નારીસંપદા : ટૂંકી વાર્તા/મહાભિનિષ્ક્રમણ

મહાભિનિષ્ક્રમણ

સ્વાતિ ધ્રુવ નાયક

જુઓ પ્રભાબેન આ નવો ફોન. આને ટચસ્ક્રીન કહેવાય... મારા સાગરે બહુ હોંશથી લીધેલો. કાલે જ મને પાર્સલ કર્યું. મારા સાગરને મારા માટે બહુ લાગણી હોં... કાલે મને કહે કે 'મમ્મી અમે દિલ્હી છીએ ત્યાં સુધી આ ફોન તારી પાસે રાખ. આમાં મારા, સમિધાના ને કલ્યાણના ફોટા છે. તારા ય હશે... તને અમને જોવાનું મન થાય ત્યારે બસ એક ટચની જ વાર...' સાચી વાત. જુઓ પ્રભાબેન, આ આમ ટચ કર્યું ને આ જુઓ, ઢગલો ફોટા. આ માથેરાનના, આ નૈનિતાલ.. ને આ એ લોકો કેરાલા ગયેલાં ત્યારે ...ત્યારે તો બે કિલો એલચી લાવેલાં. ત્યાંના મસાલા એટલે મસાલા... એની સુગંધ... ‘માયાબેન અટાણે તો રસોડેથી સુગંધ આવે છે. હાલો જમવાનો ટેમ થીયો... આપડે મોડા નથ પડવું. પછી બધાને મલાતું નથી. તમારો ફોન જોવા હું રાતે તમાર ઓરડે આઇશ. તીયારે નિરાંતે બતાડજો તમતમાર... હેંડો...’ પ્રભાબેને ફોન માયાબેનના હાથમાં આપતાં કહ્યું. માયાબેને ફોન બંધ કરી નાના બટવામાં મૂક્યો ને બાંકડેથી ઊભાં થયાં. ઘૂંટણમાં સહેજ સણકો ઉઠ્યો.. ને 'ઓહ' થઈ ગયું. ‘બળ્યું આ ઘૂંટણ દુઃખે છે. આજકાલ... સાગરને કહેવું પડશે. ડોકટરને બતાવશું. એને બહુ ડોકટરો જોડે ઓળખાણ... એના પપ્પા વખતે તો અડધી રાતે ડોકટર ખડેપગે ઊભા રહેલા... પણ... તોયે... જીવ ડોક્ટરની મુઠ્ઠીમાં થોડો આવે? જતા રહ્યા... મને આમ એકલી મૂકીને... જો એ હોત તો અત્યારે હું ઘરે હોત... મારા ફ્લેટમાં, એના પપ્પાના નામથી જ નામ આપેલું ‘વિશાલદ્વાર...’ વિશાલ બહુ વહેલા જતા રહ્યા...’ માયાબેનની આંખમાં ભીનાશ છલકી. તેમાં ડૂબતા સૂરજની લાલી ભળી... બદામી આંખો... પાણીદાર. સુંદર લાગતી હતી... સાઈઠની ઉંમર ચાળીસની લાગે એવી પાતળી સોટા જેવી દેહયષ્ટિ... લાંબા વાળનો પાતળો લાંબો ચોટલો... કૉટનની કડક સાડી ને મેચિંગ બ્લાઉઝ... હીરાના લવંગીયા ને સોનાની ચેઇન... સુંદર લેટેસ્ટ ઘાટની બંગડીઓ... નખશિખ સંપૂર્ણ સ્ત્રી... વૃદ્ધાશ્રમમાં માયાબેનનું વ્યક્તિત્વ કોઈપણ રીતે બંધબેસતું નહોતું. બંને જમવા પહોંચ્યાં ને જમવાની ઘંટડી વાગી. વૃદ્ધાશ્રમમાં મંદિરની ઘંટડીના ઘણા ઉપયોગ થતા... ચા-નાસ્તો ને જમવાના સમયે, આરતીના સમયે અને ભજન સમયે ઘંટ વાગે... માયાબેને થાળીમાં બે રોટલી ને થોડુંક શાક લીધું. એક-બે અશક્ત વૃદ્ધાને થાળી કરી આપી... એકાદ-બે સાથે કેમ છો?