નારીસંપદા : ટૂંકી વાર્તા/સવાલ

સવાલ

કાજલ ઓઝા વૈદ્ય

એ ઓરડામાં જાણે મૃત્યુ આંટા મારતું હતું. સૌના ચહેરા પર મોતનો ભય હતો... મોટો દીકરો, એની વહુ, એનાં બે છોકરાં... નાનો દીકરો, એની વહુ, દીકરી-જમાઈ, દિયર-દેરાણી, નણંદ-નણંદોઈ, ભાઈ-ભાંડુ, ભત્રીજા... સૌની નજર વિશાળ પલંગમાં સૂતેલાં, ઊંડા ઊંડા શ્વાસ લઈ રહેલાં રતનબહેન તરફ હતી. તુલસીનું પાન એમના મોઢામાં મુકાયું. ગંગાજળ રેડાયું, પણ રતનબહેનનો શ્વાસ ચાલ્યાં જ કરતો હતો. મનસુખરાયે નજીક આવીને એમના માથે હાથ ફેરવ્યો, "રતન, હવે સૌ મોટા થઈ ગયા છે. પોતપોતાની જિંદગી જીવી લેશે. હવે બધાયની માયા મૂકી દે." રતનબહેને પોતાની મોટી મોટી માછલી જેવી આંખો પતિના ચહેરા પર સ્થિર કરી. એક આંસુ એમની આંખમાંથી લપસીને એમના ગાલ પર થઈને કાનની બૂટ નીચે સરકી ગયું. મોટો દીકરો એમની નજીક આવ્યો, "મા, આખા વરસની અગિયારસ કરીશ તારા માટે." નાના દીકરાએ પગે ચાલીને અંબાજી જવાની બાધા લીધી. સૌ કોઈ ને કોઈ રીતે રતનબહેનના જીવને શાંતિ થાય એવો પ્રયત્ન કરી રહ્યાં હતાં. બધાયની આંખોમાં આંસુ હતાં. પરિવારનાં નાનાં-મોટાં બધાં રતનબહેનને ખૂબ પ્રેમ કરતાં. રતનબહેને સહુને માટે એવી લાગણી રાખી હતી, સહુને માટે ઘસાઈ છૂટયાં હતાં. ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરી. વારે વારે રતનબહેનની નજર સહુના ચહેરા પર થઈને સરકતી સરકતી એમની નાની વહુના ચહેરા પર આવીને અટકી જતી. બધા જ જાણતા કે રતનબહેનને એના માટે થોડો વધારે જ પક્ષપાત હતો. એ મુસ્લિમ હતી એટલે... ઘરના બીજા લોકો એને નહોતા ચાહતા એટલે... કે પછી... જે હોય તે! નાના દીકરાના વહુ આલિશા અદબ વાળીને ભીંતને ટેકો દઈને ઊભી હતી. એનો ડૂમો ગળામાં એવો અટવાયો હતો કે રડી પણ શકતી નહોતી. આલિશા અને એનાં સાસુને મા-દીકરી કરતાંય વધારે બનતું. કોઈની નજર લાગી જાય એવો એ સંબંધ હતો. આલિશા નોકરી પરથી આવે નહીં ત્યાં સુધી રતનબહેન ભૂખ્યાં બેસી રહેતાં. કોર્પોરેટ ઑફિસમાં ક્યારેક વહેલું-મોડું થાય તો આલિશા અપરાધભાવની મારી રતનબહેનને લાડભર્યો ઠપકો આપતી, “શું મા, તમેય તે... કેટલી વાર કહ્યું છે કે જમી લેવાનું...” “બેટા, તું તો કહે, પણ મારે ગળે કોળિયો ઊતરવો જોઈએ ને?” “પણ મા, મારું કામ જ એવું છે કે...” “મારુંય કામ એવું જ છે, સમજી?” રતનબહેન લાડ કરતાં ને 'સાસુ-વહુ સાથે જમવા બેસી જતાં. રતનબહેન પહેલીવાર આલિશાને મળ્યાં ત્યારે આલિશાને એમ હતું કે રતનબહેન એને ધમકાવશે. મયૂરને મુક્ત કરી દેવાનું કહેશે... રડ-કકળ કરશે. ઇમોશનલી બ્લેકમેલ કરશે કદાચ! પરંતુ રતનબહેન તો એને જોઈ જ રહ્યાં. ધીમેથી આલિશાના માથે હાથ ફેરવ્યો. આંખોમાં પાણી ઊભરાયા. ક્યાંય સુધી એને જોતાં રહ્યાં, ને પછી એક જ સવાલ પૂછ્યો, "તને ઉર્દૂ વાંચતાં આવડે છે?" આલિશાને આજે મળનાર કોઈને સ્વપ્નેય કલ્પના ન આવે કે એ જન્મે મુસ્લિમ હશે, પરંતુ રૂઢિચુસ્ત લોહાણા વૈષ્ણવ પરિવારમાં જ્યારે રતનબહેનના નાના દીકરા મયૂરે પહેલીવાર મુસ્લિમ છોકરીના પ્રેમમાં હોવાની વાત કહી ત્યારે ઘરનાં સૌનાં છાતીનાં પાટિયાં બેસી ગયાં હતાં. મનસુખરાયનો તો હાથ ઊપડી ગયો હતો. રતનબહેનના ભાઈ ખાવાપીવાનું છોડીને ઠાકોરજીના મંદિરની બહાર લાંઘણ કરવા ગોઠવાઈ ગયા હતા. રતનબહેનનાં નણંદે છાતી કૂટવા માંડી હતી. મયૂરે ઘર છોડીને ભાગી જવાની ધમકી આપી તો સામે મનસુખરાયે ‘હું આપઘાત કરી લઈશ’નું શસ્ત્ર ઉગામ્યું હતું. થોડાં દિવસ તો ઘરમાં નિકટનું સ્વજન ગુજરી ગયું હોય એટલું બોઝલ અને ગમગીન વાતાવરણ રહ્યું. થોડાં દિવસ પછી રતનબહેને રાત્રે મનસુખરાયને વહાલથી સમજાવ્યા, "કોણે ક્યાં જન્મ લેવો એ માણસના હાથમાં નથી હોતું. કોણ કોના પ્રેમમાં પડે એ ઉપરવાળો જ નક્કી કરે છે. હું છોકરીને મળી છું. ડાહી છે. તમે એક વાર મળી તો જુઓ." આખી રાતની સમજાવટ પછી માંડ મનસુખરાય આલિશાને મળવા તૈયાર થયા હતા. એ છોકરી સાડી પહેરીને, ચાંલ્લો કરીને સામે આવીને ઊભી રહી ત્યારે કોઈ માની જ શક્યું નહીં કે એ મુસ્લિમ પરિવારમાં જન્મેલી અને ઊછરેલી છોકરી હતી. એ પછી પણ કચવાતા મને અને દુઃખતા હૃદયે મનસુખરાયે હા પાડી. મોટા ભાગનાં સગાંવહાલાં તો લગ્નમાં આવ્યાં જ નહીં. મનસુખભાઈનાં સગાં બહેન અને ભાઈઓ પણ રિસાઈને બેઠાં... એક રતનબહેનની હિંમત કે એમણે રંગેચંગે મયૂરને આલિશા જોડે હિન્દુવિધિથી પરણાવ્યો. આલિશા જે દિવસથી ઘરમાં આવી એ દિવસથી જાણે પારકી – જુદી હોય એમ સૌ વર્તવા લાગ્યાં. એકમાત્ર રતનબહેન હતાં, જેમણે એનું નાની નાની વસ્તુઓમાં ધ્યાન રાખ્યું, પ્રેમ કર્યો અને પૂરેપૂરી સ્વીકારી લીધી. આલિશાને રતનબહેન માટે સગી મા કરતાંય વધારે સ્નેહ હતો.

