નારીસંપદા : ટૂંકી વાર્તા/સંતુલન

સંતુલન

લીના કાપડિયા

આલોકનું બોલવાનું હમણાંનું ઓછું થઈ ગયું હતું. નહીં તો આવી સુંદર સવારે ચાલવા જવાનો સમય વરસો પછી મળ્યો હતો. વર્ષોથી એવું થતું કે રાતે સૂઈ જતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો રાતે જ ચાલે એટલે રાતે ફોન આવતા. ઊંઘમાંથી જાગી જવું પડતું. આલોક ફોન ઉપર વાત કરે, ફોન મુકાય પછી પાછા સુઈ જવાનું. રાતે સૂતા પણ બાર એક તો વાગી જતા. ક્યારેક શીતલ કહેતી કે મને બીજી રૂમમાં સુવા દે ને. આ રોજ રોજ મારી રાત બગડે છે. આલોક કહેતો કે સવારે મોડી ઊઠને, હું ક્યાં તને કહું છું કે તું વહેલી ઊઠ. એને આલોકની આ જીદ ગમતી પણ ઉપરથી તો એ છણકો જ કરતી. શીતલની સવાર જ આ કારણથી નવ વાગે પડતી. આજના જેવી સુંદર સવાર જોવાનું હમણાં થોડા વખતથી શક્ય બન્યું હતું કારણ હવે ધંધાકીય ફોન પુત્ર નયનને જતા હતા. શીતલને પોતાના આ નિર્ણય માટે આનંદ થયો. એકાદ વર્ષ પહેલા શીતલને ખબર પડી હતી કે આલોક મેનેજરની પદવી માટે ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો તો એક રાતે એણે આલોકને નયનને જ ધંધામાં લગાવી દેવાનું કહ્યું. આલોકે જોકે વિરોધ નોંધાવ્યો હતો, "હજી હમણાં તો એણે નોકરી લીધી છે. પાંચ મહિના થયા છે. ભલે થોડો નોકરીનો અનુભવ લે.” શીતલે કહ્યું, “12000 રૂપિયાના પગારવાળી નોકરી એ કરે કે ન કરે શું ફેર પડે છે? એનો ખર્ચો જ એટલા પૈસાથી વધારે છે. તું મેનેજર ગોતી જ રહ્યો છે તો નયનને જ આપણા ધંધામાં લઈ લે. એની પણ એ જ ઈચ્છા છે.” આલોકે અનિચ્છાનું કારણ સ્પષ્ટ કર્યું, “નયનને બી.કોમ. કર્યે છ મહિના થયા છે. નોકરીમાં ટીપાવા દે તો ઘડાશે અને મારી ઈચ્છા છે કે એમ કરતા જો કોઈ નવી લાઈન એના હાથમાં આવી જાય તો ભલે નવો ધંધો શરૂ કરે. ટ્રાન્સપોર્ટના ધંધામાં હવે પહેલા જેવી બરકત નથી.” શીતલે જવાબ આપ્યો, “કાલે નયન કહી રહ્યો હતો કે પિતાનો બિઝનેસ હોય અને મારે આમ બીજાઓની ગુલામી કરવી પડે છે, મા. આખરે તો હું એમનો બિઝનેસ જ સંભાળવાનો છું તો હમણાં કેમ નહીં?” આખરે આલોકે નયનને ધંધામાં જોડ્યો હતો. અત્યારે ચાલતા ચાલતા શીતલે આલોકનો હાથ પકડ્યો, “કેટલા નસીબદાર છીએ આપણે