નારીસંપદા : ટૂંકી વાર્તા/સિલાઈ

સિલાઈ

દેવાંગી ભટ્ટ

ટુન્ની ધબ-ધબ પગ પછાડતી ઘરમાં આવી અને હાથમાં પકડેલી થેલીનો ઘા કર્યો ‘ગધેડો નાલાયક છે સાલો…’ પાટમાં બેસીને તુવેરા ફોલતી માએ ડોળા કાઢ્યા ‘શું છે?’ ટુન્ની બરાડી ‘યુનિફોર્મનું સ્કર્ટ એક વેંત લાંબુ સીવી નાખ્યું... ઘાઘરા જેવું લાગે છે. આવું પેરવાનું મારે? કેટલીવાર એનું નાક વાઢ્યું. પણ જડ છે સાલો.’ બે ઓરડાના ઘરમાં બેસીને, છ જણના શાક માટે તુવેરા ફોલતી માના જીવનમાં સ્કર્ટ કરતાં અનેક મોટી સમસ્યાઓ હતી. એણે ટુન્નીના બળાપામાં ખાસ રસ લીધા વિના કહ્યું ‘જે છે એ આ એક જ દરજી છે. ગામમાં... એની પાસે કરાવ્યા સિવાય છૂટકો છે?’ મા તો આટલું કહીને રસોડા ભણી ચાલતી થઇ, પણ ધુંઆકુંઆ ટુન્ની બબડી ‘હું મોટી થઈને દરજી બનીશ.’

