નારીસંપદા : ટૂંકી વાર્તા/ખિસ્સાગમન

ખિસ્સાગમન

રાજુલ ભાનુશાલી

નીલેશે બેગ ખભે ભરાવી અને દરવાજો બંધ કર્યો. નૉબ ફેરવીને ફરી એકવાર લૉક ચેક કરી લીધું. છ મહિના પહેલાં ઑફિસમાં ચોરી થઈ હતી ત્યારે બૉસનો ઠપકો સાંભળવો પડ્યો હતો. ત્યાર બાદ એ વધુ ચોક્સાઈ રાખતો થઈ ગયો હતો. એણે ઘડિયાળમાં જોયું. ઓહ, દસ વાગવા આવ્યા હતા. આ માર્ચ એન્ડિગ ક્યાંક જીવ ન લઈ લે ! ઉકળાટ થોડોક ઓછો થયો હતો. એક ઊંડો શ્વાસ લીધો અને એ નીચે આવ્યો. એનું સ્કૂટર ગેટની બહાર ઊભું રહેતું. ગ્રાઉન્ડફ્લોર પર આવેલી દુકાનોમાંથી એક માત્ર મેડિકલ સ્ટોરને બાદ કરતાં બધી જ દુકાનો બંધ થઈ ગયેલી. દસ વાગે પણ રોડ પર ખાસ્સી ભીડ હતી. ઘરે પહોંચવાની લ્હાયમાં એકબીજા સાથે અથડાઈને પસાર થઈ જતા રાહદારીઓને નીલેશ જોઈ રહ્યો. આ એક એવું શહેર છે જેને કદીય હાંફ ચડતી નથી ! રસ્તા પર ચાલતા રાહદારીઓમાંથી ક્યારેક જો કોઈ હાંફી જાય તો એ હાંફ સીધી મુંબઈનાં હ્રદયમાં ઉતરી જાય છે અને થોડીક ક્ષણો માટે એ ખરી પડે છે. પણ ફરી પળ બે પળમાં જ એ માણસમય બનીને દોડતું થઈ જાય છે. નીલેશે આ શહેરની તાસીર પૂરેપૂરી આત્મસાત્ કરી લીધી હતી. એણે થોડીવાર ઊભા રહીને રસ્તા પર નિરાંતે પડી રહેલાં અંધારાંનો સ્વાદ માણ્યા કર્યો. થોડેક દૂર સિગારેટ ફૂંકતા ઊભેલા ચાર-પાંચ યુવાનો ગૉસિપમાં મસ્ત હતા. સામે વડાપાઉંની લારી ઉપર પોતાની ભૂખને વડાપાઉંના ડૂચા સાથે ગળા નીચે ઉતારી રહેલા મુંબઈગરાઓને એ કાયમ કુતૂહલથી જોઈ રહેતો. કવિતા જ્યારે પિયર ગઈ હોય ત્યારે એ પણ આ જ લારી પર ક્યારેક વડાપાઉં ખાઈ લેતો. તળાઈ રહેલાં ગરમાગરમ વડાંથી એની ભૂખ ઊઘડી ગઈ. ‘કવિતાએ આજે શું બનાવ્યું હશે?’ એને વિચાર આવી ગયો. ‘લગભગ તો કઢી-ખીચડી જ હશે.’ એ પણ શું કરે? આવા મોંઘા શહેરમાં પોતાના ટૂંકા પગારમાં વસવું એમ કંઈ સહેલું ઓછું હતું? મહિનાને અંતે તો ખાસ્સી તાણ પડી જતી. પણ કવિતા જે રીતે નભાવી લેતી, એનું નીલેશને ઘણીવાર આશ્ચર્ય થતું. અંધારિયા ખૂણામાં તપ કરતા યોગીની જેમ એક પગ પર ઊભા રહીને પોતાની રાહ જોઈ રહેલા સ્કૂટરને એણે સ્ટેન્ડ પરથી ઉતાર્યું. આખો દિવસ રસ્તા પર ઊભેલું સ્કૂટર રાત થતાં સુધીમાં તો જાણે આખો રસ્તો માથે ઓઢી લેતું ! સીટ પર જામેલી ધૂળ ખંખેરવા એણે હાથ ફેરવ્યો ને કશીક ખરબચડી વસ્તુનો સ્પર્શ થયો. નમીને જોયું, વૉલેટ હતું. ‘આ વળી શું?’ એનો હાથ તરત પેન્ટના પાછલા ખિસ્સા પર ગયો. પોતાનું વૉલેટ ખિસ્સામાં જ હતું. હાશ થઈ. સીટ પર પડેલું વૉલેટ એણે હાથમાં લીધું અને ઊંધુંચત્તું ફેરવીને જોયું. આજુબાજુ નજર ફેરવી. ‘કોનું હશે?’ પેલા સિગારેટ ફૂંકતા છોકરાઓ હજી પોતાની મસ્તીમાં ગુલ હતા. લારી પર એ જ રીતે વડાપાઉં ખવાઈ રહ્યાં હતાં. મોટી લોખંડની કડાઈમાં ઉકળી રહેલાં તેલમાં લારીવાળો બેય હાથે એક પછી એક વડાં નાખી રહ્યો હતો અને હવે પછી આવનારી ભૂખ માટે સજ્જ થઈ રહ્યો હતો. નીલેશે પેલા છોકરાઓ તરફ જોઈને બૂમ પાડી, ‘અરે સુનો !’ બે-ત્રણ ડોક આ તરફ ફરી. ‘જી અંકલ !’ એક જણે પૂછ્યું. ‘અંકલ !’ નીલેશનો ચહેરો કરડાઈ ગયો. એણે કાન પાસે ધીમે ધીમે પ્રસરી રહેલી સફેદી પર હાથ ફેરવી લીધો. શ્વાસ ખેંચીને પેટ અંદર લઈ લીધું. ‘યે આપકા હૈ?’ એણે વૉલેટવાળો હાથ ઊંચો કરીને પૂછ્યું. બધા હાથ પોતપોતાનાં ખિસ્સાં ફંફોસવા લાગ્યા અને લગભગ એક સાથે અવાજ આવ્યો, 'નહિ અંકલ.' નીલેશ કરિયાણાની દુકાનના શટરની આગળ સુતેલા માણસ પાસે પહોંચ્યો પણ પેલો કદાચ પોટલી પીને ઘોરી ગયો હતો. એણે આસપાસ જોયું. ‘કોનું હશે? હોઈ શકે?’ એ મેડિકલ સ્ટોરમાં ગયો. એક જ બિલ્ડીંગમાં કામ કરતા હોવાથી મેડીકલ સ્ટોરવાળા કૈલાસ સાથે ઠીકઠાક ઓળખાણ હતી. એણે પોતાને મળેલા વૉલેટની વાત કરી. કોઈ શોધતું આવે તો પોતાનો નંબર આપી દેવાની સૂચના આપીને સ્કૂટર ઘર તરફ મારી મૂક્યું. જમી-કરીને એ પલંગમાં બેઠો. કવિતા ઢાંકોઢુબો કરી રહી હતી. એ વૉલેટને જોઈ રહ્યો. ઑફિસમાં એની સાથે કામ કરતો પરાગ કહેતો : 'સ્ત્રી પોતાનું આખું વ્યક્તિત્વ પર્સમાં સાથે લઈને ફરતી હોય છે ! ટૂંકમાં કોઈ સ્ત્રીને જાણવી હોય તો એની પર્સ ફંફોસવી.’ પોતે પરાગના આ વિચિત્ર વિધાન પર હસતો. કોઈ પુરુષના વૉલેટને ફંફોસવાથી શું એના વિશે કંઈ જાણી શકાય? એણે અંદરથી એક પછી એક બધી વસ્તુઓ બહાર કાઢવા માંડી. શિવ-પાર્વતી અને બાળ ગણેશનો નાનકડો ફોટો, એક નાનકડું ચાંદીનું ત્રિશૂળ, ત્રણ હજાર બસ્સો ને બાવીસ રૂપિયા રોકડા, બે આઈડિયાનાં સીમ કાર્ડ, એક માસ્ટર કાર્ડ, પાંચેક વિઝિટીંગ કાર્ડ, એક સાવ જીર્ણ થઈ ગયેલી ટેલિફોન નંબરની ડાયરી, આઇકાર્ડ, સાત રૂપિયા પંચ્યાસી પૈસાની બસ ટિકિટ, એક ઘાટકોપર ટુ ડોંબીવલી અને બીજી થાણે ટુ ઘાટકોપરની ટ્રેનની સીંગલ ટિકિટ. નીલેશે માસ્ટર કાર્ડ જોયું. કંપનીનું નામ હતું જ નહીં ! માત્ર બાર તારીખે ઉપાડેલા પંદરસો અને પંદર તારીખે ઉપાડેલા આઠ હજાર રૂપિયાની એન્ટ્રી થયેલી હતી. કોઈક એના જેવા જ બે છેડા માંડ પૂરા કરતા માણસનું એ વૉલેટ લાગી રહ્યું હતું. ઘાટકોપર ટુ ડોંબીવલી અને થાણે ટુ ઘાટકોપર. ‘ઘાટકોપર સાથે કોઈક કનેક્શન હોવું જોઇએ.’ એણે ટિકિટ્સ જોતાં વિચાર્યું. ‘કદાચ આ વૉલેટ જેનું છે એ માણસ અહીં રહેતો હોય!’ આઈકાર્ડ જોયું. સુનીલ પટેલ, સુલતાન નગર, મ્હાત્રે ચૉલ, દિવા, મુંબઈ. ફ્રોમ-ગોપાલગંજ, બિહાર. ઓહ ! એટલે કે એ પણ મુંબઈનો નથી.’ નીલેશને આ સુનીલ પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી. ‘એ પણ બે પાંદડે થવા આ શહેરમાં આવ્યો લાગે છે.’ એણે આઈકાર્ડમાં ચોંટાડેલા ફોટોને જોયો. ચહેરા પરથી સીધોસાદો ને ભલો લાગતો હતો. ત્રીસીમાં હશે. નીલેશે બધો જ સામાન ફરી પાછો વૉલેટમાં નાખી દીધો. કવિતા રસોડું પતાવીને એની બાજુમાં આવીને બેસી ગઈ હતી એ તરફ એનું ધ્યાન હવે ગયું. એણે કવિતાની સામે જોયું અને વૉલેટ લંબાવ્યું. આવ્યો હતો ત્યારથી નીલેશ ઉચાટમાં હતો. સરખું જમ્યોય નહોતો. કવિતાને નીલેશનો આ અતિસંવેદનશીલ સ્વભાવ ક્યારેક ખૂંચતો. એણે ડ્રોઅર ખોલીને વૉલેટ અંદર સરકાવી દીધું. બે દિવસ પસાર થઈ ગયા. નીલેશ રોજ કૈલાસને પૂછતો. હજુ સુધી કોઈ એ વૉલેટને શોધતું આવ્યું નહોતું. સુનીલ પટેલે પૂરી રીતે નીલેશના મગજનો કબ્જો થઈ લીધેલો. મહિનાના છેલ્લા દિવસો હતા. ‘કદાચ એ વ્યક્તિના ઘરમાં છેલ્લા અઠવાડિયાનું રાશન નહિ આવ્યું હોય !’ નીલેશ સતત આવા વિચાર કર્યા કરતો. એણે ડ્રોઅર ખોલીને વૉલેટ બહાર કાઢ્યું અને એની અંદરની ચીજો ફરી ફંફોસવા લાગ્યો. રખેને કોઈક કડી મળી જાય અને જેનું હોય એની સાથે સંપર્ક કરી શકાય. એણે ફોન નંબર વગેરે શોધવાનો પ્રયત્ન કર્યો. આઈકાર્ડ કે માસ્ટર કાર્ડ પર કોઈ ફોન નંબર નોંધાયેલો નહોતો. જીર્ણ થઈ ગયેલી ડાયરીમાં અગડમબગડમ અક્ષરે લખાયેલા નંબર ઉકેલવાની કોશિશ કરી. મહામુસીબતે હિન્દી લિપિમાં લખાયેલાં અમુક નામ ઉકેલી શકાયાં. બિજય, દિલીપ યાદવ, છોટુ, અરજન બમ્બઇ. એણે અરજન બમ્બઇ નામની સામે લખાયેલો નંબર ડાયલ કર્યો. ત્રીજી જ રિંગે ફોન રીસીવ થયો. ‘હેલ્લો...’ નીલેશ બોલ્યો. 'કૌન હૈ બે?’ સામેથી અત્યંત તોછડી ભાષામાં રીપ્લાય મળ્યો. નીલેશ થોથવાઈ ગયો. ‘સુનીલ હૈ?’ ‘કૌન સુનીલ?' ‘સુનીલ પટેલ, જે દિવા રહે છે.’ 'હમ કૌનો સુનીલ પટેલ કો નંઈ જાનત...’ અને ફોન મુકાઈ ગયો. નીલેશને થોડીક નવાઈ લાગી. જો એ માણસ સુનીલ પટેલને નથી ઓળખતો તો પછી સુનીલે એનો નંબર ડાયરીમાં કેમ નોંધ્યો હશે? એણે બીજા નંબરો ડાયલ કર્યા. બીજી જગ્યાએથી નકાર સાંભળવા મળ્યા. જે ચાર-પાંચ વિઝિટીંગ કાર્ડ હતાં એમાં છપાયેલા નંબરો પર પણ પ્રયત્ન કરી જોયો. 