નારીસંપદા : ટૂંકી વાર્તા/બબુ ગાંડી

બબુ ગાંડી

સ્વાતિ મેઢ

મનુમાસીના રાજેશની જાન પોળને નાકે આવી પહોંચી. ત્યાં બેન્ડવાજાં તૈયાર હતાં. મોડી સાંજનો સમય હતો. ‘જાન આઈ ગઈ.’ પોળમાં સમાચાર ફેલાઈ ગયા અને પોળનું લગભગ બધું લોક જાનને આવકારવા દોડ્યું. પોળનો છોકરો રાજેશ નયનાને પરણીને આવી ગયો હતો. પોળને નાકેથી મનુમાસીના ઘર સુધી ખાસ્સો મોટો વરઘોડો નીકળ્યો. જાનડીઓએ ગીતો ગાયાં. હોંશે હોંશે વરઘોડિયા પોંખાયા. આઇસ્ક્રીમો વહેંચાયા. છેવટે બધું શાંત થયું. ઘરની પરસાળમાં કુટુંબની નજીકની સ્ત્રીઓ વચ્ચે ઘૂમટો કાઢીને નયના બેઠી હતી. એકદમ જ કોઈએ એનો ઘૂમટો ઉઠાવી લીધો. ‘કેવી રૂપાળી છે મારી ભાભી,’ એવું કાંઈક ન સમજાય એવું બોલીને ઘૂમટો પાછો ઢાંકી ય દીધો. બધાં હસી પડ્યાં. ‘બબુ, આવું ના કરાય’, મનુમાસી બોલ્યાં, ‘જા, ભૈ આઇસ્ક્રીમ આલશે.’ બબુ ઊઠીને જતી રહી. ‘આ બબુડી તે બબુડી જ.’ મનુમાસી હેતથી બોલ્યાં. ‘કોણ છે આ ગાંડી?’ નયના મનમાં બબડી. એને એ જ ઘડીથી બબુ તરફ અણગમો થઈ ગયો. બબુ પોળની લાડકી દીકરી હતી. નમણો ચહેરો, ચંપકવર્ણી ત્વચા અને હસતું મુખડું. કઠણ બાંધેલા લટકતી રિબીનોવાળા બે ચોટલા અને લગભગ ઘાઘરો કહેવાય એવું લાંબું સ્કર્ટ અને પાછળ એક બટનવાળું ફરાક પહેરીને બબુ પોળમાં ફરતી. બબુ એની માતાનું એકમાત્ર સંતાન હતી. દીકરીને જન્મ આપીને માતા થોડા જ દિવસોમાં મૃત્યુ પામી હતી. પ્રસૂતિ માટે પિયર ગયેલી અને ત્યાં જ ગુજરી ગયેલી. પત્નીનો શોક કરવા એને સાસરેથી કોઈ લોકો આવ્યાં પણ એ પછી બાળકીના પિતા સુદ્ધાં ક્યારે ય એની ખબર કાઢવા આવ્યા નહીં. બબુ એની માતાના માવતર પાસે રહેતી હતી. સગામાં એક માસી હતી પણ એ પરણીને દૂરના શહેરમાં રહેતી હતી. દેખાવે સુંદર આ બાળકી કુદરતના કમનસીબ અકસ્માતનો ભોગ બની હતી. એ મોટી થતી ગઈ તેમ તેમ સમજાતું ગયું કે શરીરથી વધતી જતી એ બાળકી બુદ્ધિના વિકાસમાં પાછળ હતી. એનું હલનચલન, વર્તન, હાવભાવ, ભાષા બુદ્ધિના અલ્પવિકાસને છતા કરતાં હતાં. તો ય રૂપાળી અને હસમુખી બબુ એના દાદાદાદી અને આખી ય પોળના લોકોની વહાલી દીકરી હતી. પોળના રહેવાસી નાના, મોટા, ગરીબ, પૈસાદાર બધાને જ માટે એ વહાલનું પાત્ર હતી. બબુ પાસે વિશેષાધિકારો હતા. પોળના કોઈ પણ ઘરના ખુલ્લા બારણાંમાંથી ઘરમાં ઘૂસી જવાનો, કોઈ પણ વ્યક્તિને તું કહીને બોલાવવાનો. બધાને એ કાકા, બાબો, બેબી, કાકી, ભૈ, ભાભી કહેતી. એ સિવાયનાં સંબોધનો એને બોલતાં આવડતાં ન હતાં. સવારમાં દાદી એને પરાણે નવડાવી, માથું ઓળી પાવડર છાંટી, આંખમાં મેંશ આંજી, ચોખ્ખાં