નારીસંપદા : ટૂંકી વાર્તા/સરપ્રાઈઝ

સરપ્રાઇઝ

અન્નપૂર્ણા મેકવાન

‘સભી યાત્રીઓં કો નિવેદન હૈ કી વો અપની કુર્સી કે બેલ્ટ કો બાંધ લે, થોડી દેર કે બાદ હમ આંતરરાષ્ટ્રીય સરદાર પટેલ હવાઇ અડ્ડે પે લેન્ડ કરેંગે!’ એર હોસ્ટેસે બોલવાનું પૂરું કર્યું. સાંભળીને આરતીનું રોમ રોમ આનંદિત થઈ ઊઠ્યું. પ્લેન લેન્ડિંગ વખતના નિયમો ન હોત તો તે અવશ્ય નાચવા લાગી હોત ! એટલી બધી તે ખુશ હતી. એટલે પછી તેણે તેનું ધ્યાન પ્લેનમાંથી નીચે દેખાતાં શહેરોમાં કેંદ્રિત કર્યું. અત્યારે કયા શહેર પરથી તેનું વિમાન ઊડી રહ્યું હશે? તે વિચારતી રહી અને જેવા પ્લેનનાં વ્હીલ અમદાવાદની ધરતીને અડ્યાં કે આરતીએ એક અજબ રોમાંચ અનુભવ્યો અને એકાએક તેની આંખ ભરાઈ આવી. તે માંડ માંડ પોતાના ઉપર કાબુ રાખીને બેસી રહી. યાત્રીઓની સાથે તે પ્લેનની બહાર આવી અને તેણે ત્યાં જ ઊભા રહીને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના દેશની ચિરપરિચિત હવાને છાતીમાં ભરી. તેનું આખું શરીર રોમાંચિત થઈ રહ્યું હતું. તે પેસેન્જરોને લઈ જતી એરપોર્ટની બસમાં ગોઠવાઈ અને ત્યાં પણ તે હર્ષમિશ્રિત લાગણીથી બહાર જોતી રહી. ઈમિગ્રેશનની વિધિ પતાવીને લગેજ ટ્રોલીને ધક્કો મારતી તે બહાર આવી. ફરીથી તેણે આજુ બાજુ જોયું. ‘અમદાવાદ એરપોર્ટ ખાસ્સું બદલાયું હતું.’ મનોમન તે બોલી અને પછી એરપોર્ટની અંદરથી કરાવેલી પ્રિપેઇડ ટેક્સીમાં ગોઠવાઈ. ટેક્સી નિયત સ્થળે જવા નીકળી પડી અને તે નાના બાળકની જેમ અચરજથી બારીમાંથી બહાર પસાર થતાં રસ્તા, વૃક્ષો, અમદાવાદનો ગીચ ટ્રાફિક, ફાઇવ સ્ટાર હોટલ તાજ કે જેનું નામ બદલાઈને હવે હોટલ ઉમેદ થયું હતું, તે બધાને જોતી રહી. અને થોડા સમયમાં તેની ટેક્સી એક્સપ્રેસ વેમાં પ્રવેશી. ‘છેલ્લા દશ વર્ષમાં તો અમદાવાદ બદલાઈ ગયું છે!’ તેનાં મિત્રો અને પરિચિતોનાં મોઢે પાછળનાં દશ વર્ષોથી તે આ વાક્ય અનેક વાર સાંભળી ચૂકી હતી અને આજે તેને તેનું પ્રત્યક્ષ પ્રમાણ મળી રહ્યું હતું. ‘ખાસ્સુ બદલાયું છે’ મનોમન તે ફરીથી બોલી, અને પછી ‘માણસની જેમ જ સ્તો!’ વાક્યની પૂર્તિ થઈ ગઈ તેનાથી આપોઆપ ! દશ વર્ષે તે પોતાના દેશમા આવી હતી. તેની ટેક્સી એક્સપ્રેસ-વે પર દોડી રહી હતી. સાથે સાથે તે પણ અતીતમાં દોડવા લાગી. દશ વર્ષે તે પોતાનાં માતા-પિતાના ઘરે જઇ રહી હતી. એક વ્યક્તિ પર ભરોસો રાખીને તેણે બીજા નિકટના સંબધોને છેહ દીધો હતો. કહેવાય છે કે ‘પ્રેમ આંધળો છે’ અને સાચે સાચ તેનો અનુભવ પણ તેને થયો હતો. અને તે કશું વિચાર્યા વગર ચાલી નીકળી હતી. પોતે જે પગલું ભર્યું હતું ત્યાંથી પાછા વળવું તેના માટે અશક્ય હતું. અને પછી આવનાર પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. થોડા