નારીસંપદા : ટૂંકી વાર્તા/ધુમાડાની આરપાર

ધુમાડાની આરપાર

રેના સુથાર

કમુમા મેલાં કપડાંનું ટોકર માથે ઉપાડી બળબળતા બપોરે તળાવે ધોવા નીકળ્યાં. ધમધોખતાં તાપમાં ચાલતાં ચાલતાં ઉઘાડા પગના તળિયાની બળતરાની પીડા આજે કમુમાને જીવતરની બળતરા સામે વામણી લાગતી હતી. તળાવની કોરે ક્યાંય સુધી સૂનમૂન બેસી રહ્યાં. સમયનું ભાન થતાં ટોકરમાંથી મેલું કપડું લઈ અકારણ જ બમણાં જોરથી સાબુનો લસરકો માર્યો. તળાવમાં મેલના ફીણના વમળો રચાયાં. એ વમળોની સમાંતર તેમના મનમાં પણ ઘટી ગયેલી ઘટનાનાં વમળો રચાયાં.

*****

આખા ગામમાં હાહાકાર થઈ ગયો. કમુમાની બન્ને વહુઓ ગામને પાદરે આવેલા તળાવમાં ડૂબીને મરી ગઈ. તળાવ હતું જ એવું, ચારેકોર લીલ વળેલી રહેતી. જો કોઈ સહેજ ઊંડું ઉતર્યું તો આ જન્મારે તો પાછું ફરે જ નહિ. ગામમાં પાણીની અછત તો પહેલેથી જ હતી. એટલે ગામની વહુવારુઓને કપડાં ધોવા અહીં જ આવવું પડતું. કપડાં ધોતાં ધોતાં થતી ઘરની, સાસુની, નણંદની, દેરાણાં-જેઠાણાંની નિંદા તો ક્યાંક વરના નામથી થતી ટીખળ; સૌ વાતોનું સાક્ષી આ તળાવ. કમુમાની બન્ને વહુઓ પણ રોજ અહીં કપડાં ધોવા આવતી. તળાવની કોરે બેસી કપડાં ધુએ, થોડીવાર પોરો ખાઈ ઘરે વળતી થાય. ગામની વહુઓને આ બન્નેનાં સખીપણાની અને સાસુ સાથેના મનમેળની ભારે ઇર્ષ્યા થતી. પડોશની જમનાએ તો એક વાર પૂછી જ લીધું, ‘‘ચમ અલી, અમાર હારે આવાથી તમ બે જણીઓ અભડાઈ જાઓસો?’’ મોટી વહુ થોડી આખાબોલી હતી. કોઈનું ઉધાર રાખવાનો તો જાણે સ્વભાવ જ નહિ એટલે વળતો જ જવાબ પણ આપી દીધો, ‘‘તમાર નિંદાકૂથલીનો રસપોન કરવા હાટુ આઇએ? આખો દી’ નિંદા કરવામો ગુડાણી રો સો.’’ તો વળી શાંતિકાકીની વિમુય ટોણો મારવામાં પાછી ના રહેતી, ‘‘તમન બેઉને વર વિના ગોઠેસે ચમનું? મારા લાલિયાના બાપા વિના મન તો એક દા’ડો ગોઠે નઈ.’’ આવું સાંભળીને નાની વહુની આંખોમાંથી દડદડ આંસુ નીકળી પડતાં. બીજી વહુઓની ઇર્ષ્યાનું કારણ બનતી આ દેરાણી-જેઠાણી. ગામની સાસુઓમાં વળી વહાલી. ગામની ડોસીઓ આ બન્ને વહુઓનાં છુટ્ટા મોઢે વખાણ કરે અને કમુમાની છાતી ગજગજ ફૂલે. બે દેરાણી-જેઠાણી સાસુને સાચવતી પણ એવું. કમુમાના બન્ને દીકરા દૂરના શહેરમાં કામધંધે ગયેલા. ક્યારેક ત્રણ મહિને તો ક્યારેક છ મહિને ઘરે આવતા. દસ પંદર દિવસ રહી પાછા શહેરની વાટ પકડે એટલે જુવાન વહુઓને સાચવવાની જવાબદારી કમુમાને બહુ ભારે લાગતી. એ દીકરાઓને વારેવારે કહેતા, ‘‘તમારો સંસાર તમો હાચવો ન મન્હ સુટી કરો.’’ નાનીવહુને લગ્નનાં ચાર વર્ષે ખોળો ખાલી હતો. એનો રંજ કમુમાના દિલમાં ઘૂંટાયા કરતો, પણ દોષ કોને આપવો? એ સમજતાં હતાં, વહુ અને દીકરો આમ મહિનાઓ સુધી નોખાં રહે તો વહુનો ખોળો ક્યાંથી ભરાય? આમ તો બન્ને વહુઓને કોઈની બહુ લપછપ નહિ. તળાવે કપડાં ધોવા જાય તે સીધી જાય ને આવે. ઘરનું કંઈ કામ કમુમાને ન કરવા દે. કમુમાને તો ઘરમાં ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. જોકે, કમુમા એકદમ કડેધડે હતાં એટલે ઘરમાં બે પૈસાનો ટેકો કરવા મુખીના ખેતરે મજૂરીકામ કરવા જતાં. મુખી ઘણી વાર કહેતો, ‘‘વહુઓનેય કામે લગાડી હોય તો.’’ ત્યારે કમુમાના ગળામાં શબ્દો ખોટકાઈ રહેતા, ‘‘જા જા મૂઆ છુટ્ટી કાછડીના ! તાર જેવા ભૂખ્યા ડાંહની હોમે મું મારી ગભરુ ગાવલડીઓને આવા દઉં એવી બુદ્ધિ વિનાની ધારી સે મુને?’’ મુખીનો ઇરાદો પારખી જનાર કમુમા વહુઓને ખેતર તરફ ફરકવા જ નહોતાં દેતાં. બન્ને વહુઓ કમુમાને એમના દીકરાઓની ગેરહાજરી ક્યારેય વર્તાવા નહોતી દેતી. આવી ગુણિયલ વહુઓનાં મોતનો આઘાત કમુમા કેવી રીતે ઝીલશે એ વિચારથી અને ચિંતાથી ગામ આખું શોકમગ્ન હતું. કમુમાના બન્ને દીકરા હજી તો આગલા દિવસે જ ગામથી શહેર પહોંચ્યા હતા. આવતા મહિને પાછા આવીને વહુઓને પોતાની સાથે લઈ જવાનું ફરમાન કમુમાએ બન્ને દીકરાઓને આપી દીધું હતું. દીકરાઓએ ઘર શોધીને આવતા મહિને લઈ જવાનો વાયદો પણ કરી દીધો હતો. પણ દીકરાઓને તો મોતના સમાચારથી વળતી ગાડીએ પાછા ફરવું પડ્યું. બન્ને લાશોને સોળ શણગાર સજાવીને ઘરનાં ફળિયામાં સુવાડવામાં આવી. નાની વહુને દહાડો નહોતો ચડ્યો એ આજે સૌને આશીર્વાદ લાગવા માંડ્યા. છોકરાં હોત તો બિચારાં મા વિનાનાં થઈ જાત. પણ મોટી વહુની પાંચ વર્ષની સોનુ હબક ખાઈ કમુમાના ખોળામાં લપાઈ ગઈ હતી. કમુમાની આંખો એકદમ કોરીધાકોર હતી. આ જોઈ સૌ ગામલોકો વધુ દુઃખી થતા હતા. સૌ એ વિચારથી ચિંતાતુર હતા કે કમુમાની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો છે તે નીકળતો નથી અને રડશે નહિ તો ક્યાંક એમનાય શ્વાસ થંભી ના જાય ! ગામ આખાએ બન્ને દેરાણી-જેઠાણીની વાતો કરી કરી કમુમાને રડાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. છતાંય કમુમાનો ચહેરો અને આંખો જાણે કોરી પાટી ! એથી વિપરીત એમના મગજમાં કોઈને ના કળાય એવા ભાવ ઉપસેલા હતા. જે ફક્ત અભણ કમુમા જ જાણતાં હતાં. થોડા દિવસ પહેલાં બન્યું હતું પણ કંઈક એવું જ...

*****

કમુમાને શરીરમાં કંઈ મજા નહોતી લાગતી. ખેતરમાં કામ કરતાં કરતાં થાક વર્તાતો હતો. એકાએક ઉંમર કામ કરવા લાગી હોય એવું એમના શરીરે અનુભવ્યું. તેથી ઘરે જઈ આરામ કરવાનું ઠીક સમજ્યું. થાકેલાં કમુમા ઘરના ફળિયાનું કમાડ ખોલી, ઢોલડી આડી પાડી ધીરેકથી બેઠાં. ગળામાં શોષ પડતો હતો. વહુઓ ફળિયામાં પડતા રસોડામાં દેખાઈ નહિ એટલે જાતે જ પાણી લેવા ઊભાં થયાં. ત્યાં અંદરની ઓરડીમાંથી ધીમું ધીમું હસવાનો અવાજ સાંભળી કમુમા વિચારવા લાગ્યાં, ‘‘આ કટાણે વહુઓ ઓરડી વાખી ચમ હુઈ ગઈ સે? ચૂલો તો હળગે સે પણ ઉપર વાહણ ચ્યાં સે? તાવડી તો ખાલી સે !’’ એમણે ઓરડા ભણી પગલાં માંડ્યાં. ત્યાં અંદરથી આવતા અવાજોએ એમના ઉપાડેલા પગને ઓસરીના લીંપણ પર જડી દીધા. બન્ને વહુઓના સિસકારા સંભળાયા. જીવતરના અનુભવે કમુમાને સહેજવારમાં બધું સમજાવી દીધું. ચૂલો તો બહાર સળગતો હતો પણ રંધાતું હતું અંદર ઓરડામાં. એમનાં ઘરડા કાન વધુ સરવા થયા. નાનીવહુનું ધીમું ડૂસકું નીકળ્યું, ‘‘કાલ માર જેઠ આવવાના સે તે તમ તો મારી હોમુય હુ જોસો? પંદર દા’ડા તો હાચાન? મુ ચમની કાઢે એટલા દા’ડા?’’ ‘‘તે મારો દેર આવાનો જ સે ને?’’ ‘‘જાવા દિયોને, ઈ તો હાવ ઠંડા. મુ ઈમને અડું તોય જોણ પારકાના બૈરાંન અડી જ્યા હોય ઈમ આઘા ખસી જાય. બળ્યું આખી રાત નેહાકા મારતી જાય અન તમાર ઓરડીમોથી તો... જવા દો અવ, મન તો તમાર પર ગુસ્સો ય આવ ન ભેળી ઇર્ષ્યા ય થાય. બેઉ બાજુ હારા લાડવા ખાઓ સો ! મુ તો બોલવા જ નઈ તમારી જોડે જોવ !’’ ‘‘અરે મારી વ્હાલી, હુ રિહાય સ? અવ તારા જેઠનું હુ કઉં તન? ત્યો મોટા શેરમો એક રાખેલી સે ઈને. તે ઈન પૈણી જૈસ, એવી ધમકીઓ આપી રોયો આખી રાત... બળ્યું મન વિનાનું હખ હુ કોમનું? મારી વ્હાલી તાર આયા પસી તો કોક હારું લાગ્યું સે. આ જેન્દગીમો કો’ક કળ વળી સે. તારા જોડે રેવા આ પંદર દા’ડા ઈન ઝેલુ સુ, હમજી? આ દા’ડા તો ઓમ નેકળી જાસે અન તળાવે તો આપણ બે જ જઈએ સીએ ને... હમજી ક નઈ? મેલ બધી વાત, આવશી તારની વાત સ ન ! આવો વખત નઇ મળે મારી વ્હાલી.’’ ‘‘તમ તો બઉ ઉસ્તાદ હો !’’ અને જોરથી ખડખડાટ હસવાનો અવાજ બારણું વીંઝતો કમુમાની છાતીએ ધક્કો મારતો ગયો. કમુમાને લાગ્યું કે આ તો આખુંય આભલું ઊંધું પડ્યું ! અંદરની વાતો સાંભળી એમણે બન્ને કાન સજ્જડ બંધ કરી દીધા... ‘‘હે ભગવોન આ સુ સે બધું? આ બધું જોયા પેલા મુ મરી ચમ નો જઈ? છાતી ફુલાઈને ફરતી હતી, અવ?... અવ સુ કરે? આ બે જણીઓના ધુમાડા ચોક ગોમવાળું કોક જોઈ જ્યું તો? પસે તો હાથ હલાવતો કોક રોયો રસ્તે જનારો ય આગ ઠારવા દોડી આવસી. મુ તો કોઈને મોઢું દેખાડવા જેવી નઈ રહુ. ના... ના... કો’ક ઉકેલ કરવો પડસે.’’ કમુમા મનમાં ગાંઠ વાળી ઢોલડી તરફ જવા વળ્યાં, ત્યાં બારણાં આગળ એકબીજા ઉપર મુકાયેલાં નાનાં અને મોટાં સ્ટીલનાં બેડાંને એમનો પગ અડી ગયો અને બંને બેડાં પડી ગયાં. એમાંનું પાણી ફળિયામાં રેલાઈને બહારની ગતિ પકડી રહ્યું હતું. અચાનક થયેલા અવાજથી બન્ને બહુઓ સાબદી થઈ ગઈ. અસ્તવ્યસ્ત સાડલે ફટાફટ ઓરડીનું બારણું ખોલ્યું અને સામે સાસુને જોઈને બંનેના ચહેરા ફિક્કા પડી ગયા. ‘‘બા તમી? અટાણે?’’ ‘‘ચમ, બહુ આગ લાગી સે નઈ? અંદર બહુ દેવતા મેલાયો સી. હવ તો આ ચૂલાને નોખા જ કરી દઉં અને કો’તો ફરી હળગે જ નઇ એવા ઠારી દઉં.’’ એટલું બોલી કમુમાએ બેડાંમાં રહેલું રહ્યુંસહ્યું પાણી સળગી રહેલા ચૂલા ઉપર રેડી દીધું. નાની વહુ ડરથી ધ્રુજવા લાગી. મોટી વહુએ, એનો હાથ પકડ્યો, એની હથેળીને પોતાના હાથમાં લઈ જોરથી દબાવી. એ વાતને વીત્યાંના થોડા દિવસોમાં જ એકબીજાના હાથ પકડેલી બે લાશો તળાવનાં પાણી પર તરતી હતી.

