નારીસંપદા : ટૂંકી વાર્તા/મંગળસૂત્ર

મંગળસૂત્ર

બિંદુ ભટ્ટ

પુષ્પાએ બસના છેલ્લા પગથિયેથી નીચે પગ મૂક્યો ને પાછળથી એક હડદોલો આવ્યો. પગ ઠેરવતાં ઠેરવતાંમાં તો એ અર્ધું ગડથોલું ખાઈ જ ગઈ. એકદમ ઊંચી થવા ગઈ તો ડાબા પડખામાં એવો તો સબાકો આવ્યો કે એ બેવડ વળી ગઈ. કળ વળતાં એણે પાછળ જોયું, ‘સાલા દાઢીજાર’—પીડાની સાથોસાથ હોઠે આવેલી ગાળ પણ ભીંચાઈ ગઈ. એણે સાડીના છેડાથી હોઠના ટશિયા લૂછ્યા ને ચાલવા માંડ્યું. આજે તો ચા પણ અર્ધી એંઠી છાંડીને નીકળી છે ત્યાં ઝઘડવાની નવરાશ ક્યાંથી લાવવી. સૂરજ ખાસ્સો ઉપર આવી ગયો હતો. હજી તો અર્ધો ગાઉ ચાલીને હાથસાળ સોસાયટીએ પહોંચવાનું છે. આ શિયાળો બેઠો ત્યારથી એકેય પને નથી પહોંચાતું. પહેલાં આવું નહોતું. પુષ્પાને થયું, સાચ્ચે જ પહેલાં આવું ક્યાં હતું? લગ્ન પહેલાં પંદર વર્ષ સુધી તો સૂરજ ક્યાં ઊગે છે ને ક્યાં આથમે છે એનીય ગતાગમ નહોતી અને પરણીને સાસરે આવી તોય ચૂલ્હા—ચૌકા સિવાય ક્યાં કંઈ જોવાનું હતું. એ તો ગંગાજીનો પુલ પાર કરીને આ સાબરમતીને કાંઠે આવી ત્યારે ખબર પડી કે દુનિયામાં એવીય નદી છે, જે વર્ષમાં અગિયાર મહિના કોરીધાકોર રહે છે. દિવસના અજવાળામાં પહેલી વાર ધારીને હરપાલને જોયો ત્યારે સમજાયું કે એના અવાજ જેટલી જ એની આંખો પણ કરડી છે. ઓરડીની બહાર પગ મૂકતાં જ એ હેબતાઈ જતી. કંઈકેટલીય આંખો ખંખેરતી એ જાતને ગડી વાળીને મૂકી દેવા મથતી. સમય જતાં એ હેરતથી અહીંની સ્ત્રીઓને જોયા કરતી. ચૂલ્હા-ચૌકા, કપડાં-બરતન, ઝાડુ-પોંછા, હાટ- બજાર, બ્યાહ-માતમ – બધે વીજળીની જેમ ફરી વળતી સ્ત્રીઓ કોઈ જુદી માટીની લાગતી. અરે, મહોલ્લામાં ટંટો-ફિસાદ થાય ત્યારે ધણીને ઘરમાં મોકલી એકલી જ પહોંચી વળતી હતી. પુષ્પાની વિસ્ફારિત આંખો જોઈ હરપાલ કહેતો, 'અરે ઈન કા બસ ચલે તો યે તો અકેલે હી બચ્ચે પૈદા કર લે. તુમ સે તો...' પતિનું અર્ધું વાક્ય સમજીને એ સામું વીંઝવા જતી, પણ એની આંખોના લાલ ખૂણા દેખાતાં એ તલવાર મ્યાન કરી લેતી. નવી નવી આવી એ અરસામાં એક વખત એણે બે દિવસ સુધી એકલી રોટલી જ બનાવી. પડોશણ રજ્જોએ પૂછ્યું તો કહે, ‘મુન્નીના બાપુ નથી. હું કઈ રીતે બજારે જાઉં ? અમારામાં તો.' રજ્જોએ લગભગ ઘમકાવતાં કહેલું, 'અરે લાજો રાની, ઈસ તરા અપણે ઉઘર કે રિવાજ સે ચલોગી તો જિંદગીભર એક ન એક ચીજ કો તરસતી રહોગી. જિસ તરા આપણે ઉપર કે ઘૂંઘટ ઔર ચદર છોડ દિયે વૈસે યે નખરે ભી છોડો ઔર હાથ પૈર હિલાઓ. એક બાત ગાંઠ બાંધ લો. જૈસા દેસ વૈસા ભેસ. તુમ ભી સિખો ઔર છોકરીઅન કો ભી સિખાઓ.' 'ક્યા કુછ નહિ સિખા' કહેતાં પુષ્પાથી નિસાસો મુકાઈ ગયો. સવારના ચાર વાગ્યાથી ચરખો ચાલુ થાય. એના ઊઠતાંની સાથે જ જોડે સૂતેલી છૂટકી જાગી જાય. આમ તો આઠ વરસની છે, પણ પાતળા પાગરણમાં માને કારણે જ હૂંફ વળે. પુષ્પા એને હરપાલ પાસે સુવાડે ને ઉપર બીજું પોતાનું ગોદડું નાખે. ગાભાના સાવ નમાલા ગોદડામાં ટૂંટિયું વળીને સૂતેલા હરપાલને જોઈ ક્યારેક એનું સિંદૂર ઓગળવા માંડે તો વળી ક્યારેક પગના બિછિયા આંગળીઓમાં ખૂંપવા