નારીસંપદા : ટૂંકી વાર્તા/બળાત્કાર-૨

બળાત્કાર

મમતા પટેલ

અલ્પા એક સાવ સીધીસાદી અને નામ જેવી જ સરલ પણ સુંદર છોકરી. ના, હવે છોકરી થોડી જ કહેવાય? પૂરાં પાંત્રીસ વટાવી ચૂકી હતી. ઘાટીલું શરીર અને નમણા નાકનકશી, કોઈ હિરોઈન જેવી તો નહીં પણ હિરોઈનથી ઓછી પણ નહીં જ. ઉપરથી હમણાં છેલ્લા એક વર્ષથી સ્ટેપ કટ કરાવ્યા હતા ત્યારથી વાળ પણ હિલોળે ચડ્યા’તા કે જોનારને છરકો મારી જ દે. સુરીલને હમણાં કેટલાય દિવસથી અલ્પા વધુ ને વધુ ગમવા લાગી હતી, અરે... ગમતી તો હતી જ, આમ જ, આમ જ થોડાં લગ્ન કર્યાં હતાં? પણ છેલ્લાં પાંચ-છ વર્ષથી બન્ને વચ્ચે બધું ઠીક નહોતું. હોય હવે, પતિ-પત્ની વચ્ચે તો એવું ચાલ્યા કરે. સુરીલે યાદ કર્યું, કેટલી રમતિયાળ હતી અલ્પા જ્યારે પરણીને આવી હતી... જોતજોતામાં બે દીકરાની મા બનાવી દીધી હતી એને, અને અલ્પા પછી થોડી શાંત-ઠરેલ બની ગઈ હતી. ખળ ખળ વહેતી નદી પછી ધીમું ધીમું વહેતી હતી. અલ્પા આરતી અને પ્રસાદ લઈ આવી, સુરીલ એને જોઈ જ રહ્યો. હાથમાં ભલે પૂજાની થાળી હોય પણ લાગે છે તો સાક્ષાત રતિ, કામદેવથી મલકાઈ જવાયું. હા હા વળી, અલ્પા જો રતિ લાગતી હોય તો પોતે તો કામદેવ જ ને !! હમણાંથી થોડી વધુ સ્ટાઇલિશ થઈ ગઈ છે, યોગા-બોગા કરતી લાગે છે, કમરની લચક જો. સુરીલના મોંમા પાણી છૂટ્યું. અર્ધા ભીના વાળ હવામાં ઉલાળતા અલ્પા બોલી, “આમ શું જોયા કરો છો, જાણે કોઈ દિવસ જોઈ જ ના હોય?” “તું સાવ નવીનક્કોર લાગે છે.” સુરીલે લાગ જોઈને પત્તું ઊતર્યું. “તમારાં જ બાળકોની મા છું અને નવીનક્કોર?” આંખથી ધારદાર છણકો ફેંકતાં અલ્પા બોલી : ‘આ અમારા વચ્ચેનો વિખવાદ ભૂલી ગઈ લાગે છે,’ સુરીલ મનમાં જ બબડ્યો. ‘લગભગ પાંચેક વર્ષથી અમારી વચ્ચે કોઈ સંબંધ નથી, મારું તો ઠીક, એને તો ભૂખ લાગી જ હશેને...!!’ એ મનમાં વિચારી રહ્યો. “શું વિચારો છો?” અલ્પાએ નાસ્તાની પ્લેટો ડાઇનિંગ ટેબલ પર ગોઠવતાં પૂછ્યું. થોડી શ્યામળી પણ ઘાટીલી પીઠ પર કુર્તાની દોરીના લટકણિયાં ઝૂલતા સુરીલ જોઈ રહ્યો. અલ્પાએ કહ્યું, “આવી જાવ.” અને સુરીલ પાણી પાણી થઈ ગયો. અલ્પાએ પ્લેટ સાથે ચમચી ખખડાવી ફરી ટહુકો કર્યો, “આવી જાવ નાસ્તો કરવા.” સુરીલ જાણે નવો નવો પ્રેમમાં પડ્યો હોય તેમ થોથવાયો. “હા, હા.” કહેતો ઊભો થઈ ખુરશી પર ગોઠવાયો. અલ્પા ફટાફટ પ્લેટમાં નાસ્તો પીરસવા લાગી, હાંડવાના ત્રિકોણ ક્રિસ્પી પીસ, મેથીના તલ નાખીને વઘારેલાં મુઠિયાં અને... સુરીલને આજે નાસ્તા કરતાં નાસ્તો પીરસવાવાળીમાં વધુ રસ હતો. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી જ બન્ને બરાબર બોલતાં થયાં હતાં. સુરીલને ખરાબ લાગ્યું, ‘મારી જ ભૂલ છે કે આવી સુંદર પત્નીને છોડીને હું અહીંતહીં... પણ હવે હું સુધરી જઈશ. જોકે, આવું તો પોતે બે વર્ષ પહેલાં અલ્પાને કહ્યું જ હતુંને...’ “ધારી ધારીને શું જુઓ છો? આપણી ગુજરાતી વાનગીઓ જ છે,” અલ્પા મલકીને બોલી. સુરીલ એના ગાલ પર પડતું પેલું નાનકડું ખંજન જોઈ રહ્યો. ‘આજે મને આ શું થઈ રહ્યું છે? અલ્પા, વા ઊપડ્યો છે કે શું?’ એ વિચારીને મલકી રહ્યો. “આ જલેબી લો.” અલ્પાએ પ્લેટમાં જલેબી મૂકવા હાથ લંબાવ્યો અને સુરીલે પકડી લીધો. અલ્પા થોડી ડઘાઈ પણ તરત જ હાથ છોડાવતાં બોલી, “સુરીલ, આ શું કરો છો?” સ્ત્રી આનાકાની કરે એટલે પુરુષને વધુ શૂરાતન ચડે એ આમ જ થોડું કહેવાય છે? સુરીલે ફરી કસકસાવીને હાથ પકડ્યો અને અલ્પાને નજીક ખેંચી, અલ્પાની શિફોનની ઓઢણી સરકી ગઈ. સામે દેખાતું અનુપમ સૌંદર્ય... સુરીલ પાગલ થઈ ગયો, વાઈન કલરના કુર્તાના લો કટ ગળામાંથી ડોકાતા ભરાવદાર ઉરોજ, ‘મારી જ પત્નીનું આ રૂપ અને હું જ ઉપવાસ કરું?’ સૌંદર્યપાનમાં અધિકાર ભળતા જ પક્કડ વધુ મજબૂત થઈ. સુરીલે અલ્પાને કમરેથી પકડી, અલ્પાએ ધીરેથી સુરીલનો હાથ હટાવતા કહ્યું, “આમ નહીં, લગભગ બે વર્ષે આપણે નજીક આવ્યાં છીએ, સરસ પ્લાન કરીએ.” સુરીલ અલ્પા જે કહે તે કરવા તૈયાર હતો, બે વર્ષ પહેલાં પણ એ ત્રણ વર્ષે અલ્પા પાસે પાછો ફર્યો હતો, પણ આવો ઉન્માદ નહોતો. અલ્પાએ પણ ક્યાં આવું કંઈ પ્લાન કરવા કહ્યું હતું. સીધીસાદી રીતે તાબે થઈ ગઈ હતી, પણ હવે એ બદલાઈ છે, કદાચ આ વખતે એને જ વધુ ઇચ્છા... સુરીલને ગલગલિયાં થઈ ગયાં. “તમે જવાબ ન આપ્યો.” અલ્પાએ સાવ નજીક આવીને પૂછ્યું. “હા, હા, તું કહે તેમ... બોલ શું પ્લાન કરવું છે ડિયર?” સુરીલે અલ્પાના ગળા પર ચુંબન કરવાની કોશિશ કરતાં પૂછ્યું. અલ્પાએ મીઠો છણકો કરતાં ઝટકાથી સુરીલને દૂર કર્યો, “હં હં, હમણાં નહીં, થોડી ધીરજ ધરોને પ્લીઝ.” સુરીલ અલ્પાની માદક અદા જોઈ રહ્યો. ‘સ્ત્રી પાંત્રીસ પછી જ વધુ ખીલે.’ એને કૉલેજનો મયંક યાદ આવ્યો જે બાજુમાં રહેતી કોઈ પરણેલી ભાભી સાથે... એણે માથું ખંજવાળ્યું. અલ્પાએ ફ્રીઝમાંથી ગજરો લાવી અને વિન્ડો એસીની ગ્રીલ પર બાંધ્યો, વાતાવરણ સુગંધથી મહેકી ઊઠ્યું. ચાર-પાંચ પરફ્યુમ્ડ કેન્ડલ પણ લઈ આવી. સુરીલ એને પકડતા બોલ્યો, “ભર બપોરે કેન્ડલ?” “હા, તમને ગમશે.” પોતાને હળવેકથી છોડાવતા અલ્પા બોલી. સુરીલે લગભગ દોડીને એને ફરી પકડી, “હવે શું બાકી છે? મને તો તું જ એટલી ગમે છે કે આ બધાની...” અલ્પાએ સુરીલના મોં પર હાથ મૂક્યો અને કહ્યું, “યાદ છે, લગ્ન પછીના દિવસોમાં આપણે એટલે કે તમે, સાથે સમય પસાર કર્યા પછી કૉફી પીતા અને મને પણ એકાદ બે ઘૂંટડા ધરાર પીવડાવતા...” “હા, તને યાદ છે? સમાગમ પછી કૉફીની મજા જ કંઈક ઓર હોય.” “તો થોભો, બનાવીને થર્મોસમાં ભરી લઉં પછી આપણે બન્ને પીશું.” “તું પણ?” કહેતાં સુરીલે અલ્પાની લટ કપાળ પરથી કાન પાછળ નાખતાં સાવ કાનમાં પૂછ્યું. “હા, હું