નારીસંપદા : ટૂંકી વાર્તા/પેટે દીકરો નહીં પાણો પડ્યો

પેટે દીકરો નહીં પા'ણો પડ્યો

પદ્મા ફડિયા

ઘરડાંનું ઘર. પાનીમાં એ ઘરડાંના ઘરમાં એક રૂમનાં પલંગ પર આંખો મીંચી માળા ફેરવતાં હતાં પરંતુ એ એક એક માળાનાં મણકામાં ‘જય શ્રીકૃષ્ણ'ના નામને બદલે પુત્ર અને પુત્રવધૂએ એમના પર ગુજારેલા અત્યાચારો જ દેખાતા હતા ને યાદ આવતા હતા. એમની નબળી પડી ગયેલી આંખોમાંથી આંસુ વહીને કરચલીઓવાળાં ગાત્રો પરથી નીચે સરી પડતાં હતાં અને એ પોતે પણ ભૂતકાળનાં સંસ્મરણોમાં ડૂબી જતાં હતાં. કેવાં રૂપાળાં હતાં એ, જાણે આરસની મૂર્તિ કંડારેલી ન હોય એવાં સુંદર. લંબગોળ મુખ, મોટી પાણીદાર આંખો, લાંબી નાસિકા, રતુંબડા હોઠ, લાંબા કાળા વાળ, એવાં એ સુંદર. હાથમાં જ્યારે લાલ-લીલી કાચની બંગડીઓ પહેરી રોટલી વણતાં હોય ત્યારે એ બંગડીઓનો રણકાર સાંભળવા એમના પતિ ગરમ ગરમ રોટલી ખાવાનું પસંદ કરતા. પરણીને સાસરે આવ્યાં ત્યારેય એ કેટકેટલું ખાનપાન પામ્યાં. પતિ સાથે રોજ સવાર-સાંજ મોટરમાં બેસી ફરવા જતાં. કાંઈ ચીજવસ્તુઓ લાવવાની હોય તોય એમને પૂછવામાં આવતું, સાસુ પણ બધું જ એમને પૂછીને કરતાં, વટવ્યવહાર-ખર્ચ એ બધું જ એ જ કરતાં. પાનીમા આખું ઘર ચલાવતાં. એમના રાજ્યમાં સૌ કોઈ સુખી, સંતોષી અને શાંતિ અનુભવતા એવો એમનો સ્વભાવ હતો. ઘરના નોકરચાકરોને કોઈ વાતે ઓછું આવવા દેતાં નહીં, અરે, ખુદ પડોશીઓનાં બાળકોને પણ જરૂર પડ્યે સાચવતાં. આવાં પાનીમા હતાં. એવામાં અચાનક જ પાનીમાના પતિ પુલકિતરાય બે દિવસની માંદગીમાં મૃત્યુ પામ્યા. હજુ પિતાને મૃત્યુ પામ્યે અઠવાડિયું નથી થયું ત્યાં પુત્ર પ્રતીકે પાનીમા પાસે આવીને કહ્યું, “મા, બાપુજીની ફાઈલો આપ તો જોઈ લઉં કે એમની મૂડી ક્યાં છે અને કેટલી છે?" પાનીમાએ પુત્રને ફાઈલો આપી દીધી. પિતા ખાસ્સી મૂડી મૂકીને ગયા હતા. પરંતુ એ બધી મૂડી પત્નીના નામે હતી. પ્રતીકે જ્યારે એ બધી વાત પત્ની પ્રકાશને કરી ત્યારે તો એ ઊંચીનીચી થઈ ગઈ. બાપુજીએ બધી મૂડી બાને આપી દીધી. બા એ વાપરી કાઢશે તો? “બા શેમાં વાપરશે? અને વાપરશે તોય કેટલી વાપરશે? બહુ બહુ તો એ દેવધરમમાં વાપરશે, ભલેને વાપરતી, આપણને શી ખોટ છે?” પ્રતીકે પત્નીને સમજાવી. "ના... ના... એમનો ખર્ચ ઓછો નથી. આપણને તો ગમે તે ચાલે, પણ એમને ન ચાલે, બહાર જાય તો કાં તો મોટર, કાં તો રિક્ષા, જે આવે તેનેય કાંઈ આપે. રોજ રોજ કંઈ ને કંઈ મંગાવે, કેટલો ખર્ચ કરાવે છે એ તમે જોયું નહીં, તમે બાને કહો તો ખરાં કે હવે એમણે આ ઘર ચલાવવું જોઈએ." "ના, મારાથી બાને એમ ન કહી શકાય." કહી પ્રતીકે વાત ટાળી