લાગે. એના હાથમાં એક કામ હોય અને આંખો હવે પછીના કામ પર મંડાયેલી. અને મન હિરવણાની જેમ ગઈકાલ અને આજમાં સૂતર છૂટાં પાડતું રહે. જે ઠકુરાઈનના પગની પાનીય ધોળા દિવસે એનો ઘણી પણ જોવા ન પામે એ મ્યુનિસિપલ સંડાસની લાઈનમાં ઊભી ઊભી પગ બદલ્યા કરતી. એ લાઇન પતતી તો નળની શરૂ થતી. અમસ્થા તો પાણી અને કપડાં છોકરીઓને માથે નાખેલાં, પણ જ્યારથી આ શિયાળો બેઠો છે, એનો માનો જીવ માને નહીં. પોતે પાણી ભરી કપડાં ધુએ, મોટી ટિફિન કરે અને વચલી સરોજ—શૈલુ પથારી ઉપાડી તૈયાર થઈ કોલેજ જાય. ઝાડુ-પોતાં અને સાંજની રસોઈ વચલીઓને માથે. મોટી મુન્ની બપોરે રેડીમેઈડ કપડાંની ડઝનના ભાવે સિલાઈ કરે. સપનાં જોવાની ઉંમરમાં એની આંખે ચશ્માંય આવી ગયાં. દિવસ આખો મથે ત્યારે માંડ રોજનું શાક-પાંદડું નીકળે. રજ્જો ઘણી વાર કહે, 'બડકી કો બિઠા દે કરઘે પે. દોનોં કમાઓગી તો કલકો ચાર પૈસે ભી જમા હો સકેંગે.’ પુષ્પાની ઉદાસીને તળિયે બેઠેલો આતંક આંખોમાં તરી આવે. છોકરીઓને બહાર કામે મોકલવાની વાતે હરપાલ ગાંડા હાથીની જેમ ઘરને ચૌટું કરી મૂકે તો? પુષ્પા ચાર રસ્તે રોડ ઓળંગતી હતી ને ત્યાં પસાર થતી બસમાંથી એના નામની બૂમ સંભળાઈ. એણે જોયું તો રજ્જો બારણામાં ઊભી ઊભી હાથમાંનું ટિફિન હલાવતી હતી. એને થયું આજેય એ મોડી પડશે. આ સરક્યુલર બસ કરતાં રજ્જોની જેમ ડબલ બસ કરીને આવી હોત તો? પણ રોજ જતાં—આવતાંના રોકડા રૂપિયા દસ ક્યાંથી પોસાય? રજ્જોનો વાદ ન થાય. એને તો ધણી ને પોતે બન્ને કમાય. વળી છોકરાઓમાં પાલવવાનો એક, હમીદ. મારે માથે ચાર- ચાર જુવાન છોકરીઓ. શું થશે ? કોણ ઝાલશે એમનો હાથ ? એણે મનને બીજે વાળવા વિચાર્યું કે 'આજે હાજરી માસ્ટર છુટ્ટી પર હોય તો? પુષ્પા પડતાં પડતાં રહી ગઈ. જોયું તો સેફ્ટી પિનથી ટકેલી સ્લીપરની પટ્ટીય તૂટી ગઈ. એને હતું જ કે આ ગમે ત્યારે જશે. હવે એને બહુ આંચકો લાગતો નથી. એણે સ્લીપર કાઢી હાથમાં લીધાં અને બીજા હાથે સાડીની પાટલી ઊંચી ખોસી. ઉતાવળે કપડાં ધોવાની લાયમાં અર્ધી પલળી જતી. બસમાં એનાં ભીનાં કપડાં જોઈ લોકો ખસી જતા. આમાં લાભ જ હતો. એ સહેજ મરકી જતી. આ બધાને અચનેરાનાં ગંગાજીમાં ગળકાં ખવડાવ્યાં હોય તો ! શિયાળામાં સવારે અગિયાર વાગ્યા સુધી ગંગાકાંઠે જુવાનિયા ક્યાંક તેલમાલિશ કરાવતા હોય તો ક્યાંક દંડબેઠક કરતા હોય. નાહીને નાનો દિયર મહેન્દ્રપાલ ઘેર આવે તો પાંચસો ગ્રામ ચોખા ઝાપટી જાય. અને પોતે? એક બાજુ ચૂલે ગરમ પાણી ઉકળતાં હોય અને નાઈન આવીને તેલ—ઉબટન કરી નવડાવે. નાહીને અંદરના આંગણામાં વાળ કોરા કરતી માંચી પર બેઠી હોય અને નાઈન પગે મહાવર લગાડતી હોય. મહાવર તો આજેય છે, પણ એનો રંગ હવે તરડાઈ ગયો છે. એક તો ઉઘાડાં પગ અને વળી ભીનો ચણિયો. વાઢિયાની પીડા દાંત ભીંસીને દબાવે તો પગમાં ફદડ ફદડ કપડાં ભરાય. પુષ્પાને થયું આમ સામા વહેણે ને સતત વહેરાતી એ ક્યારે પહોંચશે. દૂરથી માનવમંદિરની ફરફરતી ધજા જોઈ એણે માથું નમાવ્યું. મંદિરના ટાવરમાં જોવાની હિંમત ન ચાલી. ત્યાં ડંકા પડવા માંડ્યા. નવ થઈ ગયા. આજ તો હાજરી માસ્ટર પાછી કાઢશે. સોસાયટીના ઝાંપે પહોંચતાં એણે કમ્પાઉન્ડ વીંધીને સામે જોયું. ઓરડાના ઉંબર પાસે ટેબલ પર હાજરી માસ્ટર દયાળજી નીચું ઘાલીને કંઈક લખતા હતા. પુષ્પાને થયું પાછી જતી રહું? પણ પછી તો ઝુકાવી જ દીધું. એના ઝાંપા ખોલવાના અવાજ સાથે દયાળજીની નજર ઊંચકાઈ અને બાયફોકલ ચશ્માંમાંથી સીધી ભોંકાઈ. ચાર પગથિયાં ચઢતાં તો પુષ્પાને થયું હમણાં એ ફસડાઈ પડશે. જેવી એ નજીક આવી કે ટાંપીને બેઠેલા દયાળજીએ રજિસ્ટર પછાડતાં તરાપ મારી. ‘આજેય મોડું? ક્યાં રખડવા રોકાણાં'તાં? આ કંઈ બાપાનો બગીચો છે કે મન ફાવે એ કરો. છે કંઈ ચિંતા? આ ઓર્ડરની સાડી આડે ચાર દી રહ્યા છે ને અર્ધી સાડી તો હજી બાબિનમાં જ છે. આ થાંથાબાઈ તો કરી રહ્યાં પૂરી.' સહી કરતી પુષ્પાને ખુલાસો આપવાની ઇચ્છા જ ન થઈ. શું કહે? શિયાળામાં સ્કૂલના ટાઈમ મોડા થતાં બબ્બે બસ ચિક્કાર જાય ત્યારે માંડ ત્રીજી મળે અને એય લટકતાં-લબડતાં. પણ આ અઠવાડિયામાં એ ચોથી વાર મોડી પડી. રોજ રોજ એ જ કારણ. એક તો કરગરીને જરી બોર્ડર બુટ્ટી લીધી. આ કામચોરોની તો દયા ખાવા જેવી જ નથી. અહીં તો ધરમ કરતાં ધાડ જ પડે. આ ભૂખડીબારસોને તો...’ દયાળજીના બાકી શબ્દો પુષ્પાની સાળની ખટાખટને અથડાઈને વીખરાઈ ગયા. દયાળજીનો ગુસ્સો પુષ્પા સમજતી હતી. અત્યાર સુધી એ સૂતર અને રેશમ પર બેસતી. આ વખતે દયાળજીની દયાથી પહેલી વાર જરી-રેશમને બોર્ડર-બુટ્ટીનો ઓર્ડર મળ્યો છે. સાડી પૂરી કર્યે રોકડા સાડા ચારસો મળશે. કેટલાય હાથપગ જોડ્યા ત્યારે દયાળજીએ સોસાયટી ઈન્ચાર્જને કહેલું, ‘બે વરસથી કામ કરે છે. ઠીક છે. ક્યારેક એકાદ ખજૂરો કે ગાંઠ આવે. બાકી કમ્પ્લેટ. બિચારી ગરીબ છે. ઘણી કમાતો નથી. પહેલાં મિલમાં ડાઈંગ ખાતામાં હતો. મિલ બંધ પડી તે છૂટક મજૂરી કરે ન કરે. ઠાગાતૈયા કરે. વળી લખ્ખણે પૂરો. પાછી ચાર-ચાર છોડિયું છે. આ બિચારી ઉપર જ ઘર ચાલે છે. આમ તો ધર્માદાનું કામ છે.’ દયાળજીના ખેની ભરેલા આમતેમ મરડાતા જાડા હોઠ ને મોંમાંથી નીકળતા સિગારેટના ધુમાડામાંથી જુદા જુદા આકાર બનવામાં મસ્ત સોસાયટી ઈન્ચાર્જને જોઈ પુષ્પાને બહુ ખરાબ લાગેલું. જાણે એક જણ એની ગરીબીની એક એક આઈટમને વેચાઉ માલની જેમ દેખાડતો હતો અને બીજો ખરીદીને ઉપકાર કરતો હતો. એ ખૂનનો ઘૂંટ પીને રહી ગઈ. પુષ્પા બે વર્ષથી આ સહકારી વણાટ મંડળીમાં કામ કરતી. શરૂઆતમાં તો એમ કે જે બે—ચાર થીગડાં જેટલી મદદ થાય એ, પણ પછી તો આખું પોત જ એને માથે આવી ગયું. હરપાલ કડિયાનાકે બેસતો. શિખાઉને માલ બનાવવા ને તગારા ઉપાડવા સિવાય શું કામ મળે? પાછો અકડુ, વાતેવાતે 'હું જાતનો ઠાકુર'ની છડી પોકારે. એને તો મિલમાંય રંગો સાથે ગોઠવાતાં પૂરાં દસ વર્ષ લાગ્યાં'તાં. પુષ્પાએ સાળ ઊભી રાખી વણાઈ ગયેલી સાડીને કસવા લાકડાની પટ્ટીઓને ઉપર-નીચે ફિટ કરી. ‘અરે છોડ, અબ બસ ભી કર. રોટી નહિ ખાની હૈ?' કહેતાં રજ્જો પુષ્પા પાસે આવીને બેઠી. 'તૂ ખા લે. મુઝે ભૂખ નહિ હૈ !' 