નિરંજન/૨૪. નિરંજન નાપાસ


૨૪. નિરંજન નાપાસ

પૂર્ણિમાની સાંજે સૂર્ય અને ચંદ્રનાં તેજચક્રો ઉગમણા ને આથમણા આભને ઉંબરે સામસામી મીટ માંડીને થંભી રહે છે. નથી માલૂમ કે એ ઊભવામાં પરસ્પરની ઈર્ષ્યા છે? વિજય-પરાજયનો યુદ્ધટંકાર છે? મિલનની માધુરી છે? વિદાયની મીઠી ગ્લાનિ છે? શું છે? એ ગમે તે હો, પણ પૂર્ણિમાની સંધ્યાએ પૂર્વ-પશ્ચિમનાં ગગનઆંગણાંને અજવાળે ઓપતા આ બે તેજગોળાઓને નિહાળનારા કોઈ કવિ સરખી જ મનોવસ્થા તે દિવસે નિરંજનનીયે થઈ ગઈ હતી. એની એક બાજુ સુનીલાનું તેજ મારતું, સહેજ ઉગ્રતા દાખવતું શ્યામલ મુખમંડલ હતું. ને બીજી બાજુ સરયુનું શીતલ, ગૌર, સહેજ અશ્રુકણભીનું મોઢું હતું. ને નિરંજનના હિસાબે તો એ પ્રભાતનો સમય પણ જીવનપુનેમની કોઈ સંધ્યાનો સમય બની ગયો હતો. દીવાન-ઘરની પરસાળમાં નિરંજનની હાલકલોલ દશા હતી. સરયુને અને ગજાનનને ભણાવવામાં કેટલાક ગોટા વાળીને નિરંજને કલાક વિતાવી નાખ્યો, ત્યારે પેનસિલોના પંદર-વીસ નાનામોટા ટુકડા, ચાર-પાંચ પેનસિલ છોલવાના સંચા, સાતેક રબરના ટુકડા વગેરેનો ભંડોળ પોતાના પાકીટમાં ભરતે ભરતે ગજાનને નિરંજનને વિનતિ કરી – હાથનાં આંગળાં મોંમાં નાખીને જ: ``માસ્તરસાહેબ, આ સુનીલાબેનનું શું? ``શું એટલે? ``એટલે તમારું ઊંટિયું, મારું વાંદરું, સરયુબેનની કૂકડી, તો આ સુનીલાબેનનું શું? ``સિંહણ. નિરંજનને એ શબ્દ બોલ્યા બાદ તરત જ સાન આવી કે કમબખ્ત કોઈ ભારી ભૂલ થઈ ગઈ છે. એણે સુનીલાના મોં પરના ભાવો જોવા ચોપડી આડેથી ચોરની માફક ત્રાંસી નજર કરી અને તુરત સુનીલાનો સ્વર આવ્યો: ``નિરંજનભાઈ. ``જી. દીવાનસાહેબની સામે કડકબોલો આ યુવક સુનીલાની સામે જીકારો કરવાની ટેવ પોતાની જીભ પરથી ન ઉખેડી શક્યો. ``તમને બોર ખાવાનો શોખ છે? ``કેમ? ``બોરડીના ઝાડ ઉપરથી પથ્થર વડે પાડીપાડીને બોર ખાવાનો શોખ છે? ``ખાસ તો નથી. ``ન હોય તો કેળવવો છે? ``એટલે? ``દીવાનમામાના બંગલાની પાછળની બાજુએ એક ઊંચી બોરડી છે. ચાલો, આપણે ત્યાં જઈ બોર પાડીએ. નિરંજને ચોમેર નજર કરી. એના હૃદયમાં ધ્રાસકો હતો. ``ચાલો, શું જુઓ છો? કોની રાહ જુઓ છો? સરયુ કંઈ નથી આવવાની. ``મેં એ ક્યાં પૂછ્યું'તું? ``પૂછવું પડે તે પહેલાં જ કહું છું. ચાલો, ડરો છો કેમ? ``કોણ? ના. હું ક્યાં ડરું છું? એ ઇનકારના શબ્દોનું ઉચ્ચારણ જ ડરથી ભરેલું હતું. એ ક્ષોભ પામતો ઊઠ્યો. ગજાનન ત્રણ બડૂકા લઈ આવ્યો. સુનીલા આગળ ચાલી. પાછળ નિરંજને પગલાં માંડ્યાં. પણ નિરંજનની લાગણીઓ પવનઝપાટે