નારીસંપદા : ટૂંકી વાર્તા/મૂરખ છોકરી

મૂરખ છોકરી !

જયશ્રી ચૌધરી

સાંજનાં સૂર્યકિરણોની લાલિમા દેવળના અગ્રભાગે લીંપાતી-અળપાતી હતી. રોડની આસપાસ હારબંધ ઊભેલાં વૃક્ષો વિદાય લેતાં સૂર્યની સોનેરી ઝાંય પર્ણોમાંથી ખેરવી રહ્યાં હતાં. સિવિલ હૉસ્પિટલનો યુ ટર્ન લઈ ગાડી મૈનાકના ઘર પાસે ઊભી રહી. ઔપચારિકતા પતી ગયા પછી મૈનાકે ગાડી લઈ જવાનો આગ્રહ કર્યો. ‘એની જરૂર નથી. જમવાના સમયે પાછી આવી જઈશ. આજે દસ વર્ષ પછી બદલાયેલા આહવાની મિશનપાડાની ગલીઓને મારે જોવી છે.’ અનિતાએ ફોર્મલ ડ્રેસ પહેરી લીધો. ‘રિંગ કરજે. હું લેવા આવી જઈશ.’ મૈનાકના ચહેરા પરની ચિંતાની લકીરને હાસ્યથી લૂછતાં અનિતાએ એના ખભે હાથ મૂક્યો. ‘આ ગામ, અહીંની ગલીઓ, રસ્તાઓ... બધું મને ઓળખે છે. પપ્પાની ટ્રાન્સફરને દસ વર્ષ થયાં. એ દસ વર્ષ પછી દોસ્તોની બદલાયેલી હાલત જોવા દે. કોણ, કેવું, ક્યાં છે જઝબાત જોવા દે.’ રસ્તા પર ચોરપગલે અંધારું ઊતરી રહ્યું હતું. સડક પર હજી માણસને ઓળખી શકાય એટલો પ્રકાશ હતો. સિવિલ હૉસ્પિટલના યુ ટર્ન પાસે જોડાતા એક રસ્તા પર અનિતાએ પગ મૂક્યો. એક રોમાંચ એને ઘેરી વળ્યો. દસ વર્ષ થઈ ગયાં. ન કોઈ પત્ર, ન કોઈ ફોન, ન કોઈ મુલાકાત છતાં એની યાદ એને અવારનવાર આવી જતી. બાર વર્ષ સુધી સાથે અભ્યાસ કર્યો, સાથે રમ્યાં. અને – સાથે જ પ્રેમમાં પડ્યાં. નીલમને પ્રેમ થઈ ગયો હતો. બસડેપોમાં કામ કરતા કોઈ છોકરા સાથે. ખ્રિસ્તી જ હતો ને એ છોકરો પણ... સાવ નાદાનિયત હતી. વાતચીતમાં પણ કોઈ બીજી છોકરી સાથે વાત કરતાં નીલમે એને જોયો હતો. બસ પછી પૂછવું જ શું? ઘણા દિવસ અબોલા રહ્યા. અનિતાએ સુલેહ કરાવવા રૂપેશની મદદ માગવી પડી. સમાધાન તો થઈ ગયું પરંતુ અનિતાની હાલત નાજુક થઈ ગઈ હતી. રૂપેશને જોઈને એને કંઈક થઈ જતું હતું. નીલમે આખરે નિદાન કર્યું હતું. ‘અનુ, તને પ્રેમ થઈ ગયો છે.’ આકસ્મિક નિદાનથી હતપ્રભ થયેલી અનિતાએ અડધો દિવસ રજા પાડી હતી. બીજે દિવસે નીલમ આખો દિવસ હસતી રહી હતી. ‘તારાથી નહીં થાય.’ ‘શું?’ ‘પ્રેમ.’ ‘અહીં કોને કરવો છે?’ ‘એમ?’ ‘હા. એમ.’ અનિતા સાવ સૂનમૂન થઈ ગઈ હતી. જ્યારે એણે જાણ્યું હતું કે રૂપેશના ફાધરની ટ્રાન્સફર થઈ ગઈ. એને હલબલાવી નાખતાં નીલમે એની આંખોમાં આંખો પરોવતાં કહ્યું હતું. ‘અરે પાગલ, રૂપેશને તેં કહેલું? એના કરતાં અમારી અનુ માટે તો કોઈ હીરો રાહ જોતો હશે.’ નીલમ એટલી સહજતાથી એ વાત બોલી હતી કે સાચે જ એ રૂપેશને ભૂલી ગઈ હતી. અભ્યાસમાં એ એવી ડૂબી ગઈ કે પરિણામ આવ્યું ત્યારે અનિતા કેન્દ્રમાં પ્રથમ આવી હતી. નીલમ નાપાસ થઈ હતી. પપ્પાની ટ્રાન્સફર થઈ ગઈ. આહવા છૂટી ગયું. દસ વર્ષમાં અનિતા શહેરની જાણીતી મહાશાળામાં શિક્ષિકા થઈ ગઈ હતી. સારું લખવા માંડી હતી. એની વાક̖છટા વખણાતી હતી. જોગાનુજોગ જ ગણો, એનો સહાધ્યાયી મૈનાક આહવાની શાળામાં શિક્ષક બની ગયો હતો. સામાજિક કામગીરી, શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં લઈને મૈનાકની પસંદગી શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ હતી. મૈનાકે અનિતાનું વ્યાખ્યાન ગોઠવી દીધું હતું. આહવા જવાના, પરિચિતોને મળવાના લોભે જ અનિતાએ હા પાડી હતી. ચાલતાં ચાલતાં એ નીલમના ઘર પાસે પહોંચી. તેથામાસી અને રુસૂલમામા. નીલમની બહેન સુનીતા – બધાંને મળવાના વિચારમાત્રથી એના પગમાં ઝડપ આવી ગઈ. નીલમનું સાસરું પણ નજીકમાં જ હતું ને ! એ જ તો કહેતી હતી ને? શી ખબર શું થયું હશે? દસ વર્ષમાં તો ઘણું બધું થઈ શકે. એના પગમાં થાક ઊતરી આવ્યો. વાંસની ફાકરીથી બનાવેલા મજબૂત વાડાની ભીતર સચવાયેલું ગારમાટીનું નાજુક ઘર... વાડાનો દરવાજો અર્ધો ઉઘાડો હતો. ચારપાંચ પુરુષો બહાર આવી રહ્યા હતા. એકે બાંયથી મોં લૂછ્યું. બીજાએ શર્ટના ગજવામાંથી બીડીનું બંડલ કાઢ્યું. દીવાસળી પેટાવી હાથ આડો કરી બીડીનો કસ લીધો. ત્રીજાએ વાતનો દોર શરૂ કર્યો. ‘નીલમ પોસી બેસ દારૂ ઈકહ. મજા ઈ ગઈ. પોસી કાય કર આતા. આહાસ બાહાસ દોની મરી ગિયાત.’ ‘કોન સાંગ? આઇસ ગુમ હુઈ ગઈ ઈસા સાંગતાહા પન આહા જ ખાનદેશમાં. જશોદાકાકી ચાવડત હતી.’ ‘જશોદાકાકી કાહી ઠગ નાઅર...’ અનિતાને થયું ખરેખર જશોદાકાકીની વાત સાચી હોય. નીલમની ગુમ થયેલી મા પાછી મળી જાય. અધખૂલા ઝાંપલાને વટાવી અનિતાએ ઘર તરફ જોયું. પછવાડે ચૂલાનો ધૂમાડો આકાશ ભણી એકધારી ગતિ કરતો હતો. મહુડાના દારૂની મીઠી સુગંધ ચોમેર પ્રસરી રહી હતી. એણે ઘરમાં ડોકિયું કર્યું. ઘર ખાલી હતું. પાછલા વાડામાં ચૂલા પર સુનીતા રોટલા ટીપતી હતી. નીલમ કાચની બૉટલ, કોથળીઓમાં માપિયાથી દારૂ રેડી રહી હતી. અનિતાને અણગમો થયો. એની સખી બૂટલેગર હતી ! છટ્... કેટલું ખરાબ લાગે? કોઈ જાણે તો? પાછા વળવા એણે પગ ઉપાડ્યા. સુનીતાએ બૂમ પાડી. ‘કોણ સે તાં?’ અનિતાના પગ અટકી ગયા. ‘કોણ અનિતા? અરે તું તો ઓળખતી હો નથી ને ! જો કેટલી બદલાઈ ગઈ છે.’ મધપૂડાને વળગતી મધમાખીની જેમ નીલમ અને સુનીતા અનિતાને વળગી પડ્યાં. ‘અનુ, તું કેટલી બદલાઈ ગઈ સેં? પેલા તો તારા વાળ કેટલા લાંબા હતા? તું કેટલી પાતળી હતી?’ અનિતાને ખરેખર અફસોસ થવા માંડ્યો. બંને બહેનો ખાસ બદલાઈ નહોતી. પોતે શહેરી પરિવેશમાં સાવ બદલાઈ ચૂકી હતી. ચા-પાણી, અતીતનાં સંભારણાં, સુખ-દુઃખની વાતો, પોતાના વિકાસની વાતો... અણખૂટ વાતો. નીલમે અનુને કહ્યું, ‘ચાલ અનુ તને ત્યાં લઈ જાઉં, નજીક જ સે.’ કાળા ડ્રમને સાઇકલના કેરિયર પરથી છોડતાં નીલમ સાથે નજર મળતાં જ મીઠું હસેલા સોહામણા યુવાનને બીજી જ ક્ષણે હુકમ કરતાં એણે કહ્યું, ‘વાડામાં થવીને તઠ યે. કુઠ આહા તુના પોસા અર્જુન?’ ચારેક વર્ષના એક બાળકે દેખા દીધી. ‘અર્જુન, તઠ દોન બાટલી ‘ઠંડા’ લી યે. અન ઈ પૈસા ચોકલેટ સાઠી.’ બાળકના ચહેરા પર ચોકલેટના નામથી ઉત્સાહ આવી ગયો. રસ્તો છોડીને ક્યારે કેડી પર ડગ પડવા માંડ્યાં વાતમાં ખબર પણ ન પડી. જંગલની શરૂઆત થતી હતી. ‘ના અનુ, પોલીસ નથી પજવતી. મને યાદ છે, શરૂઆતમાં જ મને પોલીસ પકડીને થાણામાં લઈ ગઈ. સાહેબ બધાને પૂછપરછ કરતા હતા. મારી તરફ ફરીને મને પૂયસુ, ‘છોકરી કેટલું ભણેલી છે તું?’ ‘બારમું નપાસ.’ ‘બીજું કામ નથી ગમતું?’ મારી આંખમાં આંહુ આવી ગિયાં. મેં મારી કથની કીધી., ‘સાહેબ, મારા બાપાને ભૂજ નોકરીમાં હતા ત્યારે જ કોઈએ મારી નાખેલા. તાં જ બાળી દેવા પડેલા. મા મઈનાથી ગુમ થઈ ગઈ સે. સગામાં આગુમામા સે તેને વાત કરી તો કેય કે, ‘એ તો આવહે આવવાની ઓય તો.’ આગુમામાને મારી મા બો માનતી હતી. અવે અમને બીજું તો કોણ મદદ કરે? બાજુવાળા શેરડીના કામે ગિયા તે મને કીધું, ‘પોસી, ભૂખા નકો મરસાલ, દારૂબારૂ ધગવી જગજા.’ સાહેબ તે દિવસથી દારૂ બનાવીએ સીએ. હું ને મારી બહેન પૂરતું ખાવાનું થઈ જાય સે.’ ‘દારૂમાં નશાની ગોળી તો નથી નાખતી ને?’ ‘ની સાહેબ, દેવાસપ્રત ! મઉડા, ગોળ, નવસાર સિવાય મારા દારૂમાં કોઈ ભેગ ની મલે. નોકરી તો ની મલી સાહેબ.’ બોલતાં મારી જબાન જાણે સિવાઈ ગઈ. સાહેબે કીધું, ‘અશરફ, હવે આ છોકરીને કદી પકડીને લાવીશ નહીં, મારી બદલી થાય પછી પણ નહીં, સમજ્યાં? સ્પિરિટનો ભેગ કરતા લોકોની જિંદગી સાથે ખેલતા અસલ બૂટલેગરોને પકડો, વિદેશી દારૂની બાટલીમાં દેશી મોત વેચતા ગુનેગારોને પકડવામાં પોલીસખાતાની મર્દાનગી છે, સમજ્યો?’ એ સાહેબને પગે લાગી ત્યારે મેં જોયું તો સાહેબની આંખમાં આંસુ આવી ગયેલાં હતાં. મારા માથે હાથ મૂકીને મને પાંનસો રૂપિયાની નોટ આપીને કીધું, ‘દીકરી, ઈમાનદારીથી ધંધો કરજે. સારું ઘરબાર મળે તો પરણી જજે. પછી આ ધંધો છોડી દેજે.’ દેવતાને સંકોરતી નીલમને અનિતા જોતી હતી. ‘નીલમ, પછી પેલો છોકરો મિકેનિક હતોને એનું શું થયું?’ ‘જવા દે અનુ એ વાતને. સાલો દગાબાજ નીકઈળો. બીજીને પરણી ગિયો. આ રયાજુ સે તે મને ગમે સે.’ ‘પણ એને તો છોકરું છે ને?’ ‘અર્જુનની મા છ મહિનાથી કોઈ ડ્રાઇવર જોડે ભાગી ગઈ સે.’ ‘રયાજુ છે એટલે કે લાગે છે તો સારો.’ ‘એ મને કેય સે કે ચાલ પરણી જઈએ. સુનીતા હો હા પાડે સે. ધંધામાં હો મદદ થાયને?’ સળગતી દેવતા ડબા પર ગોઠવેલા માટલામાં કરેલા છિદ્રમાં વાંસની નળીનો એક છેડો ભરાવેલો હતો. એ નળીનો બીજો છેડો તાંબડીમાં મૂકેલો હતો. તાંબડી પાણી ભરેલા થાળામાં હતી. રયાજુએ આવી ઠંડાં પીણાંની બૉટલો નીલમ પાસે મૂકી. એણે વારંવાર તાંબડી પર પાણી રેડવા માંડ્યું. તાંબડીના મોઢા પર ઢાંકેલા કકડાને બરાબર ગોઠવતાં રયાજુએ નીલમ સામે જોયું. એની આંખો બહુ બોલકી લાગતી હતી. અનિતા તરફ આંખ એણે ઠેરવી. ‘બહેન, નીલમને મેં તો બઉં કીધું કે હારી રીતે રાખા તને. પણ માનતી નથી. પસી પસી જ કઇરા કરે.’ નીલમની અસમંજસ એના ચહેરા પર વંચાતી હતી. ‘અનુ, મારે ઉતાવળ નથી કરવી. ધીરજથી બધું થહે. રયાજુ અંઇયા જ તો સે પસી !’ ‘મને બોલાવજો. મા ખૂબ રાજી થશે.’ ‘માસી-મામાને બોલાવવાનાં જને.’ ઓરેન્જના ઠંડા ઘૂંટડા ગળામાં ઉતારતાં તનાતન સત્ય નીલમના કાનમાં રેડતાં અનિતાએ કહ્યું, ‘નીલમ, જરૂર પડે જીવનસાથીની. જિંદગી એકલા જીવવું અઘરું છે. વિચારવામાં વધારે મોડું ન કરતી.’ સાંજ આથમતી જતી હતી. રાત ચોરપગલે ઊતરી રહી હતી. નળીને માટલાના છિદ્ર સાથે જોડવા માટીનું લેપન કરવામાં આવ્યું હતું. ઊંધા ગોઠવેલા એ માટલાને ડબામાં કાપડ અને માટીથી એવી રીતે ફિટ કરવામાં આવ્યું હતું કે બાષ્પ બહાર ન જાય. બાષ્પમાંથી ટીપે ટીપે ઝમતો દારૂ. આટઆટલી ક્રિયાપ્રક્રિયામાંથી બનતો દેશી દારૂ. એનાથી નશો ન ચઢે તો જ નવાઈ. નીલમ અને રયાજુનો પ્રેમ આ દારૂની જેમ ધીરેધીરે વધતો જતો હતો. ‘બહેન, જુઓ તો આ પહેલી ધારના દારૂમાં એકલી આગ હોય સે.’ દારૂમાં ઝબકોળેલી આંગળી આગમાં રાખતાં ભડકી ઊઠેલી ભૂરી ભૂરી આગ... ચારેક ડબાઓમાં ગોળ અને નવસારના મિશ્રણનો ઉકળાટ ફીણ ફીણ થઈ રહ્યો હતો. એ હવામાં ઊઠતી માદક મીઠી સુગંધ, ઊતરતી જતી રાત. એમાં ઊભેલા ત્રણ ઓળાઓ ગામ ભણી ચૂપચાપ આવી રહ્યા હતા. નીલમ ઉદાસ થઈ ગઈ હતી. ‘અનુ, કેટલી મજા આવતી હતી, મા બાપા હતાં તારે, અવે? ક્યારેક તો બઉ એકલું લાગે સે.’ ‘એટલે જ કહું છું પરણી જા. રયાજુ સારો છે. તને પ્રેમથી રાખશે.’ ઘરે પહોંચતાં જ મૈનાક ગાડી લઈને અનિતાને લેવા આવી ગયો હતો. ‘ચાલ અનિતા કેટલું મોડું થઈ ગયું?’ ઉદાસ નીલમને જોઈ અનિતાને એક વિચાર આવી ગયો. ‘નીલમ, હું તારા માટે મૈનાક સાથે એક ગિફ્ટ મોકલાવીશ. આપણે પછી સુખદુઃખની વાતો કર્યા કરીશું.’ પરિચિતો સાથે અછડતી મુલાકાત મૈનાક સાથે અનિતાએ કરી લીધી. છતાં નીલમની યાદથી એ વ્યથિત થઈ ગઈ હતી. આહવા છોડ્યું ત્યાં સુધી એ યાદ એને વળગી રહી હતી. અનિતા એ પછી ઘર-પરિવારમાં એવી ખૂંપી ગઈ કે બધી વાતને સાવ ભૂલી ગઈ. મૈનાક પાંચ-છ મહિના પછી આવ્યો. અનિતાએ યાદ કરીને સેલફોન લઈ એક્ટિવેટ કરી આપવાની તમામ જવાબદારી મૈનાકને સોંપી નીલમની ભેટ પેક કરી. ‘હા અનિતા, મારે જતાંવેંત નીલમને આ મોબાઈલ આપી, જરૂરી કાર્યવાહી પતાવી તારી સાથે વાત કરાવવાની એમ જને? બીજો કોઈ હુકમ?’ ‘હમણાં નથી.’ કહી મૈનાકને વિદાય કર્યો. અનિતા નીલમનો અવાજ સાંભળવા આતુર થઈ ગઈ હતી. બીજે દિવસે રવિવાર હતો. બપોર પછી સ્ક્રીન પર ઝળકેલા નવા નંબરને એટેન્ડ કરવા અધીરી થયેલી અનિતાએ માર્કેટિંગ કોલ કરતી યુવતીને ઝાટકી નાખી. ‘દેખિયે મુઝે લાખ રૂપિયા દેના ચાહતે હો તો ઘર આકર દે દો. નહીં તો આપ રખ લો. ઠીક હૈ? બટ ડોન્ટ ડિસ્ટર્બ મી. અન્ડરસ્ટેન્ડ?’ આખરે મૈનાકનો અવાજ આવ્યો. ‘ટાસ્ક ઇઝ ઓવર મૅડમ. બાત કિજીએ. મૈં જા રહા હૂં.’ અનિતાએ ઉતાવળે જ પૂછી નાખ્યું. ‘નીલમ, પછી પેલી વાત કેટલેક આવી? મોડું ન કરતી.’ થોડી ક્ષણો ચૂપચાપ રહી ગઈ. સમય આટલો બોઝિલ હોઈ શકે એવું અનિતાને પહેલીવાર લાગ્યું. ‘અર્જુનની મા પાછી આવી.’ ‘તો?’ ‘અર્જુન તો એને જોઈને વળગી જ પડ્યો. ડ્રાઇવરે એને દગો દીધો. એ બઉ રડતી હતી.’ ‘મગરનાં આંસુ.’ ‘મેં રયાજુને સમજાવ્યો. માફ કરી દે બિચારીને. છોકરાનો વિચાર કર.’ ‘તને તારો વિચાર ન આવ્યો? મૂરખ છોકરી !’ ‘અનુ, હું તો કુંવારી સું. મને તો બીજો મળહે. પણ પેલીને કોણ સંઘરહે? સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન હું નથી બની શયકી.’