નારીસંપદા : ટૂંકી વાર્તા/કેડો

કેડો

ગિરા પિનાકીન ભટ્ટ

પંચાણું વર્ષના કાળુદાદાની નજર ઘરમાં ફરી રહી. ટી.વી. શો કેસ ઉપર પડી રહેતા બૉક્સ ભણી નજર નાખી જોઈ. બે-ચાર પેન એમાં હોય જ પણ છેલ્લા અઠવાડિયાથી બધી ગાયબ ! દઈ જોણ... આ છોકરાં એક હાથે ચેટલી પેનોથી લખતાં અંહ? મનમાં વિચારોનાં ગૂંચળાં વળતાં જ રહ્યાં. સામે બાંધેલા હીંચકાની સાંકળ ને વિચારોની સાંકળમાં કંઈક તાલમેલ જણાતા એ ત્યાંથી ઊઠ્યા. ખુરશી પ્લાસ્ટીકની હોવાથી થોડી ખસી ગઈ, એ ચમક્યા. છોકરાઓ તો ના જ પાડે છે કે આ ખુરશીમાં તમારે નહીં બેસવાનું. આ ટાઇલ્સના કારણે એ ખસી જાય ને તમે હેઠા પડો એના કરતાં સોફા ઉપર જ બેસવાનું રાખો. યાદ રાખજો હોં ને બાપુજી, આ સોફા સિવાય બીજે બેસવાનું નહીં. ભીંતના ટેકે ઊભા-ઊભા એ યાદોને મમળાવતા રહ્યા. મારો હાથ ઝાલીને ગોપાલે કેટલા હક્કથી મને સોફા ઉપર બેસાડ્યો હતો. મારો ગોપાલ તો જાણે સાક્ષાત્ ગોપાલ ! એનો હાથ પકડીને મેં કેવો ચૂમી લીધો હતો તે દહાડે. એ સાહીઠનો થઈ ગયો છતાંય ! એના છોકરાંને ઘેર પણ છોકરાં... આ લીલીવાડી કેવી અલબેલી ! મા ખોડિયાર...મારી આ નાવડીન ડૂબવા દેતી જ નથી ! અવ એક પછી એક બાકોરું પાડ તો કો’ક દા’ડો વળ. મારી માએ અજુ હુધી દુઃખનો દા’ડો બતાયો નથી ન અટાણે તો સુખનો સૂરજ સોળે કળાએ. છોકરાંનાં છોકરાં ન એમનાંય છોકરાં, બધાંય મારી ભાળ રાખ સ. હું લેવા ખોટું બોલું? બાપ... બાપ... ખોટું બોલું તો નરકમાં જઉં. પણ આવી લીલીવાડી મેલી ન મન મોત આલજે ભા. ઓંય દુઃખ કોઈ વાતનું નથી, વળી જાત પણ સ જંબુરિયા જેવી. નખમાંય રોગ ચ્યાં? મું નથી કંટાળ્યો પણ નવી-નવી વહુવારુઓને તો રોટલા ટીપવાના ન મારા. એ ચ્યાં ડઈ પેઠે મોટા મોટા રોટલા ટીપવાની? આ તો નોંની-નોંની રોટલીઓ કર તે ચાણ પાર આવ? ઘરમાં હરવા-ફરવા ભીંતના ટેકાની જરૂર ન્હોંતી, પણ પડી જવાય તો ઘરમાં બધાંને તકલીફ આપવી પડે. એવી ચિંતા કરતા કરતા ભીંતનો સહારો લેતા કાળુદાદા પોતાની રૂમમાં આવી ગયા. એક દસકા જૂના સોફા રૂમમાં ગોઠવેલા જે અત્યારે અશાંત જણાયા. છોકરાં ઘરમાં હોય ત્યારે સોફાની પીઠ પણ કંટાળો કરતી હોય તેવું લાગે. ‘અલ્યા સોફા ઉપર બેહો, પણ આંમ કૂદાય ના. અલ્યા જેંણકા, ઈની ઉપર ના ચડાય. તૂટી જહેં. હમજીન હેઠો ઉતર દીકરા.’ ‘મમ્મા, મમ્મા, મોટા દાદાએ આજે જૈનમનું નવું નામ પાડ્યું, જેંણકો...’ એમ હસતો-હસતો સ્વપ્નિલ દોડી ગયો. સોફાની પાછળ મૂકેલી સાયકલે પણ જાણે માથાનો છેડો દાંત વચ્ચે દબાવતાં ઝીણું હાસ્ય કર્યું. કાળુ દાદા ઊઠ્યા. બારીમાંથી દેખાતા આંબાની નજર ચૂકવીને સાયકલની સીટ ઉપર હાથ મૂક્યો. મોતિયા વિનાની આંખો થકી એ જૂની સાયકલને મન ભરીને પીધી. એના એકે’ક ઘૂંટડે અમરતના ઓડકાર વર્તાયા. ‘ડઈ, આ સુખના દા’ડા જોવા તું ન રઈ. આપણા જ ભાયગમાં વ્હેલું પંચર પડ્યું? પણ આ સાયકલમાં જોણ અદ્દલ તું અન તારો પડછાયો !’ પાછળ સ્ટેન્ડ ઉપર જ્યાં એ બેઠી હતી તે જગ્યાને પંપાળી ને ખ સહેજ ભીની થઈ ગઈ. અરે ! આટલી વયે ને તેય પાછું પચી વરહ પછી યાદ કરીને રોવાનું? કોઈ જોઈ જશે તો? મારા આવા વેવલાપણા ઉપર લોક હસવાનાં જ ને? મન વાળીને એ પાછા પલંગ પાસે આવ્યા. બબ્બે ઓશીકાંની ઓથ લઈ પલંગ ઉપર લંબાવ્યું. જીંથરકાંવાળાના જીવનમાં વળી આવા ઠાઠ? ને જુઆખોરને અડ્ડે જવાની જુઆળ આવે એમ જ હંમેશની પેઠે કાળુદાદા ભૂતકાળમાં સરતા જ રહ્યા... સરતા જ રહ્યા. ‘અલી હેંડ, તન બેહાડી ન સાયકલનો આંટો મરાવું, તું જો તો ખરી ક’ કેવો વટ પડ સ તે.’ ‘બેહો-બેહો અવ. રાતના દહ થવા આયા. ગોંમના કૂતરાં સજીવલ થયાં.’ ‘અલી સજીવલ નઈં સજીવન. તું તો જોણ સ ક... મું ચાર ચોપડી ભણેલો સું.’ ‘તેં મીં ચ્યોં ના પાડી? ભણેલા સોં તે લાભમાં જ સીયે ન. આ બધું વાંચવાનું, લખવાનું, ગણવાનું... ઈમાં મન તો ભા કોંય ગતાગમ ના પડ.’ ‘તે તાર ચ્યોં ગમ પાડવાની જરૂર સ. ઉં બેઠો સું ન બાર હાથનો. હેંડ અવ વાત મેલ પડતી ન બેહી જા સાયકલ ઉપર.’ ‘દહ થ્યા, અવ તો ગોંમ આખું ઊંઘી જ્યું.’ ‘ગોંમ હુઈ જ્યું તાણ તો કઉં સું. બાકી તું કોંય સાયકલ ઉપર બેહ ના. ન હાચું કઉં, મું બેહાડું ય નંઈ. ગોંમ ચૂંટી ખાય તન ન મન. અન પસ લાજી મરીએ એ નફામાં બાપ બાપ ! બેહી જા હટ લઈ ન. આ ખેતરના હેઢે હેઢે ચક્કર લગાવું લે હેંડ.’ ઓંમ તો તોંણ કરવાની કોઈ જરૂર જ ન ગણતી. સાયકલ લાયે તો વરહ થવા આયું. તાણથી એ ઈની ઉપર બેહવા ભારે તલપાપડ હતી, પણ મારી કનેથી ચ્યો કોઈ દહાડે કે’ણ ગયું’તું? વળી ઈનાથી કોંઈ હોંમ ચાલીન તો કે’વાય ચમનું? એટલ મનના મોરલાને મનમોજ ટહુકાઈ ડઈ સાયકલન જોઈ રઈ’તી. ઈના આવા ઓરતાન હું વાંચતો પણ મારામાંય તે ટાણે શહૂર ચ્યાં હતું? ‘બાપ રે... લાજી મરી જવાય.’ એટલું બોલતાં-બોલતાં માથે છેડો આઘો કરી એ મોહનથાળ-બુંદી જેવી મેંઠી મધ થતી સાયકલના સ્ટેંડ ઉપર ચેવી ગોઠવઈ જઈ’તી. દુનિયાભરના આનંદને વધાવતો હોઉં એમ મેં પણ સાયકલને મારી મૂકી હતી. તે રાત્રે કપાસનાં કાલાં ઊંઘમાંય ખડખડાટ હસતાં હતાં ને જાણે કહેતાં હતાં, કાળુ તારી સાયકલને પાંખો છે કે શું? સડસડાટ ચાલે છે જાણે આકાશમાં ઉડતી રકાબી ! પાછળ બેઠેલી ડઈની ડાગળી ચસકી ન જાય એ જોજે. મોં માથું નથી જણાતું પણ દાંત કાઢ સ જબ્બર હોં. પછી... ‘સાયકલ મારી સરરર જાય’ એ ગીત મું ગાવા જ્યોં પણ તીં મારું મૂઢું દાબી દીધું’તું. કોઈ હોંભરી જાય ન એ જોવા બા’ર નેંકર તો આબરુનાં કાંકરા થઈ જોય. કો’ય ભોંન પડ સ? ને ભૂતકાળની સરરર સાયકલના ટાયરમાં અચાનક પંચર ! ‘બાપા, મૂર્ધણેશ્વર મહાદેવ જઈએ છીએ, તમારે દર્શન કરવા આવવું છે?’ ગોપાલની સાથે રૂમમાં પ્રવેશતાં કનૈયાએ પૂછ્યું. ‘ના બાપા ના, અવ તો આજ મંદેર ન આજ મા’દેવ.’ કનૈયાની સાથે આજે પહેલીવાર મંદિર જવાની અનિચ્છા વ્યક્ત કરી. ‘બાપુજી, શું વિચારમાં છો? મહાદેવજી જવા તો તમે રાજી-રાજી ને આજ કેમ નારાજગી બતાવી?’ ગોપાલથી બે વર્ષ નાના કનૈયાએ પૂછ્યું. ‘કશુંય નહીં કોંના, પણ આજ સાયકલ પર બેહતો’તો વરહો પે’લોં. તાણ તો ગોંમમાં માંડ ચાર સાયકલો અતી. ન આ પાંચમી મારી એ યાદ આયું.’ ‘ઓહો... હો... હો... તો તો બાપા વટ્ટ પડ્યો હશે નૈ.’ ‘ઓવ બેટા... જબ્બર વટ્ટ તાણ તો.’ ‘એ તો મારી બાએ પગના ઝાંઝરા વેચીને રૂપિયા આપ્યા હતા ત્યારે લાવ્યા’તા, બાપુજી.’ ‘એ રૂપિયા અમને બે ભાઈઓને વેંચી આપજો’ ગોપાલે વહાલથી બાપુજીના ખભે હાથ મૂકતાં હળવી મજાક સાથે ઉઘરાણી કરી. કનૈયાએ ગોપાલના હાથમાં તાળી આપતાં કહ્યું, ‘સાયકલ પચાસની હોય તો મને પચીસ ગણીને આપી દેવાના હોં. એ હિસાબ રોકડો, એમાં બાંધછોડ નહીં ચલાવું.’ બાપુજીના રૂમમાં હસવાનો અવાજ સાંભળીને વહુઓ અને તેમની પુત્રવધુઓ પણ દોડી આવી. ત્યાં તો ‘દાદા... દાદા, હજાર રૂપિયા આપોને. હું ને લક્ષ કેરાલા સ્ટોરી જોવા જઈએ છીએ.’ પ્રપૌત્રની માંગણી સાંભળી ગોપાલદાદાએ ખીસામાંથી પાંચસો-પાંચસોની ત્રણ નોટ કાઢીને દઈ દીધી. ટીખળ કરતા ગોપાલે કહ્યું, ‘લ્યો, આ મોટા દાદાની સાયકલ ઉપર બેસીને વટ્ટભેર જાવ.’ ‘ના હોં, મું ના આલું.’ દાદાએ પોતાની હેતાળ નજર સાયકલ પર ફેરવી હક્ક જમાવતાં કહ્યું. ‘એ દાદા... આ તમારી સાયકલ ઉપર અમે બેસીએ પણ નહીં. અમારે અમારું એક્સેસ બરાબર છે. ચાલો દાદા, જય મહાદેવ.’ ને જય મહાદેવ કહીને સહુ છુટા પડ્યાં. દાદાની રૂમમાં વાતોના પડઘા શમ્યા. ચારેબાજુથી પડઘાઓ ને કોલાહલથી દાદાનો રૂમ આમ દિવસમાં બે’એક વાર ભરાઈ જતો. દાદા પણ એ વાતે રાજી-રાજી. પણ એકલા પડતાની સાથે કાળુદાદાને ડઈની ગેરહાજરી કોરી ખાતી. આખું ઘર ભર્યું ભર્યું હતું તેમ છતાં કોણ જાણે કોઈ અજબ પ્રકારનો ખાલીપો વરતાયા કરે. એ ખાલીપાના અજંપાથી જાગ્રત થયેલા સંસ્મરણો લઈ ચાલ્યા ગામના પાદરે. ગામમાં જોશી સાહેબની વહુનો મોટો સાદ તેમના કાનમાં ગૂંજી ઊઠ્યો. એ કરતાંય... ‘બેડલાં ભરું ભરુંને તોયે ઠાલી’ એવા ઠુમકા સાથે નાચતી ડઈ તો આંખોમાં તે દી’થી વસી ગઈ હતી. વળી મા-બાપને તો કેમ કરી કે’વાય કે’... પેલા વાડીવાળા કોદરકાકાની સોડી બઉ હારી સ. પણ આય... હાય... એવી વાત કરીએ તો... તો લાજી મરવા જેવું થાય. નઠારો સોરો હાવ વંઠેલો પાક્યો ન ઈમ ગોંમમાં વગોવાઈ જઈએ મારા બાપ. પણ મારા મનમાં લગીરેય મેલી મુરાદ ના. કદાચ એ પરતાપે જ કોદરકાકો મારા ઘેર હોંમ ચાલીને આયા નંઈ ઓય, ડઈનું માગું લઈ ન ! તે દા’ડ કોય ઊંઘ આવ? વાત કોને પડતાં તો કોંનમાંય જોણ કમળનાં ફૂલ ઉગ્યોં’તોં. એ વાતે મારી ખોડિયારમાના પારે ફૂલ મૂકતાં હું ગદ ગદ. અલી મારી માડી, મારા મનની મુરાદ તન હંભળાઈ જઈ? મારી માવડી, ઓંમજ હોંભળતી રે’જે. ને વરઘોડો, ફુલેકું અન ગોણોંની રમઝટ આ કોંનમાં હજુય ગૂંજ સ. વિચારમાં ને વિચારમાં એ ગાઈ ઊઠ્યા. ‘એવી એવી જુગતીમાં કાલુભૈ પૈણાવો રે.’ ને હોંમેવાળોં કોંઈ જરાય ગોંજ્યા જોય એવાં ન્હોતાં. એમની બાજુએથી તો કોંન ફાડી નાખ એવા બકોરમાં ગવાતું’તું... ડઈ મારી ગુલાબ ગોટો રે, કાળુ જોણે ડંખીલો કાંટો રે... મન ભલ કાંટો કે’ક કાંકરો, ઈમાં રસ જ ન હતો. પણ કેડ્ય લચકાવી ન ગાતી ડઈ મારો ગુલાબ ગોટો હતી એ વાતમાં મીનમેખ નઈ. પણ એ ફટાણાંનો કાંટો મારા દાદાને વાગ્યો, એય પાછો જબ્બર હોં. ‘મારો સો’રો કોંટો સ તાણ હું લેવા માગું નાખ્યું’તું?’ ને હસતા-હસતા ફટાણાનો કાંટો ખેંચી નાખી એ મોભ પેઠે મ્હાલવા લાગ્યા. ચારેકોર હરખના વરતારા હતા. ખેડૂતનું જીવન, એનું ખોળિયું, ને ખંખ સીમિત હતી પણ ખંત વધતી ચાલી. મારા દાદા પણ કે’તા’તા કે આ ડાહી ડમરી ને કામગરી ડઈના પગલે ઘરમાં દૂધ-દહીંની નદીઓ વહેતી થઈ. એક દી’ હાથમાં ડોલચું ઝાલીન મું દૂધ દેવા જતો’તો ન અંધારા ખૂણામાંથી ડઈનો હાવ ઝેંણો અવાજ આયો. ‘ઓમ ભરેલું ડોલચું લઈ ન ચેટલું હેંડવાનું? તાણ એક સાયકલ નોં લેવાય?’ ‘પણ બાપા પાહ રૂપિયા માંગવા ચમ કરીન?’ ‘આટલું બધું વજન લઈન તમે હેંડો એ મન નથી જોવાતું. લ્યો આ તોડિયો, ન લઈ આવો સાયકલ.’ બાપાની મરજી ન્હોતી. ‘બૈરાની જણસ બજારમાં વેચી ન આપણી આબરૂ આભલ ચડાવવી સ તાર?’ ઈમ બોલતાં તો બોલી જ્યા’તા પણ પસ મન પાહે બોલાઈ કયું’તું ય ખરું ક... ‘તમારાં બે વચ્ચેની વાત સ, એ ચોંય જાય ના એ જોજો. આ તો તું ઠેઠ વૉણિયાવાડ, હુતારોની ફળી ન દરબાર ગઢ હુધી હેંડી-હેંડીન જોય એ તો મનય કઠ સ.’ ‘પણ સાયકલ લાવવાના રૂપિયા લાવવા ચ્યોંથી?’ તે દા’ડ બાપાન પગે લાગી તોડીઓ વેચી સાયકલ લઈ આયો’તો. ‘ડઈ, તારો ઓશિંગણ સુ. તારો પાડ ઈમ કોંય ભૂલાય?’ કહેતા એ ઊઠ્યા. સાયકલ ઉપર હેતથી હાથ ફેરવી લીધો. અરે ! કટાઈ ગયેલી ચેઈન, પેન્ડલ અને ખખડી ગયેલાં પૈડાંના સળિયાની ઉપર પણ કેટકેટલું હેત વરસાવી રહ્યા. વળી પાછા પૂંઠ ફેરવી પોતાના દાદાએ વાવેલા આંબાને દેખાય નહીં એ રીતે મલાજો જાળવી પાછલી સીટ ઉપર હાથ ફેરવીને બેઠા. ઘરમાં ચહલ-પહલ ચાલુ જ હતી. કંઈક શોધતો-શોધતો સંજય દાદાના રૂમમાં આવ્યો. પાંત્રીસ-ચાલીસની વયના પૌત્રએ પૂછ્યું, ‘દાદા, કારની ચાવી અહીં રહી ગઈ છે? તમે ક્યાંય જોઈ?’ કહેતાં એ સોફાની આસ-પાસ જોવા લાગ્યો. સોફાની પાછળ ડોકિયું કર્યું ત્યાં સાયકલની નીચે એક ચાવી પડી હતી. ભારે સોફા ખસેડતા એ બોલ્યો, ‘દાદા, આ સાયકલ હવે સાવ ભંગાર થઈ ગઈ છે. એનું લોખંડ પણ બહુ કટાઈ ગયું છે. એને તમે ફેરવવાના નથી કે નથી અમારા કોઈના કામની, આ નાનાં છોકરાઓના હાથે વાગી જાય ને ધનુરનું ઇંજેક્શન લેવું પડે એના કરતાં કાઢી જ નાખવી સારી.’ કહેતાં સાયકલને એ બહાર ઢસડવા ગયો. ત્યાં તો કાળુદાદા વિનંતીસભર બોલ્યા, ‘ભઈ, તારી દાદીનું એ એક માત્ર હંભારણું...’ ને એ ગળગળા થઈ ગયા. સાયકલ ઝાલી એ નન્નો ભણતા જ રહ્યા. ભૂતકાળમાં ઘણી વખત કાઢી નાખવા માટે ના પાડેલી સાયકલ આજે તો જતી જ રહેશે એવા ભયમાં એ સરી પડ્યા. સંજય તો પોતાની ગાડીની ચાવી લઈને ચાલતો થયો પણ પેન શોધતા કાળુદાદાના હાથમાં એક પેન્સિલ આવી ગઈ. ‘ભઈ, મારો જીવ જેટલો તારી બામાં હતો એટલો જ આ સાયકલમાં. તારી બાના પગની તોડિયો વેચીન લાયો’તો. એ પસ તો પંદર-વીસ તોડિયો મીં લઈ આલી’તી. પણ ધણીનું હખ તે ઈન મન આભલું ભરેલું હખ. બસ, પસ આ સાયકલ પર મારું હેત વરહ ઈમાં મારો કોંય વોંક? અન એ કરતાંય વધાર તો ખેતરના શેઢે-શેઢે બેહાડી ન ફેરવી’તી તારી બાન આ જ સાયકલ ઉપર. ચેનમાં ફસઈ ગયેલા હાલ્લાના કારણે તો એ પારેવડું ચેટલું ગભરઈ જ્યું’તું. ફફડતું ફફડતું રોઈ પડ્યું’તું બચારું. અરરર... મારો હાલ્લો ફાટી જ્યો. માડી લડહેં... હું કયે?’ તે ટાણે જાહેરમાં ઈના બૈડે હાથ ફેરવતાં મીં ધરપત આલી’તી. અલ્યા, ઈમ બૈરાન અડાય? રાતના દહ વાગ્યા તો હું થ્યું? પણ ઈમ બૈરાના બૈડે જાહેરમાં હાથ ફેરવાયજ ચમનો? તે દા’ડે આખી રાત કપાસનાં કાલાં દાંત કાઢતાં’તાં. એ ચમ અહતાં હતાં, દાઝમાં ક હેતમાં? એ હમજણ ચ્યોં? એ હમજણ લેવા આંબા ન પૂસું પણ... આ ઉંમરે કોંય પૂસાય? ન આ ઓંબો તે તો જોણ મારા દાદા.’ પેન્સિલ અને કાગળને બાજુએ મૂકીને એ બેઠા થયા. ઓઢવાની ચાદર બારીના સળિયે લટકાવી. આંબો હવે દેખાતો બંધ થયો ને કાળુદાદા હળવેથી ખસેડેલા સોફાની પાછળ પેઠા, સાયકલની સીટ અને પાછળના સ્ટેન્ડને બથ ભરતાં એ બોલ્યા, ‘મારી ડઈ, તારી યાદન ઉં બજારમાં વેચું તો આ ધોળામાં ધૂળ પડ. મન જીવત જીવ કીડા પડ. અલી ! ચ્યમ કરીન કઉં સોરાં ન ક... તારી બા મારો કેડો મેલતી નથી ઈમ નંઈ, મુંજ ઈનો કેડો મેલતો નથી !’

વાર્તા અને વાર્તાકાર :

ગિરા પિનાકિન ભટ્ટ

એક વાર્તાસંગ્રહ :

1. એક ખાનગી વાત (2023) 15 વાર્તા