'તૂ મેરી એક ભી બાત નહિ માનતી. મૈંને પેલે બોલા કે ઈસ બાર ભી ટેસ કરા લો. પિછલી બાર તો બચ ગયી, પર નહિ માની.' પુષ્પાના ચહેરા પર અણગમો જોતાં એણે ઉમેર્યું, હાં, હાં ઠીક હૈ, સુવર કા બચ્ચા હી પૈદા કરના, પર કુછ અપના ભી ખયાલ કર. દેખ કિતની ફીકી પડ ગયી હૈ તૂ. યે હાથ પૈર મેં સૂજન અચ્છી નહિ. ઈસ બ્લડ પ્રેસર કે મારે કભી કભી બચ્ચા પેટ મેં હી મર જાતા હૈ ઔર સાથમેં મા કો ભી લે જાતા હૈ. અપને લિયે ન સહી, પર લડકિયોં કે લિયે તો તુઝે જીના પડેગા. વરના યે તેરા ખસમ તો...’ 'બસ બસ બહુ થયું, તું જા. આ દયાળજી જોશે તો તારુંય પેટ ગાળોથી ભરાઈ જશે. પુષ્પાએ રજ્જોને વિદાય કરી. એને થયું રજ્જોની વાત સાચી હતી. છોકરીઓ માટે તો જીવવું જ પડશે, પણ જીવીનેય શું કરીશ? જણ્યાં છે પણ જોગવવાં કઈ રીતે? નથી ભરપેટ રોટલા આપી શકતી કે નથી અંગ ઢાંકવા પૂરતાં કપડાં. કોણ ઝાલશે આ છોકરીઓનો હાથ? વતનમાં મુરતિયો ખરીદવાની તો હેસિયત જ ક્યાં હતી? અને ધારો કે હોય તોય મારી છોકરીઓ ત્યાં ગૂંગળાઈને ખપી જાય. હવે તો ત્યાંના રીતરિવાજ ને રહેણીકરણી તો ઠીક, ઘરબારેય અજાણ્યાં પડે. જોને આ છુટકી વખતે દેશમાંથી દેરાણી સુવાવડ કરાવવા આવી'તી તો ઘેર જઈને કેવી કેવી વાતો ઉડાડી હતી. 'અરે વહાં તો મા-બેટિયોંને શરમ-હયા બેચ ખાયી હૈ. જેઠાનીજી તો દિનદહાડે જેઠજી સે બતિયાતી હૈ ઔર લડકિયાં? દુપટ્ટા ડાલે તો કસમ લે લો હમસે. અરે રાત-બેરાત અકેલી સૌદા લેને ચલી જાતી હૈ. ઔર ન જાને ક્યા પકાતી હૈ! હમ તો ભૂખી હી મર ગયી. દાલ મેં ભી મીઠા ઔર સબ્ઝમેં ભી. એક થડી કો ભી ચેન નહિ. સારા કામ ખુદ કરો. ન કહાર, ન ધોબન. હમાર તો કમર હી ટૂટ ગયી!' પુષ્પાના હાથ થંભી ગયા. ના, એ છોકરીઓને મરવા નહિ દે. ક્યારેક તો એને થાય કે આ છોકરીઓ જ એના માટે ખુલ્લી હવા ને દિવસનું અજવાળું લઈને આવી છે. વાતેય સાચી. આ સરોજ—શૈલુ જોડકાં ન આવી હોત તો હરપાલ ગામ છોડત? એ પાંચ ભાઈઓ વચ્ચે પાંચ-છ વીઘાં જમીન, ને બેચાર આંબાના ભરોસે પડ્યો રહેત. અને પોતે દિવસ આખો રસોડામાંથી સામે પાર બેઠકમાં હોકા ભરી ભરીને મોકલતી રહેત. તો ક્યારેક અઠવાડિયે—પંદર દિવસે અંધારિયા ઓરડામાં ટમટમતી ઢીબરીના અજવાળે અફીણી ધણીના પગ દબાવતી રહેતી દરબારી ઠાઠમાઠનાં વિલાયતી નળિયાં નીચેનો ઊઘઈ ખાધો કાટમાળ કેટલીક ઝીંક ઝીલત? એ તો ઈશ્વરે કરેલી મજાક સવળી પડી. દીકરાની રાહમાં બેઠેલી પુષ્પાના ખોળામાં જોડકી દીકરીઓ પધરાવી દીધી. દેશમાં હતાં ત્યારે એ કહેતી, 'આ ત્રણ ત્રણ દીકરીઓ પેટ પડી છે, કંઈક કરો. આમ ક્યાં સુધી ઠકુરાઈના ગરૂર, ખાનદાની ને ઈજ્જતના મોહમાં ગામને ગળે વળગાડીને રહેશો?” સામો પ્રશ્ન કરતાં હરપાલ કહેતો, ‘તો ક્યા કરું? પરદેશ જાવ.’ ગામમાંથી કેટલાય લોકો મુંબઈ, કલકત્તા, દિલ્હી, અમદાવાદ જતા જે મળે એ કામ કરે, કંઈક નવો હુન્નર શીખે. કોઈ તો સીઝન પૂરતું કમાઈને પાછળ આવી ખેતી સંભાળી લે, પણ હરપાલનો એક જ જવાબ. 