નિરંજન/૧૫. ત્રણ રૂમાલ


૧૫. ત્રણ રૂમાલ

કાગળ લખવા બેઠો, પણ કલમ ચાલી નહીં. કોરા કાગળ ઉપર આંખો આંસુના અક્ષરો પાડવા લાગી. આંખ જેવી કોઈ લેખિની છે? આંસુ જેવી કોઈ અખૂટ રુશનાઈ છે? ઠક... ઠક... ઠક: બારણાં પર ટકોરા પડ્યા. ``આવો. કહી નિરંજન આંખો લૂછવા માંડ્યો. બારણાં ઠાલાં બંધ હતાં. ધીરેથી ધકેલીને કોઈ અંદર આવ્યું. ``સુનીલા! નિરંજન પોતાની આંખો પર પણ વિશ્વાસ ન રાખી શક્યો. ફરી નિહાળી: સુનીલા જ હતી. ``તમે અહીં? અત્યારે? ``કેમ? અત્યારે શા માટે નહીં? તમને કશી અડચણ તો નથી થતીને? સુનીલાને પોતાના કપાળ પરની લટો ઊંચી કરીને હસતાં હસતાં જ બોલવાની ટેવ હતી. ``નહીં, મારે તો અત્યારની ભયાનક એકલતામાં કોઈકની જરૂર હતી. ``એકલતા ભયાનક શાની? ને વળી તમારા જેવા ચિંતકને! ``ચિંતકને કોઈ કોઈ વાર ખબર પડે છે કે પોતે માણસ છે; માટીનો જ સરજેલો માનવી છે. ``કંઈ બન્યું છે? ``નહીં, કશું નહીં. પણ હું તમને બેસવાનું કહેતાં તો ભૂલી જ ગયો. બેસશો? ``હું એકલી નથી; બીજાંઓ પણ છે. સુનીલાએ સાથીઓને કહ્યું: ``આવો. જલદી જલદી નિરંજને ભોંય પર એક ચટાઈ બિછાવી. અતિથિઓ અંદર આવ્યાં. બે કૉલેજના વિદ્યાર્થીઓ હતા ને એક બીજી સ્ત્રી હતી. સ્ત્રીની વય આધેડ હતી. કાળો સાળુ પહેર્યો હતો. હાથમાં ચૂડલીઓ નહોતી. ``આ મારાં બા છે; સુનીલાએ ઓળખાણ આપી. ``એમ? આ પોતે જ? નિરંજન જાણે ઘણા વખતથી જોવા ઉત્સુક હોય તેવી અદાથી તાકી રહ્યો. `પ્રો. શ્યામસુંદરનાં જ પેલાં પત્ની ને?' એટલું વાક્ય નિરંજનના હોઠ પર નાચતું હતું પણ બોલતો બચી ગયો. ન બોલી નાખવા બદલ નિરંજને તેત્રીસ કોટિ દેવતાનો આભાર માની લીધો. ``બેસો! કહી નિરંજને ચટાઈ બતાવી. ચટાઈ ચાર જણાં સમાઈ જાય તેવડી હતી ખરી, પણ બે સ્ત્રી ને બે પુરુષો મળે છે ત્યારે એનો સરવાળો ચાર નથી થતો. બીજી સાદડી માટે નિરંજન ફોગટ ઓરડીને ફેંદતો હતો. બીજી સાદડી નહોતી ને ભોંય અતિ ઠંડી હતી. ``અરે કંઈ નહીં, લાવોને, આ છાપું પડ્યું છે તેનાં આસન બનાવી લઈએ. એમ કહેતી સુનીલા નિરંજનના લખવાના ટેબલ પર પહોંચી ગઈ ને ત્યાંથી એક છાપું લીધું. નાના ટેબલ પર ખીચોખીચ બધી વસ્તુઓ ગોઠવી હતી. પણ તે ગોઠવણ કોઈ ફૂલોનો ગજરો ગૂંથનાર માળીને સ્મરાવનારી હતી. ભારણનો સાદો પથ્થર પણ એના