ઝૂલતી કંપતી ઝાડની દાંડલીઓ જેવી દશામાં પડી ગઈ હતી. જે ભય અથવા સંકોચ મુંબઈમાં એણે નહોતો અનુભવ્યો તે આ નાના ગામની સીમમાં એની છાતી પર ચડી બેઠો. એ ભય સુનીલાનો નહોતો, સરયુનો નહોતો, લોકોનો હતો. લોકોએ તો પોતાના કુતૂહલનો પતંગ-દોર ક્યારનો મોકળો મૂકી દીધો હતો. દીવાનની મોટરમાં બેસી ગામની બજારમાં નીકળતો નિરંજન લોકોનું તો આંગળીચીંધણું બની ગયો હતો. મોટર જ્યારે નીકળતી ત્યારે સામસામી બાજુએથી દુકાનદારો ખોંખારા ખાતા, મિચકારા પણ કરતા. વળી ઓસમાન ગાડીવાળાનો આગલા દિવસનો બનેલ કિસ્સો પણ ગામચર્ચાનો વિષય બન્યો હતો. ઓસમાનને ઉગારનાર એ બાઈ જ્યારે સ્ટેશને ઊતરી હતી ત્યારે પોલીસે એનાં નામઠામ પૂછવામાં સ્ટેશન પર એક તમાશો ખડો કરી નાખેલો. એટલે એવી જવાંમર્દ અને નફટ જુવાનડી કોણ છે, નિરંજનને ને એને શો સંબંધ છે વગેરે ચકચાર તો ચાલુ થઈ ચૂકી હતી તેમ જ ભોંયપત્રિકા અને દીવાલપત્રિકા લખવાની કળામાં કુશળતા ધરાવનાર ગ્રામબાળકોએ પણ રાત ખાલી જવા નહોતી દીધી. આ બધી લોકચર્ચા નિરંજનને માટે નવી હતી. ગામડાંની હૃદયસરલતા અને નિર્દોષતા વિશે વાંચેલાં કાવ્યોએ તેમ જ વાર્તાઓએ એને ભરમાવ્યો હતો, કે ગામડાનું જીવન શાંતિમય છે. એ ગુલાબી કલ્પના ઊડી ગઈ. એણે લોકોની અધમતા ઉપર દાંત કચકચાવ્યા. એ ડર્યો. અત્યારે મને કોઈ સુનીલાની સાથે દીવાન-બંગલાની પાછળ બાજુએ બોર પાડવાની બાલિશ ચેષ્ટાઓ કરતો જોશે તો? તો હું ગામમાં પહોંચીશ તે પહેલાં તો કેટલીય વહેલી મારી ને સુનીલાની પરીકથાઓ રચાઈને ગામની ખડકીએ ખડકીએ ઘૂમી વળશે. ને સાચોસાચ નિરંજન સુનીલાની જોડે ચાલ્યો તે નીરખતાંનીરખતાં ગામલોકો બાજુની સડક પરથી ચાલ્યાં જતાં હતાં. ``ચાલો ચાલો હવે, ત્યાં શું જોઈ રહ્યા છો? એમ કહેતી સુનીલા પાછી ફરી ને તેણે ઓચિંતાની ઝપટ કરીને નિરંજનનું કાંડું પોતાના પંજામાં લીધું. લઈને એને બોરડીના ઝાડ તરફ ખેંચવા માંડી. દીપ્તિમય અને દર્પભરપૂર ચહેરે એ નિરંજનની સામે હસતી હતી. લોકો જોતાં હતાં. ``છોડો, કૃપા કરીને છોડો. નિરંજન એક બાજુથી રોમ રોમ ઓગળી જતો હતો ને બીજી બાજુથી લોકોની દૂરથી તાકતી આંખોના તાપમાં શેકાતો હતો. `છોડો છોડો'ની આજીજી કરતો એનો સ્વર કંગાલ હતો, કરુણ હતો, કાયર હતો. ``પણ કેમ અચકાઈને બોલો છો? ચાલો! સુનીલાએ જોરથી હાથ ખેંચી નિરંજનને પોતાના તરફ દોડાવ્યો. ``હં-હં-હં નિરંજન કાકલૂદી કરતો હતો. સુનીલાની સાડી હવામાં ફરફરી રહી. એણે નિરંજનને ચકરચકર ફેરવ્યો. નિરંજનનું મોં ઊતરી