તો ટુન્નીની દરજી બનવાની મહત્વાકાંક્ષાનું કારણ વિગતે સમજીએ... એ કારણ છે 'ગગનેન્દ્ર સ્ટીચીંગ આર્ટ' નો માલિક ગગન. ગગન એની સાત પેઢીનો એકમાત્ર ગ્રેજયુએટ છે. પુરા આડત્રીસ ટકા સાથે એણે બી.એ.ની ડીગ્રી મેળવી ત્યારે એને લાગેલું કે સ્વર્ગમાંથી દેવો એના પર ફૂલોનો વરસાદ કરશે, બુદ્ધિમાનોની સભામાં એને સૌથી ઊંચું આસન અપાશે... પણ આ કજાત, કૃતઘ્ની વિશ્વ ગગનની મહત્તાને સમજી શક્યું નહી. બે વર્ષ પ્રયત્ન કરવા છતાં એને કોઈ નોકરી ન મળી. વહુને આણું કરીને તેડી લાવવાની હતી એટલે કમાવું જરૂરી હતું. અંતે થાકીહારીને ગગને બાપાની 'ચામુંડા સિલાઈ' નામની દુકાને બેસવાનું નક્કી કર્યું. નક્કી તો કર્યું, પણ ગગનના ઉગ્ર આત્મગૌરવને હાડોહાડ લાગી આવ્યું 'અહો પોતે? પોતે સિલાઈકામ કરશે? ઝળહળતા પાસકક્લાસ સાથે બી.એ. થયેલ વિદ્વાન, આમ સાવ બ્લાઉઝ સીવશે?’ બાપાએ એને કહ્યું કે 'કામ તો કામ હોય ભાઈ. એમાં શું નાનું-મોટું?’ પણ ગગનને અભણ બાપની સલાહ પોતાની કક્ષાની ન લાગી, ઘોબો પડેલા આત્મગૌરવને એણે ટીપી-ટીપીને સરખું કરવા યત્ન આદર્યો. સૌથી પહેલા એણે પોતાનું નામ ગગન બદલીને ગગનેન્દ્ર કર્યું. એકચ્યુલી એને તો ગગનેદ્રભૂષણરાયજી કરવાની ઈચ્છા હતી પણ દુકાનના બોર્ડમાં સમાતું નહોતું એટલે ગગનેન્દ્રથી સંતોષ માનવો પડયો. બાપાના તુચ્છ સિલાઈકામને એણે નવું નામ આપ્યું ‘સ્ટીચીંગ આર્ટ’ અને દુકાનને રંગરોગાન કરીને આધુનિક બનાવી દીધી. વચ્ચે પાર્ટીશન મુક્યું જેથી દુકાનના બે ભાગ પડી ગયા. આગળની તરફ એક કારીગર બેસતો જે ઘરાકનું નામ લખવાનું, માપ લેવાનું વગેરે તુચ્છ કામ કરતો. પછી ઘરાકને અંદર મોકલવામાં આવતો જ્યાં ગગન ઓફિસરની અદાથી આવનારને એક-બે પ્રશ્નો પૂછતો અને છેલ્લે તારીખ આપતો. એ તારીખ આપતી વેળા તો ગગનને ઓલમોસ્ટ પોતે હાઈકોર્ટનો જજ હોય એવું લાગતું. ટુન્ની પહેલીવાર દસેક વર્ષની હતી ત્યારે પોતાનું ફ્રોક સીવડાવવા ગગનની દુકાને આવેલી. એક મેગેઝીનમાંથી ફાડેલો ગુલાબી રંગના સ્લીવલેસ ફ્રોકનો ફોટો અને કાપડ આપી ગયેલી. કીધેલી તારીખે હરખાતી હરખાતી ટુન્ની ફ્રોક લેવા આવી, અને છફ થઇ ગઈ. ફ્રોક તો બની ગયું હતું પણ સ્લીવલેસને બદલે છેક કોણી સુધીની બાંયવાળું હતું. નાનકડી ટુન્ની શિયાવીયા થઇ ગઈ ‘પણ...પણ આવું નહોતું કરવાનું...!’ ગગને પૂર્ણ ગાંભીર્યથી કહ્યું ‘એ આ સ્ટાઈલમાં જ સારું લાગે.’ ટુન્નીની આંખમાં પાણી આવી ગયા 'પણ મારે પેલા ફોટા જેવું ફ્રોક...’ હવે વાત બગડી. બગડે જ ને..!! કોઈ ઉચ્ચ પદ પર બેસવાને બદલે, ગગનેન્દ્રભૂષણ સ્ત્રીજાતીના કલ્યાણ માટે સિલાઈ કરી આપતા હતા. અને મુર્ખ ટુન્ની દલીલો કરતી હતી? એની આ મજાલ? ગગને ભવાં ચડાવીને તોછડા અવાજે કહ્યું ‘અહીં આવું જ બનશે, ના ફાવે તો બીજે જવાનું. માથાકૂટ કરીને મારો ટાઈમ નહીં બગાડવાનો. લેટેસ્ટ મને ખબર હોય કે તને? જે જેનું કામ, એ એને જ ફાવે.’ ઘેર જઈને ટુન્નીએ ભારે કકળાટ કર્યો પણ ફ્રોક તો સિવાઈ ગયું હતું. વળી ખોબા જેવડા ગામમાં બીજો કોઈ દરજીય નહોતો... એટલે નાછૂટકે... તો બસ. નાછૂટકે ટુન્નીએ બાંયવાળું ફોક પહેર્યું, નાછૂટકે લાંબા સ્કર્ટવાળો યુનિફોર્મ પહેર્યો. નાછૂટકે અસ્તરવાળું ટોપ પહેર્યું, નાછૂટકે ઢસડાતાં ચણીયાચોળી પહેર્યા.... અને અંતે એક દિવસ એનો છુટકારો થયો. ટુન્નીના પપ્પાની બદલી શહેરમાં થઇ ગઈ અને એ લોકો ગામ છોડીને જતાં રહ્યાં.

પાત્રો આવે-જાય એટલે કંઈ વાર્તા ન અટકે. આ વાર્તા પણ ચાલુ રહી. કેટલાક વર્ષો ગગને એકલપંડે ગામની છોકરીઓની ગાળો ખાધી અને પછી નવી સીલાઈની દુકાનો ખુલી ગઈ. ફેશનો બદલાતી રહી, ગામ પણ બદલાતું રહ્યું. ગામમાં સરકારી હેલ્થ સેન્ટર ખુલ્યું, બજાર વધુ ને વધુ ગીય બનતી ચાલી અને એક-બે રેડીમેડ કપડાની દુકાનો પણ બની ગઈ. ગગન પણ બચરવાળ થયો. જવાબદારી વધી ... પણ એની ટણી ન ગઈ. કહે છે ને કે પડી લત લાકડે જ જાય? બસ એ જ રીતે ગગનેન્દ્રભૂષણરાયજી શક્ય હોય એટલું દોઢ-ડહાપણ કરતા રહ્યા. પોણીયા બાંય કીધી હોય ત્યાં આખી બાંય કરી નાખવી, કળીવાળો કીધો હોય તો ઘેરવાળો ચણિયો કરી નાખવો વગેરે...વગેરે. આવું કરવામાં એમનો કોઈ વિશેષ હેતુ નહોતો. બસ સત્તાની અનુભૂતિ થતી હતી. 'કેવું મારી મરજી મુજબ બનાવ્યું..! આપણે કરીએ એ જ ફાઈનલ... એમાં કોઈનું કંઈ ચાલે જ નહીં.’ એક આખી પેઢીની સ્ત્રીઓના નિસાસા લીધા પછી પણ એમની એ સત્તાની તૃષ્ણા શાંત ન થઇ. એમણે હુંશિયારીમાંથી હાથ ન કાઢ્યો તે ન જ કાઢ્યો. કદી ન કાઢત. જો પેલો ચૈત્ર વદ બારશ અને સોમવારનો દિવસ કેલેન્ડરમાં ન હોત.

