નારીસંપદા : ટૂંકી વાર્તા/પથરો

પથરો

કામિની મહેતા

વંદુ... એ વંદુ... સાંભળતી નથી...! વંદુ... ક્યારનીય બૂમ પાડું છું. આ ડોસલીને જોવા કોઈ નવરું નથી... ને વૃંદા ઝબકીને જાગી ગઈ. સામેની માની પથારી ખાલી હતી. પણ માનો એ તીણો અવાજ બસ વૃંદાના કાનમાં ગુંજ્યા કરે છે. તેને લગીરે ઝંપવા નથી દેતો. એ તીણો અવાજ જ્યારે હતો ત્યારે સૂવા મથતી વૃંદા આજે જ્યારે એ અવાજનું અસ્તિત્વ નથી ત્યારે સૂઈ નથી શકતી. અવાજ જાણે આખા ઘરમાં પડઘાયા કરે છે. ઊભા થઈ તેણે બારીનો પડદો ખસેડયો. અંધારાના ઓળા બધે પથરાયેલા હતા. આ અંધારું ક્યાંથી આવતું હશે. ઝળહળ કરતો દિવસ હજુ સુધી તો હતો. અજવાળું જ અજવાળું... એ અજવાળાના ઉજાસમાં દેખાતો માનો હસતો ચહેરો... જીવનના કેટલાય ચાસ પડી ગયેલા એ ચહેરા પર હંમેશા ઉજાસ જ જોયો છે વૃંદાએ. કેવી પણ વિકટ પરિસ્થિતિ હોય, મા કદી થાકેલી કે હારેલી ન જણાતી. દરેક મુશ્કેલીનો તેની પાસે હલ હતો... પછી તે પોતાની હોય કે બીજાની. કોઈ જરાક ફોન કરે કે ચપટી વગાડતા તે બધી મુશ્કેલી દૂર કરી દેતી. આવી તેજોમય માને અંધારું કેવી રીતે ડસી ગયું? શું આને જ નિયતિ કહેતા હશે..? અજવાળાનો છેડો પકડી અંધારું આમ જ ગ્રસી જતું હશે બધાને...? આ વખતે માએ પથારી પકડી તે પાછી ઊભી જ ન થઈ. હરતી ફરતી, પોતાનું નિત્યક્રમ જાતે જ કરવાનો આગ્રહ રાખતી મા, એક વાર બાથરૂમમાં પડી કે પથારી પકડી લીધી... બીમારી જોકે શારીરિક કરતાં માનસિક વધારે હતી. આખો દિવસ બસ લવારા કર્યાં કરતી... વંદુ... હું બહુ કષ્ટમાં છું. બહુ તકલીફ છે મને. મને કાંઈ ગમતું નથી. નથી મંદીરે જવાતું. નથી ભજનમાં જવાતું. એમાં આ દુખાવો... શું કરું... કોઈને મારી માટે સમય નથી. એક વાર તો મને જોવા આવ... રોજ રોજ આવતા ફોનથી વૃંદાને વિચાર આવ્યો, માને થોડા દિવસ અહીં લઈ આવું. એકના એક વાતાવરણમાં રહીને કંટાળી હશે મા... થોડો હવાફેર થશે. જતી જિંદગીમાં માની સેવાનો અવસર મને મળશે. ભાઈ ભાભીને પણ જરા રાહત રહેશે. માની સાથે આખો વખત રહી શકાય. તેણે ઓફિસમાં રજા મૂકી. પોતાના બીજા કામમાંથી બ્રેક લીધો અને માને પોતાના ઘરે લઈ આવી. વૃંદાએ હોંશથી નવાં ભજન શીખી લીધાં હતાં. માની સામે રોજ નવાં ભજન ગાશે. પોતાને નવાં નવાં ભજન આવડે છે, જોઈ મા ખુશ થઈ જશે. એનું મન પ્રસન્ન થઈ જશે. પહેલાની જેમ મા-દીકરીની જુગલબંધી જામશે. પણ તેનો બધો ઉત્સાહ ઓસરી ગયો. મા જાણે પહેલાની મા રહી જ નહોતી. એનો કશાયમાં ભાવ નહોતો. વૃંદા મીઠા હલકે ભજન શરુ કરતી કે માનું ચાલુ થઈ જતું... વંદુ... તારો આ પૂજાનો જમેલો જટ પતાવ. મને નાસ્તો દે. હવે આવા રાગડા બંધ કર... અને વંદુ છોભીલી પડી જતી. પોતાની આખી જિંદગી બીજાનો જ વિચાર કર્યો હતો માએ. હવે