ગયું. દીવાન-બંગલાના કમ્પાઉન્ડની નીચી દીવાલ ઉપર જોવા લોકો થંભ્યાં. બંગલામાંથી પણ માણસો ડોકાઈ રહ્યાં. સુનીલાએ હજુ હાથ છોડ્યો ન હતો. એણે નિરંજનને પૂછ્યું: ``ધીમે ધીમે કેમ બોલો છો? મારા પર રોષ કેમ નથી કરતા? મારા હાથમાંથી કાંડું ઝટકાવી કેમ નથી લેતા? મને તમાચો મારીને કેમ નથી હટાવતા? ક્યાં છે તમારું દૈવત? ક્યાં છે તમારું પૌરુષ? નિરંજનને રોષ આવી જ ન શક્યો. એની પ્રણયલાગણી પણ ક્યાંની ક્યાં ઊડી ગઈ. એનામાં આ મસ્તાનની જોડે મસ્ત બનવાનો આવેશ જ ન પ્રગટ થયો. સુનીલા હુતાશન હતી. નિરંજન ઠંડો હિમ હતો. ભય! ભય! આબરૂ જવાનો ભય! લોકો વાતો કરશે તેનો ભય! સરયુ શું ધારશે તેનો ફફડાટ! બાપુજી અને બા કેવાં લજ્જિત બનશે એનો ગભરાટ! – સર્વેએ નિરંજનને શરીરે પ્રસ્વેદનાં બિંદુ ટપકાવ્યાં. ``જાઓ – સુનીલાએ નિરંજનના હાથને ધક્કો મારી છોડી દીધો, ``હું જાણતી જ હતી. પણ તમે જ ભ્રમણામાં હતા, મારા નિરંજનભાઈ! હવે તો ભ્રમણા ભાંગી ને? હવે તો સ્વસ્થ રહેશો ને? એટલું બોલી સુનીલા બોરડીના ઊંચા ઝાડ ઉપર બડૂકા મારતી મારતી બોરના ટબા ટબા પોતના મોંમાં મૂકતી રહી, ને ઠળિયા ગજાનનના માથામાં મારતી ગઈ. રૂની પૂણી જેવો ફિક્કો ચહેરો લઈને નિરંજન પાછો ફર્યો. મોટરમાં એ ઢગલો થઈને પડ્યો. મોટર ગામ તરફ ચાલી ત્યારે પછવાડેથી ટોળાએ કિકિયારી કરી. બજારમાં એ ચોરની માફક મોં સંતાડીને મોટરમાં બેસી રહ્યો. ઘેર ગયો ત્યારે એના મોં પર, અવાજમાં, છાતીમાં, છ મહિનાનો મંદવાડ ચડ્યો હોય તેવી શિથિલતા વ્યાપી ગઈ. સાંજ પડી ત્યાં તો શ્રીપતરામ માસ્તરને ઘેર સ્નેહીજનોનાં પગરખાં ખખડી ઊઠ્યાં. આ સ્નેહીજનોનો સ્નેહ આવા અસાધારણ મામલામાં જ છલકાઈ જતો. એક પછી એક જણ આવી પૂછવા લાગ્યો: ``શું, આજ દીવાન-બંગલે શું હતું? ભાઈ નિરંજનને ને એ બાઈને શો ટંટો હતો? ``એ બાઈ કોણ છે? ``એવી નિર્લજ્જ! આ બધા પ્રશ્નોનો ખુલાસો આપવાનું કામ અશક્ય હતું. નિરંજન નિરુત્તર રહી જો બહાર ચાલ્યો જાય તો શંકાને વધુ સ્થાન મળતું. સર્પણ અથવા વીંછણ જેમ વિયાય છે, તેમ જ લોકવાયકાનાં ઉપરાઉપરી ગૂંચળાં જન્મ પામે છે. સ્વજનોની નવી નવી મુલાકાતો આવતી ગઈ, ને બીજા દિવસની પ્રભાતે તો એક જણ એવી વાત લાવ્યું કે, મુંબઈમાં નિરંજનને એક અવિવાહિત બાઈ જોડે વાંકો વહેવાર હતો, તેમાં બાઈને ગર્ભ રહી ગયો છે. તે બાઈ હવે નિરંજન ઉપર ફરિયાદ માંડવા દીવાનસાહેબની પાસે આવી છે. બાઈએ તો નિરંજનને પકડી તમાચા ઉપર તમાચાઓ ચોડી દીધા. કોઈક કિરસ્તાન બાઈ લાગે છે.