નારીસંપદા : ટૂંકી વાર્તા/પોટલાં

પોટલાં

ગોપાલી બુચ

“હં અ અ અ હં...! જરા, હાઉ કરો. હવે થાકી જવાય છે. હવે હાતમો મહિનો હાલે છ...” જીવી કપડાં સરખાં કરતી કરતી ઊભી થતાં બોલી. “એવું થાકી હેનું ઝવાય? બાપને ઘેર ભૂખમરો જોયો છ કે હું?” મનિયાએ જીવીને પિયર માટે તરત જ ટોણો માર્યો. “ભૂખમરો નત જોયો પણ આહીં હાહરે આવીને આખો દી’ ઘરનું કામ ટીચું છ ને રાઈત પડે તમાર હવાદ ટાણા.” જીવીએ આરામથી ખાટલે લંબાવતા મનિયાને ધીમે સાદે હળવા લહેકામાં કહ્યું. “તે ઘરના કામ હાટુ ને હવાદ હાટુ તો તને પયણી ને લાયો સ. બાકી બે ટાણાના રોટલા અમથા અમથા તોડવા હારુ થોડો લાયોસ તને? બાકી ગામની ઘણી છોરી આ મનિયા હાટુ મરે છ. ઈ ભૂલતી નહીં.” મનિયાએ ખાટલામાં જ જીવીથી ઊંધું પડખું ફેરવી લીધું. “કાં? તે અમે માણા નથ? થાક તો લાગે જ તે ! ને ઈ બધી મૂઈ તો મરે છ તમારા ખોરડા હાટુ. સરપંચના દીકરા સો ને, ઈમા.”, જીવીએ હળવા રોષથી જવાબ આપ્યો. ને એક જોરદાર થપ્પડ જીવીના ગાલ પર પડી. “તે કાં મારામાં મીઠું નથ? સરપંચના છોરા પર નહીં, આ મનિયા પર મરે છ, હમજી? રાં..., ને બહુ જીભડી હાલે છ તારી? મુંગી નથ મરી હકતી, હરામજાદી? ને કાલ હવાર લગીમાં તારો હામાન બાંધી મેલજે. મારો બાપ રોજ ક્યે સ તને. હમજચ ને ઈ હુ ક્યે છ્ ઈ?” એમ કહેતા મનિયો ઓશિકું લઈને રૂમની બહાર ખડકીમાં સૂવા ચાલ્યો ગયો. સામાન બાંધવાની વાતે ફરી જીવીના પેટમાં ફાળ પડી. પોતાના ઊપસી આવેલા પેટ ઉપર તેણે પ્રેમથી હાથ ફેરવ્યો. જરા જરા પેટ ફરક્યું અને તે વિચારવા લાગી, “હાચે જ ને જો છોરી આઈવી તો? આ પોટલાં તો હાથવગા રાઇખાં સ પણ જાવું ક્યાં? આટલી મોટ્ટી આ દુનિયામાં આ મુઈ નપરીને પગ મેલવા જેટલી જગા ક્યાં સે?” અને જીવીની ઊંઘ વેરણ બની ગઈ. ‘હે ભોળાબાપા ! હવે આનાય નાટક મારે જોવાનો વારો આઈવો?’ એમ સ્વગત બોલતાં બહાર ફળિયામાં સૂતેલાં મનુમાએ આજે ફરીવાર એક નિસાસો નાખ્યો. મનુમા મનિયાનાં દાદી. બે ઓરડીના ઘરમાં મનુમાના ખાટલાની જગ્યા નહોતી એટલે રવજી બાપાના ગયા પછી સરપંચ દીકરા દેવોધરના રાજમાં બે ટાઈમ રસોડામાં જમવા ગયા સિવાય મનુમા બહાર ફળિયામાં જ રહેતાં હતાં. રામજીબાપાના ગયા પછી એમના દીકરા દેવોધર ગામના સરપંચ બન્યા. સત્તા હાથમાં આવતાં જ દેવોધરનું મગજ સાતમે આસમાને રાચવા લાગ્યું. ગામમાં દેવોધર અને તેમના દીકરા મનોહરનું ગુંડારાજ છવાવા લાગ્યું હતું. સાંજ પડે ગામના ચોરે બેસીને દારૂ પીવો, આવતી-જતી બહેન-દીકરીઓને છેડવી એ જાણે એમનો રોજનો ધંધો થઈ ગયો. ગામમાં બધા કાળા કારોબાર બાપ-દીકરો ભેગા થઈ કરવા લાગ્યા. ઓલિયા ફકીર જેવા રવજી બાપાના દીકરાના કુછંદ જોઈ છાને ખૂણે મનુમાનો જીવ બળ્યા કરતો. દેવોધરનાં પત્ની રાજલબા પણ પોતાના વર અને દીકરાના આવા કુછંદથી રાજી નહોતાં. રાજલબાએ દેવોભાને સમજાવવાના ઘણા પ્રયત્નો કરી જોયા હતા પણ બધું વ્યર્થ. દીકરો મનિયો પણ રાજલબાને ઠેબે ઉડાડવા લાગ્યો હતો. દીકરા મનિયાને જીવી સાથે પરણાવ્યા પછી રાજલબાએ ડોશીને ફળિયામાં એકલી ન સૂવાડાય એ બહાના હેઠળ મનુમા જોડે ફળિયામાં સૂવાનું શરૂ કર્યું હતું પણ મુખ્ય કારણ તો દેવોભાના કુકર્મોનો આડકતરો વિરોધ જ હતો. પણ સત્તાના નાદમાં દેવોધર વિવેકહીન બની ચૂક્યા હતા. માની મર્યાદાનો લાજ-મલાજો છોડીને અડધી રાતે દારૂના નશામાં ધૂર્ત દેવોભા ઘેર આવીને રાજલબાને જબરજસ્તી અંદર રૂમમાં લઈ જવાનો પ્રયત્ન કરતા હતા. પોતાની વાસના સંતોષવા સિવાય દેવોધરને રાજલબાની કોઈ વાતમાં રસ પણ ક્યાં હતો? રાજલબા પણ મનુમાની મર્યાદાને કારણે જ અવાજ કર્યા વિના ચૂપચાપ દેવોધરની ઇચ્છાને તાબે થઈ જતાં. દેવોભાના પાશવી વર્તનને પરિણામે રાજલબા જાણે જીવતી લાશ જેવા થઈ ગયાં હતાં. સવારે ગાયો દોહવી, વાસીદું કાઢવું, ચારો નીરવો, બે ટંકની રસોઈ કરી યંત્રવત્ જીવન જીવતાં રાજલબા આખો દિવસ મનુમા પાસે મૂઢ અવસ્થામાં બેઠાં રહેતાં. મનુમા રાજલબાની હાલત સારી પેઠે સમજતાં હતાં, ક્યારેક રાજલબાને પ્રયત્નપૂર્વક બોલાવવાની કોશિશ કરતાં ત્યારે રાજલબા ‘હાં’, ‘હં’, ‘ભલે’ જેટલો પ્રત્યુત્તર માંડ આપતાં હતાં. પણ મનહરની પત્ની જીવકોરના આવ્યા પછી રાજલબામાં થોડો ઉત્સાહ સંચાર થયો હતો. જીવી પાસે રાજલબા મનની થોડી વ્યથા વ્યક્ત કરી લેતાં હતાં. દેવોભા અને મનિયાની ગેરહાજરીમાં ઘરની ત્રણે સ્ત્રીઓ થોડું હસી-બોલી લેતી હતી. ત્રણે જણાં એકબીજાને સારી રીતે સમજતાં હતાં અને એટલે જ ત્રણે જણાં એકબીજાને પોતાની સમજણ મુજબ હૂંફ આપતાં રહેતાં હતાં. પણ કુદરતને કદાચ એ પણ મંજૂર ન હોય એમ અચાનક એક દિવસ એ ઘરમાં ગોઝારી ઘટના બની ગઈ. જીવી બેજીવી થયાના સમાચાર સાંભળતા જ દેવોધરના હૃદયમાં આનંદનો ધોધ વહેવા લાગ્યો. પણ એ આનંદના ધોધે નકારાત્મક વલણ અખત્યાર કર્યું. ગામના ચોરે દારૂની મહેફિલ મંડાઈ અને દારૂના નશામાં ભાન ભૂલેલા દેવોધરના શરીરમાં વાસનાના અજગરે ભરડો લીધો. દારૂના નશામાં સાનભાન ભૂલીને મનુમા અને જીવીની હાજરીમાં દેવોભા આનાકાની કરતાં રાજલબાને પરાણે રૂમમાં ઢસડી ગયા. સાસુ અને વહુ બન્નેની હાજરીમાં બાંધબારણે પોતાના ઉપર થયેલી જબરજસ્તીની એ ઘટનાથી હતપ્રભ થયેલાં રાજલબાએ રૂમમાં જ ગળાફાંસો ખાઈ લીધો. આ ગોઝારી ઘટના પછી મનુમા અને જીવી વચ્ચે સમજણ સાથેના મૌનનો સેતુ રચાયો. હવે ઘરમાં સદંતર સન્નાટો જ વસતો હતો. દેવોભાને હવે ઘરની બહુ ફિકર રહી નહોતી. એમનો એકમાત્ર રસ હવે ઘરમાં વારસદાર દીકરો જોઈએ એટલો જ રહ્યો હતો અને એટલે જ ભાણે બેસતા અચૂક જીવીને સંભળાય એમ મનિયાને દેવોભા કહેતા, “જો મનિયા, આપણે આપણા વંશનો વારસદાર ઝોઈએ. દીકરો જ ઝોઈએ. વહુને કેજે કે પોટલા બાંધીને રાખે, દીકરી આવે તો પિયર હાલવા જ લાગે. આપણા ગામની ઘણી છોડીયું તારે ખોરડે આવવા તૈયાર છે.” જીવીને માથે રોજ સવાર-સાંજ આ શબ્દો તલવારના ઘા કરતાં કમ નહોતા. હવે તો તેને પણ ફડક પેસી ગઈ હતી કે દીકરી આવશે તો? એમાં પણ ગામની સુયાણીએ એની અનુભવી વાણીમાં મનુમાને તો કહ્યું જ હતું કે, ‘વહુને છોડીના એંધાણ લાગે છ.’ એ વાતે ચિંતિત જીવી દેવોભાના માથે મારવામાં આવતાં ટપલાં વખતે ઓશિયાળું મનુમા સામે જોઈ રહેતી. મનુમા પણ આંખમાં ઝળઝળીયાં સાથે ચૂપ રહેતાં. રાજલબાની વિદાયે મનુમાની રહીસહી વાણી પણ જાણે ઝુંટવી લીધી હતી. એમાં આજે મનિયાએ જીવી સાથે કરેલા વર્તને ફરી એકવાર મનુમાને રાજલબાની યાદમાં તડપાવી મૂક્યાં હતાં. મનુમા વિચારે ચડ્યાં, પોતે પરણીને આવ્યાં ત્યારે પોતાના સસરાને પણ એમણે બાપુશાહીથી જીવતા જોયા હતા. દેવોધર પેટમાં હતા એ વખતે પોતે પણ આ જ માનસિક યાતનામાંથી પસાર થયાં હતાં. હવે આંખ સામે મનુમા જીવીની આ માનસિક યાતનાને જાણે ફરીવાર અનુભવી રહ્યાં હતાં. એમાં પણ મનિયાના વર્તનથી મનુમા વલવલી ઉઠ્યાં. બીજે દિવસે સવારે દેવોભા અને મનિયાના ઘેરથી ગયા બાદ મનુમાએ જીવીને બોલાવી. જીવીને પાસે બેસાડી માથે હાથ ફેરવ્યો ત્યાં જ જીવી ભાંગી પડી. મોકળા સાદે જીવી મનુમાના ખોળામાં રડવા લાગી. મનુમાનો પ્રેમાળ હાથ જીવીના માથે ફરતો રહ્યો. મનુમાએ જાણે જીવીને સાવ ખાલી થવા દીધી. પછી ધ્રુજતા સાદે મનુમા બોલ્યાં, “જીવી, હાલ, ઓલ્યા તારા હામાન ભેગો મારોય હામાન લઈ લ્યે. આપણે ઝીવવું છ ને આપણી છોડીને ય તે ઝીવાડવી છ, હાલ, ઊભી થા. આપણે ઝાઈતે કમાઈશું ને ઝાઈતે ખાઈશું. આપણા આ કાંડામાં હજુ ઘણું ઝોર બાકી સે જીવલી. હાલ, ઝટ કર. હઝુ મોડું નથ થ્યું જીવલી.” અને એ રાતે ગામમાં ખળભળાટ મચી ગયો કે મનિયાની વહુ જીવી મનુડોશીને લઈને ઘેરથી ભાગી ગઈ. ઘણા લોકોએ તો એવો પણ દાવો કર્યો હતો કે, “હાંજના અંધારામાં ડોશી અને એક જુવાનબાઈને ગામ બહાર જતાં જોયાં છ. પણ ઈ બે બાઈમાણાં એકલાં નો’તાં જાતાં. ઈની વાંહે એક બાઈમાણાનો ઓળો ય તે હાઈલો જાતો જોયો છ.”

વાર્તા અને વાર્તાકાર :

ગોપાલી બુચ (૧૭-૦૯-૧૯૬૭)

‘પોટલાં’ વાર્તા વિશે :

ભારતીય પુરુષની સામંતશાહી માનસિકતા – ‘દીકરો ન આવે તો પોટલાં બાંધીને ચાલતાં થાઓ’ – એવું કહી શકે સ્ત્રીને. કારણ સ્ત્રીનું બીજું તો કોઈ મહત્ત્વ છે નહીં વંશ આગલ વધારવા સિવાય ! દીકરીને જન્મ આપે તો એણે પોટલાં બાંધીને ચાલતી પકડવાની. વડસાસુ વર્ષોથી આ ઘરની લીલા જોતાં હતાં. દીકરાની વહુ તો આત્મહત્યા કરીને છૂટી ગઈ. હવે પૌત્રની વહુના માથે ‘દીકરો ન આવ્યો તો ચાલતી થજે’ એવું કહી પ્સતાળ પાડતા પોતાના દીકરાથી ત્રાસીને ડોશી પુત્રવધુને લઈને ચાલતી થાય છે. વહુ અને ડોશી પાછળ જાણે કે રાજલબાનો પડછાયો પણ ચાલ્યો...