તે જ મા બસ પોતાના માટે જ વિચાર્યા કરતી. થોડા જ દિવસમાં વૃંદા અકળાઈ ગઈ. શું થયું છે માને? માને પોતાની સેવા જ ગમતી. બધા તેની આસપાસ જ રહે, તેને પંપાળ્યા કરે; તે જ ઇચ્છતી. વૃંદા જરીક આગળ પાછળ થાય તો કકળાટ કરી મૂકતી. બાઈએ કરેલી ચા હડસેલી, કહેતી : આને ચા કહેવાય...? વંદુ... મને આદુવાળી ચા કરી દે... જમવામાં પણ ખોડખાંપણ કાઢતી... વંદુ... આને દાળ કહેવાય...? તારી દાળમાં મીઠું જ નથી... વંદુ... આજે શાક કેમ કડક રહ્યું છે. વંદુ... નાસ્તામાં પૂરી તો હવાઈ ગઈ છે. વૃંદાએ મા માટે આખા દિવસની બાઈ રાખી દીધી હતી. પણ માને તો વૃંદા તેની પાસેથી જરાક ખસે કે ગમતું નહીં. બહાર જવાનો તો વિચાર સુદ્ધાં ન કરી શકાય. સુબોધ કહેતો તો વૃંદા ઘસીને ના પાડી દેતી. સુબોધ હસતો... વૃંદા, તારું મોઢું તો જો જરા આઇનામાં. માની સાથે તું પણ ડોસલી થતી જાય છે. વૃંદા કોઈને કંઈ કહી શકતી નહીં... ન માને, ન સુબોધને... બસ... મનમાં સોસવાયા કરતી. બને એટલું બધાને અનુકૂળ થવાના પ્રયત્ન કર્યા કરતી. મા ક્યારેક તો બહુ વિચિત્ર કરી બેસતી. હોંશીલી, ખંતીલી, દરેક કામ ચીવટથી કરનારી માની આવી હાલત જોઈ વૃંદાનો જીવ બળી જતો. મા ક્યારેક અચાનક પથારીમાંથી ઊભી થઈને ભાગતી. ક્યારેક એને બોલવાનું, કપડાંનું કંઈ ભાન રહેતું નહીં. ક્યારેક અસંબદ્ધ કાંઈનું કાંઈ બોલ્યાં કરતી, બાઈ પર ગુસ્સે થઈ જતી. ક્યારેક એને નખોડીયા ભરી લેતી. મા શું કરે છે? આવું કરશે તો બાઈ જતી રહેશે... બીજુ કાંઈ નથી બહેન, ઉંમરની અસર છે આ. બધા ટેસ્ટ કરાવ્યા પછી ડૉકટર પરેશે પણ હાથ ઊંચા કરી દીધા. તેમનું મન આનંદમાં રહે, તેવા પ્રયત્નો કરો. મન આનંદમાં રહે કેવી રીતે...? એ જ પ્રશ્ન હતો. કોશિશ રહેતી વૃંદાની કે મા થોડું ચાલે. થોડો સમય બાલકનીમાં બેસે તો એનો સમય સારી રીતે જાય. માને તો હવે કોઈ વાતમાં રસ જ રહ્યો નહોતો... ‘પાના રમીશું મા?' 'મને ન ગમે'... 'તું નાનપણમાં અમારી સાથે રમતી તે સાપસીડી રમીશું...? “એ તો નાના છોકરા રમે. હું કંઈ નાની છું?' મા ચિડાઈ જતી. તું નાના કરતા પણ નાની થઈ ગઈ છે, મા...! પણ વૃંદા બોલતી નહીં. માના દીલને ઠેસ પહોંચે... માની ચૂપ રહેતી... પણ માને એવો વિચાર ન આવતો. રોજ કંઈને કંઈ એવું કહી દેતી કે વૃંદાના મનને અંદર સુધી વાગતું. ભાઈનો ફોન આવતો કે મા અડધી અડધી થઈ જતી... બેટા જમ્યો કે નહીં.. બેટા તારું મોઢું જોવાનું મન થયું છે... મને મળવા ક્યારે આવીશ? વૃંદાની આંખમાં ઝળઝળીયાં આવી જતાં. મા કોઈ દિવસ મારી કદર કરતી નથી. પેલા દિવસે તો હદ કરી નાખી. રાતના માને જમાડી, દવા આપી પછી વૃંદા અને સુબોધ જમવા બેઠાં કે માએ તરત બૂમ પાડી... વંદુ... શું છે મા...? વૃંદા અકળાઈ ગઈ. સુબોધ એની