- મજામાં? સવારે દેખાયા નહીં..? જેવી વાત કરતાં કરતાં ખાધું ને આરતી કરી પરવારીને વચ્ચેના બગીચામાં બેઠાં. સરસ લૉન બનાવી હતી. લીલી છમ... માયાબેનને એનો ઝાકળભીનો સ્પર્શ બહુ ગમતો. રોજ સવારે વહેલાં ઊઠી એ લૉનમાં ખુલ્લા પગે ચાલે.. ગણીને વીસ આંટા મારે... પછી નહાઈ-પરવારી પારિજાતનાં ફૂલો વીણવા નીકળે. થોડે દૂર બોરસલ્લી હતી. તેનાંય ફૂલ વીણે. ભગવાનની માળા ગૂંથે. તેમાં જાત જાતનાં ફૂલપાંદડા ગૂંથી નવલી ભાત રચે. વારે-તહેવારે વાનગીઓનું લિસ્ટ તૈયાર જ હોય... એનાથી કંઈક નવી વાનગી જાતે રસોડે જઈ ઊભા રહી બનાવડાવે ને બધાને ઉત્સાહથી ખવડાવે... માયાબેન છેલ્લાં બે વર્ષથી જ આવેલાં. પણ બહુ ઉત્સાહી. બાકી તો વૃદ્ધાશ્રમમાં બધા જ ડોસા નિરસ. બહુ બહુ તો છાપાં વાંચે, ભજન ગાય ને હીંચકે કે બાંકડે બેઠા રહે. પ્રભાબેન ગામડાનાં, એટલે બોલચાલ, લૂગડું પહેરવાની ઢબ બધું દેશી. પણ વાતચીત બહુ કરે એટલે માયાબેનને એમની સાથે ફાવી ગયેલું. એમને અહીં આવ્યાંને પાંચ વરસ થયાં હતાં. એમનો દીકરો અમેરિકા જતા પહેલાં એમને અહીં મૂકી ગયેલો. અહીં તારું ધ્યાન રાખે એવા માણસો હોય... ત્યાં ગામડે તું એકલી રહે.. કોણ ધ્યાન રાખે? કહીને... ત્યારેય પ્રભાબેનને કહેવું હતું કે, 'મારું ધ્યાન તો ગામડે જ હારું રખાય ભઈલા. આખું ગામ મને પ્રભામા કે’ છે... પણ માંદે-હાજે તું નો આવી હકે તેની નામોશીથી બચવા તું મને આંય લાઈવો છે...’ પણ એવું બોલાયું નહોતું. ગળે ડૂમો બાઝેલો. ઓગળ્યો જ નહીં ! ને માયાબેન આવ્યાં પછી એમને ય સારું હતું. માયાબેનનો દીકરો બદલી થવાથી દિલ્હી ગયેલો. ‘પાંચ વરસે પાછી અમદાવાદ બદલી થશે ત્યારે લઈ જઈશું. દિલ્હી તને ન ગમે' કહીને મૂકી ગયેલા. એટલે માયાબેનને થોડાં વરસ જ કાઢવાનાં... એટલે ઉત્સાહી રહેતાં... ‘હું પાછી જઈશ તોય બધાને મળવા અઠવાડીયે તો આવીશ જ.’ એવું કહ્યાં કરતાં. અંધારું ઘેરું થતાં માયાબેન ફોન લઈને પ્રભાબેનના ઓરડે ગયાં. પાછા ફોનમાં ફોટા બતાવ્યા. આજની રસોઈ કેવી હતી? જેવી વાતચીત કરી 'ફોનમાં ટીવી ય દેખાય હોં' કહીને ટીવી ચલાવવા ગયાં પણ પછી માયાબેનને યાદ આવ્યું. ‘બળ્યું ઇન્ટરનેટ તો છે જ નંઈ. આમાં નંખાવવું પડશે. પછી આપણે ટીવી જોઈશું.’ પ્રભાબેને કહ્યું, ‘આપણાં હૉલમાંય ટીવી તો છે જ ને બળ્યું. પણ આ મૂઈ સિરીયલો જોઉં છું ને ઘર યાદ આવે છે. ઈના કરતા નો જોવું હારું.’ કહીને માયાબેનના હાથ પકડીને કહે, 'તે હેં માયાબુન, તમે તો ભણેલ છો... હોશીયાર છો... તે આપડે બે મારા ગામડે રે'વા તો જઈ હકીએ? થોડા દિ’...? બસ પાંચ-હાત દા'ડા જઈ હકાતુ ઓય તો... બળ્યું મન મારું, ઘર બઉ યાદ આવે છ. કાંક મરી પરવારી તો જીવ ઈમા રઈ જવાનો... ચાલને માયાબુન પૂછી જોઈએ.' માયાબેનને પ્રભાબેનની દયા આવી. એમણે એમના હાથ પસવારતાં કહ્યું, 'ચોક્કસ પૂછી જોઈશ. એમાં એમને શું વાંધો હોય? જવા જ દેશે. મને ય ગામડું જોવું છે તમારું. હવે વલોણા ને કૂવા તો શાનાં હોય? પણ ત્યાં હજીય વડીલોની આમન્યા ને લાગણી તો હશે... ને વાડી-ખેતર-પાદર બધાના આપણે આ નવા ફોનમાં ફોટા પાડી લાવશું. પછી અહીં બેઠા બેઠા જોઈશું હોં... તમેય નવો ફોન મગાવો દીકરા પાસે. પછી હું તમને શીખવી જઈશ જતા પહેલાં...’ ‘જતા પે'લા?' પ્રભાબેને પૂછ્યું. ને તરત માયાબેને કહ્યું, ‘મારા દીકરાની હવે એક-બે વરસમાં બદલી થશે. પછી એ મને લઈ જવાનો છે." પ્રભાબેન એકીટશે એમને જોઈ રહ્યાં. માયાબેને તે જોયું ન જોયું કર્યું. કહ્યું, ‘મને ખબર છે, તમને મારા વગર નહીં ગોઠે... પણ...’ ‘તમને એમ લાગ છ કે તમારો છોરો તમને પાસી લેવા આવસે?’ પ્રભાબેને અચાનક સવાલ પૂછ્યો. માયાબેનનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. મન સુન્ન થઈ ગયું. જાણે અચાનક મગજે વિચારવાની ના પાડી. સ્થિર, સ્તબ્ધ સ્થિતિમાં ઘડીક રહ્યા પછી માયાબેને હકારમાં ડોકું હલાવ્યું. જાણે માથે મણનો ભાર લાદ્યો હોય તેમ ડોકું ધીમે રહીને હાલ્યું પણ પછી તરત માયાબેને કહ્યું, ‘કેમ આવો સવાલ પૂછો છો? તમે રજિસ્ટરમાં જોયું નથી? મારા સાગરે પાંચ વરસનાં જ રૂપિયા ભરેલા છે. અને તેય કહેલું કે ભલે વહેલાં જઈએ. બાકીના દાન આપી દઈશું. મારો સાગર મને તરત લઈ જશે. હા, સમિધાને જરા એકલા રેવું ગમે. પણ મારો કલ્યાણ ! એ તો દાદી દાદી કરતો મને જ વીંટળાય. ખબર છે? મને કહે કે, દાદી ! તું પણ ટીચર હતી ને? તો મમ્માની જેમ ડ્રેસ કેમ નથી પહેરતી? દાદી, તને જીન્સ પેરવું ગમે?... સાવ તોફાની. ફોન પર મને પૂછે, દાદી, ગમે છે ને? દાદી, સોંગ્સ મોકલું?... એને ખબર, મને સવારમાં સીડી પ્લેયર પર સુગમ સંગીત સાંભળવું બહુ ગમે. અત્યારે એને વાર્તા કોણ કહેતું હશે? સમિધાને તો ટાઈમ જ ન મળે. સાગર મોડો આવે. દિલ્હીમાં તો ભારે તકલીક. ટ્રાફિક. ગીરદી. છોકરાનેય એકલા ન મૂકાય. એટલે આખા દિવસની આયા...’ ‘આયા?' પ્રભાબેને પાછી વેધક નજર નાંખીને પૂછ્યું. ‘આયા જ રાખવી'તી તો તમ શું ખોટા? છોરાને હાચવી તો હકો એવા સો. ને ઉલટ ઘરના બે કામેય કરો. પસી તમન આંઈ ચ્યાં નાખી ગ્યા?...’ માયાબેન ઊભાં થઈ ગયાં. ‘જુઓ, મને અહીં કોઈ નાંખી નથી ગયું, સમજ્યાં? મને મારી મરજીથી...’ 'મરજી? તમન આંઈ બઉ ગમે કા? રોજ હાંજે આથમતા સૂરજને તાકીને આંખે દરિયા ભરાય તે મન દેખાતું નઈ હોય કાં? ફોનમાં ફોટું દેખાય તીને હાથ ફેરવતા તમારી આંગડીને કાચ અડકે.. જીવતો માણહ નંઈ... ને ત્યારે તમને કાઈ નથ થતું ઈમ? તોય મન કો'તો... તમારો છોરો તમારી ભેગો રે’તો’તો ત્યારે તમને રોજ અડતો’તો?’ પ્રભાબેને ફરી માયાબેનનાં સંવેદનાતંત્રને સુન્ન કરી મૂક્યું. કાન બહેરાશ પકડે ને કાનમાં તીણી સીસોટી મારે એમ માયાબેનના મનમાં સન્ન.. સન્ન... સીસોટી વાગવા માંડી. તરત પીઠ ફેરવીને એ બોલ્યાં. ‘અડકે જ ને.. શું કામ ન અડકે? ને મારો કલ્યાણ તો...! ‘કલ્યાણ નંઈ, સાગર... સાગરે તમને છેલ્લે કા'રે વા’લ કર્યું'તું? કા'રે તમને એનો જીવતો જાગતો અડવાનો અનુભવ થયોસ? જરા ઊંડાણમાં જઈ વચાર કરો તો.’ પ્રભાબેને બેફિકર થઈ પથારીમાં લંબાવ્યું... ને માયાબેને જતાં રહેવું હતું પણ પગ થાંભલાની જેમ ઉંબરે ચોંટી ગયા. ના આગળ જવાય ના પાછળ. આમ જ વૃદ્ધાશ્રમમાં પહેલી વખત પ્રવેશ્યાં ત્યારે આવો જ અનુભવ થયેલો. ઓરડામાં જવું નહોતું ને પાછળ દીકરા તરફ દોડીને જવાતું નહોતું. હા, યાદ આવ્યું ને એ તરત પાછળ ફર્યાં, ‘યાદ આવ્યું પ્રભાબેન, સાગર મને મૂકવા આવેલો ત્યારે ઓરડાનો ઉંબર મને દેખાયો નહીં ને ઠોકર વાગી ત્યારે એણે તરત મારો હાથ પકડી લીધેલો’ ‘ઝાલી જ લેને ! પડત તો નાંખી જવાત?’ પ્રભાબેનની જીભે લીમડો અડી ગ્યો’તો જાણે ! માયાબેને કહ્યું, ‘એવું નથી. એણે મારો હાથ પકડીને કહેલું : ‘જો ! સંભાળ...!' ને પછી મને અંદર હાથ પકડીને મૂકી ગયો. મને પડવા ના દીધી.' ‘મડદાને ય લોકો બઉ હાચવે. પડવા દે છ? પણ મૂકી જાય છે પછી પાછું ફરી જોતા નથ. માણહ જેવું માણહ બળી જાય.. ને બામણ કે’ કે તમાર પાસું ફરી જોવું નઈ. ને કોઈ જુએ છ? કોઈ મર્યા કેડે ય પાસળ નો આવે. માયાબુન, માર તમન એટલું જ કેવુંસ કે તમ દીકરાની બઉ આસા ના રાખો... આવે તો ય ભલું ને નો આવે તોય ભલું. તમ તમારે જીવો તમારી જીંદગી. ખુસ રો. અતારે રો’ છો, એવા જ. પસી તમ તમારા દીકરાનું વાટ્યુ જોવો સો ને મન કાંઈ ધ્રાસકા પડેસ... ઈના કરતા હાલો, અતારે ઊંઘો નિરાંતે. કાલ હવારે પૂસવા જાહું ઓફિસે, રજાનું. બળ્યું આ ઉંમરે આપડે કોઈને રજા આપીએ કે માંગીએ??? રામજીની મરજી. જો જવાય તો તમને મારું ગામડું બતાવું.’ પ્રભાબેને ચાદર ઓઢી લીધી. માયાબેન ઝડપથી ઉંબરો ઓળગી ગયાં ને તરત પ્રભાબેને લાઈટ બંધ કરી. પણ ઊંઘ બેમાંથી કોઈને ય આવવાની નહોતી એ બંને જાણતાં હતાં. પ્રભાબેને હાથ જોડી મનોમન પ્રભુ પાસે માફી માગી. 'માફ કરજે મારા રામ ! પણ આ બાઈને છોરાની બઉ આસા છે. ને એ આસા નછોરવી થઈ તો બાઈ મરી જાહે..!’ માયાબેને પોતાના ઓરડે જઈ તરત સાગરને ફોન લગાવ્યો. ‘હા મમ્મી, શું થયું? કંઈ કામ હતું?’ સાગરનો અવાજ સાંભળતાં જ માયાબેનનાં આસું સૂકાઈ ગયાં. બંધ પડેલું હૃદય જાણે ફરી ધબકતું થયું. હળવેકથી એમણે કહ્યું, ‘બેટા, તમે ક્યારે પાછા આવશો? મને હવે અહીં બહુ ગમતું નથી. તમે કહેતા હો તો આપણે અમદાવાદનો ફ્લેટ સાફ કરાવી, હું ત્યાં રહેવા જાઉં થોડા દિવસ. તે તમે આવો પછી...’ ‘જો મમ્મી, અત્યારે આ બધું પોસિબલ નથી. તારે ત્યાં જ રહેવું પડશે. પણ હું વેકશનમાં અમદાવાદ પ્લાન કરું તો તને લઈ જઈશ. થોડા દિવસ... પ્લીઝ એડજસ્ટ કરી લે. ગુડનાઈટ ! હજુ ઑફિસમાં જ છું, બહુ કામ છે.’ કહી સાગરે ફોન મૂકી દીધો. કોણ જાણે કેમ, માયાબેનને પાછળ કલ્યાણ બોલતો હોય એવા ભણકારા ય સંભળાયા. ઘડીક તો થયું, પ્રભાબેન પાસે પાછી જાઉં? પણ પછી ભગવાનનું નામ લેતાં સૂઈ ગયાં. બીજા દિવસે આશ્રમની ઑફિસમાં પ્રભાબેનને લઈને પૂછવા ગયાં. 'અમારે થોડા દિવસ પ્રભાબેનના ગામ રહેવા જવું છે, જઈ શકીએ?’ સેક્રેટરીએ કહ્યું, ‘જુઓ માજી, તમારો દીકરો અમેરિકા ગયો ત્યારે સ્પષ્ટ કહીને ગયેલો કે માને અહીં જ રાખવી. બહાર નીકળી ને પડી-આખડી તો જવાબદાર તમે એટલે તમને મોકલી ન શકુ. હા, તમારો દીકરો તમને આવીને લઈ જાય તો...’ બંનેના પગ ઢીલા હતા. અચાનક જાણે આજુબાજુ સળીયા ગોઠવાઈ ગયા ને જેલ બની ગઈ કે પછી એકદંડીયો મહેલ જેના સાતમા માળે એક નાનકડી બારીવાળા બારણાં વગરના ઓરડે પૂરાઈને ખાઈ-પીને જીવતાં રહેવાનું હતું ! સામે સુંદર બગીચાનું દૃશ્ય હતું તે જોવાનું ને ખુશ થવાનું હતું ! પ્રભાબેનના દીકરાનો તો અમેરિકાથી મહિને બે મહિને માંડ ફોન આવતો. એની અમેરિકન પત્ની ને અંગ્રેજી બોલતા છોકરા સાથે તો વાતેય નહોતી થતી. પણ માયાબેનના સાગરનો અઠવાડીયે ફોન આવતો... "મજામાં છે ને? કલ્યાણ હોમવર્ક કરે છે. સમિધા કિચનમાં છે.” ‘કિચનમાં અને સમિધા?’ કાયમ માયાબેનને પૂછવાનું મન થતું. એમને ગળા સુધીની ખાતરી હતી કે આયા અને રસોઈવાળાં બહેન રાખી જ લીધાં છે. છતાં ઉલટતપાસ કરવાનો એમનો સ્વભાવ નહોતો. કેવી વિડંબના હતી ! વગર પગારે, લાગણીથી રસોઈ કરનાર, કલ્યાણની સંભાળ લેનાર માની એમને જરૂર નહોતી ને પગારદાર નોકરોની ખાસ જરૂર હતી ! દિવાળીમાં માયાબેનને માટે બે સાડી અને બ્લાઉઝ આવ્યાં મીઠાઈ આવી. એમણે હોંશથી બધાને વહેંચીય ખરી. દર વખતની જેમ બધાને દૂધપાક બનાવી હોંશથી ખવડાવ્યો પણ તે દિવસનો ધ્રાસકો હજી જવાનું નામ લેતો નહોતો. માયાબેને ઇન્ટરનેટ કનેક્શન લીધું. પ્રભાબેન સાથે રોજ જૂની ફિલ્મો જોવા માંડી. જાતજાતની એપ્લીકેશન. જાતજાતની રમત... પ્રભાબેને કહ્યું, ‘મૂકોને બધી લમણાઝીંક... આપણે તો પાછા નાના સોરા બનીન રમ્મુ છે. જુઓ તો, આ વાંદરૂ કેવું દોડે ચાંપ અડકતા... ને આ ચાપને અડો ને કાઈ સોકરી ગાવા મંડે... નાચવા મંડે... આપણી હામે જોઈને જાતજાતની વાતું માંડે... બળ્યું આ ફોન તો માણહ કરતા હારો... માણહને અડો તો કાંઈ નો થાય... ઈની માંયના માણહ જાગેય નંઈ... ને આ રમકડુ જુઓ, અડકતા જ જીવતું થઈ જાય...!’ ‘આપણને ય કોઈ સ્પર્શે તો આપણે ય પાછાં જીવતાં થઈશું ને પ્રભાબેન? મારો કલ્યાણ.. એ મને વ્હાલથી અડકશેને, તો મારામાં મરી ગયેલ દાદી જીવતી થશે. મારો દીકરો હાથ પકડીને મને...’ માયાબેન બોલતાં હતાં ને પ્રભાબેને એમને અટકાવી કહ્યું, ‘મું ઝાલુ સુ તમારો હાથ બસ.. હું અડુ તમને ને તમે આપોઆપ મને અડી જાવ સો... જોયું? ને આપડે બન્ને તમાર ફોન જેવા – અડતા જ જીવતાં થઈ ગ્યા લ્યો...’ બંનેની આંખો ખારી થતી. બંનેએ પાછું એકબીજાને પટાવી હસવું પડતું. અમેરિકાથી પ્રભાબેનના દીકરાનો ફોન આવેલો પણ એણે ય પ્રભાબેનને ગામડે જવાની ચોખ્ખી ના પાડી દીધી. છતે ઘરબાર, છતે પરિવાર નોંધારાં. જાણે કોઈએ અચાનક ઊંચકીને અટુલા ટાપુ પર મૂકી દીધાં, કાળાપાણીની સજા આપવા ! એક સવારે પ્રભાબેનના ગામની જ એક બહેન-ભાનુબેન આશ્રમમાં આવ્યાં. એમનો દીકરો ય અમેરિકા જવાનો હતો. આવતાવેંત પ્રભાબેનને જોઈ વળગી પડયાં. પ્રભાબેન પણ હેતથી એમને ભેટ્યાં પછી કંઈ વિચાર આવતાં બોલ્યાં, 'ભાનુબેન, આ મારી આંયની બેનપણી, તમ ઈનેય નો વળગો? મારી બેનપણી તે તમાર બેનપણી નો થાય?’ ભાનુબેન માયાબેનને ઉમળકાથી ભેટ્યાં. માયાબેન પહેલાં અચકાયાં, પછી એ પણ ઉમળકાથી ભેટ્યાં. આંખે આપોઆપ સાગર છવાયો... પ્રભાબેને હેતથી પૂછ્યું, 'હારું લાગે છ? આ ભાનુબેન હજી જીવતું માણહ છે. ઈનો તમ હું કે'વ તે સ્પરશ તમને જીવતો લાગ્યો ન? પસી થોડા દા'ડા આંય રેહે એટલે ઈય મરી જવાની...’ ‘હેં? હું મરવાની?’ કહીને ભાનુબેન અળગાં થઈ ગયાં. 'કોણે કીધું? મન તો નખમાંય રોગ નથ. અજી તો અમેરિકા જાવું સ.’ બંને હસી પડ્યાં ને પ્રભાબેન બોલ્યાં, ‘નવી સુ તું. તન વાર લાગસે હમજતા. હાલ તારે ઓરડે, ઘડીક જૂની વાતું માંડીયે.’ અંદર જઈ નિરાંતે બેઠાં. પંખો ચલાવ્યો. જરાક કીચુડાટ સાથે એ ચાલુ થયો. જાણે ખંચકાયો ! ભાનુબેને સામાન ગોઠવતાં કહ્યું, 'દીકરો સેટલ થાય કે આપડે તો અમેરિકા. તાં લગી આય ગોઠવાવું પડહે. તું સો એટલે હારુંસ. પણ અલી પરભા, તમે ગામનું ખોરડું કાં વેચી નાયખું? કદીક-મદીક રે'વાનું મન થાય તો આવવા થતેને તને...’ 'વેચી નાંયખુ? કોણે? કારે?' સવાલોની રમઝટ પૂછતાં જ પ્રભાબેનને ખ્યાલ આવી ગયો કે દીકરો ગામડે જવાની શું કામ ના પાડતો હતો. પ્રભાબેન અચાનક બેસી પડ્યાં. પીઠ પર બરાબર વચ્ચે ઘા કર્યો હોય એટલું દુ:ખવા લાગ્યું. ભાનુબેન નજીક ગયાં એટલે એમણે તરત ભાનુબેનના બંને હાથ પકડી ને કહ્યું, 'તું ચ્યાંય સાઈન ના કરતી. કોઈ કાગળીયે નંઈ... તન મારા હમ... તારા પેટનો દીકરો ય કાગળીયા લાવે તો આ માયાબુનને વંચાવ્યા કેડે જ સાઈન કરજે. આટલું માનજે મારું...’ ભાનુબેનને કંઈ સમજાયું તો નહીં પણ એમણે ‘હા’ પાડી... બે જણને બદલે ત્રણ થયાં. હવે ફોન સામે ગોઠવી ત્રણે ફિલ્મો જોતાં થયાં. ઇન્ટરનેટની એપ્લીકેશન નાખતાં નાખતાં મઝા લેતાં થયાં. બધાંના ફોટા પાડી એને કાર્ટુન બનાવી હસતાં... જાતે જ કહેતાં : 'આપડે તો બઉ હોસીયાર થઈ ગ્યા...’ માયાબેનની વર્ષગાંઠ હતી તે દિવસે માયાબેન બહુ ખુશ હતાં. સવારમાં ચોકલેટ મંગાવી બધે વહેંચી. એમનું પેન્શન આવતું ને પ્રભાબેનનું વ્યાજ. એટલે ખાવાની ચિંતા નહોતી. ‘આજે તો સાગરનો ફોન આવવો જ જોઈએ’, એવું વિચાર્યું ને છતાં ત્રણેયના ફોટા પાડી તૈયાર રાખ્યા. ‘આજે ફોન ન આવે તો સાગરને વોટ્સઅપ પર ફોટા મોકલી સરપ્રાઈઝ આપવી છે. જો, તારી મા સ્માર્ટ છે. બધું આવડે છે... ફેસબુક... વોટસઅપ... ત્યાં જ ફોન આવ્યો. રીંગ વાગીને તરત ઊંચકવા ગયાં પણ નંબર જ આવ્યો એટલે થોડા અચકાયાં, પણ પછી ઊંચકી લીધો. સાગરનો જ હતો. ‘બેટા, તારો નંબર બદલાયો? આમાં તારો ફોટો ને નામ ન દેખાયાં?’ ‘હા મમ્મી, આ નંબર નવો છે, નોંધી રાખજે. અમારાં બધાં તરફથી હેપી બર્થ ડે.' સાગર બોલે ત્યાં કલ્યાણે ફોન લઈને બોલવા માંડયું, ‘દાદી, તારી કીટ્ટા... પણ હપ્પી બર્થ ડે. મેં ચોકલેટ ખાધી હોં... ને તું કેમ ફરવા જતી રહી? મને સ્ટોરી કોણ કેવાનું? ને આટલું બધું ક્યાં ફરે છે દાદી? બે દિવાળીથી તું આવતી જ નથી? દિવાળી પર દીવા મૂકવા આપતીને તું મને? ને પેલા મીટ્ટા ઘૂઘરા બનાવતી... દાદી, તું આવી જાને...’ 'હા હા બેટા, તમે અમદાવાદ આવો એટલે...’ માયાબેન બોલે ત્યાં સાગરે ફોન લઈને કહ્યું, 'આ બહુ તોફાની થઈ ગયો છે. આયાને ય માંડ ગાંઠે છે. તું સાચવજે. તબિયતનું ધ્યાન રાખજે. ને પાર્સલમાં તને ગમતી સીડી મોકલી છે. બર્થ ડે ગીફ્ટ ! સમિધા ય તને વીશ કરે છે. ચાલ બાય..’ કહીને સાગરે ફોન મૂકી દીધો. ત્યાં ફોનમાં સાગરનું નામ ઝબક્યું – ટ્રુ કૉલર. આ વળી નવી એપ્લીકેશન ! નામ એની મેળે આવી ગયું. પણ નામની સાથે અમદાવાદ? સાગર અમદાવાદ છે? મને કહ્યું ય નહીં? અત્યારે તો તહેવાર કે વેકેશન નથી. કેમ આવ્યા હશે? ક્યાંક સમિધાની તબિયત... માયાબેને પ્રભાબેને પૂછ્યું, ‘આમાં સાગર અમદાવાદ એવું લખ્યું છે. પણ સાગર તો...' પ્રભાબેને લાગણી નીતરતી આંખે એમને જોયાં કર્યું. જમાનાનું વિષ જોઈ ગયેલી એમની આંખ માયાબેનનું ભોળપણ જોઈ, મીઠી થઈ અમરત વરસાવવા લાગી. પછી એમણે એમના માથે હાથ ફેરવ્યો. એમને ભેટીને બે મિનિટ ઊભાં રહ્યાં. મક્કમ થઈ છૂટાં પડ્યાં અને પછી પોતાનો ફોન લીધો. ‘આમાં સાગરનો નંબર લખો.’ કહીને એમણે માયાબેન પાસે નંબર ટાઈપ કરાવ્યો અને પ્રભાબેને ફોન સ્પીકર પર મૂકી માયાબેનનો હાથ મજબૂતાઈથી પકડી રાખીને રીંગ સાંભળી. બે-ત્રણ રીંગ પછી સાગરનો અવાજ આવ્યો. પાછળ કલ્યાણના તોફાનનો અવાજ આવતો હતો. ‘મારે દાદીની જોડે વાત કરવી'તી...' સાગરે ‘હલ્લો’ કહ્યું એટલે પ્રભાબેને પૂછ્યું, 'હેલ્લો ! તમ સાગરભાઈ બોલો? અમદાવાદથી? કલ્યાણના પપ્પા?’ સાગરે કહ્યું, 'હા...’ પ્રભાબેને કહ્યું, 'તમ અમદાવાદ ક્યારથી રો’ છો?’ સાગરે કહ્યું, 'વર્ષોથી. તમારે કામ શું છે એ કહોને.’ ‘ગયે સાલ તમે અમદાવાદ જ રે'તા તા?’ પ્રભાબેને પાછું પૂછ્યું. સાગરે ખીજવાઈને કહ્યું, ‘જુઓ બેન, અમદાવાદ મારું ઘર છે. હું વર્ષોથી અહીં જ છું. ગયા વર્ષે પણ ને આ વર્ષે પણ... તમે કોણ છો? કામ શું છે? તમે કલ્યાણનું નામ લીધું, તમે કેવી રીતે ઓળખો?’ પ્રભાબેને કડક અવાજે કહ્યું, ‘અમે તમને ઓળખતા’તા. તમારી મા માયાબેન ગુજરી ગ્યાં. મેરબાની કરી અવે ઈમને ફોન ના કરતા. અમ બધી નછોરવી મા ભેગી મરી ગઈ... ને સરગાપુરીમાં ખુસ છીએ.’ આટલું કહી ફોન કટ કર્યો. માયાબેનની આંખે આંસુ થીજી ગયાં. તરત માયાબેનનો ફોન રણક્યો. સ્ક્રીન પર દેખાયું – સાગર-અમદાવાદ – માયાબેને ફોન કટ કર્યો ને તરત સાગરની નવા-જૂના બંને નંબર બ્લોક કરી દીધા. થોડીવાર મૂંગા બેસી રહ્યા પછી પ્રભાબેને ભાનુનો હાથ પકડી પૂછ્યું, ‘તારો દીકરો વયો ગ્યો અમેરિકા?’ એમણે હા પાડી એટલે કહ્યું, ‘ઘર ખાલી?’ એમણે પાછી હા પાડી, ‘હા પણ ચાવી...’ ‘તાળું તોડતાં મન આવડે સ. મારા વ્યાજના પાંચ હજાર આવેસ. માયાબુન તમારા પંદર. આપણે તૈણને ચાલવાના. ને હજુ પાપડ, અથાણાં આવડેસ મન... બોલો હું ક્યો સો?’ ‘પણ નિયમ? આપણને અહીંથી...’ માયાબેન બોલી રહે તે પહેલા પ્રભાબેને કહ્યું, ‘નીયમની માને પૈણે... જીને ધવડાવ્યા, જલમ દીધો, જીવાઇડા ઈ આપડા નિયમ માને... ઈના જાતના ! આપડે કોઈના ઓહિયાળા છઇએ? બોલો છાતી ઠોકીને... માયલાને પૂસીને ક્યો. ભાગવું સ? પાસા...જીવતા થાવા? કે પસ ઠાઠડીમાં બંધઇને આંય જ રે’વુંસ? કોઈ બારવા આવે ઈની રા’ જોવીસ???’ બંનેએ ઊભાં થઈ પ્રભાબેનનો હાથ પકડી લીધો. ત્રણે એકમેકને બાઝીને ઘડીક ઊભાં રહ્યાં ને પછી પોતપોતાના ઓરડે ગયાં, સામાન બાંધવા. એ રાત કોઈ સૂવાનું નહોતું. મહાભિનિષ્ક્રમણની રાત હતી એ... સિદ્ધાર્થમાંથી બુદ્ધ થવાની રાત...

વાર્તા અને વાર્તાકાર :

સ્વાતિ ધ્રુવ નાયક (૨૭-૦૬-૧૯૬૬)

એક વાર્તાસંગ્રહ :

1. અમૃતા 27 વાર્તા