*****

વિચારોમાંથી બહાર આવેલાં કમુમાએ મેલાં કપડાંના ટોકર પર નજર કરી નિસાસો નાખ્યો. ટોકરમાંથી એમનો મેલો સાડલો કાઢી એના ઉપર બમણાં જોરથી સાબુ માર્યો. સામે એટલા જ જોરથી ફરી વમળો રચાયાં. સાડલો વધુ મેલો દેખાતો હતો, એમણે વધુ જોર માર્યું. વમળોની ગતિ વધુ તેજ બની, ફરી કમુમાના મનમાં ભૂતકાળની ઊંડી ગર્તામાંથી એક આંધી ઊડી... એમાંથી એક નવોઢા કમુ નજર સામે આવીને ઊભી રહી ગઈ. નાની ઉંમરમાં વિધવા થઈ ગયેલી કમુ. ચૌદ વર્ષની ઉંમરે પરણાવી દીધેલી એ કમુ. અઢાર વર્ષની ઉંમરે બે છોકરાની મા બની ગયેલી એ કમુ, જેણે હજી તો આવનારા જીવનના સ્વપ્નાં પણ પૂરાં નહોતાં જોયાં અને પચીસ વર્ષની ભરયુવાનીમાં વિધવા બની ગઈ હતી એ કમુ, પચીસમા વર્ષથી જેના દિવસો કાળી મજૂરીમાં જતાં અને જેની રાતોની રાતો સુની પથારીમાં પડખાં ફેરવી ફેરવીને થાકી જતી એ કમુ સામે આવીને વાતે ચડી. વર અને પછી સાસુ, સસરાના પરલોકગમન પછીની ઘરની એકલતા એને ખાવા દોડતી. રાતો એને ભેંકાર લાગતી. અમાસની રાત સમુ એકાંત આગ બનીને એના મન પર ભરડો લેતું. ઓરડામાં ઊભો કરેલો ખાટલો એ ટિકી ટિકીને જોયા કરતી. એમાંથી ફૂંફાડા મારતો નાગ ફેણ ચઢાવીને એની ઉપર ચઢી બેસતો. કેટલાંય સાપોલિયા શરીરે વીંટળાઈ જતાં. એવામાં એક દિવસ અચાનક આવી ચઢેલો કુટુંબનો પરિણીત દિયર, ખાટલાની ઢીલી થઈ ગયેલી ઈસ અને હાંફતી જુવાન કમુને તાકી તાકીને જોઈ રહેલો. કમુ ભોંઠી પડી ગઈ, પણ એની ભોંઠપ ભરી નજર પેલી સાપોલિયા ફરતી નજર સામે પલકવારમાં જ નફ્ફટ બની ગઈ. એ દિવસે કમુએ ઘરમાં ભરેલી પાણીની કોઠી ડોલે ડોલે પોતાના પર ઠાલવી. એના શરીરને એ દિવસે અજબ શાતા વળી. એને એકાંત અને અંધકારની ઓથમાં ઘૂસી આવતા પેલા નાગનો ડંખ અને એના ઝેરનું હવે એને વ્યસન થઈ ગયું હતું. એ રોજ ચૂલામાં દેવતા નાખતી, બરાબર આગ પકડે પછી ઉપર પાણી નાખી ઓલવી દેતી. ઓરડીની ચાર દિવાલો વચ્ચે ધુમાડો ચકરાવો લેતો. ધુમાડાની ધુણીથી કમુની આંખો બંધ થઈ જતી. ધુમાડાની આરપાર એને કશું દેખાતું નહિ. આ રમત હવે એને કોઠે પડી ગઈ હતી. એક દિવસ હજી તો ચૂલામાં દેવતા નાખવાની તૈયારી કરતી હતી ત્યાં તો એના છોકરાઓનો સાદ પડ્યો, ‘‘બા... બા કાકાન એરૂ આભડી જ્યો.’’ કમુ ફલાંગ ભરતી બહાર દોડી. હાંફતી હાંફતી એ દિયરના કાળા પડી ગયેલા નિશ્ચેત શરીરને જોઈ રહી. લથડાતા પગે એ ઘરમાં પાછી ફરી. ઓરડીનું કમાડ એણે સજ્જડપણે બંધ કરી દીધું. ચૂલામાં સળગી રહેલા દેવતાને એને એ દિવસે કાયમ માટે ઠારી દીધો. અચાનક મંદિરમાં થયેલા ઘંટનાદથી જુવાન કમુ સાબદી થઈ ગઈ. સૂરજ મંદિરની ઓથે ધીરે ધીરે ઓગળી રહ્યો હતો. આકાશનો અંધકાર ધરતી સહિત તળાવને પોતાના વશમાં કરી રહ્યો હતો. એ અંધકારમાં જુવાન કમુ વિલીન થઈ ગઈ. કમુમાનાં મુખમાંથી નિસાસો સરી પડ્યો, ‘‘બળી આ શરીરની આગ ન પાસળ ઇને ઠારવાની ભૂખ, હું મૂઈ ધુમાડો જોઈ રઘવાઈ થઈ જઈ, આગ ન ઈના ધુમાડા તો ઓણપા યે ચો નતાં, માર વળી પેણપા જોવાની જરૂર ચો હતી?’’ તળાવના પાણીને કંપાવી નાખતો ઠુઠવો મૂકી કમુમાએ હૈયાફાટ રુદન કર્યું.