*

રતનબહેનને જેટલાં લોકો નજીકથી ઓળખતા એ સૌ જાણતા કે રતનબહેને પોતાનાં સાસુની કેટલી જોહુકમી અને અન્યાય સહન કર્યાં હતાં. રતનબહેનનાં સાસુ-મનસુખરાયના મા ભરયુવાનીમાં વિધવા થયેલાં. રંગબેરંગી સાડલા પહેરવાની, દાગીના પહેરવાની હોંશ હજી બાકી રહી ગયેલી. એટલે વહુઓની ખૂબ ઈર્ષ્યા કરે. જીભ એક વાર છૂટી થાય તો સાત સાત પેઢી સુધી તમામ સગાંવહાલાંને ગાળો દેતાં થાકે નહીં. ખાવાપીવામાં ભયાનક કંજૂસાઈ ને સમય આવ્યે કોઈ આસપાસ ના હોય તો વહુને એકાદ ઢીંક કે ધબ્બો મારી દેવામાંય એમને સંકોચ નહીં. દીકરો-વહુ ઓરડાનાં બારણાં બંધ કરે કે એમની ઉધરસ શરૂ થાય. ક્યારેક અડધી રાત્રે જાગીને બરાડા પાડે તો ક્યારેક અડધી રાત સુધી વહુ પાસે પગ અને કમર દબાવડાવે... રતનબહેને આ બધું જ મૂંગે મોઢે સહન કરેલું. કોઈ દિવસ ચહેરા પર એક નાનકડી રેખા પણ અણગમાની નહીં કે જીભ પર ફરિયાદનો એક શબ્દ નહીં. કચ્છના નાનકડા ગામડામાં ખાધેપીધે સુખી પરિવારની દીકરી હતાં એ. ઘરમાં છ-સાત ભેંસો, બાપને મોટી જમીન... બે જ દીકરીઓ. એક ભાઈ જુવાનીમાં ગુજરી ગયેલો એટલે રતનબહેન બાપને બહુ વહાલાં. ત્રણ ગાડાં ભરીને કરિયાવર આપ્યો હતો જ્યારે એ પરણીને આવ્યાં ત્યારે. રતનબહેન પરણીને આવ્યાં ત્યારે મનસુખરાયના ઘરમાં ખાવાનાય સાંસા હતા. બાળપણમાં થઈ ગયેલા વિવાહની ખાનદાની નિભાવવા રતનબહેનના પિતાએ પોતાની દીકરીને મનસુખરાય વેરે પરણાવી તો ખરી, પણ એમનોય જીવ બળતો. વરસના અંતે દિવાળી કે ભાઈબીજ નિમિત્તે અનાજની ગૂણીઓ, કેરીની પેટી, ઘીની બરણીઓ ને મીઠાઈ મનસુખરાયના ઘેર આવી જ પહોંચતાં. જોકે મનસુખરાયના કુટુંબે ક્યારેય આશા રાખી નહોતી આ બધાંની. ત્રણ નાના ભાઈઓ અને એક બહેન મનસુખરાયની જવાબદારી હતાં. સૌથી મોટા દીકરા મનસુખરાયને અઢાર વર્ષનો મૂકીને એમના પિતા મૃત્યુ પામ્યા એ પછી મનસુખરાયે આરામનો એક દિવસ પણ જોયો નહોતો. કાળી મજૂરી અને શરી૨ રફેદફે થઈ જાય એટલી મહેનત... નાના ભાઈઓનું ભણતર, બહેનનાં લગ્ન, ભાઈઓનાં લગ્ન અને એમને ઠેકાણે પાડવા સુધીની બધી જવાબદારી પૂરી થઈ ત્યાં સુધીમાં મનસુખરાયને પોતાને ઘે૨ ત્રણ સંતાનો શાળાએ જતાં થઈ ગયાં હતાં. આ બધાં વર્ષો દરમિયાન વ્યવહાર કઈ રીતે ચાલ્યો, ઘરની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવતી હતી, પોતે જે મર્યાદિત રકમ ઘર ચલાવવા આપતા એમાંથી સૌની જરૂરિયાત અને માગણીઓ કઈ રીતે પૂરી થતી હતી એવી કોઈ ખબર મનસુખરાયને રહી નહોતી... અથવા એમણે રાખી જ નહોતી. એ તો બસ કહી દેતા, “રતન, છ જણા જમવાના છે...” “રતન, મણિના ભાણાને સ્કૂલની ફી ભરવા સાતસો રૂપિયા જોઈશે...” “રતન, માની દવા લાવવાની છે...” રતનબહેને આખી જિંદગી મનસુખરાયના સંબંધો અને જરૂરિયાતો સાચવવામાં ઘસી નાખી એની સૌને ખબર હતી. રતનબહેનનું સમાજમાં ખૂબ માન હતું. સારા કામમાં જરૂર પડે ત્યારે દાન આપવામાં એમના જેટલું મોટું મન અને છૂટો હાથ સમાજમાં ભાગ્યે જ કોઈનો હતો. શરૂઆતનાં વર્ષોમાં જ્યારે મનસુખરાય ત્રણ-ત્રણ જગ્યાએ નામું લખવાની નોકરી કરતા ત્યારે વડી, પાપડ ને અથાણાં બનાવવાની જોડે જોડે રતનબહેન લોકોની સાડીઓ ભરી આપતાં. એમનાં બનાવેલાં અથાણાં, વડી ને પાપડ પરદેશ સુધી જતાં. નાનાં નાનાં કામો કરીને, પૈસા બચાવી બચાવીને રતનબહેને છોકરાંઓને સારી સ્કૂલમાં મૂક્યાં. પોતે ફાટેલા સાડલાને થીગડાં મારતાં રહ્યાં, પણ છોકરાંઓ માટે ક્યારેય કંજૂસાઈ ના કરી. આજે એમના દિયર એમની બાજુમાં ઊભા રહીને કહી રહ્યા હતા, “રતનભાભી, તું આમ તો મારી ભાભી છો, પણ મા બનીને અમને સૌને તેં જ મોટા કર્યા છે. હવે શાંતિથી જીવ મૂક. શાનો ઉચાટ થાય છે તને ?” આ બધાં આશ્વાસનો છતાં રતનબહેનની આંખો ચકળવકળ ફરતી હતી. મહામહેનતે ઊંડા શ્વાસ લેતાં એમણે ઇશારાથી આલિશાને પોતાની પાસે બોલાવી. આલિશા આંસુ રોકતી, હોઠ ભીંસતી એમની પાસે આવીને ઊભી રહી. રતનબહેને ઇશારાથી એને વાંકા વળવાનું કહ્યું. આલિશા સાવ નજીક રતનબહેનના મોઢા પાસે કાન લઈ આવી. રતનબહેન મહામહેનતે બોલી શક્યાં. “બધાંયને બહાર...” આલિશાએ આસપાસ જોયું. એણે ધીમેથી મનસુખરાયને કહ્યું, “બધાંને બહાર જવાનું કહે છે.” “એ તો કહે...” મોટા દીકરા મનોજે જરા કડક અવાજમાં તોછડાઈથી કહ્યું, “આવી રીતે મૂકીને કંઈ બહાર ન જવાય.” રતનબહેને ઇશારાથી હાથ હલાવીને બહાર જવાનું કહ્યું. મનસુખરાય અને મનોજ એકબીજાની સામે જોઈ રહ્યા, “મારે આલિશા જોડે એકલાં...” રતનબહેનનો શ્વાસ ભરાઈ આવ્યો. છાતી ફરી ધમણની જેમ ઊંચી-નીચી થવા લાગી. “હા, હા, જઈએ છીએ.” મનસુખરાયથી પત્નીની પીડા સહેવાઈ નહીં. એમણે ત્યાં ઊભેલા સૌ તરફ એક સરસરી નજર નાખી અને બહાર નીકળવાનો ઇશારો કર્યો. મોટી વહુ રજનીએ પગ પછાડ્યો, પણ મનોજની એક જ દૃષ્ટિ પડતાં સડસડાટ બહાર નીકળી ગઈ. એક પછી એક સૌ બહાર ગયાં એટલે રતનબહેને નજરથી દરવાજો બંધ કરવાનું કહ્યું. આલિશા એરકન્ડિશન કમરામાં પણ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. એને એટલી બધી ગભરામણ થતી હતી કે એના શ્વાસ પણ રતનબહેનની જેમ ચાલવા લાગ્યાં હતાં. રતનબહેને એને નજીક