સામે જોઈ રહ્યા... કામ હોય ત્યારે જ બોલાવું ને... જો, મને પગમાં ખંજવાળ આવે છે, જરા ખંજવાળી જા. વૃંદા એક વાર જઈને આવી કે તરત પાછી બૂમ પાડી. વંદુ... મને પાણી આપી જા તો... ગુસ્સામાં વંદુ ભરેલા ભાણાને હડસેલી ઊભી થઈ ગઈ. અને આજે ! આજે કોઈ બૂમ પાડવાવાળું નથી તો વૃંદાના ગળાની નીચે કોળિયો ઉતરતો નથી. મમા... થોડું તો ખાઈ લો. રીયા પ્લેટ લઈને આવી. વૃંદા રીયા સામે જોઈ રહી. મા તેર વરસની ઉંમરે પરણીને આવી હતી. અત્યારે રીયા તેર વરસની છે... આ ઉંમર લગન કરવાની છે? એ પણ હજાર કિલોમીટર દૂર સાસરું. ન ફોનની સગવડ, ન ટપાલ. એક વાર સાસરે ગયા કે ગયા... વિચાર માત્રથી વૃંદા ધ્રૂજી ગઈ. અત્યારે કોઈ કહે રીયાના વિવાહ કરો તો… એનાથી એક દિવસ પણ દૂર રહેવાના વિચાર માત્રથી વૃંદાના ગાત્રો શિથિલ થઈ ગયા... સાસરીનું બહોળું કુટુંબ. નાના નાના દેર, નણંદો, સાસુ સસરા, મોટી સાસુ... એક નાનકડી તેર વરસની છોકરીએ કેવી રીતે બધું કર્યું હશે? ઘર હંમેશા મહેમાનોથી ભરેલું રહેતું. પાછી પોતાને તર ઉપરની સાત છોકરીઓ પેટે પડી હતી. દર વખતે દીકરો અવતરશે એવી આશા રહેતી હશે કદાચ. એક દીકરાની આશમાં આવું? વૃંદાને પણ મા ઘણી વાર કહેતી... રીયા અને રીનાને રાખડી બાંધવા ભાઈ તો જોઈએને... એક ભાઈ હોય તો ઓથ તો રહે... ના મા, મારે તેમની માટે ભાઈની ઓથ નથી જોઈતી... રીના પણ નાનીનું સાંભળી ક્યારેક મશ્કરી કરતી... મા, તને ‘પૂ’ નામના નરકમાંથી કોણ તારશે? વૃંદા વહાલથી દીકરીનું માથું સુંઘતી... કહેતી... ‘પુત્રી.’ આ મર્યા પછીના ‘પૂ’ નામના નરકના ભયથી અત્યારે જીવતે જીવ નરક જેવી યાતના વેઠવાની? વૃંદાને તો સુવાવડ... હોસ્પિટલના વિચારમાત્રથી અત્યારે પણ પગમાં પાણીના રેલા ઉતરે છે. તેની તો બંને સુવાવડ નોર્મલ જ, વધારે કોઈ કોમ્પ્લિકેશન વગર થઈ હતી. દર વખતે મા પહેલા જ આવી જતી. સુબોધનો પણ પૂરો સાથ હતો. છતાં સુવાવડના નામથી તેને અજીબ ડર લાગે છે. તે સમયે થતો દુઃખાવો... વેદના આજે પણ યાદ કરી શરીર કંપી ઉઠે છે. અને માના સમયમાં... ત્યારે તો સાધનોનો અભાવ હતો. ઘરે જ સુવાવડ થતી. દાયણ બાઈ જ આવતી ઘરે... પિયરમાંથી કોઈનો સહારો નહીં. એક પછી એક સુવાવડ... કંતાયેલા શરીરે ઘરનાં કામ... આકરી સાસુ... કેમ કર્યું હશે માએ બધું? વૃંદાને યાદ આવે છે... મા વહેલી ઊઠીને કામે લાગી જતી. આટલા મોટા ઘરને વાળવાનું, બધાં માટે નહાવાનું પાણી ગરમ કરવાનું, ભૂંસાની સગડી ભરવાની... બધા માટે ચા નાસ્તો... જમવાનું... રોટલીનો તો મોટો થપ્પો કરવાનો... ત્યારે ઘરોમાં કેવાં કામ રહેતાં. આજની છોકરીઓને તો વિચાર પણ ન આવે. મગની દાળ, ચણાની દાળ... બધી ભરડીને ઘરે જ બનાવવાની. મોટા મોટા કોઠારમાં વરસનું અનાજ ભરવાનું... બગડી ન