નારીસંપદા : ટૂંકી વાર્તા/તમને શું ખબર પડે

તમને શું ખબર પડે?

માયા દેસાઈ

“શાલુ, તું મને... મ...ને ક્યાં વચ્ચે ખેંચે છે તમારાં ઝઘડામાં? મેં શું કર્યું !” રાહુલ ચિડાઈને બોલ્યો. શાલિની તરત એની તરફ ફરી અને દૃઢ અવાજે બોલી, “ધીમે બોલ, વચ્ચે એટલે શું ! તું તો હંમેશા વચ્ચે છે અને રહેશે જ. આ ઘરમાં ગૃહપ્રવેશ કર્યો ને, કળશને ઠેસ મારી, ત્યારથી તું વચ્ચે છે. ઉંબર પાર કરી આ ઘરમાં આવી તારા બધાં સગાંને પોતાનાં માન્યાં. મારાં સગાં, સ્નેહીઓને, અરે, મારાં માતાપિતાને સુદ્ધાં પ્રાથમિકતા નથી આપી. એ જ અપેક્ષા સાથે કે તને મારી કદર થશે, મારો પક્ષ લઈશ. બા-બાપુજીની સતત અવહેલના, વાંક શોધવાની વૃત્તિ સામે મને સાંત્વન આપીશ, પણ નહીં ! રાહુલ તો શ્રવણ છેને ! એ કંઈ એવું કરી શકે? ખરું ને!” રવિવાર હોવાથી બીજી વારની ચ્હા અને નાસ્તાની રાહ જોતાં રાહુલ, માતાપિતા સાથે બેઠો હતો. શાલિનીને રોજ કરતાં ઓછી ગડબડ હતી, એ નાસ્તો બનાવી રહી હતી. આગલા રૂમમાં માતાએ ઉંમરના લીધે દેશી ટોયલેટની જગ્યાએ ઈંગ્લિશ રીતનું કમોડ બેસાડવાની માંગ મૂકી. તેણે રાહુલને કહ્યું, “દિવસે દિવસે મારી અને તારા બાપુજીની ઉંમર વધતી જાય છે. ભવિષ્યમાં ઘૂંટણની તકલીફ ન થાય એ માટે કમોડ બેસાડી દઈએ. રવજી કોન્ટ્રાક્ટરને બતાવી દે. બાપુજીએ પણ સંમતિ દર્શાવી.” એવામાં નાસ્તો, ચ્હા લઈને આવતી શાલિની ટહુકી, “રાહુલ, મને પણ કિચન એલ આકારમાં કરાવી, નવી સિંક નખાવવી છે. નાનકડા પ્લેટફોર્મ પર બહુ જમા થઈ જાય છે બધું. મિક્ષર, ઓવન ત્યાં જતાં રહે તો મને જગ્યાની છૂટ મળે, ખાસ તો સવારે, ઉતાવળ હો ત્યારે, આપણું ડાઇનિંગ ટેબલ પણ બદલી કરી ફોલ્ડિંગ લાવીએ તો આપણાં મૌલિક માટે ઘરમાં થોડી રમવાની જગ્યા રહેશે. એના તોફાન વધવા લાગ્યા છે તો વધતી ઊંચાઈ સાથે ટેબલનો ખૂણો વાગી ન જાય અને જગ્યાની છૂટ રહે.” એના ચહેરા પર નૂતનીકરણની વાતને લઈને મલકાટ હતો. એ આતુર હતી પ્રતિભાવ સાંભળવા. સૌનાં હાથમાં ચ્હા આપી જ રહી હતી એટલામાં સાસુજીનો વાક̖પ્રહાર શરૂ થયો : “તને શું ખબર પડે એમાં? ટપકી પડવાનું બસ... મોંઘવારી કેટલી છે ખબર છે કાંઈ ! પૈસા ઝાડ પર નથી ઊગતા, મારો દીકરો એકલો કેમનો પહોંચી વળે ! ખર્ચા વધારવાની જ વાત બસ !” આ નન્નાથી આમેય શાલિની ત્રસ્ત હતી, એની ધીરજના બંધ છૂટી ગયા... “બા, તમારી આમન્યા રાખી આજ સુધી સામે બોલી નથી, પણ આજે બધાં જ હાજર છે તો બોલીશ. મને કેમ ન સમજાય ! મને ખબર ન પડે, કેમ? આજથી વર્ષેક પહેલાં રાહુલના ખભે ખભા મિલાવીને નોકરી કરી, ઘરમાં બધા પૈસા આપ્યા તો સારું લાગ્યું, નહીં ! ત્યારે પણ જીવને તાળવે રાખી દોડી દોડીને કામ કરવાનો પગાર મળતો હતો મને, સમજ્યાં ! તમારી જેમ દીકરી અને બહેન કે ભાણેજ સાથે કલાકો સુધી ફોન પર વાત કરવાનો નહીં. તમારાં ઓટલામંડળમાં તો ત્યારે સૌને બડાશ મારતાં કે મારી વહુનો તો મોટોમસ પગાર છે, એને તો મોટી પોસ્ટ છે એટલે બહુ કામ રહે... તો એ જ વહુએ ઘરમાં કોઈ અભિપ્રાય નહીં આપવાનો? તે દિવસે મારી નારાજી છતાં આપ મૌલિક સાથે સાવ નિરર્થક ટીવી સિરિયલ જોઈ રહ્યાં હતાં પણ મેં તમને કશું જ ન કહેતાં મૌલિકને ધમકાવી નાખ્યો હતો. મને ખૂબ દુઃખ થયું કારણ કે, એના બાલમાનસને તો હું જ ખલનાયિકા લાગી હોઈશ. ત્યારે પણ એને કશું કહેવાને બદલે તમે એને નજીક લઈ ચોકલેટ આપી. એનો અર્થ કે હું જ ખરાબ છું, મારું બોલવું ધ્યાન પર ન લેવું ! આ જ સંસ્કાર એના પર પડે તો એને પણ મા વિશે માન ન રહે કે ના પત્નીનાં સ્વમાનની ફિકર. નોકરી કરતી વખતે પણ ઘરની સંપૂર્ણ જવાબદારી તો સંભાળી જ હતી, બા. જ્યારે મૌલિકને સંભાળતા તમને તકલીફ થવા લાગી ત્યારે મેં કોઈ દલીલ ન કરતાં ઝટથી નોકરી છોડી દીધી હતી, તમારી ઉંમર અને તબિયતનો વિચાર કરીને. હવે પછી નોકરી મળશે કે નહીં એની ચિંતા કર્યા વિના. મોંઘવારી વિશે તમે મને ભાન કરાવો છો તો આપને યાદ કરાવું કે ગયા શિયાળામાં, મન્નામાસીને ત્યાં લગ્નમાં મસમોટી ગિફ્ટ, સરખો ચાંદલો, નવાં વરઘોડિયાને બહાર જમવા... બધું જ કર્યું ને. અરે, હમણાં જ અધિક મહિનાનું દાન કરીને રાશિબહેન અને અંકુશકુમારને કેટકેટલું આપ્યું ! હું કશું બોલી ત્યારે? તો હું ઘર માટે કંઈ બોલું તો કેમ તમને પસંદ નથી? ત્યારે મને ખબર ન પડે !” “હું આ ઘરનું બધું જ કામ વિના પગારે નોકરાણીની જેમ કરું છું કારણ કે, મારું ઘર છે, ખરું ને ! તો પછી મારા ઘરમાં મારો મત કેમ ન આપી શકું? મારી સગવડ માટે કિચનમાં થોડો ફેરફાર કરવા કીધો એમાં આભ નથી તૂટી પડ્યું. તમારાં બંનેનું સ્વાસ્થ્ય હજી તો સારું છે ત્યાં અગમચેતી તરીકે કમોડ નખાવવું છે તો મેં શું ખોટું કીધું કે મને સમજ ન પડે કહી ઉતારી પાડી ! રાહુલની પત્ની તરીકે મેં કશું અમારાં પુત્ર માટે વિચાર્યું તો તમારું સાસુ તરીકે સિંહાસન ડોલતું લાગ્યું, નહીં ! છે મારા સવાલોના ઉત્તર તમારી પાસે? નહીં ને !” “બા, મારી તકરાર તમારી કે બાપુજી સામે છે જ નહીં. આજે બાર વર્ષ થવા આવ્યાં, કદી મેં આપ બંને સામે હરફ ઉચ્ચાર્યો નથી, તમારું માન જાળવ્યું જ છે. મારે તો રાહુલને જ પૂછવું છે, ‘ક્યાં છે સપ્તપદીનાં વચનો? શું એ લગ્નમંડપમાં જ બોલવા માટે હતાં?’ જીવનસાથીની પસંદ, નાપસંદ તો બહુ દૂરની વાત છે રાહુલ માટે, પણ એક ઇચ્છા તો રાખી શકું ને કે મારું સ્વમાન ન ઘવાય એ માટે એ સજાગ રહે! વાતે વાતે મારી કોઈ પણ પ્રકારની માગણી કે પ્રસ્તાવને અવગણવાનો તો આપે નિયમ બનાવ્યો છે જાણે ! મારે તમારી સાથે એ વિશે કોઈ સાચી ખોટી નથી કરવી. વાત તો છે રાહુલના દૃષ્ટિકોણની. એને એમ ક્યારે સમજાશે કે ઘોડે ચઢીને જેને ઘરમાં લાવ્યો છે એ એક જીવંત વ્યક્તિ છે. એનો પણ આ ઘરમાં કોઈ હક્ક છે. એના અભિપ્રાયની પણ ગણના થાય છે ! માતા તરીકે આપનો પુત્ર પર અધિકાર હોય જ પણ પરણાવ્યા પછી એનું સ્વરૂપ બદલાય એ સ્વીકારવું રહ્યું. આપના મત કે સૂચનને આજે પણ બાપુજી વધાવે તો કેટલું સારું લાગે છે? તેથી મને ખબર ન પડે વાક્યને ફરી તોલી જોજો ત્યારે સમજાશે કે મને શું ડંખે છે...” શાલિની આજે પૂરેપૂરી કુંડળી માંડીને બેઠી હતી. અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલા બાપુજી અને રાહુલ તરફ ફરીને એણે કહ્યું, “રાહુલ, તું વચ્ચે નથી એનો જ આ રંજ છે. એક દિવસ તું મારી કિંમત સમજીશ એવી અભિલાષા હતી. આજે પણ તું કહી શક્યો હોત કે, શાલિની, આપણે જરૂર વિચાર કરીશું તારી વાત પર... પણ તેં આજ સુધી કદી મારી બાજુ લીધી જ નથી. તેથી મારી આશા હવે મરી પરવારી છે અને સહનશક્તિ સીમા વટાવી ગઈ છે. તેથી મિસ્ટર રાહુલ, તમે જ્યારે મારી સાથે ટેકો આપવા સમર્થ થાઓ ત્યારે મને અને મૌલિકને તેડવા આવજો. હું હવે આ રીતે નહીં જીવી શકું. હું જાઉં છું. મારી કોઈ અંગત માંગણી કરી નહોતી મેં આજે, ઘરમાં સગવડ કરી આપવા એક સૂચન મૂક્યું ત્યાં મારી અક્કલ એરણે ચઢી ગઈ ! આનાથી વધુ માનહાનિ કેટલી અને શા માટે સહન કરું હું?” “અરે, આટલી અમસ્તી વાતમાં તું ઘર છોડીને આવી ગઈ ! આ કંઈ કારણ થયું? આ છોકરાનો તો વિચાર કરવો જોઈએ તારે.”, શાલિનીના મોટા ભાઈએ કહ્યું. સંતપ્ત હોવા છતાં શાલુ શાંત રહી. ભાભીએ આણેલ પાણીના ગ્લાસને ન્યાય આપતાં એણે કહ્યું, “હા, હું ઘર છોડીને એના માટે જ આવી છું. મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એ માટે બા કરતાં પણ રાહુલ જવાબદાર છે. એનું જોઈને મૌલિક મોટો થતાં એ પણ મારી ભાવિ પુત્રવધુને ન્યાય આપવા એની સાથે ઊભો નહીં જ રહે. મારી સાસુ જેવું વર્તન હું નહીં કરવા માટે સજાગ રહીશ પણ મૌલિક એની પત્નીના સ્વાભિમાનને સંભાળવા દુનિયા સામે લડી લે એવી સમજ એના મનમાં વાવવી જરૂરી છે, જેથી પુખ્ત ઉંમરે એ વટવૃક્ષ બની પત્નીને હંમેશા ટેકો આપી શકે. મારા સ્વાભિમાનને રક્ષવા અને મારા