દીધી. પણ પ્રકાશને હવે એ મિલકત લેવાની તાલાવેલી લાગી. એ રોજ રોજ બા જમવા બેસે એટલે બોલતી, “બા, બાપુજી ગયા એટલે આવક પણ ગઈ, હવે તો એક તમારા દીકરા જ કમાણી કરશે, એની એકલાની ઉપર જ આખા ઘરનો બોજો, ઘરનો ખર્ચ ઓછો થાય તો સારું.” પાનીમાં કાંઈ બોલ્યાં નહીં, થોડાં દિવસ થયા ને પ્રકાશે વળી પાનીમા પાસે જઈને કહ્યું, “બા, હવે રસોઇયાની જરૂર નથી. રસોઈ હું કરીશ, તમે મને ટેકો કરશો ને?” “વારુ” કહી પાનીમા ચૂપ થઈ ગયાં. બીજે દિવસે રસોઇયાને રજા અપાઈ ગઈ. “બા, આ બે નોકરોને બદલે ઘરમાં એક જ નોકરની જરૂર છે, ઘરમાં છીએ તો આપણે ત્રણ જણ અને આ એક બેબી. બેબીને તમે રમાડશો તો ઘરકામ હું જ કરી લઈશ.” એટલે એક નોકર પણ ગયો... પાનીમાને માથે બેબીની સંભાળ આવી પડી. પછી તો બેબી પાનીમા સાથે જ રહેવા લાગી. એટલે દીકરો—વહુ રોજ રોજ દીકરીને મૂકીને ફરવા જવા લાગ્યાં. પાનીમાના હાથમાં બથડું છોકરું રહે નહીં, પડી જાય, વાગે એટલે તરત જ વહુ ગુસ્સે થાય... “તમે તો ખાવાનુંય બગાડો છો, આટલું અમથું છોકરુંય સચવાતું નથી!” પાનીમાં મૌન. જે વહુને એમણે હાથમાં ને હાથમાં રાખી છે, જે વહુ માંદી હતી તેનાં મળમૂત્ર પોતે જાતે સાફ કર્યાં છે. અરે, જે વહુની સુવાવડ પણ પોતે કરી છે એ વહુ આજે આવું કહી જાય? એ વેણ એમને બહુ જ આકરાં લાગતાં. અને હવે તો વહુએ પાનીમાને સવારની રોટલી સાંજે ગરમ કરી આપવા માંડી. પાનીમાંથી એ રોટલી ચવાતી પણ ન હતી, જેમ તેમ દાળમાં પલાળી એ ખાઈ લેતાં. એક દિવસ પાનીમાએ વહુને કહ્યું, “પ્રકાશ બેટા, મને આ રોટલી ચવાતી નથી, જરા બે રોટલી તાજી કરી આપ.” “બા, મને ક્યાં સમય છે રાંધવાનો, તમે જાતે કરી લો ને." કહેતી પ્રકાશ રૂમમાં ચાલી ગઈ. પાનીમા મૌન. એક સાંજે પ્રકાશને લગ્નમાં જવાનું હતું. તેણે સાસુ પાસે આવી કહ્યું, “બા, મને આજે તમારાં ઘરેણાં પહેરવા આપો ને, પછી પાછાં આપી દઈશ.” પાનીમાએ એમનાં જડતરનાં ઘરેણાં આપ્યાં. તે પ્રકાશે પાછાં જ ન આપ્યાં. જ્યારે પાનીમાએ એને કહ્યું, “બેટા, પેલાં ઘરેણાં લાવ પાછાં તિજોરીમાં મૂકી દઉં.” “બા, હવે તમારે એ ક્યાં પહેરવાં છે? ભલે ને મારી પાસે રહ્યાં.” પ્રકાશે એ ઘરેણાં લઈ લીધાં. પછી તો ઘરનો ખર્ચ પણ એ માંગવા માંડી. આજે તમારી દવાનો ખર્ચ આટલો થયો. આ ઘરમાં આટલો ખર્ચ થયો. રોજ રોજ પાનીમા આ સાંભળીને હેરાન હેરાન થઈ ગયાં. એ વિચારી રહ્યાં. ક્યાં પેલી સોનેરી જિંદગી! ક્યાં આ નરકાગાર. હવે માયા છોડવી પડશે ને શાંતિની શોધ કરવી પડશે. એમણે મનોમન એક નિર્ણય કરી નાખ્યો. એક દિવસ પ્રતીકે સવારમાં જોયું તો કેટલાક અજાણ્યા માણસો બંગલામાં