સ્થાન બહાર નહોતો. છાપું લેતાંલેતાં સુનીલાની નજર બ્લોટિંગ પેડ પરના ખુલ્લા કાગળ પર પડી. કોરા કાગળ ઉપર અક્ષરો નહોતા; લીલાં જલબિંદુઓ હતાં. `કોઈ પ્રેમપત્ર હશે.' સુનીલાના દિલની આરપાર એક અનુમાન, આથમતી સંધ્યાના અંધકારમાંથી પક્ષી પસાર થઈ જાય તેટલી ઝડપથી, નીકળી ગયું. પછવાડે જોયું તો એ કાગળ પર નિરંજન ચોપડી ઢાંકતો હતો. સુનીલાની શંકા દઢ બની. આ માણસનેય જીવનમાં કંઈક ઢાંકોઢૂંબો છે ને શું? બધાં ગોઠવાઈ ગયાં. નિરંજને ઊભાં ઊભાં જ કહ્યું: ``કંઈ ખાસ? સુનીલા બોલી: ``ખાસ તો એ કે આ ભાઈઓ અત્યારે મારે ત્યાં આવેલા. પરમ રોજ આઝાદી-દિન છે. દેશભરમાં ઊજવાશે. રાષ્ટ્રધ્વજનું વંદન થશે. તેઓ કહે છે કે આપણે કૉલેજમાં પણ કશુંક કરવું જોઈએ. ``શું કરવું જોઈએ? નિરંજને પ્રશ્ન કર્યો, ``પ્રિન્સિપાલ કંઈ કરવા દેશે ખરા? ``એટલે જ અમે સુનીલાબહેનને કહેવા આવ્યા હતા, પેલા બેમાંથી એકે વાત ચલાવી, ``કે લેડી-સ્ટુડન્ટ કંઈ કરશે તો પ્રિન્સિપાલ બહુ `રૂડ એન્ડ રફ' (તોછડા) નહીં બની શકે. ``હાં હાં, ને પછી આપણે? ``આપણામાંથી અમે બે ચટણાઓને ઊભા કર્યા છે. ``મહારાષ્ટ્રી ભાઈઓને? નિરંજને સૂચક રીતે પેલાઓની ભાષા સુધારી. ``હા, એ બેઉ ભણવામાં ઢ છે. ત્રણ વર્ષથી એક ક્લાસમાં પડ્યા છે. રસ્ટીકેટ થવાની કશી ચિંતા નથી. તેઓ છૂપી રીતે કૉલેજના ટાવર ઉપર ધ્વજ ચડાવી આવવા તૈયાર છે. ``હાં હાં. નિરંજને શ્વાસ ઠાલવ્યો. ``તમારો શો મત છે? સુનીલાએ સ્મિત કરીને પૂછ્યું. ``પૂરું સાંભળી તો લઈએ; કહી નિરંજને પેલા ભાઈઓને પૂછ્યું: ``હં, પછી? ``તે વખતે, એક ભાઈએ ચિત્રમાં છેલ્લાં ટપકાં મૂક્યાં: ``આપણે સહુએ હોસ્ટેલની આપણી ઓરડીઓમાંથી ઝંડાનું ગીત લલકારવું. સહુ ગાતાં હશું એમાં પ્રિન્સિપાલ કોનું કાંડું પકડવા બેસશે? બીજાએ પૂર્તિ મૂકી: ``પ્રિન્સિપાલ આવી પહોંચે તે પહેલાં તો આપણે બધું પૂરું કરી નાખશું ને પેલા આપણા મહેરબાન– ક્લબના સેક્રેટરીને ઉદ્દેશી કહ્યું: ``કાલે હોસ્ટેલમાં તેમની હાજરી નહીં હોય. ``આ રહ્યા ત્રણ રાષ્ટ્રધ્વજો. અમે લાવી રાખ્યા છે; એમ બોલીને એકે ગજવામાંથી ધ્વજો કાઢ્યા. નિરંજને એ ધ્વજોના કપડા ઉપર હાથ ફેરવ્યો. સુંવાળા રેશમ ઉપર છાપેલા ત્રણ ત્રણ રંગો! ``આમાંથી એક સહુથી સુંદર છે તે સુનીલાબહેનના હાથમાં દઈશું, એક વિદ્યાર્થી બોલી ઊઠ્યો. જરા બારણું ખખડ્યું. પેલા ધ્વજવાળા ચમકી ઊઠ્યા. ``કોણ હશે? એક જણ ઊઠીને જોઈ આવ્યો. ``મિયા...