આલોક. મુંબઈ જેવા શહેરમાં પણ આવી પ્રકૃતિ માણવાનો લ્હાવો મળે છે. કેટલો મોટો અને સુંદર બગીચો છે, સ્વિમિંગ પૂલ છે. પંખીઓ છે અને ભૂરું આકાશ પણ દેખાય છે, સ્વપ્ને પણ ધાર્યું હતું કે આવા ટાવરમાં 50મા માળે ઘર હશે આપણું?” શીતલે કહ્યું. આલોકે એને સ્મિત આપ્યું. મુંબઈના પરામાં ચાર બેડરૂમનો વિશાળ ફ્લૅટ હતો એમનો. આલોક સાથે લગ્ન કરીને આવી હતી ત્યારે વિરારની એક ચાલમાં એ રહેતો હતો. ગામના વિશાળ ઘરમાંથી ચાલની આ નાની ખોલીમાં આવીને શીતલનું મન મુંઝાયું હતું પણ આલોકની બિઝનેસ કરવાની સૂઝ અને જોખમ લેવાની તાકાતથી એણે ટ્રાન્સપોર્ટનો ધંધો જમાવ્યો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ કરી હતી. 30 વર્ષો વીતી ગયાં હતાં એ વાતને અને આજે તેઓ સમૃદ્ધિમાં આળોટતાં હતાં. ચાલીને તેઓ ઘરે આવ્યાં. ચહાનો કપ લઈને શીતલ દીવાનખાનામાં આલોકની બાજુમાં આવીને બેઠી. અંદરની રૂમમાંથી નયનનો ગુસ્સાવાળો અવાજ આવી રહ્યો હતો. વાત પરથી શીતલ એટલું સમજી કે એમની ટ્રકનો એક્સીડન્ટ થયો હતો. વસંત ડ્રાઇવર પકડાઈ ગયો હતો. પોલીસ ટ્રક પાસે હતી અને નયન બૂમો પાડી રહ્યો હતો. દિવસની શરૂઆત કલહથી બગાડવાની શીતલને ઇચ્છા ન હતી તેથી એ ઊભી થઈ. "હું શીરો બનાવું છું," શીતલે કહ્યું અને રસોડામાં ગઈ. ઘીમાં રવો શેકાવાની સોડમ આખા ઘરમાં પ્રસરી ગઈ. ગર્ભવતી પૂત્રવધુ માટે એને ભાવતી વાનગી પોતાના હાથે બનાવીને ખવડાવવાનું મન હતું શીતલને. એ બહાર ડાઇનિંગ ટેબલ પર શીરો લઈને આવીને જોયું તો નયન તો પોતાની કાર લઈને ઓફિસ જવા નીકળી ગયો હતો અને આલોક નહાવા ગયો હતો. પિતા-પુત્ર એક જ ઑફિસમાં જુદા જુદા જવાના હતા એ પણ મુંબઈના ટ્રાફિકમાં એ વાત શીતલને ખટકી. પૂત્રવધુ વર્ષાએ આવીને જણાવ્યું, “મમ્મી, હું આજે ઘરેથી કામ કરવાની છું,” “સારું,” શીતલે કહ્યું, ”લે, શીરો ખા.” શીરો જોઈને વર્ષા ખુશ થઇ ગઈ. શીતલે પૂછ્યું, “આજે મામા પણ જમવા આવવાના છે અને તું પણ ઘરમાં છે. રસ, પુરી, ઢોકળા, ચટણી, બીટનું રાયતુ બનાવડાવું છું, બીજું કાંઈ ખાવું છે?” “કઢી અને પુલાવ”, વર્ષાએ કહ્યું. “અરે મુખ્ય વસ્તુ જ ભૂલી ગઈ,” શીતલે કહ્યું અને રસોઈની સૂચના આપવા રસોડામાં ગઈ.