એ દિવસે ગગનેન્દ્રભૂષણરાયજીની સીતેર વરસની મા એ ઠુંઠવો મુક્યો...

ગગનની વહુ કાંતા પેટથી હતી. પુરા મહિના જતાં હતાં. વહેલી સવારે ચાર વાગે એને દવાખાને લઇ જવી પડી. અંદર કાંતા બરાડા નાખતી હતી અને બહાર ગગન ઘાંઘો થઈને દવાખાનાની પરસાળમાં અહીંથી તહીં આંટા મારતો હતો. એક-બે વાર માએ કહ્યુંય ખરું 'શું આમ રઘવાયા જેમ આંટા મારે'સ ? આ તે કે પેલ્લીવારનું સે?’ વાત સાચી હતી. પહેલીવારનું તો નહોતું. બે છોડીનો બાપ હતો ગગન પણ... પણ આ વખતે જો ભગવાન સામું જુએ તો... તો 'ગગનેન્દ્ર સ્ટીચીંગ આર્ટ'નો વારસ આવી જાય. એક છોરો… એક તો જોઈએ ને..!! ડોશીએ ગામનાં હનુમાન મંદિરે એક ડબ્બો તેલ ચડાવવાની માનતાય માની હતી, ને મનોમન બબડેલી ‘કપાશિયાનું ચડાવી દેહું.. હડમાન જતીને ક્યાં રાંધવું સે?’ ઓરડીમાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો ને ડોશી અધીરાઈભેર ઉભી થઈ ગઈ, ગગન હરખમાં ઓરડા ભણી દોડયો. ડૉકટરે બહાર આવીને વધામણી આપી – ‘દીકરી આવી છે’ વધામણી તો શું હતી હવે? વખ જેવું મોઢું કરીને ઉભા રહ્યાં બેય મા-દીકરો. ડોશીએ કટાણે મોઢે ગગનના બરડે હાથ ફેરવીને કીધું ‘હશે ભાઈ… આવતીફેરા ભગવાન હામું જોશે’ ડૉક્ટરે પોતાની કેબીન તરફ બે પગલા ભરી લીધા હતા. એ અટક્યા અને પાછું જોયું ‘આવતીફેરા? ડીલીવરી પતી એટલે કુટુંબ-નિયોજનનું ઓપરેશન કરી દીધું છે હં માજી.’ ડોશીની આંખો ફાટી ગઈ. ગગન પળવાર સુન્ન મારી ગયો. કોઈકે ખેંચીને લાફો મારી દીધો હોય અને કાનમાં તમરા બોલે એમ 'હે.શું? શું? ના હૈં? એવા ઉદગારો એનાં માથામાં અફળાયા. બે-પાંચ ક્ષણ તો એ સાવ થીજી ગયો અને પછી… પછી કાળઝાળ થઈને ધસી ગયો 'એય…એય… તું ડોક્ટર છે કે કોણ છે? મગજ ઠેકાણે નથી તારું? કોણે કીધું તને ઓપરેશન કરવાનું? ના ના... કોને પૂછીને કર્યું?’ ડૉકટરે સાડી પરનો કોટ સરખો કર્યો અને અદબવાળી ‘અત્યારના સમયમાં એ જ યોગ્ય લાગે. લેટેસ્ટ મને ખબર હોય કે તમને? જે જેનું કામ, એ એને જ ફાવે.’

ડીલીવરી રૂમમાં કાંતાની બેય મોટી દીકરીઓ નવજાત બાળકીને જોઇને મલકાતી હતી, ડૉક્ટરની કેબીનમાં પેલી ટુન્ની મરક-મરક થતી હતી અને ગામનાં કેટલાય ઘરોમાં આખી બાંયના બ્લાઉઝ પહેરેલી સ્ત્રીઓ ફૂસ-ફૂસ કરીને હસતી હતી.