ઉં! એક સફેદ બિલાડી બારણા નજીક ઊભી હતી. ``સાલી આ તો બિલ્લી! નાહક બીધાં! જોઈ આવનાર હસતોહસતો પાછો બેસી ગયો. ``બીક તો ઠીક, પણ ચેતીને ચાલવા જેવું તો ખરું જ ને? એના જોડીદારે એનું વર્તન વાજબી ઠરાવ્યું. બિલ્લીનો કોમળ, કરુણ, પ્રેમલ શબ્દ ફરીથી સંભળાયો ને નિરંજને જવાબ દીધો: ``આવો, અંદર આવો મીનીબાઈ, દૂધ તૈયાર છે. મુલાયમ પ્રાણી અવાજ વગરની છલંગ દેતું અંદર આવ્યું. નિરંજને દૂધની વાટકી ધરી દીધી. પીને બિલ્લીએ વાટકી, ભોંય પરના છાંટા, ને પોતાના પંજા જીભ વડે સાફ કરી નાખ્યા. સાફસૂફ બનીને એ નિરંજનની ગોદમાં લપાઈ. સુનીલાને આ એક નવદર્શન થતું હતું. ``બોલો, મિ. નિરંજન! પેલાએ પૂછ્યું, ત્યારે હવે તમે શો સાથ દેશો? આપણે આ ઉજવણાને `ડ્રામેટિક' તો બનાવવું જ જોઈએ. ``સાચો શબ્દ કહ્યો તમે; નિરંજને ટાઢો જવાબ વાળ્યો. ``તો કેવી રીતે? ``મને લાગે છે કે આ ત્રણેય ધ્વજોના હાથરૂમાલ કરી નાખોને? નિરંજનના આ શબ્દોએ પેલા બેઉને જાણે કે કોઈ ડુંગરની ટોચ પરથી ધક્કો માર્યો. ``એમ અમારી મશ્કરી કાં કરો? ``ત્યારે શું રાષ્ટ્રધ્વજ મશ્કરીની વસ્તુ છે? ``અમે તો તમારા ઉપર ભરોસો રાખીને આવ્યા હતા. ``શાનો ભરોસો? નામર્દાઈનો? સુનીલાના હોઠ બોલું, બોલું થઈને રહી ગયા કે, `મર્દાઈની પણ તમે તો ચમત્કારી પ્રાપ્તિ કરી લીધી ને શું!' ``એમાં નામર્દાઈની ક્યાં વાત આવી? બેમાંથી એકે પૂછ્યું, ``આજે તો રાષ્ટ્રભાવનાના દેવતાને ભારી રાખવામાં જ સાર છે. બીજાએ કહ્યું: ``પ્રજાએ પ્રજાનો રાષ્ટ્રપ્રાણ એ રીતે જ રક્ષાતો આવ્યો છે. સમય આવશે ત્યારે એ તિખારામાંથી જ દેશવ્યાપી ભડકો ઊઠશે. ``ભાઈઓ! નિરંજને કંટાળીને કહ્યું: ``આ બધી ભાષાની ભભક મને અસર નથી કરતી. ગુજરાતી છાપાં ઠીક ઠીક વાંચું છું. મને પોકળ ભાષાનો મહાવરો છે. ``ત્યારે? ``હું જે પૂછું તેનો સીધો જવાબ આપશો? ``બોલો. ``તમને રાષ્ટ્રધ્વજનો ડર છે? ``ડર હોય તો જોઈ આવો, આ ઊભી અમારી મોટરકાર. એને મોખરે અમે રાષ્ટ્રધ્વજ રોપ્યો છે. સુનીલા વચ્ચે બોલી ઊઠી: `પણ એ મોટર લઈને તમારા પિતાજી સાહેબલોકોને