...

શીતલના મોટા ભાઈનું નામ જતીન હતું. ઉદયપુર રહેતા હતા. મુંબઈ કાંઈ કામથી આવ્યા હતા. બહેનના ઘરે રોકવાના ન હતા પણ જમવાનું રાખ્યું હતું. ઘણા વખતે ભાઈ બહેન મળ્યાં હતાં અને દિલથી એકમેકની ખૂબ નજીક હતાં તેથી શાંતિથી બન્ને જમતા જમતા વાતો કરતા બેઠાં. શીતલે પૂછ્યું, “કેમ ચાલે છે ઘરમાં બધું?” “શાંતિ છે,” જતીને કહ્યું. થોડી વાર પછી ઉમેર્યું, “હું ચૂપ રહેતા શીખી ગયો છું.” શીતલે ભાઈ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. “પુત્ર ગુસ્સે થતો હતો. એની મા એનો પક્ષ લેતી હતી. ધીમે ધીમે અપમાનિત થઈને મેં બોલવાનું બંધ કર્યું. હવે તારી ભાભી મને કહે છે કે પુત્ર અને વહુ કેટલી દાદાગીરી કરે છે પણ તમે બે અક્ષર પણ બોલતા નથી,” જતીને શીતલની આંખ સાથે આંખ પરોવી, “પણ અપમાનો સહીને મને ચૂપ રહેતા આવડી ગયું છે, શીતલ.” શબ્દોના વજનથી ફેલાતી ચુપકીદી પ્રસરી ગઈ. થોડા સમય પછી શીતલે કહ્યું, “મારા ઘરમાં દલીલ થતી રહે છે. આલોક ઘણી વાર સમજાવે છે નયનને કે ડ્રાઇવરોને સંભાળવા પડે. ક્યારેક એક્સીડન્ટ થાય પણ ખરો; ક્યારેક તેઓ પીએ પણ ખરા પણ વર્ષોથી આ જ ડ્રાઇવરો આપણી સાથે છે, વિશ્વાસુ છે. પોલીસને પણ સંભાળવી પડે. પરંતુ નયન આલોકની વાતને ગણકારતો નથી.” “રકઝક ચાલે છે ત્યાં સુધી વાંધો નહીં,” જતિને કોળિયો મોઢામાં મૂકવાને બહાને નીચું જોતાં ધીમેથી કહ્યું. “એટલે?” શીતલે પૂછ્યું. “એટલે એમ કે ઘર ઘરની આ કહાની છે શીતલ, તમે સ્ત્રીઓ સંતુલન નથી જાળવી શકતી.” સંતુલન… પતિ અને પુત્ર વચ્ચે… એ મતલબ હતો ભાઈનો. નયનનો જન્મ થયો ત્યારે મમતાનું એક પ્રચંડ મોજું ઊછળ્યું હતું શીતલના મનમાં. એના એક સ્મિત માટે કલાકો એને તેડી રાખતી. માનો પ્રેમ અવિરતપણે વહી રહેતો મનમાં. નયન મોટો થતો ગયો એમ આલોકને લાગતું કે પિતા તરીકે નયનને કેળવણી આપવાની એની ફરજ હતી. ક્યારેક અતિરેક પણ થતો. આલોકનો નિયમ હતો કે સૌએ સાથે બેસીને જમવું. જમવા બેસવું હોય અને ચાર વરસનો નયન ટી.વી. જોતો હોય તો શીતલ કહેતી કે એને ગમતો સીન પૂરો થાય પછી ટી.વી. બંધ કરશું ને જમશું તો શું ફર્ક પડે છે પણ આલોક ધરાર નયનને રડાવીને ટી.વી. બંધ કરીને નિયમોનું પાલન કરાવતો. આવા તો કેટલાય પ્રસંગો શીતલની નજર સામેથી પસાર થઈ ગયા. નાની નાની વાતોમાં પિતા પુત્ર વચ્ચે દરમિયાનગીરી કરવી પડતી. ક્યારેક અથવા તો કહો ઘણી વાર સંતુલન ન પણ જળવાયું હોય એનાથી… શું આ કારણ હતું આલોકનું શાંત રહેવાનું? હમણાં હમણાં આલોકે ઘણી વાર એને સમજાવવાની કોશિશ કરી હતી. "હું નયનને બિઝનેસ ચાલુ કરી આપવા તૈયાર છું. આપણે કર્યું એમ એકડે એકથી એણે શરૂઆત નહીં કરવી પડે પરંતુ એનો બિઝનેસ જુદો. એ સંભાળે. એનું ઘર જુદું, એ ચલાવે. જવાબદારી આવશે ત્યારે જ સુધરશે પણ તું મને આમ કરતા રોકે છે" શીતલ સમજતી હતી કે આલોકની વાત સાચી હતી પરંતુ એ તો નાના બાળકના પગલાં ઘરમાં ફરે એની રાહ જોઈ રહી હતી. હર્યાભર્યા સંસાર અને એકલતા વચ્ચે એણે પસંદગી કરવાની હતી. એને બીજો વિચાર પણ સતાવતો. નયનને સફળતા ન મળે તો? એને ગરીબીમાં રહેવાની ટેવ ન હતી અને શીતલને થતું કે એ નયનને પૈસાની તકલીફમાં જોઈ શકે એમ ન હતી. અથવા નયન અપમાનિત લાગણીથી ઘરની બહાર નીકળી જાય અને પાછું ફરીને ક્યારેય ન જુએ તો બૂઢાપામાં એની જરૂર હોય અને એ મોઢું ફેરવી દે તો… એટલે આલોકની વાતો પર એ ધ્યાન આપતી ન હતી. આ વિચારો કરતાં એણે નીચું મોઢું રાખીને ચૂપચાપ જમતા ભાઈ સામે જોયું. કેવો ખુમારીભર્યો હતો એનો ભાઈ અને હવે…

...

રાતે સૌ સાથે જમવા બેઠાં... નયને કહ્યું, “વસંત ડ્રાઈવર ભાગી ગયો.” આલોકના અવાજમાં રોષ ભળ્યો, “વસંત સાત વર્ષોથી આપણી સાથે હતો.” નયને ઉદાસીનતાથી કહ્યું, “બીજા ઘણા મળશે.” આલોકે સંયમિત સ્વરે કહ્યું, “આજે એકાઉન્ટન્ટે પણ રાજીનામું આપ્યું. પંદર વરસોથી આપણી સાથે હતો. કહે નાના શેઠનો ગુસ્સો બહુ છે.” નયનના અવાજમાં તીવ્ર ગુસ્સાથી કંપ આવ્યો, “અને તમે નોકરોનું સાંભળી લીધું!” આલોકે કહ્યું, “નોકરોથી જ કંપની ચાલે છે.” નયને ઉગ્રતાથી કહ્યું, “એટલે જ તમે ધંધો વિકસાવી ન શક્યા!” આ સાંભળીને શીતલનો કોળિયાવાળો હાથ અટકી ગયો. એણે નયન સામે જોયું. નયન ગુસ્સામાં ઊભો થઈને જતો રહ્યો.