પણ...” અલ્પાએ ગરમ કૉફી થર્મોસમાં ભરી. ગરમાગરમ કૉફીની સુગંધે સુરીલની ઉત્તેજના ઉશ્કેરાટમાં બદલી દીધી. એને હવે અલ્પા સિવાય કંઈ જ ખપતું નહોતું. અલ્પાએ ફરી પોતાને સુરીલથી છોડાવી અને કહ્યું, “ગાઉન પહેરવા દો” સુરીલ લુચ્ચું હસ્યો, “પહેરવાની વાત ના કર.” અલ્પા બીજા રૂમમાં જતી રહી જ્યાં એ પાંચ વર્ષ સૂતી હતી, સાવ એકલીઅટુલી... ના, ના, વચ્ચે ચારેક વાર પાછા ફરેલા પતિદેવને સુધરવાની તક પણ આપી હતી, આયનામાં પોતાને જોઈને એ મલકાઈ. બે જ મિનિટમાં મરુન ગાઉનમાં સજ્જ થઈને એ આવી, સુરીલથી હવે રહેવાતું નહોતું. એની બધી ઇચ્છાઓ નસોમાં ધસમસી રહી હતી. એણે અલ્પાને બાથમાં લીધી, અલ્પા પણ સાવ શરણમાં... બન્ને સાવ નજીક, વર્ષોનું અંતર ક્ષણમાં પીગળી ગયું. કદાચ આને જ પતિ-પત્નીનો સંબંધ કહેવાતો હશે ! મરુન ગાઉનનો ઉપરનો કોટ ઊતરી ચૂક્યો હતો. સ્લિપમાંથી બ્લેક બ્રાની સ્ટ્રીપ અને ઉત્મત્ત ઉરોજ, બસ હવે સ્વર્ગ હાથવેંત હતું. સુરીલ ક્યાંક ખોવાઈ ગયો હતો. એની આંખો અલ્પાના ઢોળાઈ રહેલા સૌંદર્ય પરથી હટતી નહોતી. અલ્પાએ સુરીલના કાન પાસે જઈને કહ્યું, “બહુ મજા આવે છેને?” સુરીલે અલ્પાની ગરદન પર ચુંબન કરતાં કહ્યું, “હા, બહુ જ, તું આટલી હોટ ક્યારથી થઈ ગઈ?” “હું અને હોટ?” “હા, તું સાચે જ બહુ હોટ થઈ ગઈ છે, મને ખબર હોત કે તને થોડાં વર્ષનો બ્રેક આપવાથી તું આવી હોટ થઈ જઈશ તો બહુ પહેલાં જ...” અલ્પાએ સુરીલના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને એને વધુ ઉશ્કેરવાની ચેષ્ટા કરી. સુરીલની ઇચ્છાઓ આવેગ બની ધસી આવી. “ઓ હો, તું આટલી સમજદાર પણ બની ગઈ, ક્યારથી?” “જ્યારથી તારાં અપમાન સહ્યાં ત્યારથી, હું જેને પ્રેમ સમજતી હતી એ તારા કરેલા બળાત્કાર હતા એ સમજાયું ત્યારથી, પત્ની પ્રેમિકા નહીં પણ વાસના પૂરી કરવાની વસ્તુ છે એવી વ્યાખ્યા સમજાવી ત્યારથી.” અલ્પા એકશ્વાસે બોલી ગઈ. સુરીલ ડઘાઈ ગયો, એણે અલ્પાને નજીક ખેંચી. અલ્પાએ ઝટકાથી એને દૂર કર્યો અને લગભગ બરાડી જ ઊઠી, “આપણે બહુ દૂર નીકળી ચૂક્યાં છીએ સુરીલ, અલગ-અલગ દિશામાં, હવે આ શક્ય નથી, ગેટ લોસ્ટ.” સુરીલનો આવેગ શાંત થઈ ગયો. એના અહમ્ પર ઘા વાગી ચૂક્યો હતો, એણે ફટાફટ કપડાં પહેર્યાં અને આંખોથી અંગાર વરસાવતી અલ્પા સામે એક નજર નાખી પગ પછાડતો ચાલ્યો ગયો. અલ્પાએ કપડાં વ્યવસ્થિત કર્યાં અને ખુલ્લા વાળનો અંબોડો બાંધી સોફા પર ફસડાઈ પડી. બે-ચાર મિનિટ પછી કળ વળતાં એણે પોતાનું ધ્યાન બીજે વળગાડવા ટીવી ચાલુ કર્યું. સ્ક્રીન પર ન્યૂઝ ઝબૂકી રહ્યા હતા. “પત્ની પર વારંવાર બળાત્કાર કરતા પતિનું શિશ્ન પત્નીએ વાઢી નાખ્યું.” અલ્પા એક સંતોષ સાથે મલકાઈ, “દરેકને ક્યાં વાઢવું પડે છે, બસ વાળવું જ પડે છે.” અને એણે થર્મોસમાંથી કડવી કૉફી મગમાં કાઢીને ચુસ્કી લીધી.