીયારી કરો.' એમની આંખ સામે હજી હમણાં જ ઓટલે બેઠેલા દાદા આંસુની સાથે તરવરી રહ્યા. આટલી વારમાં ખેલ કેમ પૂરો થયો એ એમનેય ન સમજાયું. એ બબડી રહ્યા, – જેવી મારા વા'લાની મરજી. સુરેશના ગળામાં ડૂસકું અટવાયું ને રમેશ ઢગલો થઈને બેસી ગયો. દયાકાકાએ તરત દોર સંભાળી લીધો. 'તમે બેય હેમત રાખો બટા, એ વન્યા સૂટકો નથ ને ઘરમાં કહી દ્યો કે જરાય રોકકળ નો થાવી જોઈએ. મૂંગા મૂંગા તીયારી કરે. દાદા લીલી વાડી જોઈને ગ્યા છે. હવે જે ખાટલામાં પઈડું પઈડું જીવે છે એનો વચાર કરવો પડે.’ સુરેશના ખભે હાથ મૂકીને એમણે ઊંડો શ્વાસ લીધો, ‘માડીને અણસારેય નો આવવો જોઈએ. હું આંયા બેઠો છું. તમે જાવ ને હંધાયને કે'વડાવી દ્યો ને ક્રિયાકરમ હાટુ છોટુ મા'રાજને બરકવા કો'કને મોકલો. જોજો, ઘરની માલીપા બે જણા જ આવે. બાકી બધા શેરીમાં ઊભા ર્યે.’ બેયના પગ લથડતા હતા પણ બાનો વિચાર કરીને કઠણ થવું પડે એમ જ હતું. બાને ખબર પડવા ન દેવી હોય તો દયાકાકા કહે છે એમ જ કરવું પડે. ઉમા બેબાકળી થઈ ગઈ હતી પણ સુરેશે એને સૂચના આપી દીધી. રમેશ મોટાભાઈ સાથે બહાર નીકળ્યો ને અડોશ-પડોશમાં ખબર આપી. સાવચેતી રાખવાનું, બહાર ઊભા રહેવાનું ફરી ફરીને કહ્યું ને ઘરમાં આવીને બાપુજીનો હાથ ખોળામાં લઈને બેસી ગયો. બાની હાલત બધા જાણતા હતા એટલે દયાકાકાની વાત સમજ્યા પણ ખરા. સુરેશ નાતીલામાં ખબર આપવા ને બીજી ગોઠવણ કરવા ગયો. છોટુ મા'રાજ આવી ગયા. બે-ચાર નાતીલાય મૂંગા મૂંગા અંદર આવ્યા. એ જ ઓરડામાં નીચે લીંપણ કરીને દાદાને સાથરે લીધા. ફળિયામાં ચૂપચાપ નનામી બંધાઈ ગઈ. જાણે મૂંગું નાટક ભજવાતું હોય એમ બંધ બારણે અવલમંઝિલની તૈયારી થઈ ગઈ. બધાના મનમાં અત્યારે બા રમતાં હતાં. બેય ભાઈઓની છાતીના પાટિયાં બેઠેલાં હતાં. એમની નજર એકબીજા સાથે મળતી હતી ત્યારે અબોલ સંવાદ થઈ જતો હતો. એટલું સાવ સાચું કે બાને ખબર પડે તો એનો ડગુમગુ થતો જીવ ઉકલી જ જાય, પણ... પણ ...એમ છતાંય આપણાથી આવો ગુનો કરાય? મા જેવી માથી છાના છાના આમ બાપાને કાઢી જવાય? ખુદ દયાકાકાના મોં પર જબરી મૂંઝવણ દેખાતી હતી કે 'ડોસીને ધણીનું છેલવેલ્લું મોઢુંય નૈ ભાળવાનું? આવું કરવું ન્યા' છે?’ પણ ડોસીના જીવનું પૂરું જોખમ હતું એ નક્કી. એ મનમાં બોલ્યા – ભગવાને જે મત સુઝાડી ઈ ખરી. દયાકાકાએ રમેશના બરડે હાથ ફેરવ્યો. બેસી ગયેલા ગુસપુસ જેવા સ્વરે સાવ કાન પાસે મોં લાવીને બોલ્યા, ‘આમાં લાંબો વચાર નો કરવાનો હોય, જનાર તો લીલી વાડી જોઈને ગ્યું પણ જીવતા જીવની દરકાર તો આપણે રાખવી જોયને, ઈ તમારી જનેતા છે. હાલો, હાલો..’ આવતા વિચારો પર બન્ને ભાઈઓએ બળજબરીથી એક દાટો દઈ દીધો અને માના બંધ ઓરડા ભણી માફી માગતી એક નજર ફેંકીને તરત વાળી લીધી. હા, હજુ ઈ જીવતી છે અને એને મરવા નો દેવાય. શેરીમાં નીકળ્યા પછી ઉમાએ ને બીજી સ્ત્રીઓએ ઠૂઠવો મૂક્યો. જોકે સાદ દબાયેલો હતો. બધાયને બાની ચિંતા હતી. એક પછી એક બધા જોડાયા ને 'રામ બોલો ભાઈ રામ' શરૂ થયું. શેરીની સ્ત્રીઓ નાકા સુધી વળાવવા પાછળ જોડાણી. દોણી ઉપાડી રમેશ મૂંગો મૂંગો ડેલીની બહાર નીકળ્યો ને પાછળ નનામી ઉપાડીને જેટલા ઘરમાં હતા એટલા બહાર. આ બધું થતું હતું ત્યારે રમેશ નાનકાને પાડોશમાં મૂકી આવ્યો હતો. સૌના ગયાં પછી એનાં જેવાં નાના છોકરાઓ શેરીમાં રહ્યાં હતાં. નાનકાને ભૂખ લાગી હતી એટલે એ દોડતો ડેલીમાં આવ્યો. ઘરમાં સૂમસામ જોઈને એ સીધો બાનાં ઓરડામાં ગયો. ‘બા, ભાભી ક્યાં ગઈ?’ ‘બટા, યાં રહોડામાં જ હૈશે? અતારમાં ક્યાં જાવાની?" - બા ઊંઘમાંથી જાગ્યાં. 'બા, ભૂખ લાગી છે, ભાભી બધાયની હારે ક્યાં ગઈ? નાનકો કાકા-કાકીનું સાંભળી પોતાની માને ભાભી કહેતા શીખ્યો હતો. ‘જો બટા, રહોડામાં જ હોય!' કહેતાં બાને હાંફ ચડી. ‘નથી બા, ઘરમાં કોય નથી!’ નાનકો જરા ભાર દઈને બોલ્યો. ‘હેં, હંધાય ક્યાં ગ્યા?’ એમના અવાજમાં ચિંતા ભળી. નાનકાને એકદમ ચમકારો થયો. રમેશકાકા એને પાડોશમાં મૂકવા આવ્યા ત્યારે એણે દાદાને નીચે જમીન પર સૂવાડેલા જોયા હતા અને પછી શેરીમાં નનામી જતાંય જોઈ હતી. ‘બા બધાય દાદાને લઈને ગ્યા!’ ‘દાદાને લઈને? ક્યાં?' – એમનાં અવાજમાં ફડકો ભળ્યો. 'બા, મારા પપ્પા, કાકા ને બીજાય દાદાને સુવડાવીને ઉપાડીને લઈ ગ્યા.’ આટલા શબ્દો ને ઘરનો સૂનકાર. બાને સમજાઈ ગયું કે શું બન્યું છે! એમની આંખે અંધારા આવી ગયા. ઘડીભર એમનું હૈયું થડકારો ચૂકી ગયું પણ બીજી પળે એમની હાંફ બેસી ગઈ. જાણે એમનામાં ચેતન આવી ગયું. એ સાબદાં થઈ ગયાં. 'બટા નાનકા, કેટલી વાર થઈ?’ ‘હજી તો નાકે માંડ પૂયગા હૈશે! બા, ભૂખ બૌ લાગી છ.’ ‘ઈ પછી. તું એમ કર. આ મારા ખાટલા નીચે એક પેટી પડી છ ઈ કાઢ ને!’ નાનકો રાજી થયો. – લે, આજ તો બા જોરથી બોલે છે! નાનકાએ તાકાત વાપરીને ખાટલા નીચેથી નાની પતરાની પેટી ખેંચી કાઢી. ‘હવે ઈ ખોલ બટા ને એમાં હૌથી હેઠે મારું ઘરચોળું સે. ઈ કાઢ.’ ‘ઘરચોળું એટલે? આ લાલ સાડલો છે ઈ, બા?’ ‘હા બટા ઈ જ, ઈ જ, કાઢ ને લાવ, મને દે; ને જા, ઝટ હડી કાઢીને પાણીનો ઘડો ભરી આવ. ડંકીએથી લાવજે.' નાનકાને બા બહુ વહાલાં હતાં. પોતાની મમ્મીનું ન માને પણ બા કહે એ દોડીને કરતો. આમેય ઘરમાં એ ને ટીકુડી બા-દાદાનું ધ્યાન બહુ રાખતાં. બા-દાદાનાં એ હાથવાટકાં. એને નવાઈ એ વાતની હતી કે આજે તો બા સાજા થઈ ગયાં ! એ પોતાની ભૂખ ભૂલી ગયો. દોડતો જઈ પાણિયારેથી ઘડો ઉપાડી પહોંચ્યો ડંકીએ. ફટાફટ ડંકી સીંચી એણે ઘડો બર્યો ને બૂમ મારી, ‘બા, ઘડો ભરી લીધો, હવે?’ બાએ કહ્યું, ‘અંદર લેતો આય્વ!’ નાનકો ખુશ થઈ ગયો. આલ્લે લે, આ તો બાનો અવાજ બા'ર સુધી સંભળાયો! બાકી બા બોલે તો ઓરડામાં માંડ સંભળાતું, ઓસરીમાંથી યે કાન માંડવા પડતાં. હવે બા નક્કી હરતાં-ફરતાં થઈ જાવાનાં ! એના પગમાં જોર આવી ગયું. એ ભરેલો થડો લઈને ઝટ અંદર આવ્યો. બા ત્યાં સુધીમાં ખાટલેથી ઉતરીને નીચે બેસી ગયાં હતાં અને પોતાનાં જૂનાં કપડાં ઉપર જ લાલ સાડલો શાલની જેમ ઓઢી લીધો હતો. નાનકો બાને આ રંગીન સાડલામાં જોઈને ખુશ થઈ ગયો. 'બા, બૌ મજાનાં લાગો છ!’ ‘હવે વાતું કર મા. ઈ ઘડો મારી માથે ઠાલવી દે.' નાનકાએ બાને આવા ક્યારે જોયાં હતાં, યાદ ન આવ્યું. એણે ધબાક કરતો ઘડો બાની માથે ઠાલવી દીધો. 'લે, આમ ઊભો ક્યાં? હડી કાઢીને જા, ઓલા હંધાવને કે’ કે ઊભા ર્યો, બા આવે છે.’ નાનકો રાજીના રેડ! એને મનમાં થયું – અરે વાહ, બા આટલું ચાલશે? હા, બધાય દાદાને મૂકવા ગ્યા તે બાએય જાવું જ જોઈએ ને! ઉઘાડા પગે નાનકો મુઠ્ઠી વાળીને દોડ્યો. એને પહોંચતા વાર ન લાગી. હજી બધા શેરીનાં નાકે પહોંચ્યા હતા. એણે બૂમ મારી ‘એ ઊભા ર્યો, બા આવે છે.’ બૈરાંઓમાં કોઈકે નાનકાનો સાદ સાંભળ્યો. ઉમાનુંય ધ્યાન ગયું. નાનકો હાંફતો હાંફતો - ઊભા ર્યો. બાએ કીધું, બા આવે છે. – એક જ વાતનું રટણ કર્યે જતો હતો. પહેલાં તો કોઈને સમજાયું નહીં. નાનકો ત્યાં સુધીમાં પુરુષવર્ગ સુધી પહોંચી ગયો હતો. એણે એ જ રટણ શ્વાસભેર કહી દીધું. દયાકાકાના મનમાં અજવાળું થઈ ગયું. ‘ઘડીક ખમો મારા બાપ, વિહામો લ્યો. હાલ્ય સુરા ને રમલા, આપણે ઘરે જાવું પડશે.' બેય ભાઈઓને શું થયું. પૂરું સમજાયું નહીં. બીજા બધાએ ત્યાં વિસામો લીધો ને આ ત્રણેય જણા ઉતાવળી ચાલે ઘરમાં પહોંચ્યાં. જોયું તો બા એના ઓરડામાં ભોંય પર ઢળી પડ્યાં હતાં. માથે લાલ ઘરચોળું નાખેલું ને ભોંય પર પાણી ભરેલું. આડો પડેલો ઘડો બાની માથે પાણી રેડાયાની સાખ પૂરતો હતો. કશું અછાનું નહોતું રહ્યું. દયાકાકાની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં! ‘પરભુ તારી લીલા!’ ‘માડીને એ જ સાથરા પર લઈ લ્યો બટા. ને રમલા તું ઝટ જા, હંધાયને કે' કે વિહામો જરીક લાંબી કરો. જા. હડી કાઢતો છોટુ મા'રાજને પાસો બરકતો આય્વ. બહુ આઘે નૈ ગ્યા હોય હજી!’ બેય ભાઈઓએ પિતાની અર્થીની દિશા ભણી એક નજર કરીને પાછી વાળી લીધી ને ત્યાં દોડાવી કે જ્યાં લાલ ઘરચોળામાંથી બાનો ચુડલાવાળો લંબાયેલો હાથ હતો ને ખુલ્લી હથેળી!

વાર્તા અને વાર્તાકાર :

લતા હિરાણી (૨૭-૦૨-૧૯૫૫)

એક વાર્તાસંગ્રહ :

1. કોલ્ડકોફી : 16 વાર્તા

નોંધપાત્ર વાર્તા :

જૂઈ