'વો સબ છોટી. જાત કે કામ. હમ સે નહિ હોતે.” છેવટે પુષ્પાના બાપે દસ હજાર રૂપિયા આપી ધંધો કરવા અમદાવાદ મોકલ્યો. ધંધો તો શું કરે? પુષ્પાનાં પિયરિયાંની ઓળખાણે મિલમાં રહ્યો. આજે એ વાતને પૂરાં સત્તર વર્ષે થઈ ગયાં. સાંધામેળ કરતાં કરતાં બાપુનગરની નિરાશ્રિત ચાલમાં એક ઓરડીનો મેળ પડી ગયો. કંઈક પૂર્વેની લેણદેણ હશે તે પડોશણ રજ્જોએ અક્કડ—લક્કડ કરી પુષ્પાને આ હાથસાળ સોસાયટીમાં ગોઠવી દીધી. જોકે સોસાયટી ઈન્ચાર્જને કંઈક ધરાવવું તો પડેલું. એ વખતે મોટીનીય ઈચ્છા હતી, પણ હરપાલને શી રીતે કહેવું ? અને બીજા પૈસાનો જુગાડ ક્યાંથી કરવો? એમાં વળી મિલો બંધ પડી. કડિયાકામે જતો હરપાલ કાળા-રાખોડી ને ગેરુ રંગમાં અટવાયા કરે. મોટીને આ માગશરમાં વીસ પૂરાં થયાં. કામ અને કમાવવાની લાયમાં માંડ બારમા સુધી ભણાવી. આ વચલી સરોજ—શૈલુએ જીદ કરીને કૉલેજ લીધી છે. ફી માફી છે અને કદાચ છે ને કોઈ ભણતરની કદર કરનારો મળી જાય. પુષ્પાને થયું શું જિંદગીભર આમ જ નાનાં મોટાં તરણાં શોધ્યાં કરવાનાં? એણે ઊંડો શ્વાસ લઈ ધીરેથી પાછળ દીવાલે પીઠ ટેકવી. અંદરની ધમણ બબ્બે ભઠ્ઠીને ફૂંકતી ધબકતી હતી. બ્લાઉઝનું નીચેનું બટન ખોલી એણે છાતીની ભીંસ હળવી કરવા કર્યું, પણ જમણી બાજુ કંઈક ખૂંચ્યું. એને યાદ આવ્યું કે બસમાં કોઈ ખેંચી ન જાય એટલે મંગળસૂત્ર બ્લાઉઝમાં મૂક્યું હતું. કાઢીને ડોકમાં નાખ્યું. પુષ્પા હાથમાં ચગદું લઈ એકીટશે જોતી રહી. પિયરની એકમાત્ર નિશાની. શું નહોતું આપ્યું મા-બાપે? તિલકમાં પૂરા એકાવન હજાર રોકડા. લગ્નમાં ચેન- વીંટી અને ટ્રક ભરીને ઘરવખરી ઓછી પડી તે હરપાલે ફેરા કરતી વખતે જીદ કરીને સ્કૂટર લીધું. પુષ્પાના દસ તોલા સોના સહિત બધું ઓહિયાં! હવે રહ્યું છે માત્ર આ ફોફા જેવું મંગળસૂત્ર. પુષ્પાની નજર પેટ પર પડી. છૂટકી વખતે કેટલી આકરી મન્નત માનેલી. દશાશ્વમેઘ ઘાટથી વિશ્વનાથના મંદિર સુધી આળોટતાં આળોટતાં જવાની અને દર્શન કરીને જ ચોખાની બાધા છોડવાની. પણ આ વખતે? એને થયું, એનું કલેજું બહાર નીકળી પડશે. એણે સાડીનો છેડો છાતી પર કસતાં પાલવથી લમણાં અને હોઠ પરનો પરસેવો લૂછ્યો. ફરી પેટ ઢાંક્યું. એને લાગ્યું. હાથમાં રહેલા પોટલાની જેમ પેટ દિવસે દિવસે નીચે સરકતું જાય છે. ચણિયાનું નાડું થોડું ઊંચું બાંધવા ગઈ ત્યાં એક ધક્કો વળી બીજો. સાળની ખટાખટમાં ઓઝલ હડિયાપટ્ટી પડઘાવા લાગી. કોઈ દોટ મૂકી આવતું અને બધું જોર લગાવી લાતેલાતે બારણા ખોલવા મથતું હતું. ઘડી ડાબે તો ઘડી જમણે. કોણ હશે? પુષ્પાએ કસક સાથે પ્રશ્ન ભચડી કાઢવા દાંત પીસ્યા. આ વખતે તો ભલે સુવરનું બચ્ચું પેદા થાય, પણ મરી જઈશ તોય...' એ દિવસે જન્માષ્ટમી હતી. છોકરીઓને લાંભાના મેળે જવું હતું. પણ બાપ તો હંમેશની જેમ હાથ ખંખેરીને ઊભો. મોટીએ એ દિવસે પહેલી વાર બાપ સામે મોં ખોલ્યું. 'બાપુ, હું પણ અમ્માની જોડે સાળ પર બેસતી હોત' તો?’ 'ખબરદાર, જબાન ખિંચ લેંગે હમ. તુમ્હારી અમ્મા જાતી હૈ વહી કાફી હૈ.” પુષ્પા વળ ખાઈ ગઈ. શું હું કંઈ હીણું કામ કરું છું? પણ પતિને સમજાવતાં એણે વાત વાળી લીધી. ‘તમે માનો. ઘરમાં ત્રણ ત્રણ જુવાન છોકરીઓ બેસી રહે એના કરતાં નાનુંમોટું કામ કરે એમાં શું ખોટું છે?’ સોયથી દાંત ખોતરતાં હરપાલને ચૂપ જોઈ એની હિંમત વધી. 'સવારે મોટી ઘર સંભાળે ને બીજા ભણે. બપોર પછી કામ કરે. કોઈ સારા ઘરની એક ટાઈમ રસોઈ કરશે તો પૂરા મસાલા તો ઓળખશે. કાલે ઊઠીને સાસરે જશે તો શું કરશે? અહીં તો ખાલી ડબલાં સિવાય જોયું છે શું? સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરવા છતાંય એ થોડી કડવી થઈ ગઈ. ‘યે નંઈ હોગા. કભી નંઈ. લોગોં કી જૂઠન હમારી લડકિયા નંઈ ઉઠાયેગી. અગર દેહરી કે બાહર કદમ ભી રખ્ખા ન તો તુમ્હારી ભી ટાંગ તોડ કે ઘર દેંગે હમ. તુમ કો કયા? જાત- બિરદારી મેં તો મુંહ હમેં દિખાના હૈ.' હરપાલ તાડુક્યો. ‘હાં હાં લઈ જશે તમારી નાત તમારી છોકરીઓને. અને આપજો દહેજમાં હડસેલાં. યાદ રાખજો તમારા જ કારણે આ છોકરીઓ બુઢ્ઢી થઈને આ ઘરમાં જ દફન ન થઈ જાય તો મને ફટ્ કહેજો.” પુષ્પા રડી-કકળીને ઊંધમૂંધ સૂઈ જતી અને હરપાલ જોડાં પહેરતોક ને બહાર. એ જન્માષ્ટમીની રાતેય આમ જ ઝઘડો ને પછી તમાશો. દારૂની ગંધથી ફાટફાટ થતી ગાળો ને બારણા પર લાતો. એ દિવસે તો હરપાલે હદ કરી. અર્ધી રાત્રે ચારેય છોકરીને આંગણામાં ધકેલી પુષ્પા પર બળાત્કાર જ કરેલો. એક એક હથોડે આદેશ ઝીંકાતો—'લડકા દે સાલી, કમજાત, છોકરા લા. હરામજાદી...' દરેક ચોટે પુષ્પાનો નિશ્ચય પોલાદ બનતો રહ્યો, 'નહીં દૂગી, મર જાઉંગી તો ભી...’ પુષ્પા અહીં પણ પાછી પડી. કેટલુંય દેશી—વિદેશી ઓસડિયાં ને ગોળીઓ છતાં આ છઠ્ઠો મહિનોય પૂરો થવા આવ્યો. એને થતું. છોકરી હશે એટલે જ ટકી છે, તો ક્યારેક થતું આના કરતાં મરી જવું બહેતર, પણ પાછી છોકરીઓ જ હૈયે વળગતી. વળી થતું કાલ કદાચ કંઈક... સાળ ખટાખટ ચાલતી હતી અને સાથે પુષ્પાના વિચારો. એની આંગળીઓ ક્યારેક ખસતા તારને ગોઠવતી તો તૂટેલાને સાંધતી. ક્યારેક એ હળવેથી કાપડને પસવારી લેતી. એક ગુલાબી રેશમનો તાર અને બીજો સોનેરી જરીનો. બોર્ડરમાં કેરી આકારની નાની આછી જાંબલી બુટ્ટી ને એવી જ બુટ્ટી આખા ગાળામાં. ‘આવી સાડી હોય તો ઘરેણાંની જરૂર નહીં. 'કેમ પુષ્પાબહેન, ઊંઘી ગયાં છો. હાથ ચલાવો હાથ. રોટલા નથી ખાતાં...' દયાળજીએ હાજરી નોંધાવી.

આ વખતે શરૂથી જ હેળ આકરી રહી છે. પહેલાં ત્રણ-ચાર મહિના પેટમાં અન્નનો દાણો ટક્યો નથી. હાથપગ—મોં પર સતત ફેફર રહે છે. ડોક્ટર કહે છે મીઠું બંધ કરી દો. પણ ચટણીના બળે માંડ રોટલા ગળે ઊતરતા હોય ત્યાં! સરકારી દવાખાનામાંથી શક્તિની ગોળીઓ મળી છે. પણ દૂધ સાથે લેવાની છે. સાતમો બેસતાં સાળ પર નહીં બેસાય. અત્યારેય માંડ હાથ પહોંચે છે. બેઠી દડીના શરીરનું આ દુ:ખ. બહુ જલદી ડોળાકી જવાય. શેં પાર પડશે આ બધું? એને થયું કે મારી બદલીમાં મુન્નીને સાળ પર બેસાડવાનો મેળ પડી જાય તો? એ બિચારી તો પહેલેથી જ કહે છે. કહું હાજરી માસ્ટરને? પણ એને શું ચઢાવીશ? પુષ્પાનો હાથ ગળાના મંગળસૂત્ર તરફ જતાં જતાં અટકી ગયો. એને ઊબકો આવ્યો. એ ઊભી થઈ અને બાથરૂમ તરફ જતાં એણે સાંભળ્યું; રજ્જો બોલતી હતીઃ અરે મેં તો પેલે સે જ ઉસકે લછન સમજ ગઈ થી. મેરે હમીદ કે ગલે બાંધ રહા થા મેરા દેવર. અચ્છા હુઆ પેલે જ ભાગ ગયી...' પુષ્પાને થયું, મારી છોકરી આવું કરશે તો? બિચારી છૂટશે કે પછી... એના કાળજામાં ડબકો પડયો. હરપાલ તો આખા ઘરને ભડાકે દે અને પોતે પણ મરી જાય. સંડાસની આંકડી ખોલતાં એને થયું કંઈ કેટલીય શારડીઓ એના પેટને ખોદે છે. એ બેસવા ગઈ, પણ થયું કે, ઠલવાઈ જઈશ. કોઈ છાતી પર ચઢી બેઠું છે. હવામાં હાથ વીંઝતી એ એને ધકેલવા લાગી. એના પગમાંથી સરરર મહાવર વહેવા લાગ્યો. એના હાથે માથે લટકતી સાંકળ ખેંચી લીધી. ખળળળ અને એક કારમી ચીસ 'અમ્મા રે...' પુષ્પાએ આંખ ખોલી તો સામે ધોળીફટોર છત. કાને અથડાતો કંઈક બણબણાટ. એણે ધીરેથી બાજુમાં નજર ફેરવી તો મુન્ની એનો હાથ પકડીને સ્ટૂલ પર બેઠી હતી. એની નજર ખસીને પારો પડેલા સ્ટૅન્ડ પર ગઈ. ટપ ટપ ટપકતા લાલ અને સફેદ રંગના તાણાવાણા એની નસોમાં ગૂંથાતા હતા. એ થાકી ગઈ. નજર જાણે કંઈ કેટલાય દૂરથી દશ્યોને ખેંચી લાવતી હતી. એણે આંખ બંધ કરી. ધીરે ધીરે જાણે તળિયે ઊતરી ગઈ. માને ભાનમાં આવેલી જોઈ મુન્નીએ પૂછ્યું. ' અમ્મા, તરસ લાગી છે?' પુષ્પા ફરી સપાટી પર આવી. એણે આંખથી ના પાડી. પાંગતે ઊભેલી છૂટકી નજીક આવી. એના માથે હાથ ફેરવવા કર્યું. પણ હાથ ચીંથરું થઈ લબડી ગયો. છૂટકી છુટ્ટા મોંએ રડી પડી, 'અમ્મા.. હમારા…’ એનો ભેંકડો ટિફિન લઈને આવતી રજ્જોએ ઝીલી લીધો. ‘અરે છોડ બિટિયા... એક નહીં હજાર મિલેંગે. જા નીચે જાકર તેરે ચાચાકો યે થેલી દે ઔર બોલના હરા નારિયલ લે આયે’ કહી રજ્જોએ છૂટકીના હાથમાં ખાલી થેલી પકડાવી. મુન્નીએ જોયું બંને બાટલા પૂરા થવામાં છે. એ નર્સને બોલાવવા ગઈ. પુષ્પાએ આંખો ખોલીને રજ્જોને બોલાવવા કર્યું. પણ અવાજ ચવડ થઈ ગયો હતો. રજ્જો નજર બચાવતી દવા, ટિફિન, ચમચી, પ્યાલો આમતેમ કરતી રહી. નર્સ આવીને બન્ને બાટલા ઉતારી ગઈ. પુષ્પાને થયું, ‘લાવ પૂછું ? પણ શું? મને કંઈક સમજાય છે. હું હવામાં ફરફરતા કાગળ જેવી હળવી થઈ ગઈ છું. મારામાંથી કોઈએ બધા ગાભાડૂચા કાઢી લીધા છે. ચલો એય ગઈ ને મનેય બક્ષતી ગઈ. પણ એ છોકરી હતી જ કે પછી... પુષ્પા આખેઆખી ધણધણી ઊઠી. રજ્જો દોડીને નર્સને બોલાવી લાવી. યે ક્યોં કાંપ રહી હૈ ?' “ એ તો ક્યારેક એવું થાય.' કહેતાં નર્સે ભીંતમાં ખીલી ખોડતી હોય એમ ઈન્જેક્શન માર્યું. જતાં જતાં કહેતી ગઈ. 'ઈસ કે મરદ કો સા'બને બુલાયા હૈ.' પુષ્પા બુદબુદ અવાજે બોલતી હતી. મુન્નીના બાપુ...' ‘અરે નામ મત લે ઉસ હૈવાન કા. અરે ઉસે તો અભી ભી કાગજ પર દસખત નંઈ કરના હૈ. ઉસ નાસપીટે કો કાં પડી હૈ ઔરત ઔર બચ્ચીઓંકી. મુંહજલે કે મુંહમેં બસ એક જ બાત.. લડકા દે, લડકા દે, કાં સે દે? અરે તેરે બસમેં હો તો તૂ કર પૈદા, તૂ હી તો કમબખત હર બાર ડાલ દેતા હૈ લડકી ઔર... પર ઈસ બાર...' બાકીના શબ્દો રજ્જોના ઠૂંઠવામાં રેળાઈ ગયા. પુષ્પા સડાક બેઠી થઈ ગઈ. એનો ઊભડક જીવ પલાંઠી વાળીને બેસી ગયો. એણે ગળામાંથી મંગળસૂત્ર કાઢી રજ્જોના હાથમાં મૂક્યું, એની મુઠ્ઠી બંધ કરી અને ડઘાયેલી મુન્નીને નજીક બોલાવી. એના માથે હાથ મૂકતાં બોલી, 'હવેથી તું પણ મારી સાથે સાળ પર બેસજે!'