જાય માટે સમય સમય પર તડકે નાખવાનું... ગોદડીઓ સીવવાની... મા જરાય નવરી જ પડતી નહીં. વહેલી સવારથી મોડી રાત સુધી તેનું કામ ચાલતું જ રહેતું. વૃંદા જોઈને થાકી જતી. તહેવાર આવે કે માનું કામ બમણું થઈ જતું. જન્માષ્ટમીમાં આગલો આખો દિવસ માનો તૈયારીમાં જતો. ત્યારે બીજા દિવસે બધા માટે ફરાળ બની શકતું. રાજગરો સાફ કરીને શેકવાનો... પછી ઘંટીમાં દળવાનો... આખી શીંગ ફોલવાની... પછી દાણા કાઢી શેકવાના, ખાંડવાના... ત્યારે તો ઘરમાં મિક્સર પણ હતું નહીં. આવો કૃષ્ણ ભગવાનનો જન્મ...? જેમાં માને ઘડીની નવરાશ નથી ! જોકે, માના મોઢાં પર ક્યારેય થાક કે કંટાળો દેખાતો નહીં. અવાજ મીઠો. મીઠી હલકે ગાતી જાય ને હસતા મોઢે કામ કરતી જાય. વંદુ, આ ભજનનો જરા રાગ બેસાડને... અને મા-દીકરી ભેગાં મળી રંગત જમાવતાં. એટલાં કામમાં ય દીકરીઓને વ્હાલ કરવાનો સમય ચોરી લેતી. કોઈ દિવસ જાકારો કર્યો હોય તેવું બન્યું નથી. એની નજરમાં બધાં સરખાં જ હતાં. બધી બહેનોની સરખી કાળજી લેતી. કોઈ દિવસ એણે માને ઊંચે અવાજે બોલતા કે ગુસ્સે થતા નથી જોઈ. હવે શું થયું...? એ જ મા હવે બેફામ કારણ વગરનું બોલ બોલ કરતી હતી...? સવારે બારીમાંથી જરાક અજવાળું ડોકિયું કરે કે મા ઝબકીને જાગી જતી. વંદુ, ઊઠ, તડકો માથે આવ્યો... કેવો તડકો...? અરે મા, સૂઈ રહે. હજુ તો પરોઢ થયું છે. બહુ વહેલું છે... વૃંદા કહેતી. ના રે... હવે સૂવાય? બા બગડશે. કહેશે, રાત માથે લઈને સૂતી છે, ઘરમાં ઢગલો કામ પડ્યાં છે. ઊઠવા દે મને... વંદુ, કામનો ઢગલો છે, વહુંઆરુએ સૂઈ નો રહેવાય... બસ આવું બધું બબડ્યા કરતી. કાલ સવારે લોટની કણક બાંધતી હતી કે માના ઓરડામાંથી જોર જોરથી બોલવાનો અવાજ સાંભળી, તે દોડતી ગઈ. અચાનક શું થયું...? આયા બાઈ એક બાજુ મોઢું કરીને ઊભી હતી. શું થયું મા...? કેમ ચીસો પાડે છે...? જો ને આ બાઈ માનતી નથી... કહું છું જરા જો નીચે હાથ નાખીને... બહાર મોઢું આવ્યું છે... આ ફેરી છોકરો આવ્યો છે કે પાછો પથરો જ પાક્યો છે...? વૃંદાનું કાળજુ ગળામાં આવ્યું. આ કેવા ઝખમ હતા? અત્યાર સુધી કળાયા નહીં? અત્યાર સુધી મા વેદનાના વૈભવમાં મહાલતી હતી? સહનશીલતાનું જે મહોરું તેણે પહેર્યું હતું તે હવે કાલદેવતાની થપાટથી તાર તાર થઈ રહ્યું હતું? દરેક દીકરીના જન્મ સમયે કેવું અને કેટલું સાંભળ્યું હશે ! પોતીકા અને પારકા બધા જ કટુ વચનો કહેતા હશે... કેવા તીર છોડાયા હશે તેના પર...! ઉપરથી હસતી રહેતી માની અંદર ધરબાયેલા ઊંડા ઝખમ ખુલતા હતા... એમાંથી લોહી વહેતું હતું... આવા ઝખમ લઈને જ મા ગઈ. સાંજ પડતા પડતા તો શ્વાસ ચડતો ગયો અને ભાઈનું નામ લેતા લેતા માએ દેહ છોડ્યો... માના ખાલી પલંગ પર હાથ ફેરવતા વૃંદા જોરથી રડી પડી.