ફરાક અને સ્કર્ટ પહેરાવી દે. એટલી વાર પૂરતી બબુ ઘરમાં હોય. બાકીનો સમય એ પોળના કોઈના પણ ઘરમાં હોઈ શકે. ઘરમાં થતી રસોઈમાંથી રોટલી, ભાખરી કે ગોળપાપડી, ફૂલવડી કાંઈ પણ ઉઠાવી લઈને એ ઘરની બહાર દોડી જાય અને આવતા-જતા લોકોને રોકીને ‘લે, આ પરસાદ ખા’ બોલીને ખવડાવે. ભલભલા શેઠીયા, વડીલો, સાહેબોને રોકીને એ ખવડાવે. એ લોકો હસીને પરસાદ લે અને ખાય પછી ‘હવે જા’ એવો હુકમ બબુ કરે ત્યાર પછી જ એ લોકો જઈ શકે. દાદીઓ-દાદાઓના દેવમંદિરોમાં ઘૂસીને ઘંટડી વગાડીને ‘દાદી જે જે કર, દાદા જે જે કર’ કરીને ભગવાનને પગે પડવા હુકમ કરે. જેજે એટલે સાષ્ટાંગ દંડવત અને દાદી દાદાઓ પગે વા હોય ને નીચા ન પડી શકાતું હોય તો ય હસતે મોઢે બબુનું કહ્યું માને. ખડકીને દરવાજે અંદર બહાર આવજા કરવી અને ચોકઠા વચ્ચે ફેર ફુદરડી રમવું, પગથિયે ચડીને કૂદકા મારવા એ બબુની પ્રિય રમતો. બબુ જેની સાથે નજર મળે તેની સામે મુક્ત હાસ્ય કરતી. આમ જ આખો દિવસ પોળમાં રમતી બબુને રાત પડે પોળનું જ કોઈક એને ઘેર પહોંચાડી આવે ત્યારે જ ઘેર જાય. એવી આ બબુએ નવોઢા નયનાનો ઘૂમટો ઉઠાવી લીધો એ વાત પોળમાં સૌને માટે હસવાની, હસી કાઢવાની વાત બની પણ એની આ હરકત નયનાને ન ગમી. એને ચીઢ ચડી’તી. એને બબુ નહોતી ગમતી. પોળમાં સૌ કોઈ આ અબુધ કિશોરીને નભાવી લેતું. બબુ આખી પોળની જવાબદારી હતી. એની પાસે કોઈને કશી જ અપેક્ષા નહોતી પણ નયના એને ન જ સ્વીકારી શકી. રાજેશે નયનાને બબુની વાત સમજાવી, પોળના બીજા લોકોએ પણ નયનાને સમજાવી. મનુમાસીએ તો માન છોડીને નયનાની માફી માગી પણ નયના બબુને ધિક્કારતી. બબુ સામે આવી જાય તો એને છણકો કરતી, બહુ નજીક આવી જાય તો ધક્કો ય મારી દેતી. બબુ પણ સમજી ગઈ હતી કે આ ભાભીને બોલાવવી નહીં. પછી તો નયનાએ પુત્રને જન્મ આપ્યો. બાળકનું નામ પાડ્યો પિંકો. નયના પિંકાને બબુથી દૂર રાખતી. એ બબુને ગાંડી ગણતી, કહેતી ય ખરી, ‘આવી આ ગાંડી.’ બબુ ય સમજી ગયેલી કે પિંકાને અડકવાનું નહીં. લાગણીની ગેરહાજરીની સમજ બબુને ય હતી. એક સાંજે પોળમાં સૌને ગભરાવી મૂકે એવું કંઈક બન્યું. મનુમાસીનું ઘર પોળમાં વચ્ચોવચ્ચ હતું, ચોકઠામાં. જૂના વખતનું સાંકડું પણ ત્રણ માળનું મકાન. ઘરમાં ત્રીજે માળ એક ઓરડો અને અગાસી, બીજે માળ એક ઓરડો અને છજું અને નીચે એક ઓરડો અને બહાર એક મોટો ઓટલો. આ ઓટલો મનુમાસીની પડોશી સખીઓ સાથેની કાયમી બેઠક. બપોરે અને રાત્રે ત્યાં મંડળી જામતી. એ દિવસે બપોરની બેઠક પૂરી થવામાં હતી. રાજેશને રજા હતી. એ અને નયના એમની મેડીના છજામાં બેઠાં હતાં. પિંકો પાસે રમતો હતો. અચાનક જ પિંકો છજાના કઠેડા પર ચડ્યો અને ચડ્યો એવો જ ગબડ્યો. રાજેશે બૂમ પાડી, ‘એ ય પિંકો પડ્યો !’ નયના સફાળી દોડી. નીચેથી મનુમાસીએ બૂમ પાડી ‘શું થયું અલ્યા?’ ચોકઠામાં રમતાં બાળકો બોલ્યાં, ‘એ પિંકો ઉપરથી પડ્યો.’ પોળમાં બૂમાબૂમ થઈ ગઈ, ‘રાજેશભૈનો પિંકો છજા પરથી પડ્યો.’ જોકે, પિંકો પડ્યો નહોતો. છજાના કઠેડાની નીચેની તરફ કોઈ ખીલા કે વળીમાં પિંકાનું ટીશર્ટ ફસાઈ ગયું હતું. પિંકો લટકી રહ્યો હતો. ‘પિંકાને ઉતારો કોઈ’ બૂમાબૂમ થઈ રહી. બેચાર છોકરાઓ ધરાર રાજેશની મેડી ચડી ગયા. છજામાંથી હાથ લંબાવીને પિંકાને પકડવા કોશિશ કરી. પણ પિંકો એટલો પાસે ન હતો. ‘હાય હાય, મારો પિંકો. કોઈ બચાવો મારા પિંકાને’, મનુમાસીએ ઠૂઠવો મૂક્યો. નયનાભાભી રડતાં રડતાં સૌને વિનવવા લાગ્યા. પિંકો અધ્ધર લટકે છે. ત્રણેક વર્ષનું બાળક હેબતાઈ ગયું છે. મમ્મી મમ્મી પપ્પા પપ્પા ચીસો પાડે છે. જોતજોતામાં આખી પાળ ઉમટી પડી. ટીવી પર ફિલ્મો જોતાં લોકો બહાર આવી ગયા. નોકરીથી ઘેર આવતા લોકોની ભીડ પણ એમાં ભળી. ‘દોરડું લાવો, દોરડું.’ વળી બૂમાબૂમ. કેટલાક યુવાનો પિંકાને કઈ રીતે ઉતારી શકાય એ વિશે ટેકનિકલ ચર્ચા કરે છે. તારણ કાઢે છે, ‘ટીશર્ટ ચીરાઈ જશે એટલે એ નીચે આવવાનો.’ ‘અલ્યા નીચે ચાદર લઈને ઊભા રહો. પિંકો પડે એટલે ઝીલી લેવાય.’ કોઈકે વ્યવહારું સૂચન કર્યું. ‘ચાદર ના ચાલે, જાડી શેતરંજી જોઈએ.’ બીજા એકે સૂચનમાં સુધારો કર્યો. એ જ વખતે પોળના એક ધનવાન, નિવૃત્ત સજ્જન સાંજનું ફરવા જવા નીકળ્યા હતા. એમણે સૂચન કર્યું, ‘ફાયરબ્રિગેડ બોલાવો.’ ‘એ તો કરાય પણ લાયબંબો અંદર કઈ રીતે આવે? નાકેથી ચોકઠા સુધી ગલી છે.’ ફાયરબ્રિગેડનું વાહન પોળમાં આવી શકે, ન આવી શકે, અગાઉ કયા કયા પ્રસંગે પોળમાં ફાયરબ્રિગેડ આવી હતી. આસપાસની કઈ પોળોમાં કઈ કઈ કટોકટીમાં ફાયરબ્રિગેડે શું શું કરેલું, કઈ કઈ પોળોના દરવાજા પહોળા છે, સાંકડા છે, મુંબઈમાં બહુમાળી મકાનમાં લાગેલી આગમાં ફાયરબ્રિગેડે કેટલું પાણી છાંટીને આગ બુઝાવેલી, દિલ્હીમાં, બેંગલોરમાં, ન્યૂયોર્કમાં ફાયરબ્રિગેડોએ કરેલાં પરાક્રમોની કથાઓ ચર્ચાઈ. ફાયરબ્રિગેડ આવે તો પિંકાને નીચે ઉતારવા કયા સાધનનો ઉપયોગ કરી શકે. એ લોકોની સીડીઓ કેટલી લાંબી હોય છે એ વિષે પણ માહિતીની આપલે થઈ. ઉપસ્થિત સૌ લોકોનું સામાન્ય જ્ઞાન વધ્યું. આ તરફ મનુમાસી રડે છે, નયનાભાભી રડે છે. રાજેશ બેબાકળો બની ગયો છે. મનુમાસીની બહેનપણીઓ એમને દિલાસો આપે છે. પોળના સગપણે દેરાણી, જેઠાણી થતી યુવાન સ્ત્રીઓ પોતપોતાનાં છોકરાં સંભાળતી નયનાને શાંત રાખવા મહેનત કરે છે. ‘પિંકો પડ્યો, હમણાં પડ્યો’, કેટલાક લોકોનું ધ્યાન ત્યાં પણ છે. ‘એય પછી ચાદરનું શું થયું?’ કોલાહલ વચ્ચે કોઈને યાદ આવ્યું. ‘ચાદર નહીં, શેતરંજી, જાડી જાજમ જેવી.’ બીજા કોઈએ સુધાર્યું. ‘એય જાજમ કોના ઘરમાં છે?’ વળી ચર્ચા ચાલી. કોના ઘરમાં જાજમ હતી, હવે નથી. હોય તો કેવી હાલતમાં છે, ‘એવા એ’ આલે ખરા કે નહીં? વળી થોડો ઇતિહાસ ચર્ચાયો, કથાઓ કહેવાઈ. આખરે આ સેંકડો વર્ષ જૂના શહેરની એટલી જ જૂની પોળનો ઇતિહાસ પણ હોયને? આવા પ્રસંગોએ જ નવી પેઢી એ ઇતિહાસ જાણે, અને એને જીવતો રાખે. ત્યાં કોઈનું ધ્યાન ગયું. ‘જો તો ખરા, પિંકો હલતો નથી.’ ‘હાય હાય બચારો પિંકો, કેવડો નાનો હતો નહીં?’ બે ચાર નિસાસા. ‘હાય હાય રે, મારો પિંકો... મારો લાલો, મારી આંખનું રતન, મારા હૈયાનો હાર, મારા કુળનો દીવો રે...’ મનુમાસીએ પોક મૂકી. પિંકો લટકતો હતો. હાથપગ હલાવીને થાકેલું એ બાળક હાલતું અટકી ગયું હતું. થોડી વારે એ પાછો હલવા માંડ્યો. ‘એ જીવે છે, જીવે છે. હાશ, જે મા’દેવજી !’ લોકોએ નિરાંતનો શ્વાસ લીધો. છજાના કઠેડાના ખીલે પિંકો લટકે છે. આસપાસ જમીન પર, ઘરોની બારીઓ, ગેલેરીઓ, અગાસીઓમાંથી એને નીરખી રહેલી પ્રજા. પોળમાં એ દિવસે એનોખું દૃશ્ય સર્જાયું હતું. પિંકો હાથપગ ઉછાળતો હતો, એનું ટીશર્ટ ચીરાતું હતું. પૂરેપૂરું ચીરાઈ જાય એટલે એ નીચે પડવાનો હતો. બધા એ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ આખા નાટક દરમ્યાન બબુ તો હાજર હોય જ. બબુ બબડ્યા કરતી હતી, ‘આવો આ પડી જશે.’ પિંકો લટકતો હતો ત્યાં જ એ ઊભી રહી હતી, એને ખસેડવા પ્રયત્ન કરનારાઓને ધક્કો મારીને આઘા કાઢતી હતી. ‘જા ને હવે.’ એટલામાં પિંકાનું ટીશર્ટ સાવ જ ચીરાઈ ગયું. આંખના પલકારામાં પિંકો ખીલા પરથી છૂટીને નીચે પડ્યો. ત્યાં જ ઊભી રહેલી બબુએ પોતાનું ઘેરદાર સ્કર્ટ ઊંચું કરીને પિંકાને ઝીલી લીધો. પિંકાને પડતો જોનારા સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. સ્કર્ટમાં ઝીલેલા પિંકાને લઈને બબુ ત્યાં જ બેસી પડી. પછી હળવેથી પિંકાને ઊંચકીને ઊભી થઈ, સ્કર્ટ સરખું કરીને નયના પાસે ગઈ, ‘લે ભાભી તારો પિંકો, હાચવ.’ આવું કશું ગરબડિયું બોલીને સ્કર્ટ ફરી એક વાર ખંખેરીને બબુ ભીડ વચ્ચે ચાલતી થઈ. બબુ, ગાંડી કહેવાતી બબુ, પિંકાને બચાવનાર બબુ. ખરેખર ગાંડી હતી? હવે સમજવાનો વારો નયનાનો હતો.

વાર્તા અને વાર્તાકાર :

સ્વાતિ મેઢ (૦૭-૦૫-૧૯૪૯)

એક વાર્તાસંગ્રહ :

1. ઊડી ઉગમણે દેશ (2010) 23 વાર્તા