મૌલિકને સ્ત્રી સન્માનનો પાઠ શીખવવા ઘર છોડવું આવશ્યક હતું, મોટાભાઈ ! ત્યાં જ રહી હોત તો મૌલિક એના પિતાની પાટીએ જ ઘૂંટતો થઈ જાત. મારાં અને મૌલિકનાં અસ્તિત્વ વિશે રાહુલને ભાન ન થાય ત્યાં સુધી, એ લેવા આવે તો પણ મારા સ્વાભિમાનને અને દીકરાને ઉછેરવા સંસ્કારી વાતાવરણ પૂરું પાડવાની હામી ન ભરે ત્યાં સુધી હું નહીં જાઉં. આપને જો એ ‘આટલી અમસ્તી’ વાત લાગતી હોય તો અહીં પણ નહીં જ રહું. હું મારો અને મૌલિકનો નિભાવ કરવા કોઈ રસ્તો શોધી લઈશ. મૌલિ...ક, ચલ બેટા.” આમ કહી એણે સાથે આણેલી બેગ ઊંચકી. “ઊભા રહો શાલુબહેન, તમે ક્યાંય નહીં જાઓ. આજે મને શાલુબહેનનાં કથનમાં આપણી જાનકીનાં ભવિષ્યના પડઘા પડે છે. અત્યારે હું એક ભાભી નહીં પણ મા તરીકે એની સાથે છું. મારી ફોઈએ જ્યારે મારી માને હેરાન કરવામાં કોઈ કસર નહોતી છોડી ત્યારે માનાં આંસુ પાલવમાં અને ભૂખ ચૂલામાં જ શોષાઈ જતાં. એનું વીલુ મોં જોઈ સમજાઈ જતું કે આજે તણખા ઝર્યા છે. ત્યારે પીડિત સ્ત્રીને ‘એ તો બધે આવું જ હોય, બૈરાંની જાતને આવું સહન કરવું પડે...’ કહી એ જ ભઠ્ઠીમાં શેકાવા મોકલી દેવાતી, પતિના ટેકાની વાત જ ન ઊઠતી. શાલુ હોશિયાર છે પણ સમજુ છે. તેની માંગ કંઈ ચાંદ તારાની નથી કે નથી માતા પિતાથી જુદાં થવાની. આજે એક સ્વાભિમાની સ્ત્રી આટલું માંગવાની લાયકાત ધરાવે જ છે, મારો શાલુબહેનને પૂરો ટેકો છે. રાહુલ કુમાર એને ટેકો આપી માનભેર લઈ જશે તો જ એ જશે.” એટલામાં શાલિનીનાં મમ્મી વ્હીલ ચેર પર આવ્યાં અને બોલ્યાં, “જ્યાં મારી દીકરીની વાતને કોઈ વજન ન હોય ત્યાં ન રહી શકે. આટલાં વર્ષ એણે ‘પોતાનું’ માની જે યોગદાન આપ્યું એની ગણતરી જ ન કરવી હોય તો એ ઘરમાં એ હૂંફ કેવી રીતે અનુભવે ! મારી વહુ પ્રત્યે મારું માન આજે અનેકગણું વધી ગયું, જ્યારે એણે પોતાની દીકરીની મનઃસ્થિતિનો વિચાર કરી શાલુને ખમતીધર ખભો ધર્યો. મૌલિકને યોગ્ય સંસ્કાર આપવાની વાત સૌ સમજે અને અપનાવે ત્યારે ઘેર ઘેર સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રી સન્માનનો આપોઆપ જ ઉદ̖ગમ થાય.” મોટાભાઈને પણ માની વાત સાંભળી પોતાના દૃષ્ટિકોણ તરફ ક્ષોભ થયો. શાલિની ભાભીને ભેટી રડી પડી. અત્યાર સુધી જે જુસ્સો અને હિંમત એણે ટકાવી રહ્યાં હતાં એ આભારમાં ભળી રહ્યાં. ઘરનાં સૌને પોતાની સાથે સહમત જોતાં શાલિની પિતાના ફોટાને વંદન કરી બાહુબલી જેવા શક્તિશાળી હોવાની અનુભૂતિ કરી રહી. મૌલિકને સોડમાં લઈ વહાલ વરસાવી રહી ! હવે તેને ખબર પડે છે એની રાહુલને ખબર પડવાની એણે પ્રતીક્ષા કરવી રહી...