...

રવિવારની સવાર હતી. ઘરમાં નયન અને શીતલ એકલાં હતાં. શીતલે જૂના ફોટાઓનું આલ્બમ કાઢ્યું અને નયનને કહ્યું કે જૂના ફોટાઓ બગડી રહ્યા હતા તેથી આ ફોટાઓને ડિજિટાઇઝ કરીને કમ્પ્યુટરમાં નાખીએ તો ફોટાઓ સચવાય. નયન શીતલની બાજુમાં ફોટાઓ જોવા બેઠો. “આપણે દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારનો આ ફોટો છે. આપણે બંને કેટલું હસી રહ્યાં છીએ,” નયને એક ફોટો કાઢીને કહ્યું, “અને આ બહુ મોટો આઈસક્રીમ મંગાવ્યો હતો એટલે ફોટો પાડ્યો હતો.” જુદા જુદા ફોટાઓ નીકળતા ગયા. મા દીકરો જૂની યાદો વાગોળતા રહ્યા. શીતલ ભાવુક થઈ ગઈ. “કેટલા બધા તારા અને મારા જ ફોટાઓ છે. આલોક નથી ફોટાઓમાં કારણકે ફોટાઓ આલોક પાડે. તું નાનો હતો અને અમારું પ્રથમ બાળક હતો એટલે આલોકે કેમેરો ખરીદ્યો હતો કે જેથી તારી નાની હરકતો પણ કેમેરામાં પકડાઈ જાય. અમારા વખતે મોબાઇલ ફોન તો હતો નહીં.” આલ્બમ ઉથલાવતા નયન થોડો મોટો થયો ત્યારના ફોટાઓ આવ્યા. નયનને ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને એક મહિનો ઘરે બેઠો હતો. શીતલે યાદ કરાવ્યું, “ક્રિકેટ રમતા વાગ્યું હતું તને.” નયને હકારમાં માથું હલાવ્યું, “મને યાદ છે. સામેવાળી ટીમ સાથે ઝઘડ્યો હતો એમાં હાથમાં બેટ વાગ્યું હતું.” શીતલે કહ્યું, “કેટલી ફરિયાદો આવતી હતી તારી સ્કૂલમાંથી. ગુસ્સા પર કાબૂ તારો નાનપણથી જ નથી, નયન.” નયન આલ્બમ ઉથલાવતો રહ્યો. ગામડાના ઘરના પણ ફોટાઓ હતા. દાદા, દાદી, બે ફોઈઓ. બંને ફોઈઓ લાલચુ. મમ્મી પપ્પા વચ્ચે હંમેશા બોલાચાલી થતી. મમ્મી બહુ આપવામાં માને નહીં પણ પપ્પાનો સ્વભાવ ઉદાર. શીતલે બીજું આલ્બમ કાઢ્યું. નાની ખોલીમાં રહેતા હતા એના ફોટાઓ. પછી કાંદીવલી રહેવા ગયા ત્યાંના ફોટાઓ. મલાડ અને આખરે માટુંગા રહેવા આવ્યા ત્યારના ફોટાઓ. શીતલ ભાવુક થઈ ગઈ. “ઘણો પ્રવાસ કર્યો જિંદગીમાં, નયન. તને હું કહી રાખું છું કે આલોકને હું દાંત વગરનો સિંહ નહીં બનાવી દઉં.” શીતલને હતું કે નયન એના સ્વભાવ મુજબ ઝઘડો કરશે અથવા દરવાજો પછાડીને ચાલી જશે પરંતુ નયન તો શીતલના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો. શીતલ જડવત્ બેઠી રહી. નયને શીતલનો જમણો હાથ પકડીને પોતાના વાળમાં મૂક્યો. પાંચેક મિનિટ એમ જ વીતી એટલે નયને શીતલના આંગળા પોતાના વાળમાં ફેરવવા માંડ્યા. શીતલના મોઢા ઉપર સ્મિત આવ્યું. થોડી વાર પછી નયને કહ્યું, “સારું લાગે છે, મમ્મી. સુકૂન લાગે છે. જ્યારે પણ ગુસ્સો કરતો ત્યારે તું મને બચાવી લેતી. હજી પણ તું છે. મને બચાવી લેશે એ વિચારથી શાંતિ મળે છે. બહુ ક્લેશ થતો હતો મનમાં થોડા વખતથી, પણ હવે બધું શાંત પડી ગયું છે.” થોડો સમય ચુપચાપ વીતી ગયો. નયને કહ્યું, “દાંત વગરના સિંહો તો મને પણ ગમતા નથી; મમ્મી, પણ પપ્પાના દાંત કેટલા બચ્યા છે?” મા અને બેટો ખડખડાટ હસી પડ્યા.