(ઈન્ડિયા ટુડે)

વાર્તા અને વાર્તાકાર :

બિન્દુ ભટ્ટ (૧૮-૦૯-૧૯૫૪)

એક વાર્તાસંગ્રહ :

1. બાંધણી (2009) 12 વાર્તા

‘મંગળસૂત્ર’ વાર્તા વિશે :

‘મંગળસૂત્ર’ વાર્તાની નાયિકા પુષ્પા ગંગાના ખોળે ઊછરેલી. સ્ત્રીઓ ઘરની બહાર પગ સુદ્ધાં ન મૂકે એવા કઠોર રીતરિવાજ વચ્ચે ઊછરેલી પુષ્પા પરણીને વરસના 11 મહિના કોરીધાકોડ રહેતી સાબરમતીના કાંઠે એક ખોલીમાં રહેવા આવી ત્યારે એને સમજાયું કે અહીં તો સ્ત્રી ઘર અને બહાર બધેય વીંઝણાની જેમ ફરી વળે છે. પોતાના ધણીના બદલાનું લડી લેતી ગુજરાતણોને જોઈને પુષ્પાનો પતિ હરપાલ કહે છે : ‘અરે ઈસકા બસ ચલે તો યે તો અકેલી હી બચ્ચે પૈદા કર લે, તુમસે તો...’ પોતાની જાતને ઠાકુર માનતો, એની અકડમાં કોઈ કામમાં ઠરીઠામ ન થતો હરપાલ દીકરાની લ્હાયમાં ચાર છોકરીઓની લંગાર ઊભી કરવા સાથે પુષ્પાનાં મા-બાપે આપેલું બધું પણ ફનાફાતિયા કરી બેઠો છે. પુષ્પા કંતાઈ ગયેલાં શરીરે સહકારી વણાટ મંડળીમાં કામ કરે છે, હરપાલને પણ પોષે છે છતાં એને એટલો અધિકાર નથી કે એ પોતાની એકાદ દીકરીને કામ પર સાથે લઈ જઈ શકે. કંઈ કામ ન કરતા, ઘરમાં બેસી રહેતા ઠાકુર પતિને ત્યારે પોતાની આબરુ યાદ આવે છે. પત્નીની કમાણીનો રોટલો ખાવામાં એની આબરુ નથી જતી. 18-20 વરસની દીકરીઓને ખોલીની બહાર આંગણામાં ધકેલી, પુષ્પા પર બળાત્કાર કરતો હરપાલ બરાડા પાડતો જાય છે : ‘લડકા દે સાલી કમજાત, છોકરા લા, હરામજાદી...’ બળાત્કારે રોપાયેલું બીજ છોકરો હતું એ તો છઠ્ઠે મહિને ગર્ભ પડી ગયો ત્યારે ખબર પડી. મરવાની અણીએ પણ પતિ ઑપરેશન માટેના કાગળ પર સહી કરવા તૈયાર નથી. એને તો બસ છોકરો જોઈએ છે. મનોમન કશોક નિર્ણય લેતી પુષ્પા રજ્જોના હાથમાં પોતાનું મંગળસૂત્ર પકડાવી દે છે જેથી લાંચના બદલામાં એની એક દીકરીને એની સાથે કામ મળી જાય. પુષ્પા એકસાથે બે વિદ્રોહ કરે છે. પતિની ખોટી એંટથી ડર્યા વગર દીકરીને કામ પર લઈ જવી અને આવો પતિ હોય કે ન હોય શો ફરક પડે? એના નામનું મંગળસૂત્ર પહેરવા કરતાં તે વેચીને ઘર ચલાવવું વધુ સારું તેં એને સમજાય છે. કુટુંબ માટે રોટલો રળવાનું કામ તો પુષ્પા વર્ષોથી કરતી હતી પણ નિર્ણય લેવાની તાકાત ઘણું વેઠ્યા પછી આવે છે. રજ્જોના મોઢેથી ઠલવાતો આક્રોશ, ‘લડકા દે લડકા દે... કાં સે દે? તૂ હી તો કમબખ્ત હર બાર ડાલ દેતા હૈ લડકી...’ માં વિજ્ઞાનનું સત્ય પ્રગટ થાય છે. છોકરીના જન્મ માટે પુરુષનું રંગસૂત્ર નિર્ણાયક બને છે તે સત્ય જાણવા છતાં સઘળો દોષ કાયમ સ્ત્રીના માથે જ કેમ? જરાક ઝીણી નજરે જોનાર એ જોઈ શકશે કે સાબરમતીના કાંઠે રહેનારા ગરીબોને એકમેકને મદદ કરવામાં થોડાંક વર્ષો પહેલાં ધર્મ વચ્ચે નો’તો આવતો શકશે. રજ્જો-પુષ્પાના સંબંધ દ્વારા આપણું સામાજિક પોત આ જ (એકમેકનાં સુખ અને દુઃખમાં ભાગીદારી) હતું. આ પોત ક્યારે ફાટી ગયું એની આપણને સરત પણ ના રહી એ આવી વાર્તાઓ યાદ દેવડાવે. ઘણુંબધું વેઠીને પોતાપણું મેળવતી પુષ્પા કોઈ સભાનતાથી, જાગ્રત બનીને વિદ્રોહ કરે છે એવું નહીં કહી શકાય. એની પરિસ્થિતિ એની પાસે નિર્ણય લેવડાવે છે. એની પાસે કોઈ રસ્તો જ નથી આ ચારેય દીકરીઓને ઉછેરવા માટેનો. આ વિદ્રોહ પરિસ્થિતિજન્ય છે.

અન્ય મહત્ત્વની વાર્તાઓ :

બાંધણી, અંતરસેવો, અભિનંદન, આડા હાથે મુકાયેલું ગીત