'કોણ સુનીલ પટેલ?’ નીલેશની પૃચ્છાના પ્રતિભાવમાં દરેક વખતે એને આ સવાલ સામો મળ્યો. 'કાલે વાત.' એમ વિચારીને એણે બધો જ સામાન પાછો મૂકી દીધો. આ બધા નંબર જે વ્યક્તિની ડાયરીમાંથી મળ્યા છે એ વ્યક્તિને જ એ નંબરો ન ઓળખે – આ વાત અત્યંત વિચિત્ર હતી. એણે બીજે દિવસે ઑફિસમાં પરાગ સાથે વાત કરવાનું નક્કી કર્યું અને પલંગ પર પડતું મૂક્યું. કલાક-દોઢ કલાક પડખાં બદલ્યાં પછી પણ નીલેશને ઊંઘ ન આવી. એણે બાજુમાં સુતેલી કવિતા તરફ જોયું. જો એ જાગતી હોત તો એની સાથે અત્યારે વાત થઈ શકત. પણ આખા દિવસની થાકેલી કવિતા ઘસઘસાટ ઊંઘી રહી હતી. એને લાઈટથી કોઈ પ્રોબ્લમ નહોતો. નીલેશ ઘણી વખત મોડે સુધી ઑફિસનું કામ કરતો અને એ વહેલી ઊંઘી જતી. આ ભાડાના એક રૂમ રસોડાના ઘરમાં લાઈટમાં ઊંઘ ન આવવા જેવી સાહ્યબી પોસાય એમ પણ નહોતી ! બાળકો સવારે વહેલાં શાળાએ જતાં એટલે એને વહેલું ઊઠવું પડતું. નીલેશ લાઈટ બંધ કરે એટલે એ સળવળતી અને એના પડખામાં લપાઈ જતી. આજે પણ એમ જ થયું. નીલેશ સૂતો એટલે કવિતા એના પડખામાં લપાઈ. એના કપાળ પર હળવું ચુંબન કરીને નીલેશે આંખો મીંચી. બંધ આંખોમાં એને મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરતો સુનીલ પટેલ દેખાયો. એની આંખોમાં વિચિત્ર ઉદાસી હતી. મુંબઈ શહેરની ધૂળે એના વાળને રુક્ષ કરી દીધા હતા. ચહેરા પર પણ એ જ ધૂળની પરત બની ગઈ હતી. માંડ મોડી રાત્રે એને ઊંઘ આવી. સવારે ઑફિસ માટે નીકળતી વખતે એણે ડ્રોઅરમાંથી વૉલેટ કાઢીને ખિસ્સામાં સરકાવ્યું. ઘરેથી નીકળતાં થોડુંક મોડું થયું હતું અને ઉપરથી ટ્રાફિક પણ નડ્યો. નીલેશ ઑફિસમાં પંદરેક મિનિટ મોડો પહોંચ્યો. બૉસની વીંધી નાખતી નજરોનો આજે ફરી સામનો કરવો પડશે એ ભય સાથે ઉતાવળે અંદર પ્રવેશ્યો. ‘સાવકાશ... સાહેબ અઝુન આલે નાહિત.' પટાવાળાએ સ્મિત આપીને મમરો મૂક્યો. નીલેશે રાહતનો શ્વાસ લીધો. લંચ સુધી ઑફિસનું કામકાજ રાબેતા મુજબ ચાલ્યું. બ્રેકમાં ટિફિન ખાતી વખતે એણે વૉલેટ કાઢીને ટેબલ પર મુક્યું અને પરાગને આખી કથા કહી. પરાગ પોતાના આ મિત્ર સામે જોઈ રહ્યો. નીલેશના વ્યક્તિત્વમાં એવું કશુંક હતું જે પોતાને એની સાથે મજબૂતીથી બાંધી રાખતું હતું. એ તત્ત્વ કદાચ આ જ હતું. એનું સાચાપણું, જે નીલેશની આંખોમાંથી ડોકાતું. મુંબઈનો રંગ હજુ એના પર ચઢ્યો નહોતો. ‘તેં ડાયરીમાંના બધા જ નંબર પર ફોન કરી જોયો?’ ‘હા.’ ‘વિઝિટીંગ કાર્ડ પરના પણ?’ 'હા, ભાઈ...’ ‘હમ્મમ...’ ‘સ્ટ્રેન્જ...’ બંનેએ જમવાનું પૂરું કરીને ટિફિન બંધ કર્યાં. ‘તો પછી હવે?’ પરાગે પ્રશ્ન કર્યો. ‘હું વિચારું છું કે પોલીસ સ્ટેશનમાં જઈને આ વૉલેટ જમા કરાવી આવું.’ પરાગ મિત્રના આ ભોળપણ પર હસી પડ્યો. 'દોસ્ત, અહીં તું જમા કરાવીને બહાર નીકળીશ અને બીજી જ સેકન્ડે પૈસા જશે ખિસ્સામાં અને વૉલેટ કચરાના ડબ્બામાં...’ 'તો હવે?’ પરાગ વિચારમાં પડી ગયો. નીલેશે વૉલેટમાંથી સીમકાર્ડ કાઢ્યાં. 'આને મોબાઇલમાં નાખી જોઈએ? કોઈક કડી મળે કદાચ’ અને પરાગે ઝપટ મારીને એના હાથમાંથી બંને સીમકાર્ડ છીનવી લીધા. ‘ગાંડો થયો છે? ક્યાંક કોઈ અસામાજિક તત્ત્વવાળું કંઈ લફડું-બફડું હશે તો જીવન નર્ક થઈ જશે..!’ બોલતાં એણે એ બંને સીમકાર્ડ તોડી નાખ્યાં. ‘અરે... અરે...' નીલેશ પરાગને જોઈ રહ્યો. વાત સાચી હતી. એણે આ વિશે તો વિચાર્યું જ નહોતું. ‘જો ભાઈ, તારે પૈસા રાખવા હોય તો રાખી લે ને ન રાખવા હોય તો કોઈ સારા કામમાં વાપરી નાખજે... પણ હવે આ લપ મૂક. નક્કામો ક્યાંક ઊંધો ભેરવાઈ જઈશ.’ નીલેશે હકારમાં ડોકી ધુણાવી.

***

મહિનો થવા આવ્યો. નીલેશને હજુ આશા હતી કે વૉલેટ જેનું છે એ વ્યક્તિ વહેલી મોડી મળી જશે. ‘આ સુનીલ પટેલ ક્યાં ગાયબ થઈ ગયો? જાણે કે હવામાં ઓગળી ગયો !’ આખેઆખો માણસ જેવો માણસ આમ લાપતા થઈ જાય એ કંઈ જેવી-તેવી ઘટના ન હતી. એ નવરો પડતો કે મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલું થઈ જતું. કવિતા એનો ચહેરો વાંચતી અને બને એટલું સમજાવવાનો પ્રયત્ન કરતી. ‘ખિસ્સામાંથી પડી ગયું હશે. પાકીટ ખોઈ નાખવું કંઈ મોટી વાત નથી ! બે મહિના પહેલાં કરસનફુઆનું પણ ખોવાઈ ગયેલું, એમ ફોઈ કે'તાં’તાં.' ‘પણ ખોવાયું હોય તો નીચે રસ્તા પર પડે. આ તો સ્કૂટરની સીટ પર પડેલું. જાણે કોઈક જાણી જોઈને મૂકીને ચાલ્યું ગયું હોય.' કવિતા એને જોઈ રહેતી. રાતના અંધારામાં ક્યારેક નીલેશને પેલા ફોટામાંની ઉદાસ આંખો દેખાયા કરતી. ‘સંજોગોની એવી કેવી કારમી થપાટો વાગી હશે કે કોઈ વ્યક્તિએ આમ પોતાની ઓળખ વસ્ત્રની જેમ ઉતારીને ફેંકી દીધી અને જાતથી સાવ અલિપ્ત થઈ ગઈ ! એ ક્યાંક પોતાની જવાબદારીઓથી ભાગી છૂટવાનો પ્રયાસ તો નહોતો ! કે પછી બની શકે કે ખુદને પામવા, કે પરમની શોધમાં એણે આ પગલું ભર્યું હોય !’ એકાદવાર એને એ વિચાર પણ આવી ગયો કે એ સુનીલ પટેલે ક્યાંક કોઈક એક નબળી પળમાં હારીને પોતાના જીવનનો અંત તો નહિ આણી દીધો હોયને? એ રાતે નીલેશને ચિત્રવિચિત્ર સપનાં આવ્યાં. એને સુનીલ પટેલ નરિમાનની પાળી પરથી કૂદવાની તૈયારી કરતો દેખાયો. તો થોડીવાર પછી ઘાટકોપર સ્ટેશને પ્લેટફોર્મમાં દાખલ થતી ટ્રેનની આગળ ભૂસ્કો મારતો દેખાયો. નીલેશ ઊંઘમાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયો. સવારના ઊઠીને એણે સૌ પ્રથમ કામ છેલ્લા મહિનાના બધાં જ છાપાં ફેંદવાનું કર્યું. સ્ટેશને જઈને છેલ્લા મહિના દરમિયાન થયેલા અકસ્માતની પૂછપરછ પણ કરી આવ્યો. પરંતુ આવું કશું થયું હોય એવું જાણમાં આવ્યું નહિ. દરરોજ ઑફિસથી પાછા ફરતી વખતે એ જ્યારે સ્કૂટર પાસે આવતો ત્યારે થોડીક મિનિટો ત્યાં ઊભો રહેતો. રસ્તા પર પસાર થતી દરેક વ્યક્તિમાં એ સુનીલ પટેલને શોધવાનો પ્રયત્ન કરતો અને છેવટે થાકી હારીને ઘરની દિશા પકડતો.

***

ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું. વૉલેટવાળી વાતને લગભગ બે'ક મહિના થઈ ગયા હતા. સવારના ઑફિસ માટે નીકળતી વખતે કવિતાએ યાદ અપાવ્યું કે કાલે શાળાની ફી ભરવાનો છેલ્લો દિવસ છે. ‘કરું છું કશુંક...' બોલીને એ ઑફિસ જવા નીકળ્યો. પગાર થવાને હજુ અઠવાડિયાની વાર હતી અને પરાગ પાસેથી આ પહેલાં જે પૈસા ઉધાર લીધા હતા એ પણ હજુ પાછા વાળી શકાયા નહોતા. પણ ફી... બે હજાર રૂપિયા ! અચાનક એને પેલું વૉલેટ યાદ આવ્યું.

***

જીવન થોડુંક સરળ બન્યું હતું. નીલેશને એક ફર્નિચરની દુકાનનું અકાઉન્ટ લખવાનું કામ મળી ગયું હતું. પૈસા પણ સારા મળી રહ્યા હતા. કવિતાને પણ બે ટ્યુશન મળી ગયાં હતાં. સ્કૂટરની સીટ પરથી મળેલા વૉલેટને નીલેશ શુકનિયાળ માનવા લાગ્યો હતો. એણે પોતાનું વૉલેટ ખાલી કરીને બધો સામાન સુનીલ પટેલની વૉલેટમાં નાખ્યો અને એને પોતાના ખિસ્સામાં સરકાવી દીધું. દિકરીને મોતીચૂરના લાડુ ખૂબ ભાવતા. આજે ઘરે પાછા ફરતી વખતે લઈ જવાનું નક્કી કર્યું. ઘણા દિવસ પછી એના ચહેરા પર હાશ વર્તાતી હતી. મિત્રને ખુશ જોઈને પરાગ પણ રાજી થયો. સાડાપાંચે બંને સાથે નીકળ્યા. નીલેશે સ્કૂટર મીઠાઈની દુકાને લઈ લીધું. અડધો કિલો લાડુ આપવાનું કહીને એણે ખિસ્સામાં હાથ નાખ્યો અને ચોંકી ગયો. વૉલેટ નહોતું ! હાંફળાફાંફળા થઈ એણે બધાં જ ખિસ્સાં તપાસ્યાં. આખી બેગ ઉથલાવી નાખી પણ વૉલેટ નહોતું. પોતે ક્યાંક ભૂલી તો નથી