આંગણે તો નથી જતા ને? ``પિતાજીની વાત પિતાજી જાણે. જવાબ દેનારના મોં પર કચવાટ હતો. ``તો પછી હું સીધો પ્રશ્ન પૂછું, નિરંજને કહ્યું, ``તમે આ ક્રિયાની મહત્તા સમજ્યા છતાં છાનગુપત રમત રમી, એક સ્ત્રીને તથા બે ભાડૂતી વિદ્યાર્થીઓને હોળીનું નાળિયેર શા સારુ બનાવવા માગો છો? ``હોળીનું નાળિયેર! ``હા, યજ્ઞનું નાળિયેર તો નહીં જ. ``એટલે? ``એટલે કે હોળીનું નાળિયેર તો સિફતથી પાછું કાઢી લેવાય છે, યજ્ઞના અગ્નિકુંડમાં ગયેલું શ્રીફળ યજ્ઞની જ્વાલાઓને ભભુકાવીને ત્યાં જ ભસ્મ થાય છે. હસતીહસતી સુનીલા વચ્ચે ટહુકી: ``આ દેશમાં તો હોળીનું જ પર્વ ચાલી રહ્યું છે ને? ``સુનીલાબહેન, બેમાંથી એકે ઠપકો દીધો, ``અમે તો તમારો વસીલો સમજીને તમને અહીં લાવેલા. ત્યારે તમે તો ઊલટું કાપો છો. ``વસીલો! નિરંજનને એ મીઠી લાગતી વાત વધુ સ્પષ્ટ કરાવવી હતી, ``એમનો વસીલો મારા પર શી રીતનો? ``એ તમને યજ્ઞનું નાળિયેર બનાવી શકશે એવો અમારો ખયાલ હતો. ``તમારો ખયાલ સાચો પડો! તમારા મોંમાં સાકર! સુનીલા જ્યારે યજ્ઞ કરશે ત્યારે હું સુખેથી શ્રીફળ બનીશ, પણ અત્યારે તો સુનીલા પોતે જ હોળીમાં હોમાવા જાય છે. ``કોણે કહ્યું? સુનીલા ઠંડે કલેજે હસી. ``આ ભાઈઓએ જ હમણાં કહ્યું. ``અમારો એવો ખયાલ હતો. પેલા માંયલો એક બોલ્યો. ``મને નવાઈ ઊપજે છે; સુનીલાના હોઠ પર મર્મના રંગો ઊઘડબીડ ઊઘડબીડ થતા હતા, ``તમે મિ. મહેતા! બેમાંથી એકને તેણે કહ્યું, ``તમારા પિતાજી દેશનું સોનું યુરોપ ચડાવે છે તેમાં તો એ કોઈ ખયાલો ઉપર નથી દોરવાતા. એ જ પિતાના પુત્ર થઈને તમે ખયાલ ઉપર જ તમારા કાર્યક્રમો રચો છો? ``પણ સુનીલા, નિરંજને લાગ જોયો, ``આ ક્યાં સોનું ચડાવવાની વાત છે? આ તો રાષ્ટ્રધ્વજનો ટુકડો ફરફરાવવાની વાત છે! ``વારુ ત્યારે, કહીને બેઉ નિમંત્રકો ઊભા થયા, ``જેવાં રાષ્ટ્રનાં પ્રારબ્ધ! ``આપણે આડી વાતોએ જ ઊતરી ગયા; બીજાએ ખયાલ કરાવ્યો. ``પત્યું, લો જય જય! કહીને પેલા ચાલ્યા, ``આવો છો કે, સુનીલા? ``નહીં, એમને તો હવે હું જ મૂકી આવીશ. નિરંજને બારોબાર જવાબ દીધો. ``મૂકી આવો, કે... કંઈક અસ્પષ્ટ બબડાટ કરતા બેઉ જણા ચાલી પરથી ઊતરી ગયા. થોડી વાર પછી તેઓની કાર, રાષ્ટ્રધ્વજની ત્રિરંગી તેજ-કલગી ઝલકાવતી ઊપડી ગઈ.