ઘૂમતા હતા. કોણ છો ભાઈ?" પ્રતીકે પૂછ્યું. “અમે આ બંગલો જોવા આવ્યા છીએ. એ વેચવાનો છે એવું અહીં રહેતાં માજીએ કહ્યું હતું. પ્રકાશને ખબર પડતાં જ તે પ્રતીક પાસે જઈ બોલવા લાગી. “હાય બાપ રે! બા આવડો મોટો બંગલો વેચી દેશે, એના પૈસા એ ઉડાવી દેશે, બાનો હાથ ઉડાઉ તો છે જ. તમે જાઓ અને કહો, એ વેચી ન દે, નહીં તો આપણે બરબાદ થઈ જઈશું." કહેતી પ્રકાશ હાંફળીફાંફળી બની ગઈ. પ્રતીક દોડતો મા પાસે પહોંચી ગયો. “મા આ શું? તેં બંગલો વેચવા કાઢ્યો છે? મને કહેતી પણ નથી?” “બેટા, તને ઘણુંબધું કહેવા રોજ રોજ બોલાવતી હતી, પરંતુ તને સમય ન હતો, મને સાંભળવાનો, મારી પાસે બેસવાનો, મારા ખબરઅંતર પૂછવાનો, મારી જરૂરિયાતની ચીજો લાવી આપવાનો. તને તો જોઈતો હતો મારો પૈસો, મારી મૂડી. પણ તેં અને તારી પત્નીએ એક મોટી ભૂલ કરી કે જેનાથી મારી આંખ ઊઘડી ગઈ. “તારી પત્નીએ રસોઇયો કાઢ્યો, મારી પાસે રસોઈ કરાવી; નોકર કાઢ્યો, મારી પાસે વાસણ-કપડાં કરાવ્યાં, આયા કાઢી મારી પાસે છોકરી મૂકી તમે રોજ રોજ ફરવા જવા લાગ્યાં, મને સવારની સુકાઈ ગયેલી રોટલીઓ જમવા માટે આપવા માંડી, અને છેવટે મારાં ઘરેણાં પહેરવાને બહાને વહુ લઈ ગઈ તે તેણે લઈ જ લીધાં, અને મારી આંખ ઊઘડી ગઈ. કાલે તમે મારી પાસેથી આ બંગલો લઈ લેશો અને મને ઘરડાંના ઘરમાં ધકેલી દેશો, એવું મારે કરવું નથી, હું જ ઘરડાંના ઘરમાં જઈશ પણ તમારા કહેવાથી નહીં, મારી રીતે. આ બંગલો મારો છે ને હું વેચીશ, તમારે કશી જ માથાકૂટ કરવાની જરૂર નથી. આ બંગલો તારી માલિકીનો બને તે માટે વહુએ તને ચડાવ્યો છે એ પણ હું જાણું છું અને હવે મારે તમારી સાથે રહેવું નથી, તમારો સહારો પણ જોઈતો નથી. તમને જુવાનિયાઓને બુઢ્ઢાં ન ગમે પણ એટલું યાદ રાખજો કે તમે પણ એક વખત વૃદ્ધ થશો જ. જાવ... “હું તો આ ઘર ખાલી કરું જ છું, પણ હવે તમારેય એ ખાલી કરવું પડશે. અને હવે અહીં એક વૃદ્ધાશ્રમ બનશે. જ્યાં મારા જેવી અનેક વૃદ્ધાઓ જીવનનો અંતિમ શ્વાસ અહીં શાંતિથી લેશે. એ સમયે એમની પાસે કોઈ છેતરપિંડી કરનારું, લડનારું. અપમાનિત કરી કાઢી મૂકનારું અને એમને ઘરડેઘડપણ કામ કરાવનારું કોઈ તમારાં જેવું નહીં હોય. બેટા, તું બેટા કહેવાને લાયક રહ્યો નહીં અને વહુએ પણ વહુ તરીકેની નીતિ રાખી નહીં. જાવ.. લોકો કહેતાં કે દીકરી પેટે જન્મે તો પા’ણો જન્મ્યો, પણ આજે હું કહું છું કે દીકરો જો જન્મે તો એ પણ પા’ણો જ છે. એવામાં ઘરડાં ઘરની વાન આવી ને પાનીમાં કોઈનાય સામું જોયા વગર ગાડીમાં બેસી ઊપડી ગયાં. પાછળ પ્રતીક-પ્રકાશ... એ ઊડતી ધૂળના ધુમાડા જોતાં રહી ગયાં.