દિવસ પછી ઘરનાં બધાં તેને માફ કરી દેશે, હમણાં તો મારી આ શરૂ થતી નવી જિંદગીને માટે સમય ફાળવું. અને તે પોતાની નોકરી અને કુટુંબમાં મગ્ન બની ગઈ હતી. જોકે, સદંતર એવું પણ ન હતું કે તેને પોતાના પિયરની યાદ આવતી ન હતી. પણ તરત જ તેને પોતાના પ્રેમ સામે, પોતાના પ્રેમી સામે ઘરનાએ કરેલી અપમાનજનક ટિપ્પણી તથા ભાખેલું અમંગળ ભવિષ્ય યાદ આવતાં. તો સાથે સાથે તેને એ પણ ખબર હતી કે તે ગમે તેટલું માથું ફોડશે પણ તેઓ સમીર સાથે તેનાં લગ્ન શક્ય બનવા નહીં દે. અને તે વાતની સત્યતા એ હતી કે મોટા ભાઈના મિત્રના ભત્રીજા સાથે તેની એકાએક ગોઠવી દેવાયેલ સગાઈ. અને એટલે તે ગભરાઈ ઊઠી હતી અને અઠવાડિયામાં જ ઘર છોડી દીધું હતું. તેને પોતાને માટે મમ્મીએ તથા ઘરના સભ્યોએ ભાખેલા ભવિષ્યને ખોટું પાડવું હતું. અને એટલે તો રાત-દિવસ સખત મહેનત કરી હતી અને તેને પરિણામે દશ વર્ષમાં જ અમેરિકા જેવા દેશમાં આલીશાન ઘર-ગાડીની માલિક બની હતી. તે નોકરીમાં પણ માનભર્યું સ્થાન ભોગવી રહી હતી. ‘હવે ઘરે જવામાં વાંધો નથી’ તેને લાગ્યું હતું અને એટલે તે ઇન્ડિયા આવી હતી અને અત્યારે પોતાના ઘરે જઈ રહી હતી. જોકે, ઘરે કોઈને ખબર ન હતી. આરતી ઘરનાં બધાંને સરપ્રાઇઝ આપવા માગતી હતી. તેને સરપ્રાઇઝ આપવાનું હંમેશા ગમતું. જોકે, આ બાબતે ઘરનાં બધાં તેની ઉપર અકળાતાં, તેની મમ્મી તો ખાસ. પણ તેને તો મજા આવતી, સામેવાળી વ્યક્તિનું આશ્ચર્યમાં ખુલ્લું રહી જતું મોં અને પછી ચહેરા પર છવાતો આનંદ જોવાની. એટલે ઘરે કોઈને જણાવ્યું ન હતું. નહીં તો એરપોર્ટ પર આખી પોળ હાજર થઈ જાય ! ભલે ગઈ વખતે તે કોઈને કહ્યા વગર છાનીમાની જતી રહી હતી. પણ આ વખતે તો તે ડંકે કી ચોટ પર ઘરમાંથી જશે, તેણે વિચાર્યું. છેક અમેરિકાથી બેઠી ત્યારથી અમદાવાદ ઊતરી ત્યાં સુધી આખા રસ્તે આવું બધું વિચારતી રહી. આરતી અમેરિકા ગયા પછી પ્રથમ વખત સ્વદેશ પરત ફરી હતી. એટલે તેને બધું નવું નવું જાણે કે અજાણ્યું લાગતું હતું. જોકે, ઘરે જશે અને બધાંને મળશે. ખાસ તો પોતાનાં સ્વજનોને મળશે એટલે આપોઆપ બધું જાણીતું લાગશે ! પોતાનું લાગશે ! તેના દિલે જવાબ આપ્યો. ખાસ કરીને મમ્મીને ! તેને મળીને કેટલી વાતો ભેગી કરી છે તે બધી વાતો કહેશે અને પછી હળવી બનશે. તો મોટીબહેન અને તેનાં સંતાન, આનિયા-અનન્યાને મળીને પણ મજા આવશે. કેટલાં મોટાં થઈ ગયાં હશે ! હું ગઈ ત્યારે તો આનિયા છ વર્ષની અને અનન્યા ત્રણ વર્ષની હતી. તે મને ઓળખશે કે નહીં? હું તો ઓળખી જ જવાની છું. આ હાથોએ તેમને રમાડ્યાં છે. રાતોની રાતો તેમની પાછળ મોટીબહેનના જેમ જ જાગી છું. તેમણે બગાડેલાં બાળોતિયાં સાફ કર્યાં છે. મને ન