નારીસંપદા : ટૂંકી વાર્તા/પી.આર.

પી.આર.

દિના રાયચૂરા

નિરુની આંખો ખુલી ગઈ. આજે તો રજા છે, એને યાદ આવ્યું. પોતાને માથે પોતે જ હળવી ટપલી મારીને ફરીથી સેટી પર આડી પડી. સામે બીજી સેટી ખાલી હતી. ‘આ ખાલીપા સાથે જીવવાનું શીખું છું. અઘરું તો છે પણ અહીં આ ઘરમાં સેટીને બદલે ડબલબેડ સમાઈ શકે એટલી જગ્યા પણ ક્યાં છે?’ નિરુએ રજાઈને પોતાની આસપાસ સમેટીને આંખો બંધ કરી. ‘આજે નકામી રજા રાખી. આખો દિવસ કેવી રીતે જશે? નજીકનો એકાદ ઓર્ડર તો લઈ લેવો જોઈતો હતો. થાકનું તો શું? ઉતરી જાત.’ નાના બાળકને થોડીવાર વધારે સુવાડવા માટે એને થાબડીએ એમ નિરુએ મગજમાં ચાલતા વિચારોને થાબડીને સુવાડવા આંખો મીંચીને માથે સુધી ઓઢી લીધું. ‘અત્યારે સવારસવારમાં કોણ હશે?’ સ્ક્રીન પર દેવમનું નામ જોઈ રજાઈ ફગાવી બેઠી થઈ ગઈ. ‘બોલ, બોલ બેટા ! કેમ છે? શું ખબર?’ નિરુનો બીજો હાથ અવશપણે હૃદય પર મુકાઈ ગયો. ‘મમ્મી ! પરમ દિવસે આવું છું ! મારું પી.આર. થઈ ગયું ! સાક્ષીએ પેપર્સ મોકલાવી દીધા છે. હવે તૈયારી શરૂ...!’ નિરુ ક્ષણભર માટે મૌન થઈ ગઈ. પછી સામે મુકેલી ભગવાનની છબી સામે જોઈ આંગળીઓ છાતી અને આંખો પર લગાવીને ગળું ખોંખાર્યું. ‘સરસ બેટા ! આવી જા, આપણે મહિનો દિવસ સાથે રહેશું પછી તો કોણ જાણે ક્યારે મળાશે?’ ‘મા... સાક્ષીએ ટિકિટ્સ કરાવી લીધી છે. એ પણ આવી ગઈ છે બે દિવસ પહેલાં. તું હમણાં જ જાગી લાગે છે પછી વાત કરીએ? હું પણ કામમાં જ છું.’ નિરુને કંઈ કહેવું હતું પણ એની શબ્દો શોધવાની, ગોઠવવાની ગતિ ફોન મુકાઈ જવાની ઝડપને ન પહોંચી શકી. ‘સારું થયું દેવમે ફોન મૂકી દીધો. સાક્ષી આવી એની મને ખબર પણ નથી ! કંઈ બોલી પડી હોત, નકામી !’ ‘જોકે, મને ખબર હોત તોય શું? આ દોઢ રૂમમાં એને હું ક્યાં સમાવવાની હતી? પણ એણે મને એક ફોન કર્યો હોત તો...’ નિરુ ધીમે રહીને ઊભી થઈ. રૂમને લાગીને આવેલા પેસેજને પસાર કરી રસોડાની બહાર નીકળીને નાનકડી અગાસીમાં ગઈ. એ એનું નાનકડું સામ્રાજ્ય ! ત્યાંથી એને ફક્ત મેઇન રોડ દેખાતો. એકદમ વ્યસ્ત. સૌ સૌને રસ્તે. ‘પરમદિવસે તો દેવમ આવશે. હું તૈયારીમાં લાગું. પંદર દિવસમાં દીકરો પરદેશ ! ને હું... હવે... મારે તો શું? જો આ રૂમને પાકું છાપરું ને આ અગાસીમાં બીજી એક નાનકડી રૂમ ચણાઈ જાય તો કેવું સારું પડે? બા બાપુએ બધું નક્કી કરી જ લીધેલું ત્યાં બા જતી રહી ને છ મહિનામાં બાપુ પણ જતા રહ્યા. જો બેઠા હોત તો ઘરને સરખું થયે પણ સાત આઠ વરસ ઉપર થયું હોત.’ વચ્ચેનો એક દિવસ નિરુને લાંબો પણ લાગ્યો ને ટૂંકો પણ... ગયે વર્ષે દેવમના લગ્ન પ્રસંગે રંગાયેલી દીવાલ ચોમાસું સહન નહોતી કરી શકી. પોપડા ઉખેડીને દીવાલો સાફ કરવાથી માંડીને બાવાજાળા, બાથરૂમને, ટોયલેટને ચમકાવવાનું, દેવમને ભાવતા નાસ્તા અને સાક્ષીએ એકવાર વાતવાતમાં મગની દાળનો શીરો બહુ ભાવે એમ કહ્યું હતું એટલે શીરો... ‘હાશ !’ બોલતી નિરુ સ્મિત સાથે આડી પડી. ઘડિયાળ સામે જોયું હોત તો કાંટો બાર પસાર કરી ચુક્યો હતો. ‘દેવમે કહ્યું હતું કે બપોરે ચાર વાગ્યે આવશે. સાક્ષીનું જોઈએ. એ ઇન્ડિયા આવી પણ ગઈ ! ભલે પિયરે ઊતરે. સમજું છું કે અહીં એને ન જ ફાવે. પણ જાણ તો કરે ! એકાદ ફોન કરી લે...’ છાતીમાં સણકા જેવું લાગ્યું. ‘દીકરીને વિદાય કરતી વખતે દીકરીની મમ્મીઓને આવું જ થતું હશે? દીકરાને પરદેશ વિદાય કરતી વખતે મન આવું કણસે?’ બપોરે બરાબર ચારમાં દસે કડાઈમાં તેલ કાઢી ગેસ ચાલુ કર્યો. અધકચરા તળેલા બ્રેડરોલને ફરી તળવાનું તેલ ગરમ થયું ન થયું ને બેલ વાગી. પૂજાની થાળી કાઢી તો રાખી જ હતી. પણ પરમદિવસના ફોનમાં દેવમનો અથરો જવાબ સાંભળી વધુ કંઈ પૂછવાની હિંમત કરી જ ન હતી. દેવમે નિરુને પગે લાગવા જેવું કર્યું. નિરુની દાદર પર ફરતી નજરને નજરઅંદાજ કરવી દેવમને ન ફાવી. ‘‘સાક્ષીને જેટલેગ છે. ઉપરથી આ ગરમી એટલે ઊભી પણ નથી થઈ શકતી.’’ દેવમની નજર રસોડામાં ગઈ. ‘વાહ ! મમ્મી તો મમ્મી જ હોય ! તું એક કામ કર, ફટાફટ આ રોલ તળીને સાથે લઈ લે અને તૈયાર થઈ જા. સાક્ષીના ઘરે જવાનું છે.’ નિરુ અચકાઈ, ‘સાક્ષીને ઘરે?’ એ કહેવા માંગતી હતી કે સાક્ષીને ઘરેથી કોઈ ફોન નથી પણ હોઠ ખુલ્યા ત્યારે કંઈક બીજું જ બોલાયું. ‘અરે ! આમ અચાનક? ખબર હોત તો કંઈક ગિફ્ટ લાવી રાખત ને?’ એક બુટ્ટીની જોડ કાઢી. ‘જો, આ ગમશે એને?’ ‘બધું ગમશે, ગમાડશે જ ! આખરે મારી મમ્મી અને સાક્ષીના પૂજ્ય સાસુજીની ચોઈસ છે.’ નિરુએ દેવમને માથે હસતાં હસતાં ટપલી મારીને પછી ઓવારણાં લીધાં. દહીંસરથી વિલેપાર્લા પહોંચ્યાં ત્યાં સાંજ ઢળું ઢળું થતી હતી. નિરુ જાત સાથે જ સંવાદ કરતી હતી. ‘સાક્ષીને લગ્ન પછી પહેલી વાર નિરાંતે મળીશ. ત્યારે તો બેઉ ચાર દિવસ હોટેલમાં રહ્યાં હતાં. ઘરે તો એક ટંક જમવા જ આવેલી. વહુ આવી છે એવું લાગ્યું જ ક્યાં હતું? લગ્ન પછી તો એ થઈ ગઈ કેનેડા ભેગી ! ક્યારેક ફોન કરીને પણ શું વાત કરવી? પાછી સાવ અલગ જાત, મારવાડી ! કેટલાય અગ્રવાલ મારવાડીઓને ઘરે હું જાઉં. બધાં બૈરાઓ ઠસ્સામાં જ હોય. એનાં માબાપ પણ એવાં જ ! એમાં મને શું ફોન કરે? હા, આ દિવાળીએ ડ્રાઇવર સાથે મીઠાઈ મોકલાવેલી ને ન આવી શક્યાનો માફીવાળો ફોન પણ... સાક્ષી જેવી છોકરી દેવમને મળી એમાં દેવમનું ભણતર ને સાક્ષીના છૂટાછેડા બે કારણ ! લોકો દીકરી સોંપે, મેં તો દીકરો સોંપી દીધો !’ ‘ચાલ, તારે જે લેવું હોય એ લઈ લઈએ. આમ તો એવી ફોર્માલિટીનું કામ તો નથી, પણ લઈ લે.’ દુકાનની બહાર નીકળી ને અચાનક લાઇટ થઈ. ‘અલ્યા, તું મોટી ગાડી પણ ચલાવવા લાગ્યો? ક્યારે શીખ્યો?’ ‘બસ, આવડી ગઈ ચલાવતાં ચલાવતાં. આ ગાડી હમણાં હું જ વાપરું છું પૂણેમાં !’ આખે રસ્તે એ મોટી ગાડીમાં દેવમને જોતી રહી. ‘સાવ બાજુમાં છે, હાથ પકડી શકાય એટલો, પણ આટલો અળગો કેમ લાગે છે?’ ‘બેઉ મામા મામી ઠીકઠાક? અનિકેતે મને ફોન કરેલો. એ કેનેડા કે યુ.એસ. માટે વિચારે છે.’ ‘એમ? તું તારાથી બને એટલો સપોર્ટ કરજે એને. મામા-મામીએ મને ઘણો સાથ આપ્યો છે. એમનો સહારો ન હોત તો... આ ઘર પણ ન હોત.’ નિરુની સજળ આંખોને દેવમ જોઈ રહ્યો. ‘ક’મોન મમ્મી ! આ રૂમ નાનાજીની પ્રોપર્ટી હતી જેમાં એમણે પોતાની સાથે તારું નામ ઉમેરાવ્યું. એમની ફરજ હતી તકલીફમાં મુકાયેલી દીકરી પ્રત્યે ! અને મામા-મામી, યસ એ સરસ રીતે વર્તે છે આપણી સાથે, પણ એનું કારણ તારો સ્વભાવ નથી? ને પ્લસ આ...’ દેવમે વાક્ય અધૂરું છોડ્યું. કાર બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં પ્રવેશી ચૂકી હતી. નિરુથી પાર્કિંગ વખતની સહજતા, એન્ટર થતી વખતે સિક્યુરિટીની આંખોમાં પરિચિતતા નોંધાઈ ગઈ. લિફ્ટ પાસે ઊભી રહીને એણે દૂરથી આવતા દેવમને જોયા કર્યો. વચ્ચે કોઈ મળ્યું એની સાથે દેવમે હાથ મેળવ્યા, છુટા પડતી વખતે ગળે મળ્યો એ જોયા કર્યું. લિફ્ટમાં આઠમા માળ સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. નિરુએ ફ્લેટમાં પ્રવેશ કર્યો. અનેક આલીશાન ઘરોમાં રોજ જવાનું અને ત્યાંથી આવીને પોતાના દોઢ ઓરડીના ઘરમાં સૂઈ જવાનું. ફ્લેટની બહાર નીકળતાં જ એનું મન એનાં દોઢ ઓરડીનાં ઘરમાં ઊડી જતું. ‘દેવમ સ્કૂલેથી આવી ગયો હશે, દેવમ કૉલેજ જવા નીકળી ગયો હશે, દેવમે ચા બનાવીને ગેસ તો બરાબર બંધ કર્યો હશે કે નહીં?’ પણ આજે વાત અલગ હતી. આજે એણે હૉલમાં સોફા પર બેસવાનું છે. કોન્ફિડન્સથી ! આ ફ્લેટના માલિકોની સામોસામ બેસીને જમવાનું છે, વાતો કરવાની છે. નિરુએ કપાળે હાથ ફેરવ્યો. ‘હાશ, પરસેવો તો નથી થયો. પાંત્રીસ વર્ષ જૂની નિરુ બની જાઉં? થોડીક અકડું, થોડીક હસમુખી !’ નિરુએ ઊંડો શ્વાસ લીધો. દેવમે એનો હાથ પકડી રાખેલો. એનાથી દેવમની હથેળી પર ભીંસ અપાઈ ગઈ. દેવમે હળવેથી હાથ છોડાવ્યો. નિરુએ ઘડીક પોતે સાવ એકલી પડી ગઈ હોય એવું લાગ્યું. વેવાઈ, વેવાણ, સાક્ષી સામે આવ્યાં. સાક્ષી પગે લાગી અને વેવાણ ગળે લાગ્યાં. નિરુને સારું લાગ્યું. એણે સાક્ષીને બુટ્ટીનું બૉક્સ અને મીઠાઈનું બૉક્સ આપ્યાં. બ્રેડરોલનો ડબ્બો કાઢવો કે નહીં એ વિચાર કરતી ઊભી રહી ત્યાં, ‘આ મારી ગ્રેટ મમ્મીની સ્પેશિયાલિટી !’ કહી દેવમે ડબ્બો ખોલી વેવાઈને ધર્યો. ‘ક્યા બાત હૈ !’ કહેતા વેવાઈએ એક રોલ ઉપાડીને બટકું ભર્યું. સાક્ષીએ પણ ખાધું અને ‘યે તો મમ્મીજી સ્પેશિયલ મેરે લિયે લાઈ હૈ !’ નિરુ હસતી હતી. બધાં ખુશ હતાં. સાક્ષીના પપ્પાએ પ્રસ્તાવ મૂક્યો, ‘દસ દિવસમાં બેઉને નીકળવાનું થશે. અમે તો સાક્ષીને ના જ પાડેલી, કેનેડા એમ નજીક થોડું છે? પણ જીદ કરીને આવી કે દેવમને લેવા તો હું આવીશ જ ! જુઓ કેવી હેરાન થાય છે? મૈં ક્યા સોચતા હૂં બહનજી, ચાર દિવસ આપણે મહાબળેશ્વર ફરી આવીએ? પછી છોકરાઓ સાથે આપણે કેટલુંક રહેવાના?’ વેવાણે અડધો રોલ પ્લેટમાં રાખી ટિશ્યુથી આંગળીઓ સાફ કરી. ‘બહુત ટેસ્ટી હૈ, તો કાલે સવારે દસેક વાગ્યે આરામથી નીકળીએ, બરાબરને બહનજી !’ નિરુએ બહુ વિચારવાનું બાકી રહ્યું ન હતું. એણે મલકીને કહ્યું, ‘જેમાં છોકરાઓ ખુશ રહે એમાં આપણે ખુશ રહેવાનું.’ અને સાક્ષીની સામે જોઈ રહી. ‘બેટા, તમને તો કાલે ફાવશેને? તબિયતમાં પ્રોબ્લેમ નહીં આવે ને?’ બેગો ભરાઈ, મહાબળેશ્વરથી આવીને ખાલી પણ થઈ ગઈ. ‘લગ્નના વરસ દિવસ પછી બેઉ ભેગાં થયાં છે તો ભલેને એ સાસરે રહેતો. અહીં આ દોઢરૂમમાં સાક્ષીને ક્યાં રાખવી?’ નિરુએ ભાભીને કહેલું. ભાઈઓ સામે જ હતા એટલે હળવેકથી બોલી જ લીધું, ‘બને તો હવે અગાસીમાં એક ઓરડો ચણાવી લેવો છે. દેવમ અને સાક્ષીએ કહ્યું છે કે મહિનાની અંદર કામ શરૂ કરાવી દેજે ! બાપુજીએ પણ કહ્યું જ હતું ને કે બને એટલું જલ્દી... બાપુજીએ બધાં કાગળિયાં પણ તૈયાર કરેલાં.’ નિરુએ જોયું કે ભાઈનું ધ્યાન ફોનમાં હતું પણ એણે બોલ્યા કર્યું. ‘જે કરો એ જલ્દી કરજો બાપા ! હવે અમારેય વહુ લાવવાની છે તો ઘર તો સરખું કરવું જ પડશેને? અમારે તો જે થશે એ અમારાં જોર પર જ થશે. દેવમને તો ઠીક છે, સધ્ધર સાસરું મળ્યું, છોકરીનાં જે ગોટાળા હોય તે ! ખરું છુટેલી છોકરીને લઈ આવ્યો ! દેવમને ભલે ચાલ્યું, ને એ લોકોએ અહીં રહેવાનું જ નથી એટલે તમનેય બધું ચાલી ગયું...! અમારે તો છોકરીને ઘરમાં રાખવાની એટલે અમારે તો કેટલુંય વિચારવું પડશે !’ ‘ભાભીને અત્યારે આ બધી વાતો કાઢવાની શું જરૂર પડી? એને થયું છે શું? ને અનિકેતને તો બહાર જવું છે એની ખબર નથી ભાભીને?’ નિરુ જવાબ આપવા શબ્દો ગોઠવતી હતી ત્યાં... ‘તું મૂંગી થઈશ હવે? ભેંસ ભાગોળે ને...! અગવડ તો અમનેય છે, કહીશ હું બધો વિચાર કરીને !’ ભાઈની રાડ સાંભળી નિરુ ઊંધું ઘાલીને બેસી રહી. સામે બા બાપુજીના નાનકડા ફોટા સામે જોઈ રહી. ‘કેટલું કરગરેલા તમે મારાં સાસુ સસરાની સામે ! એક છાપરું બાંધી દો તમારા બંગલાની અગાશીએ ! એ એનું કરી ખાશે, બાકી અમે જોતાં રે’શું. એને માથે ભગવાને કાળો કેર કર્યો પણ હવે તો એ તમારું જ માણસ કહેવાયને? જુઓ મહીનોય ચડી ગયો છે !’ સાસરિયા એકના બે ન થયાં. અંતે માબાપે અહીં છાપરું બાંધ્યું ને દેવમને પેટમાં લઈ બ્યુટીનું શીખી. છાપરાં સિવાય કોઈએ કંઈ જોવાની જરૂર ન પડી. બા દેવમને સાચવતી, બદલામાં બેઉ ભાભીઓની, બહેનની બધી ટાપટીપની જવાબદારી એને માથે હતી. નિરુને પોતાના ખોળામાં ભાભીઓના, બહેનના પગ દેખાયા. ‘રાત્રે આઠ સાડાઆઠે પેડીક્યોર, સવારે છ વાગ્યામાં મેકઅપ ! નિરુબેન, કાલે ફેશિયલ કરવાનું છે.’ બસ, એટલો સંદેશો આવી જતો. નિરુએ માથું ઝટક્યું. ‘જવા દેને... એકવાર દેવમની ફ્લાઇટ ઊડે પછી વાત.’ ઘર આંગણેથી ગાડી ઉપડી એમાં મોટાં ભાઈભાભી, દેવમ અને નિરુ ગોઠવાયાં. બીજી ગાડીમાં સાક્ષી અને મમ્મી પપ્પા સીધાં એરપોર્ટ પર મળશે એમ નક્કી થયું. ડ્રાઇવર સાક્ષીના પપ્પાનો હતો એટલે કોઈ બીજી તો કોઈ વાત થાય એમ ન હતી. એરપોર્ટ આવી ગયું. નિરુનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. પહેલીવાર જોયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને તાકી રહી. ‘આ કાચના દરવાજાને પેલે પાર એ રસ્તો છે જે મારા દીકરાને દૂર લઈ જવાનો છે, બહુ દૂર !’ એણે દેવમ સામે જોયું. એની ઑફિસના ફ્રેન્ડ્ઝ મળવા આવ્યા હતા. એ અને સાક્ષી હસતાં હતાં. બધું બહુ ચમકદાર અને ખુશખુશાલ દેખાતું હતું. ‘મિત્રો સાથે ઓળખાણ તો કરાવે !’ એવું વિચાર્યું ત્યાં જ દેવમ અને સાક્ષી એમનાં મિત્રોની સાથે નિરુ પાસે આવ્યાં અને ઓળખાણ કરાવી. ‘નમસ્તે આન્ટી, હેલ્લો આન્ટી !’ શરૂ થઈને બંધ થયું. મિત્રોએ વિદાય લીધી. હવે... હવે... સમય થોભવાનો ન હતો. સાક્ષી અને દેવમે ટ્રોલીના હેન્ડલ પર હાથ મૂક્યો ને નિરુએ પણ દેવમના હાથ પર હાથ મૂક્યો. ભાભી અને ભાઈ પાછળ આવીને ઊભાં રહ્યાં. દેવમ એમને પગે લાગ્યો. મામાએ એને છાતી સરસો ભીડી લીધો. ‘કેવો સમજદાર અને જવાબદાર થઈ ગયો છે મારો ભાણિયો ! બસ, હવે સમય આવ્યે તારી મા માટે પી.આર. કરાવીને ત્યાં તેડાવી લે એટલે ભયો ભયો ! નિરુ એયને તમારી સાથે મજા કરે એમાં અમે તો ખુશ ખુશ !’ મામીની આંખો ખુશીથી ચમકી ઊઠી. ‘સાચી વાત ! હવે તો બિલ્ડીંગ રીડેવલપમેન્ટ પણ થાય તો...’ એટલું બોલીને મામી તો ચૂપ. નિરુએ દેવમના હાથ પર મુકેલા પોતાના હાથને જોયા કર્યો. ‘હમણાં દેવમ બીજો હાથ મારા હાથ પર મૂકી કહેશે કે...’ ત્યાં તો સાક્ષીની આંખોમાં સવાલો ઉઠ્યા અને, ‘આ ક્યાંથી આવ્યું?’ સાક્ષીએ બોલી જ નાખ્યું. દેવમે સાક્ષીને ખભે હાથ વીંટાળ્યો. નિરુના હાથ નીચેથી હાથ સરકાવી લઈને એ હાથ સાક્ષીને બીજે ખભે મૂક્યો. ‘મામા, એને તો વર્ષો લાગશે. એ પહેલાં આવતે મહિને ચણતર ચાલુ કરવું છે. મમ્મીને બધી સગવડ થઈ જાય.’ મામાના હાથમાં ફોન આપીને કહ્યું, ‘ચાલો, અમારાં ત્રણેયનો એક ફોટો લઈ લો.’ સાક્ષીએ સેલ્ફીઓ લીધી. મામાએ ફોટા લઈ ફોન ભાણેજના હાથમાં મૂકી પાછું ફરવાનું કર્યું. સાક્ષી દેવમની ટ્રોલી લઈને દરવાજા તરફ એનાં મમ્મી-પપ્પા પાસે જઈને ઊભી રહી. દેવમ ફરી એકવાર નિરુને પગે લાગ્યો અને સાક્ષી તરફ જવા લાગ્યો. નિરુએ ઓવારણાં લેવાનું કર્યું પણ આંગળીઓ જડ બનતી લાગી. કાચના મોટા દરવાજાની પેલે પારનો રસ્તો દેવમ અને સાક્ષી માટે જ ખુલ્યો હોય એમ ફરીથી બંધ થઈ ગયો. નિરુ ત્યાં જ ખોડાઈ ગઈ. ભાઈએ પાછળથી આવીને એનો હાથ પકડ્યો અને ગાડી તરફ ચાલવા લાગ્યા. નિરુના ગળામાં સબાકા બોલતા હતા અને પગ ભાઈની પાછળ પાછળ ઘસડાતા હતા. આંખો પાછળ ફરી ફરીને એ કાચના દરવાજાની બેઉ તરફ પોતાને માટે પી.આર. શોધતી રહી.

વાર્તા અને વાર્તાકાર :

દીના રાયચૂરા (૦૫-૧૨-૧૯૬૨)

નોંધપાત્ર વાર્તા :

એંઠવાડ