આવ્યોને? એણે યાદ કરવા માંડ્યું. લંચ ટાઈમમાં તો એણે ઘરેથી લાવેલું ટિફિન ખાધું હતું, કશું જ ખરીદ્યું નહોતું. જમીને પાનના ગલ્લે એક સિગારેટ ખરીદેલી અને પછી સ્ટેશન સામે આવેલી ટપરી પર ચા પીધી. એણે સ્કૂટર પાનના ગલ્લાની દિશામાં મારી મૂક્યું. ‘નહિ સા’બ, યહાં કોઈ પરસબરસ નહિ મીલે રહા ! હમ સારા દિન યહીં તો બૈઠે રહે...' પાનવાળો ભૈયો બોલ્યો. નીલેશે એના ચહેરાના હાવભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો. એ કશુંક જૂદું જ ઇંગિત કરી રહ્યા છે એવું એને લાગ્યું. એ સાચું બોલી રહ્યો છે કે નહીં જાણવાનો કોઈ રસ્તો એની પાસે નહોતો. એણે સ્કૂટર ચાની ટપરી તરફ વાળ્યું. નીલેશનું હૃદય બમણા વેગથી ધબકી રહ્યું હતું, એને લાગી રહ્યું હતું કે પળેપળ સુનીલ પટેલ એનાથી દૂર જઈ રહ્યો છે. છેલ્લા થોડાક મહિનાથી એની અંદર પોતીકી બનીને જીવી રહેલી એક વ્યક્તિ એકઝાટકે એને તરછોડીને જતી રહી છે. સામેથી આવતી મારુતિએ જોરદાર બ્રેક મારી. નીલેશ એની સાથે અથડાઈ જતાં માંડમાંડ બચ્યો. પેલા મારુતિવાળાને એણે સૉરી કહ્યું. પેલાના હોઠ તિરસ્કારમાં ફફડ્યા, કદાચ એણે ગાળ આપી અને મારુતિ મારી મૂકી. નીલેશ ચાની ટપરી પર પહોંચ્યો. એને લાગ્યું કે પોતાને આવતો જોઈ ટપરીએ કામ કરતો ટેણિયો ઊંધું ઘાલીને કપ-રકાબી ધોવા લાગ્યો છે. નીલેશે એના ચહેરા પરના હાવભાવ ઉકેલવાની કોશિશ કરી. 'છો...ટુ.. સાહેબ સાઠી પેશિયલ કટીંગ...' શેઠે બૂમ પાડી. નીલેશે વૉલેટ વિશે પૃચ્છા કરી. ‘નાઇ સાહેબ... અહીં નથી રહી ગયું. એવું હોત તો મારું ધ્યાન જાત જ.’ એ જો સાચું બોલી રહ્યો છે તો એ એની આંખોમાં કેમ દેખાતું નથી? નીલેશેને લાગ્યું કે બધાએ મિલિ-ભગત કરીને એની જણસ આંચકી લીધી છે. પેલો પાનવાળો, આ ટેણિયો, ટપરીનો શેઠ, આ ચા પીતાં લોકો.. બધાના ચહેરા પર કશાક વિચિત્ર ભાવ હતા. પણ એ કેવી રીતે શક્ય છે? વૉલેટ મળ્યું પણ હોય તો કોઈ એક ને જ મળ્યું હોય ને? અને અત્યારે જે ચા પી રહ્યા છે એમાંથી ઘણાખરા તો પોતે આવ્યો ત્યારે અહીં હતા જ નહિ. એને પોતાના કોઈ સ્વજનને ખોઈ દીધા જેવી લાગણી થઈ. માથું પકડીને એ બાંકડા પર બેસી પડ્યો. 'સાહેબ, ઓ સાહેબ' પેલો ટેણિયો કશુંક કહી રહ્યો હતો. એણે ઉપર જોયું. 'ફોન વાઝતોય સાહેબ.’ એ બોલ્યો. મોબાઇલ વાગી રહ્યો હતો. નંબર અનનોન હતો. એણે મોબાઇલ કાને ધર્યો. ‘હેલો... કોણ?’ ‘હું... હું... સુ...નીલ... સુનીલ પટેલ... મારું વૉલેટ...’