બોલાવી. સહેજ ઊભા થવાનો પ્રયાસ કર્યો. “હું કરું છું મા, હું કરું છું...” આલિશાએ રતનબહેનને હળવેકથી બેઠાં કર્યાં. એમનું શરીર સાવ એકવડિયું હતું એટલે તકલીફ ના પડી, પણ રતનબહેનના શ્વાસ ફરી પાછા ફૂલવા માંડ્યા. "મારો અંબોડો છોડ." આલિશા નવાઈથી એમની સામે જોઈ રહી. આલિશા ને મયૂરનાં પાંચ વર્ષના લગ્નજીવનમાં એણે ક્યારેય રતનબહેનને ખુલ્લા વાળ સાથે નહોતાં જોયાં. માથું ધોયું હોય તો પણ ભીના વાળનો અંબોડો તો વાળેલો જ હોય ! મોટા ભાગે તો માથું ઢાંકેલું હોય, ક્યારેક માથું ખુલ્લું હોય તો પણ મનસુખરાય આસપાસમાં દેખાય કે તરત જ રતનબહેન માથે ઓઢી લે. “મારા વાળ છોડ, દીકરા. શ્વાસ બંધ થઈ જાય એ પહેલાં...” આલિશાએ ધીમે રહીને અંબોડામાંથી ચીપિયા કાઢ્યા. કમર સુધીના કાળા અને લીસા વાળ છેલ્લો ચીપિયો નીકળતાં જ સાપની જેમ સરકી પડ્યા. પંચાવન વર્ષની ઉંમરે પણ એમના માથામાં ભાગ્યે જ ક્યાંક ધોળો વાળ દેખાતો હતો. વાળ ખૂલતાંની સાથે જ આંગળીના એક વેઢા જેટલી નાનકડી સોનાની ડબી રતનબહેનના પલંગમાં પડી ગઈ. આલિશાએ રતનબહેનને હળવેથી સુવાડ્યાં. રતનબહેને ઇશારાથી ડબી લઈ લેવાનું કહ્યું. આલિશાએ ડબી પોતાના હાથમાં લઈને ખોલવાનો પ્રયાસ કર્યો. ડબી ખૂલતાં જ અંદરથી એક નાનકડી ચબરખી જેવડી ચિઠ્ઠી નીકળી. પીળા થઈ ગયેલા નોટબુકના પાનામાંથી ફાડેલા એ નાનકડા ટુકડા પર ઉર્દૂમાં બે લીટી લખી હતી. આલિશાએ એ વાંચી. “કલ શામ કો ઘર મત જાના, મૈં મંદિર કે પીછે બરગદ કે તલે તુમ્હારા ઇન્તઝાર કરુંગા...” આલિશાએ રતનબહેન પર નજર ફેરવી. આ બે વાક્યો સાંભળીને રતનબહેનના ચહેરા પર અજબ જેવી શાંતિ અને નિરાંતના ભાવ આવી ગયા. અત્યાર સુધી ચકળવકળ ફરતી આંખો મીંચાઈ ગઈ. શ્વાસ એકદમ શાંત થઈ ગયા. ઘડીભર પહેલાં ધમણની જેમ ઊછળતી છાતી એટલી તો શાંત થઈ ગઈ કે રતનબહેન જાણે ઊંઘી ગયાં હોય. એમની બંધ આંખો અને શાંત થઈ ગયેલા શ્વાસ જોઈને ગભરાઈ ગયેલી આલિશાએ નાક પાસે હાથ ધર્યો. “હજી મરી નથી.” રતનબહેનના અવાજમાં પણ માની ન શકાય એવી સ્થિરતા આવી ગઈ હતી. ઘડીભર પહેલાં જેને બોલવાનીય તકલીફ પડતી હતી એ રતનબહેનના ચહેરા પર એક નાનકડું સ્મિત આવી ગયું. આંખોમાં પાણી ઊભરાયાં, “હું આખી જિંદગી એમ માનતી રહી કે એણે મને લખ્યું હશે કે તું મને ભૂલી જા. હું તારી સાથે લગ્ન નહીં કરું.” “મા ?!” “અજમલ...” એ નામ બોલતાં દાદીમા બની ગયેલાં રતનબહેનના ગાલ પર શરમની લાલી આવી ગઈ, “સામેથી આવતો... પાકિસ્તાનથી... મુસલમાન હતો. વાંસળી બહુ સરસ વગાડતો.” ત્રૂટક ત્રૂટક