ઓળખે તેમાં કોઈ શંકા જ નહીં ! અને પેલો નાનો, ટચુકડો મારાથી નાનો ભાઈ ઋષિનો દીકરો આવ્યાન તો હું હાથમાં લઈશ ને એટલે મને વળગી જ પડશે. જોજે ને? તો નમન અને શૈલી તો તેમને માટે લાવેલું લેપટોપ અને લેટેસ્ટ મોબાઇલ જોઈને રાજી રાજી થઈ જશે. અને ભાઈ-ભાભી અને મોટીબહેન-જીજાજી પણ અને મમ્મી તો ખાસ બફેલોથી તેના માટે મંગાવેલી સાડી જોઈને તેની તો આંખો જ ભરાઈ જવાની! અને વઢશે પણ ખરી, ‘આટલો બધો ખર્ચો કરવાની જરુર શી હતી !’ અને પછી પોતાને બાથમાં લઈને માથે અને શરીરે હાથ ફેરવશે અને સાસરેથી આવતાં મોટીબહેનને કહેતી તેમ તેને પણ કહેશે, ‘કેટલી સુકાઈ ગઈ છે. પૈસા જ ભેગા કરે છે. ખાવા-પીવામાં ધ્યાન રાખે છે કે નહીં !’ આરતી આખા રસ્તે આવું બધું પણ વિચારતી અને પછી પોતાના મનને આશ્વસ્ત કરતી રહેતી. સામે એ પણ સચ્ચાઇ હતી કે તેને લગ્નમાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. તે યાદ આવતાં તેના મનને ધક્કો પહોંચ્યો. મનમાં એક ટીસ ઊઠી. નમન મારો ભત્રીજો, જે મારા વગર સૂતો નહીં કે ખાતો નહીં તેનાથી એક મિનિટ પણ જુદા થવાનું થાય ત્યારે કાગારોળ કરી મૂકતો તેનું લગ્ન હતું. પછી આરતી કેવી રીતે પોતાની જાતને રોકી શકે? નમનના વસંત પંચમીના દિવસે લગન છે તેની જાણકારી વાયા વાયા મળી હતી. પછી તો તેણે તપાસ કરાવી હતી અને સમાચાર સાચા હતા. પછી આરતી કેવી રીતે પોતાની જાતને રોકી શકે? એટલે પછી તેણે ઇન્ડિયાની ટિકિટ કરાવી લીધી હતી અને ઇન્ડિયા આવી ગઈ હતી. મોટાભાઈને ધારો કે... ધારો કે હું ઓછી યાદ આવું ! પણ એવું કેવી રીતે શક્ય બને !? મોટાભાઈની બધી જરૂરિયાતનું હું કેટલું ધ્યાન રાખતી હતી. તેમનું મોં પણ ‘આરતી આ કર, આરતી પેલું કર.’, ‘આજે હાંડવો ખાવાનું મન થયું છે. તો મસ્ત મમ્મી જેવો પોચો બનાવી દેજે.’, ‘તારા હાથમાં જાદુ છે. આજે મારા શર્ટને ઇસ્ત્રી કરી દેજે.’, ‘તું તો મારા માટે લકી છે. કાલે કંપનીમાં પ્રેઝન્ટેશન કરવાનું છે એટલે સવારે તું જ મને ઉઠાડજે !’ કેટકેટલું યાદ આવતું હતું. ‘તું તો મારી શૈલીની જેમ મારી દીકરી જ છે.’ કહીને હંમેશા માથે હાથ ફેરવતા. ‘પોતે હંમેશા આ બંન્ને બહેનોનું ધ્યાન રાખશે’ કહીને મમ્મીને સધિયારો પૂરો પાડતા મોટાભાઈને આટલાં વર્ષો સુધી હું એક વાર પણ યાદ ન આવી ! મારો ગુનો શું હતો? એ જ ને કે મને જે પસંદ હતો, જેને હું ચાહતી હતી તેની સાથે લગ્ન કર્યા હતા. તમારી ઉપરવટ જઈને લગ્ન કર્યા હતા. તો સામે પોતાનાથી નાનાભાઈએ પણ પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કર્યા જ હતા જ ને? અને છતાંય બધા બધું ભૂલી ગયા હતા. મમ્મીએ સુદ્ધાં ! બધું ભૂલીને ભાઈને અને તેની પત્નીને પોખ્યાં હતાં. તો પછી મને કેમ કોઈ માફ કરવા તૈયાર નથી? ઘરના પ્રસંગમાં મને આમંત્રણ નથી. તે પણ મોટાભાઈ અને મોટીબહેનની વાતોમાં આવી ગઈ અને મને ભૂલી ગઈ !? તેની આરતીને કે જેનું નામ બોલવાથી તેનું મોં ક્યારેય સૂકાતું નહીં ! બાકીનાં ત્રણેય ભાઈ-બહેન આ બાબતે તો તેની ઇર્ષા કરતાં અને મમ્મીને ઠપકો આપતાં, તેને જ મમ્મી ભૂલી ગઈ ! આવું તો કાંઈ ચાલતું હશે. જઈને સૌ પ્રથમ તો તેની સાથે લડવું છે ! આમ પણ કેટલાં વર્ષો થયાં તેની સાથે લડ્યાંને ! અને પછી તો રિસાઈ જ જઈશ ! કેટલું ય મનાવશે, આજીજી કરશે ત્યારે જ હું તો માનવાની ! છેલ્લા થોડા સમયથી આરતીને પોતાના પિયરની યાદ આવી રહી હતી અને તેમાં પણ ખાસ કરીને મમ્મીની ! અને છેલ્લા પંદર દિવસથી તો ખાસ. તેણે તેના પતિને વાત કરી એટલે પતિએ તેને ‘આ વખતે કશું વિચારવા રહીશ નહીં. ઘરે જઈ જ આવ. ફોન કરતાં રુબરુ મળવું સારું રહેશે. ઘરનાં બધાં બોલે તો સાંભળી લેજે. આપણે વાંકમાં છીએ. તેમને ન ગમતું કર્યું છે માટે માફી માગી લેજે અને ઘરનું વાતાવરણ સારું લાગે તો મને જણાવજે. હું બન્ને બાળકોને લઈને આવી જઈશ. કમ સે કમ આ વખતે તું તો જઈ આવ જ.’ અને પછી દોડાદોડી કરીને તત્કાળ વિઝા અને ટિકિટની વ્યવસ્થા કરીને તેને મોકલી હતી. આની પહેલાં આવું ઘણી વખત બનતું. પણ તે હિંમત ન કરી શકતી. ખબર નહિ કેમ પરંતુ આ વખતે તેને મમ્મીની યાદ તીવ્રપણે આવી હતી. એટલે પછી નક્કી કર્યું કે ગમે તે થાય પણ ઇન્ડિયા જવું જ છે અને મમ્મીને મળવું જ છે. તેની માફી માગી લઈશ ! પગે પડીશ ! રડીશ ! આમ પણ મને રુબરુ જોશે ને એટલે તેનો ગુસ્સો તો ગાયબ થઈ જશે અને મારી આંખમાં આંસુ તો જોઈ શકશે નહીં અને મને છાતી સરસી ચાંપી દેશે અને એટલી તો આનંદમાં આવી જશે. આખી પોળ ગજવી મૂકશે. મને લડશે પણ ખરી કે ‘કેમ એકલી આવી છે. છોકરાંને તો સાથે લાવવાં હતાં.’ એટલે પછી હું કહીશ, ‘તારું તો ભલું પૂછવું. મારા છોકરાંનાં દેખતાં મને લઢે કે પછી કાઢી મૂકે તો ! છોકરાં આગળ તો મારું નાક કપાઈ જાય ને ! હું તો તેમની આગળ કેટલી ફિશિયારી મારું છું કે મારી મમ્મી આવી અને તેવી, મારા મોટાભાઈ અને મોટીબહેન અને ભત્રીજા અને ભાણેજ બધાં મારી પાછળ કેટલા ગાંડા કાઢે છે ! અને અહીં તેનાથી ઊંધું જોવા મળે તો?’ સત્ય વાત એ હતી કે તેને આ બધી શંકા રહ્યા કરતી હતી અને એટલે જ તેણે બન્ને દીકરાઓને સાથે લાવવાનું ટાળ્યું હતું અને તેની સાબિતી હતી ઘરનાં બધાંનું તેના પ્રત્યેનું વર્તન ! શરૂઆતમાં એક બે વખત તેણે ભત્રીજા નમન પર ફોન કર્યા હતા પણ ત્યારે મમ્મીએ વાત કરવાની ના પાડી હતી. મોટાબહેને તો ત્યાર પછી ફોન કરીને ખૂબ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેનું તથા મોટાભાઈનું કહેવું હતું કે, ‘જો તારી સાથે સંબંધ રાખીએ તો અમારી છોકરીઓ ઉપર ખરાબ અસર પડે. તારા પગલે ચાલીને અમારી ઇચ્છાની વિરુદ્ધ જાય અને સમાજમાં નીચાજોણું કરાવે. માટે તારે હવે આ ઘર અને અમે બધા અને ખાસ તો મમ્મીને ભૂલી જવાની !’ પોતે તે દિવસે પુષ્કળ રડી હતી અને પછી મનને પોતાના સંસારમાં પરોવી દીધું હતું. પણ એમ કાંઈ લોહી અને પાણી અલગ થોડાં પાડી શકાય !? તેની બન્ને ડિલીવરી સમયે તો તેને તેની મમ્મી પુષ્કળ યાદ આવતી. સંબંધો સારા હોત તો મમ્મી તેને પણ મોટીબહેનની જેમ જ પાંચ મહિના સુધી સાસરે જવા ન જ દેત ! અને મારી રતિને શું ખવડાવી દઉં અને શું નહીં? એમ બહાવરી બની ગઈ હોત. પોતે વિચાર્યું પણ હતું કે, મમ્મીને ડિલિવરીને બહાને મારી સાથે રહેવા બોલાવું, અને ફોન પણ કર્યો હતો. પણ તેનો જવાબ સાંભળીને તેણે પછી માંડી વાળ્યું હતું. જોકે, આ વખતે તો તેને સાથે લઈને જ પોતે જશે. પોતે પણ તેની જ દીકરી છે. તેના જેવી જ જિદ્દી. તેણે તેના બન્ને દીકરાને કરેલું પ્રોમિસ યાદ આવ્યું અને મનમાં ગાંઠ વાળી. ‘બહેન, નડિયાદ આવી ગયું. નડિયાદમાં ક્યાં જવાનું છે તે જણાવો એટલે ગાડી ચલાવું.’ ડ્રાઇવરનો અવાજ સાંભળીને આરતી વર્તમાનમાં આવી. તેણે ડ્રાઇવરને ઘરનું એડ્રેસ જણાવ્યું. ડ્રાઇવરે તે જી.પી.એસ.માં નાખ્યું અને એક્સિલેટર પર પગ દબાવ્યો. આરતી નાના બાળકની ઇંતેજારીની જેમ ચારે બાજુ રસ્તા જોતી રહી. તેણે ગાડીની બારી ખોલી અને મોં કાઢીને પોતાની જન્મભૂમિની હવા છાતીમાં ભરી અને તેની આંખમાં હર્ષાશ્રુ ઉભરાયાં. તેણે તે વહેવા દીધાં. થોડી વારમાં ઘર બાજુ વળવાના ચાર રસ્તા આવ્યા, જ્યાં અત્યારે મોટું સર્કલ બની ગયું હતું. ત્યાંથી ગાડી થોડી આગળ જઈને જમણી બાજુની ગલી બાજુ વળી. આરતી માંડ માંડ પોતાના હૃદય પર કંટ્રોલ રાખીને બેસી રહી. ચોથા નંબરના ઘર આગળ ગાડી ઊભી રહેતાં આજુબાજુના ઘરની મહિલાઓ તેમનું કામ પડતું મૂકીને જોવા લાગી. તો નાના છોકરા ગાડીને વીંટળાઈ વળ્યા. આરતીએ આ જોયું અને એને થયું કશું જ બદલાયું નથી. જે સમય હું પાછળ છોડીને ગઈ હતી તે તો હજુ ત્યાં જ ઊભો છે અને તે હર્ષની મારી ગાડીનો દરવાજો ખોલતા બૂમ પાડી ઊઠી, જેવી રીતે વર્ષો પહેલાં બહારથી આવતાં પાડતી હતી એમ જ, ‘મમ્મી ઓ મમ્મી, ક્યાં છે? જો હું, તારી રતી આવી છું.’ બોલતાં તેણે ઘરની અંદર દોટ મૂકી અને ત્યાં જ જડાઈ ગઈ. અંદર આવતાં જ દેખાય તે રીતનો સામેની દિવાલ ઉપર મમ્મીનો છ બાય આઠની ફ્રેમમાં લગાવેલો ફોટો હતો. પોતે તેને આપેલી તે ઘાટા લીલા રંગની બોર્ડરવાળી સાડીમાં પોતે જ સ્ટુડિયોમાં લઈ જઈને પડાવેલો ફોટો હતો, જેની પર સુખડનો હાર ચઢાવેલો હતો ! પહેલી વખત મમ્મીએ તેને જબરજસ્ત સરપ્રાઇઝ આપી હતી.