બોલતાં રતનબહેનને તકલીફ તો પડતી જ હતી, પણ આજે એમણે જાણે નક્કી કરી લીધું હતું કે આ છેલ્લી માયા પણ આલિશાની સામે મૂકીને જ જવું છે ! “તમે... એને...” “લગન કરવાં હતાં મારે, પણ અમારાં જમાનામાં તો...” રતનબહેનની આંખોમાં ભરાઈ આવેલાં પાણી હવે વહેવા લાગ્યાં, “ મેં કદીય એની જોડે વાત નહોતી કરી. એ વાંસળી વગાડતો, હું બેસતી.” બંને વચ્ચે ખાસ્સી વાર એક સોપો પડી ગયો. રતનબહેનના શ્વાસ સિવાય ઓરડામાં કશાયનો અવાજ નહોતો. એરકન્ડિશનરની ધીમી ઘરઘરાટી જાણે વાતાવરણના સન્નાટાને તોડતી રહી, થોડીવાર... “મારા તો વિવાહ એમની જોડે થઈ ગયેલા. એટલે ઘરમાં કહેવાય એવું કંઈ હતું જ નહીં, મને ચુંદડી ઓઢાડવા આવવાના હતા એની આગલી સાંજે મેં સામેથી વાત કરી. અજમલ પાસે જઈને એક જ વાક્યમાં...” આલિશા કશુંય બોલ્યા વિના ચૂપચાપ રતનબહેનને સાંભળતી હતી. સારો એવો શ્વાસ છાતીમાં ભરીને રતનબહેને ફરી કહેવા માંડ્યું, “એ કશું જ બોલ્યો નહીં. મારી સામે જોતો રહ્યો. થોડીવાર પછી ઊભો થયો. એના બંને હાથ મારા ગાલ પર મૂક્યા. થોડીવાર મારી આંખમાં જોતો રહ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. એ દિવસે સાંજે એક નાનો છોકરો આવીને આ ચિઠ્ઠી આપી ગયો. કોણ વાંચે ?’' રડવાને કારણે અને ભરાઈ ગયેલા શ્વાસને કારણે રતનબહેનનો અવાજ તરડાતો હતો, બાજુમાં પડેલું ટિશ્યૂ લઈને આલિશાએ રતનબહેનનાં આંસુ લૂછ્યાં, ‘‘હું આખી જિંદગી એ શોધવાનો પ્રયત્ન કરતી રહી કે એ મને પ્રેમ કરતો હતો કે નહીં...” ખાસ્સી વાર સુધી એક વજનદાર ચુપકીદી લોલકની જેમ વારાફરતી બંનેને અથડાતી રહી. “મા ! હવે શાંત થઈ જાવ.” આલિશાએ આંખો બંધ કરીને સૂતેલાં રતનબહેનના કપાળ પર હાથ મૂક્યો. લમણાની નસ ફડકતી બંધ થઈ ગઈ હતી. એણે હેબતાઈને નાક પાસે બે આંગળી ધરી. રતનબહેનના શ્વાસ બંધ થઈ ગયા હતા. “ઓ મા...” એણે મોટા અવાજે પોક મૂકી. ધડાક્ દઈને બારણું ખોલ્યું અને પહેલાં મનસુખરાય, એની પાછળ આખુંય ટોળું અંદર ધસી આવ્યું. સૌ મોટા અવાજે જોરજો૨થી રડવા લાગ્યાં. આલિશા ધીમે રહીને પલંગ પરથી ઊભી થઈ. પેલી સોનાની ડબી મુઠ્ઠીમાં બંધ કરીને હળવેકથી પાછાં પગલે આખાય ટોળાની છેક પાછળ જઈને ઊભી રહી. ધીમેથી એણે એ ડબી પોતાના બ્લાઉઝમાં છાતીના પોલાણમાં સરકાવી દીધી. હૃદયની છેક પાસે... આ એક સ્ત્રીનો ભૂતકાળ હતો! બીજી સ્ત્રીએ પોતાની છાતીમાં ગોપવીને સંતાડી દીધો.

વાર્તા અને વાર્તાકાર :

કાજલ ઓઝા વૈદ્ય (૨૯-૧૦-૧૯૬૬)

એક વાર્તાસંગ્રહ :

1. સંબંધ : તો આકાશ ! : 12 વાર્તા